વિરાટ કોહલીને રેસ્ટોરાં બિઝનેસ ફળ્યો નહીં

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
વિરાટ કોહલીને રેસ્ટોરાં બિઝનેસ ફળ્યો નહીં 1 - image


- હરતાં ફરતાં-વિક્રમ વકીલ

સુ પરસ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ ક્રિકેટ વિશ્વમાં ડંકો વગાડયો, પરંતુ એમ લાગે છે કે, રેસ્ટોરાં બિઝનેસની પીચ પર સેટ થવામાં એને ફાંફાં પડી રહ્યા છે. થોડા સમય પહેલાં કોહલીએ વનએઇટના નામે રેસ્ટોરાં ચેઇન શરૂ કરી છે. દિલ્હી, મુંબઈ, પૂણે, કોલકત્તા અને બેંગલુરૂમાં આ રેસ્ટોરાંની બ્રાન્ચ છે. યુવાનોને આકર્ષિત કરવા માટે આ રેસ્ટોરામાં પબ પણ છે. નિયમ પ્રમાણે પબમાં રાત્રે ૧.૦૦ વાગ્યા સુધી આલ્કોહોલ પીરસી શકાય છે. બેંગલુરૂની વનએઇટ રેસ્ટોરાંનો બાર રાત્રે ૧.૦૦ વાગ્યા પછી પણ ખૂલ્લો રહેતો હોવાથી બેંગલુરૂનાં ડીસીપીએ કેસ દાખલ કરીને રેસ્ટોરાં બંધ કરાવી દીધી છે. ગયા વર્ષે વનએઇટની મુંબઈ બ્રાન્ચ સામે પણ તામિલનાડુની એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી. લૂંગી પહેરી હોવાથી એને રેસ્ટોરામાં પ્રવેશ આપ્યો ન હોવાથી એ નારાજ થયો હતો. દિલ્હીની બ્રાંચે એક મ્યુઝિક કંપનીનું મ્યુઝિક વગાડતાં દિલ્હીની હાઇકોર્ટે પણ ભારે દંડ ફટકાર્યો હતો. એમ લાગે છે કે, રેસ્ટોરાંમાં વધુ વિઘ્નો નહીં આવે એ માટે વિરાટ કોહલીએ હવન કરાવવા પડશે!

જ્યારે હોલીવૂડની એક્ટ્રેસ પ્રેમમાં પડીને જર્મન જાસૂસ બની ગઈ!

વિયેનાની માસિંગ હેડ નામની સુંદર છોકરી હોલીવૂડમાં આવીને એક્ટ્રેસ બની ગઈ. સત્તર વર્ષની હતી ત્યારે તે અમેરિકામાં ગેરહાર્ડ એઝલર નામના જર્મન જાસૂસના પ્રેમમાં પડી. ગેરહાર્ડ એઝલર રશિયાનો જાસૂસ હતો. સત્તર વર્ષની માસિંગ હેડ જાણતી હતી. છતાં દેશદ્રોહીના પ્રેમમાં પડીને તેને પરણી અને પોતે પણ પ્રેમીની સાથે સામ્યવાદી પક્ષમાં જોડાઈ. પતિની સાથે તે પણ જાસૂસી કરવા માંડી. પોતે જર્મન ભાષા જાણતી હતી. એટલે રશિયા વતી જાસૂસી કરવા જર્મની ગઈ હતી. ૧૯૪૬માં તે અમેરિકામાં પણ જાસૂસી કરતી હતી ત્યારે પકડાઈ ગઈ. તેણે કબૂલ કર્યું કે હું મારા જાસુસ-પ્રેમી સાથે ગાઢ પ્રેમમાં હતી અને તે મને કૂવામાં પડવાનું કહે તો પડવા તૈયાર હતી. ૮૧ વર્ષની વય સુધી આ અભિનેત્રી અમેરિકન જેલમાં રહી અને મરણ પામી. તેણે મરણ પહેલાં કબૂલ કરેલું કે તેને ગેરહાર્ડ એઝલરનું ભયંકર આકર્ષણ હતું. પોલિટિક્સ (રાજકારણ)નો કક્કો તેને આવડતો નહોતો. મરતાં પહેલાં કેનેડિયન ટેલિવિઝન પર ઇન્ટરવ્યુ આપ્યો ત્યારે તેણે ચોંકાવનારી વાત કરી હતી. ''ઓસ્ટ્રિયાથી ભાગીને હું અમેરિકા આવી ત્યારે આશરો આપનારા દેશ સામે જ મેં દ્રોહ કર્યો. તેમાં પ્રેમ મુખ્ય કારણ હતું. પણ આ કાર્યમાં મને ઉચ્ચ સમાજની અમેરિકન મહિલાઓએ સારો સહકાર આપ્યો હતો.''

જ્યોતિષશાસ્ત્રનો દુરઉપયોગ કરવામાં સી.આઇ.એ. પણ પાછળ નહોતું

જર્મન ફિલસૂફ નિત્શે ભલે જ્યોતિષવિદ્યાને 'આશા વધારનારું જુઠ્ઠું શાસ્ત્ર, કહેતા પણ અમેરિકાની જાસૂસી સંસ્થા સી.આઇ.એ. પણ જ્યોતિષશાસ્ત્રનો ઉપયોગ કરતી હતી. માઇલ્સ કોપલેન્ડ નામનો જાસૂસ લખે છે કે : 'સી.આઇ.એ.માં ભારતી થનારા જાસૂસે બીજા વિશ્વયુદ્ધ વખતે જ્યોતિષવિદ્યાનો અભ્યાસ કરવો પડતો હતો. અમારે જ્યોતિષીઓનું લિસ્ટ રાખવું પડતું હતું. પણ અમારા ઇરાદા ખરાબ હતા. જે જે દેશના વડાપ્રધાનો જ્યોતિષીમાં શ્રદ્ધા ધરાવે તેની યાદી પણ બનાવતા હતા. ખાસ કરીને ધાનાના વડાપ્રધાન ઇન્ડોનેશિયાના પ્રમુખ અને અલ્બાનિયાના પ્રમુખ જ્યોતિષમાં શ્રદ્ધા રાખતા એટલે અમે બનાવટી જ્યોતિષી બનીને કે અમુક 

જ્યોતિષીઓને ફોડીને આ વડાપ્રધાનોની જન્મકુંડળીઓ જોઈ આપતા. ''એક વખત સી.આઇ.એ.ના વડાને લાગ્યું કે ધાનાના વડાપ્રધાન ચીનની યાત્રા કરે તો અમેરિકાને ફાવટ આવે. એટલે એક જાસૂસ, જ્યોતિષીનો સ્વાંગ સજીને ગયો અને વડાપ્રધાનને સલાહ આપી કે અત્યારે તમારા ગ્રહો પાંસરા છે, ચીન જાઓ... અમે ઇન્ડોનેશિયાના પ્રમુખને ભવિષ્યની આગાહી આપતું એક સોફટવેર આપ્યું હતું. તે સોફટવેર પ્રમાણે જ પ્રમુખ નિર્ણય કરતા હતા! પણ એક વખત અમેરિકાના વિદેશસચિવ અલાન ડલેસને ખબર પડી કે સી.આઇ.એ.ના જાસૂસો તો જ્યોતિષીના સ્વાંગમાં અમેરિકન વ્હાઇટ હાઉસિંગના અધિકારીને પણ ઉલ્લુ બનાવતા હતા એટલે સી.આઇ.એ.ના વડાને ખખડાવી કાઢયા હતા અને ત્યારથી સી.આઇ.એ.ના જાસૂસોને જ્યોતિષનો કોર્ષ કરવો પડતો નથી.

1939માં બ્રિટીશરોએ સી.બી.આઇ.ની સ્થાપનાનો વિચાર કર્યો હતો

૧૯૩૯માં ભારતના ગોરા હાકેમોએ સી.બી.આઇ.ની સ્થાપનાનો વિચાર કર્યો હતો. બીજા વિશ્વયુદ્ધનો એ કાળ હતો. યુદ્ધ દરમિયાન અને પછીના ભ્રષ્ટાચારને નાથવા માટે આ વિભાગની જરૂરિયાત મહેસૂસ થઈ હતી. જોકે આર્થિક અપરાધો અથવા ભ્રષ્ટાચાર નિર્મૂલનનો કોઈ ઇરાદો બ્રિટિશરોનો નહોતો. તે સમયે આ ગુનાશોધક સંસ્થા દિલ્હીમાં હતી અને ચોક્કસ અપરાધમાં રાજ્યને ગુનાશોધનમાં મદદ કરવાનું તેનું કામ હતું. આ પછી ૧૯૪૬માં દિલ્હી સ્પેશ્યલ પોલીસ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ રચાયો અને પહેલી એપ્રિલ ૧૯૬૩ના રોજ આ ધારા હેઠળ એક વહીવટી હુકમથી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની રચના થઈ. સી.બી.આઇ.ના સૌ પ્રથમ ડાયરેક્ટર ડી. પી. કોહલી હતા. જોકે તેણે કામ તો પેલી પુરોગામી દિલ્હી પોલીસ સ્પેશ્યલનું જ કરવાનું હતું. સિંગલ ડિરેક્ટીવ તરીકે ઓળખાતા એક આદેશ અનુસાર જે તે રાજ્ય સરકારની પરવાનગી વિના કેન્દ્ર સરકારના અધિકારીઓ સામે પણ તપાસ કરવાનો સી.બી.આઇ.ને અધિકાર નથી. આવકવેરા, કસ્ટમ અને રેલવે એવા વિભાગો છે જેના અફસરો ભારતભરમાં ઠેર ઠેર નિમાયા હોય છે. તેમની સામે કોઈ ફરિયાદ આવે અને સી.બી.આઇ.ને તપાસ કરવાની જરૂરિયાત પડે તો તેમણે સંબંધિત રાજ્ય સરકારની મંજૂરી માંગવી પડે. એ રાજ્ય સરકારોની મુનસફી પર છે કે, આવી તપાસ કરવા દેવી અથવા નહીં. સી.બી.આઇ.ની સફળતા નિષ્ફળતામાં આ સિંગલ ડિરેક્ટીવ ઘણું મોટું અવરોધક ફેક્ટર છે.

સાપના બચ્ચાની દાણચોરી કરવાની અનોખી રીત!

સ્વીડનના સ્ટોકહોમ શહેરા એરપોર્ટ પર એક સ્ત્રી પોતાની છાતીમાં વારંવાર હાથ નાખીને ખજવાળતી રહેતી હતી. કસ્ટમ્સ ઓફિસરોને શંકા ગઈ કે આ બહેનની બ્રામાં ખટમલ ઘૂસી ગયો છે કે પછી એ કંઈક છુપાવી રહી છે! એને અટકાવવામાં આવી અને મહિલા પોલીસ અધિકારીએ એની છાતી ખુલ્લી કરાવી. અને તેમાંથી શું મળ્યું ખબર છે? ૭૫ જેટલાં તાજાં જન્મેલાં સાપનાં બચ્ચાં! અળસિયા જેવડા એ બચ્ચાં એ સ્ત્રીને ગલગલિયાં કરતા હશે? એ સ્ત્રી સાપની એ જાતિના બચ્ચાં સ્વીડનમાં ઘુસાડવા માગતી હતી. અચંબામાં પડી ગયેલા એરપોર્ટના કસ્ટમ્સ ઓફિસરો હસવું રોકી શક્યા નહીં. તેઓ પોતાના અનુભવો વર્ણવવા લાગ્યા. અગાઉ પાણી ભરેલી બ્રાથી (વોટર-બ્રા) છાતીનો ઉભાર વધાર્યો હોય એવી સ્ત્રીઓ અને એવી બ્રા અમે જોઈ છે. પેડવાળી બ્રામાં પેડની જગ્યાએ નશીલા પદાર્થો સંતાડયા હોય એવું પણ જોયું છે. પણ આ રીતે સાપોલિયાને છાતીમાં સંઘરીને આવેલી આ પ્રથમ સ્ત્રી હતી. જીવતાં કે મરેલાં વન્યપ્રાણીઓની હેરાફેરી કરવા પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ છે.

કેટલીક જાણવા જેવી મજેદાર માહિતી

 દુનિયામાં આજ સુધીનો ખતરનાક ધરતીકંપ ૨૦મે, ૧૨૦૨માં ભૂમધ્ય સમુદ્રના પૂર્વ કાંઠા નજીક થયો હતો. તેમાં ૧૧ લાખ લોકો મરણ પામ્યા હતા. તેનાથી હળવો ભૂકંપ ૧૫૫૬માં ચીનમાં થયો હતો. જેમાં સવા આઠ લાખ લોકો મરણ પામ્યા હતા. ૧૭૩૭ના ઓક્ટોબરમાં કલકત્તામાં થયેલો ધરતીકંપ ત્રીજા ક્રમે આવે છે. તેમાં ત્રણ લાખ લોકો મરણ પામ્યા હતા.

દુનિયામાં સૌથી લાંબું યુદ્ધ ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ વચ્ચે થયું હતું. સન ૧૩૩૮થી સન ૧૪૫૩ સુધી આ યુદ્ધ ૧૧૫ વર્ષ ચાલ્યું હતું.

દુનિયાનું સૌથી પહેલું પ્રિન્ટિંગ પ્રેસ ૧૪૫૦માં જર્મનીના માઇન્ઝ શહેરમાં શરૂ થયું હતું.

દુનિયામાં સૌપ્રથમ રેલવે ઇંગ્લેન્ડમાં ૨૭ સપ્ટેમ્બર, ૧૮૨૫ના રોજ શરૂ થઈ હતી.


Google NewsGoogle News