Get The App

અષાઢી ત્રીજની એ રહસ્યમય સાંજ .

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
અષાઢી ત્રીજની એ રહસ્યમય સાંજ                         . 1 - image


- રજનીગંધા-વિભાવરી વર્મા

- વિદિશાને લાગ્યું કે આજે તો આખી નેશનલ જયોગ્રાફીની ડોક્યુમેન્ટ્રી પ્રત્યક્ષ જોઈ નાંખી!

'બ ચાઆઆઆવો!  કોઈ બચાવોઓઓ!' પિકનિકમાં આવેલી છોકરીઓ ચીસાચીસ કરી રહી હતી પણ વિદિશાને બચાવવા કોણ આવે ? ધસમસતાં પાણી વધુને વધુ ખતરનાક બની રહ્યાં હતાં. મુંબઇની કોલેજમાંથી પિકનિક ઉપર આવેલી દસ બાર છોકરીઓ સિવાય અહીં બીજું કોઈ હતું જ નહીં !

વિકરાળ અજગરની જેમ ધમપછાડા કરી રહેલો પાણીનો પ્રવાહ જોઇને છોકરીઓ વધુને વધુ ગભરાઈ રહી હતી. એ પ્રવાહની સામેના છેડે વિદિશા એકલી જ હતી. એના જે હાથમાં કેમેરો હતો તે હથેળીમાં આ ઠંડી વરસાદી મોસમમાં અચાનક પરસેવો ફૂટી નીકળ્યો હતો.

માત્ર એકાદ કલાક પહેલાં જ્યારે એ લોકો અહીં આવ્યાં ત્યારે તો આ સરસ મજાનું નાનકડું ઝરણું હતું ! ઝરણાની વચ્ચોવચ નાનકડા ટાપુ જેવો વિસ્તાર હતો અને એની પેલી બાજુ પણ ઝરણું હતું. વિદિશાને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીનો શોખ હતો. કલકલ વહેતા ઝરણાની પેલે પાર એને એક ખાસ પ્રકારના પક્ષીનો ટહૂકો સંભળાયો ! એ જ ક્ષણે એને થયું : 'ઓહો ! આ તો જરૂર પેલો મેકાઉ પોપટનો અવાજ !'

વિદિશા તરત જ ઝરણાની પેલે પારના લીલાછમ ટાપુ તરફ આકર્ષાઈ ગઈ. ઝરણાનું પાણી તે વખતે માંડ પગની ઘૂંટી પલાળે એટલું જ હતું ! વિદિશાએ તો પોતાના શૂઝ પણ કાઢ્યા વિના ઝરણામાં ઝૂકાવી દીધું.

અંદર લીલીછમ વનરાજીમાં પેલા મેકાઉ પોપટનો અવાજ જાણે સંતાકૂકડી રમી રહ્યો હોય તેમ વિદિશાને અંદર ને અંદર ખેંચી રહ્યો હતો. પણ આખરે તે વિદિશાના ટેલિસ્કોપિક લેન્સમાં તે પોપટ ઝડપાઈ જ ગયો ! વિદિશા તેનું સુંદર સ્વરૂપ જોઇને મુગ્ધ થઇ ગઇ હતી.

મેકાઉના ડઝનબંધ ફોટા પાડયા પછી વિદિશાએ છેક હવે આસપાસ જોયું ! અહીં તો જાણે નવી જ દુનિયા હતી ! વરસાદની બુંદો ક્યાંક મોટાં પાંદડાંઓમાં ઝિલાઈને અટકી ગઇ હતી તો ઝીણી ઝીણી બુંદો કોઈ કરોળિયાના મોટા જાળામાં મોતીની માળાઓ બનીને ગોઠવાઈ ગઈ હતી ! ફોટા પાડતાં પાડતાં એક કલાક ક્યાં જતો રહ્યો તેની વિદિશાને ખબર જ ના પડી પણ...

જ્યારે તે પાછી ફરી ત્યારે પેલું છબછબિયાં કરી શકાય તેવું ઝરણું વિકરાળ સ્વરૂપ ધારણ કરી બેઠું હતું ! ટાપુ અડધો અડધ ડૂબી ચૂક્યો હતો અને સામે પાર જવા માટે બીજો કોઈ રસ્તો પણ નહોતો ! ધસમસતાં પાણી કમ સે કમ છ-સાત ફૂટ ઊંચે ચડી ચૂક્યાં હતાં... ઉપરવાસમાં આવેલા પહાડ ઉપર અચાનક કોઈ વાદળ ફાટયું હતું તેની આ અસર હતી. સામે છેડે ઊભેલી છોકરીઓ ચીસો પાડી રહી હતી : 'વિદિશા ! વિદિશા ! ડોન્ટ કમ ફોરવર્ડ ! સ્ટે.. ધેર ! અમે કંઇક કરીએ છીએ !'

બે ત્રણ છોકરીઓ મદદ માટે દોડીને મેન રોડ તરફ ગઇ તો ખરી, પણ રોડ અહીંથી ખાસ્સો પંદર કિલોમીટર દૂર હતો : પાણીનો પ્રવાહ હવે તો દસ ફૂટ જેટલો ઊંચો થઇ ગયો હતો અને છોકરીઓની બૂમો સાંભળનાર કોઈ જ નહોતું.

અચાનક વિદિશાના ખભે કોઇનો સ્પર્શ થયો ! પાછળથી બિલકુલ શાંત અવાજ સંભળાયો : જરાય ચિંતા કરશો નહીં, હું છું ને !

વિદિશાએ પાછળ ફરીને જોયું તો એક વાંકડીયાં ઝૂલ્ફાંવાળો, માંજરી ચમકતી આંખોવાળો, શામળી ત્વચા ધરાવતો એકદમ હેન્ડસમ યુવાન ઊભો હતો. તેણે કહ્યું 'ડોન્ટ વરી નદીમાં પૂર આવ્યું છે. પણ બે ત્રણ કલાકમાં ઓસરી જશે. ત્યાં સુધી, ઇફ યુ વિશ, હજી થોડી વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી કરી શકો છો.'

વિદિશાને નવાઈ લાગી. એ યુવાનનાં કપડાં તો આદિવાસી ગામડીયા જેવાં હતાં, છતાં એ આટલું સરસ ઈંગ્લીશ શી રીતે બોલે છે ? વિદિશા હજી કંઇ પૂછે એ પહેલાં યુવાને કહ્યું 'તમારે ઇન્ડિયન પાયથોન જોવો છે ? હમણાં જ અહીં આવ્યો છે !'

યુવાન તેને અંદર ઝાડીમાં લઇ ગયો. અહીં એક ત્રાંસા નમી ગયેલા ઝાડની ડાળી ઉપર ખાસ્સો અઢારેક ફૂટ જેટલો લાંબો અજગર લટકી રહ્યો હતો ! વિદિશા ડરીને બે ડગલાં પાછળ હટી ગઈ. યુવાને હસીને કહ્યું 'ડરો નહીં ! બિચારો અજગર ખુદ ડરેલો છે ! કેમ કે એ પૂરનાં પાણીમાં તણાઈને અહીં આવી પહોંચ્યો છે!'

'તમને શી રીતે ખબર પડે કે એ ડરેલો છે ?' યુવાન ફરી હસ્યો. 'એની આંખો જોઇને !'

વિદિશાએ અજગરના ડઝનબંધ ફોટા પાડયા. એ પછી તો યુવાને જાતજાતનાં પ્રાણી બતાડયાં... અહીં એક ખાબોચિયામાં મગરનાં નાનાં નાનાં બચ્ચાં હતાં ! ડાળીઓ ઉપર માછલીનો શિકાર કરનારા બગલા ઠંડીથી ધુ્રજતા બેઠા હતા ! અને ઓહોહો... કંઇ કેટલી જાતનાં પક્ષીઓ, પતંગિયાં અને જાણે જાદૂનગરીમાં હોય એવી મોટી મોટી રંગબિરંગી ઇયળો...!

ધીમે ધીમે અંધારું થઇ ગયું. યુવાને તેનો હાથ પકડીને એક ઘાસિયા વિસ્તારમાં લઇ ગયો. તેણે ધીમેથી કહ્યું 'વિડીયો લેવા તૈયાર રહેજો !' પછી ઘાસમાં જોરથી હાથની ઝાપટ મારતાં જ અંદરથી સેંકડો આગિયા ઊડી નીકળ્યા ! આહાહા...શું ગજબનું દ્રશ્ય હતું !

વિદિશાને લાગ્યું કે આજે તો આખી નેશનલ જયોગ્રાફીની ડોક્યુમેન્ટ્રી પ્રત્યક્ષ જોઈ નાંખી ! એ તો ભૂલી જ ગઈ હતી કે એણે ઝરણું પાર કરીને પાછા જવાનું છે. પણ યુવાને યાદ કરાવ્યું : 'ચાલો, પાણીનો પ્રવાહ ઘટી ગયો છે. સામે પાર જઇશું ? આજે ચાંદની રાત છે, અજવાળામાં જરાય વાંધો નહીં આવે.'

ઝરણામાં ઘૂંટણ સમાણાં પાણી તો હતાં જ, છતાં વિદિશા પેલા યુવાનની હથેળી પકડીને ઝરણું પાર કરી ગઈ. એક ક્ષણ માટે તેને લાગ્યું કે એ યુવાનની હથેળીમાં કંઇક જાદૂઈ તત્ત્વ હતું ! શું હતું એ ?

ખેર, યુવાન એને છેક ગેસ્ટ હાઉસના ઝાંપા સુધી મુકી ગયો. વિદિશા અંદર દાખલ થઇ તો પ્રાંગણમાં તાપણું સળગતું હતું. વીજળી ગુલ હતી અને સખ્ત ઠંડા પવનથી બચવા ચોકીદારે તાપણું સળગાવી આપ્યું હતું.

વિદિશાને જોતાંની સાથે જ એની ફ્રેન્ડઝ એને વીંટળાઈ વળી ! ભેટી પડી ! એ પછી વિદિશાએ જ્યારે આખી કહાણી કીધી ત્યારે પેલો ચોકીદાર બોલ્યો : 'મેડમ, કેવી ચાંદની રાત ? આજે તો અષાઢ સુદ ત્રીજ છે ! તમે જેને મળ્યા એ યુવાનનો પ્રેતાત્મા હતો ! ચાર વરસ પહેલાં આ જ ઝરણામાં એની વ્હાલી પત્ની પૂરમાં તણાઈ ગઇ હતી. એ પછી એણે એ જ પૂરમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હતી !'

સૌ સ્તબ્ધ હતાં. જો કે વિદિશા હવે દર વરસે અષાઢ મહિનાની સુદ ત્રીજે એ ઝરમા પાસે જાય છે અને આખી રાત વીતાવે છે, એ આશામાં કે એ પ્રેતાત્મા ફરી એકાદ વાર મળી જાય.


Google NewsGoogle News