સ્થિતપ્રજ્ઞા .

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
સ્થિતપ્રજ્ઞા                                                                      . 1 - image


- આસક્ત નહીં જે ક્યાંય, મળે કાંઈ શુભાશુભ, ન કરે હર્ષ કે દ્વેષ, તેની પ્રજ્ઞા થઈ સ્થિર

શ રીર જેટલું ચાલતું રહે તેને સ્વસ્થતા કહેવાય અને મન જેટલું સ્થિર એટલું સ્વસ્થ, શક્તિશાળી કહેવાય. પણ ઘોર કળયુગ ના સમયે એવો કોઈ માણસ જોવા મળે જેનું મન સ્થિર રહી શકતું હોય??? કદાચ એક ટકો પણ નહીં. એક તો મન પહેલાથી જ નબળુ અને નબળુ હોવાના કારણે સતત હલ્યા જ કરે માટે વધારે નબળુ બનતું જાય. થોડી એવી હવા લાગવા થી પણ મન ડગી જતું હોય છે. પછી આ રંગબેરંગી માયાવી નગરી કળયુગ જેમાં સત્યતા જરાય નથી ,પણ એ આંખ, કાન, કાન અને જીભના માધ્યમથી મન ને ખૂબ આકર્ષિત કરે છે. એવી તો મીઠી માયા છે જે માણસને આખે આખું અજગરની જેમ ખાઈ જાય છે અને માણસને ખબર પણ પડતી નથી. એ માયામાં જ માણસ પોતાને સુખી સમજે છે. પણ સાથે સાથે આ સમયમાં અમુક એવા પણ છે જે આ બધી માયા ને મૂકીને પોતાને સુખી માને છે. પણ શું માયા ફકત પૈસા ને જ કહી શકાય??? ચીજ વસ્તુ મહેલ, મિલ્કત, બેંક બેલેન્સ... વગેરે વગેરે જ માયા છે કે માયાનો પરિવાર એનાથી પણ કંઈક મોટું છે??? 

અસલમાં માયા નો પરિવાર ખૂબ જ મોટો છે. બની શકે માયાના પરિવારના મોટા મોટા સદસ્યો ને તો આપણે ઓળખી અને જીતી પણ લીધા હોય. પણ એના પરિવાર ના નાના નાના સદસ્યોને ઓળખવાનું કાર્ય ખૂબ જ અઘરું છે. જેમ નાના બાળકો બધાને ખૂબ ગમે છે. ઈચ્છા ન હોવા છતાં નાના બાળકો આપણને આકર્ષિત કરી જાય છે. એવી જ રીતે માયાના પરિવારના નાના સદસ્યો ખૂબ જ ગમે છે અને એ છે મારા વિચારો, ઓળખાણ, મારી સારાઈઓ , મારી રાય સલાહ.....આ બધા માયાના પરિવારના નાના નાના સદસ્યો છે.

જે વસ્તુઓ જોવામાં આવે છે, ફકત એ જ આપણને આકર્ષિત નથી કરતી, એનાથી પણ વધારે સૂક્ષ્મ વસ્તુ કે વાતોના કેદમાં માણસ વધારે ફસાયેલો છે. કેમકે ચીજ વસ્તુઓ તો આપણી સાથે ૨૪ કલાક નથી રહેતી . પણ એની માલિકી, વિચારોના રૂપે આપણા અંતર મન સુધી વસેલી રહે છે. જે કોઈને જોવામાં નથી આવતી પણ ફક્ત આપણે પોતે જ એને ઓળખવાનું રહે અને એ વિચારો નાં ઝીણા ઝીણા તાતણા ભેગા થઈ અને મોટી રસ્સી આત્માને કેદ કરી નાખે છે, ગુલામ બનાવી નાખે છે. એ વિચારોના માધ્યમથી જ માણસ પોતાને સારો સમજે છે. ક્યારેક એ જ વિચારોથી માણસ પોતાને ખુશ, સુખી, દુખી... વગેરે સમજે છે. એ વિચારો પરથી જ પોતાના જીવનની તુલના કે મૂલ્યાંકન કરે છે. પણ એ વિચારો તો સતત પરિવર્તનશીલ હોય છે. એક પણ વિચાર બીજા વિચાર સાથે મેળ નથી ખાતા.

પણ જે માણસે પોતાના જીવનમાં લક્ષ્ય રાખ્યું હોય કે સ્થિતપ્રજ્ઞા બનવું છે તો એવા લોકો આવાં વિચારો ઉપર વધુ ધ્યાન ન આપે. કેમ કે સ્થિતપ્રજ્ઞા માટે રાગ - દ્વેષ, માન - અપમાન નિંદા સ્તુતિ ....બધું સમાન હોય છે. એ જાણે છે કે બધું સતત પરિવર્તનશીલ છે . બની શકે કે માન વધારે સમય સુધી જીવનમાં રહે તો એ આજે નહિતર કાલે પરિવર્તન તો થવાનું એ તો નક્કી જ છે. પાછું જે માન મળે છે એ પણ માણસોથી જ મળે છે જે પોતે સંપૂર્ણ તો છે નહીં પરિવર્તનશીલ છે . એ જ માણસ કાલે નિંદા પણ કરી શકે છે. પણ સ્થિતપ્રજ્ઞા સ્થિતિમાં તો સ્વયં પરમાત્મા આપણી સાથે રહે છે. કેમ કે સ્થિતપ્રજ્ઞા સ્થિતિમાં માણસ પોતે જ પરમાત્માનું રૂપ બની જતા હોય છે.

- બી.કે. રીનાજી


Google NewsGoogle News