જીવનમાં માણસને ધિક્કારપાત્ર બનાવે તેવી બાબતો કઈ ?
- વિરાટ દ્રષ્ટિકોણ વિકસાવવાના સાત ઉપાયો
- એક જ દે ચિનગારી-શશિન્
- આપણે જીવન સાથે ચેડાં કરીએ છીએ માટે જીવન આપણી સાથે ચેડાં કરે છે. જીવન પણ આપણી સાથે વસૂલાતનો સબંધ રાખે છે. ભેગું કરનાર ઇશ્વરની અદાલતમાં 'દેવાળીઓ' ઠરે છે અને સર્વસ્વનું બલિદાન આપનાર 'તવંગર'
આવી રૂડી- રુપાળી પૃથ્વી પર જીવવાનું દુર્લભ વરદાન જ પ્રભુએ પ્રદાન કર્યું છે ને ! પણ મફતમાં મળ્યું છે
જીવન એ વિરાટ છે, ભવ્ય છે, દિવ્ય છે, એને ટૂંકા માપદંડથી ન જ મપાય. આપણે માણસનું મૂલ્યાંકન તેનો હોદ્દો, આર્થિક સધ્ધરતા સમાજમાં તેનો દબદબો વગેરે માપદંડો અપનાવી કરતા હોઈએ છીએ.
બે મિત્રો હતા. બન્નેના ઉછેરમાં ફેર. એકના પિતા મધ્યમવર્ગીય અને બીજાના પિતા તવંગર.
બન્નેના વિદેશ જવાના સંજોગો ઉપસ્થિત થયા. વિદેશયાત્રા પૂરો કરી બન્ને પાછા ફર્યા. મધ્મય વર્ગના પિતાએ એક મધ્યમકક્ષાનું કીંમતી વસ્ત્ર પુત્રને ભેટ આપ્યું. પુત્રે કહ્યું : 'અરે પપ્પાજી, આટલું બધું કીંમતી વસ્ત્ર મારે માટે ખરીદી લાવ્યા. આપનો ખૂબ ખૂબ આભાર.'
પેલા અમીર પિતાએ અત્યંત મોંઘુ વસ્ત્ર પુત્રને આપતાં તેનાં અત્યંત વખાણ કર્યા. પુત્રે તેનો પ્રતિભાવ આપતાં કહ્યું. આવું સામાન્ય કક્ષાનું વસ્ત્ર મારે માટે ખરીદતાં પહેલાં વિચાર પણ ન કર્યો ? આપે મારું અવમૂલ્યન કર્યું !
'જિંદગીમાં માણસનાં મૂલ્યાંકનો પોતાની દૃષ્ટિ પર આધાર રાખતા હોય છે. જ્યાં સમ્યક અને સ્નેહભીની દ્રષ્ટિ છે ત્યા મામૂલી વસ્તુ પણ મહાન લાગે છે અને જ્યાં તુચ્છ કે ઉપરછલ્લી આત્મકેન્દ્રિત દૃષ્ટિ છે ત્યાં કીંમતી વસ્તુ પણ માણસને તુચ્છ લાગે છે. ભેટ-સોગાદના વ્યવહારમાં પણ વસ્તુ આપવા પાછળની ભાવનાને બદલે વસ્તુની કીંમતને આપણે મહત્ત્વ આપીએ છીએ. દૂષિત દૃષ્ટિકોણએ અભિશાપ છે અને ભાવનાભૂષિત આત્મીયતાપૂર્ણ દૃષ્ટિકોણ એ વરદાન છે. માણસને મતિભ્રષ્ટ અને ગતિભ્રષ્ટ બનાવવા માટે કળિયુગ તેની પાસેથી સંવેદનશીલતા છીનવી લેતો હોય છે. માણસની લાગણી અને પ્રેમએ ચિંતામણિ રત્ન જેવો મહાન છે. પણ માણસની ગણતરીબાજ દૃષ્ટિ મણિને કાચ સમજે તો ?'
રામદેવ સાહૂએ આલેખેલો એક પ્રસંગ સમજવા જેવો છે. એક માણસ કામધેનુ સમાન ચિંતામણિ રત્ન પ્રાપ્ત કરવા અનુષ્ઠાન કરતો હતો, જેનાથી બધી ચિંતાઓ ટળી જાય.
એક દિવસ રસ્તેથી પસાર થતાં તે માણસની નજર એક ચમકતા મણિ પર પડી. મનોમન તે વિચારવા લાગ્યો. ચિંતામણિ રત્ન તો દેવોને પણ દુર્લભ છે. આમ રસ્તે રઝળતો ક્યાંથી હોય ! મોંઘેરી વસ્તુ અલ્પ પ્રયાસે ન જ મળે. કદાચ કોઈ પડોશીએ મારી સાધનાની કસોટી કરવા આવો મણિ રસ્તામાં ફેંકી દીધો હશે. આવું વિચારી તે માણસ મણિ લીધા સિવાય આગળ વધ્યો.
એની પાછળ બીજો એક માણસ ચાલી રહ્યો હતો. એણે ચમકતો મણિ ઉપાડીને ખિસ્સામાં મૂકી સરળતાથી મણિ ઉપલબ્ધ કરાવવા બદલ ભગવાનનો આભાર માન્યો.
પોતે હવે માલામલ થઈ જશે એમ વિચારી મણિ ખિસ્સામાંથી બહાર કાઢી નીરખવા લાગ્યો. વળી પાછી એના મનમાં શંકા ઉદ્ભવી. આ મણિ નહીં પણ કાચ હશે તો ? શંકાગ્રસ્ત બનતાં તેની આંખમાં અંધારા આવવા લાગ્યાં. પરિણામે તે મણિ તેના હાથમાંથી નીચે સરી પડતાં મણિના કાચની જેમ ટુકડે-ટુકડા થઈ ગયા. એ પશ્ચાતાપ કરતો આંખો બંધ કરી જમીન પર પડી રહ્યો. એટલામાં મણિએ તેના કાનમાં કહ્યું : 'હું મણિરૂપે જ તને પ્રાપ્ત થયો હતો. પરંતુ પરસેવો પાડવા વગર તારે હાથ લાગ્યો એટલે તને એની કીમત ન સમજાઈ.'
જિંદગીનું પણ એવું છે. કોઈકને સતી તુલ્ય પત્ની પ્રાપ્ત થાય છે. તો કોઈને શ્રવણ જેવો પુત્ર. કોઈકને આદર્શ પતિ પ્રાપ્ત થાય છે. તો કોઈકને નિસ્વાર્થ પડોશી. એમનો નિર્મળ પ્રેમ જો માણસ પારખી ન શકે તો એ બધાં મુલ્યવાન વરદાનોથી વંચિત રહે છે. આમ ગણો તો આવી રૂડી- રુપાળી પૃથ્વી પર જીવવાનું દુર્લભ વરદાન જ પ્રભુએ પ્રદાન કર્યું છે ને ! પણ મફતમાં મળ્યું છે માટે આપણને તેની કીંમત સમજાતી નથી. માણસ કઠિન અને સરળ, આદર અને ઉપેક્ષા પૈકી કોને કેટલું મહત્ત્વ આપે છે, તેની ઉપર તેની આંતરિક પવિત્રતા અને મનુષ્યત્વની સાચી ખુમારી માપી શકાય.
- ખલીલ જિબ્રાને પોતાની જાતને પાંચવાર ધિક્કારી છે. એ બાબતો કઈ ?
૧. જ્યારે એણે ઊંચો હોદ્દો મેળવવા ખુશામતો અને કાગળિયાંની સિફારિશોનો આશ્રય લીધો.
૨. જ્યારે એમ કહેવામાં આવ્યું કે 'સહેલું' અને 'અઘરુ' - બેમાંથી એક પસંદ કર, ત્યારે મેં (મારી જાતે) સહેલું પસંદ કર્યું.
૩. જ્યારે એણે પાપ કર્યું. અને બીજાઓ પણ એવું જ કરે છે. એમ માની સંતોષ લીધો. (ખોટાનો બચાવ કરનાર નિવેદનબાજ રાજકીય નેતાઓ સાવધાન.
૪. જ્યારે એણે કોઈ કુરુપ વ્યક્તિ પ્રત્યે ધૃણા દર્શાવી અને તેણે જાણ્યું નહીં કે કુરૂપ તો મારું મન છે.
૫. જ્યારે એણે પારકાની નિંદા દ્વારા પોતાની પ્રશંસા સાંભળી અને તેને સમજાયું નહીં કે એ શેતાનની વાણી છે (ઝરૂખે દીવા માંથી સાભાર)
આપણે જીવન સાથે મજાક કરીએ છીએ માટે જીવન આપણી સાથે મજાક કરે છે. આપણે જીવન સાથે ચેડાં કરીએ છીએ. એટલે જીવન આપણી સાથે ચેડાં કરે છે. જીવન પણ આપણી સાથે વસૂલાતનો સંબંધ રાખે છે. ભેગું કરનાર પરમાત્માની અદાલતમાં 'દેવાળીઓ' ઠરે છે. અને સર્વસ્વનું બલિદાન આપનાર ઇશ્વરની અદાલતમાં 'તવંગર' ઠરે છે.
જીવનમાં તુચ્છ નહીં વિરાટ દૃષ્ટિકોણ વિકસિત કરીએ એ શક્ય છે ખરૃં ? હા, તે માટેના સાત ઉપાયો.
૧. ક્ષુદ્ર વાતો પરત્વે ચિંતિત બનવાને બદલે મનને ઉદાત્ત વાતો વિશે ચિંતન કરવાની તાલીમ આપીએ.
૨. પ્રત્યેક ક્ષણને પવિત્રતા અને પ્રસન્નતાના મેળથી મહેકાવીને.
૩. અનિષ્ટની ચિંતાને વશ થયા વગર શુભ જ થવાનું છે એવો સત્સંકલ્પ સેવીને.
૪. તુચ્છ ઘટનાઓ, અન્યનું તુચ્છ વર્તન અને આક્ષેપોને મહત્વ આપ્યા વગર પ્રશંસાની ખેવના અને નિંદા પરત્વે ઉપેક્ષા ભાવ વિકસાવીને.
૫. જો ફાવતું ને ભાવતું ન મળે તો જે કાંઈ મળ્યું છે. તેને ફાવતુંને ભાવતું માનવાની મનોવૃત્તિ કેળવીને.
૬. પરાજય અને કટુ અનુભવોની ક્ષણોમાં માનસિક શાન્તિ હેમખેમ રાખીને.
૭. જિંદગીમાં શું નથી મળ્યું. એનો હિસાબ કરવાને બદલે જિંદગીમાં શું મળ્યું તેનો સકારાત્મક દૃષ્ટિકોણથી ભગવાનનો આભાર માનીને.