મહાત્મા ગાંધીજીના વ્યક્તિત્વની સાત વિશેષતાઓ કઈ?
- એક જ દે ચિનગારી-શશિન્
- 'તારીખટાણું જોઈ ચડાવી 'આંટી' યાદ તમારી છાપી લેખે શબ્દે શબ્દ ટાંકી, હવે ન અધિક માગો, મોહનદાસ કરમચંદ ગાંધી.'
મેં સાદ કરીને પૂછ્યું : બાપુ, તમે ક્યાં છો ? મહાત્મા ગાંધીજીએ કહ્યું : 'અહીં 'રાજઘાટ' પર'
રાજઘાટ પર ?
આપ તો લોકઘાટના માણસ છો.
'લોકઘાટ'ના માણસને આપણે 'રાજઘાટે' બેસાડી દીધા ? ગાંધીજીને રાજઘાટ સાથે સ્નાન-સૂતકનોય સંબંધ નહોતો. પરંતુ 'કેવો હતો ને કેવો તું બની ગયો !'
બાપુ ! તમે ખુરશી સુધી પહોંચવાનો રસ્તો બની ગયા !''
બાપુ એક દંત કથા છે. ધરતીની કૂખે યુગાંતરે જન્મે એવા મહાપુરુષ !
બાલમુકુંદ દવેની એક કવિતા ગાંધીજીની હત્યાનું મહાપાપ દર્દ સાથે વર્ણવે છે -
''કોણે રે દુભવ્યો ને
કોણે વીંધીયો,
કલંકીએ કોણે દીધા ઘા ?
કોણ રે અપરાધી
માનવજાતનો,
જેને સુઝી અવળી
મત આ ?
રુધિરે રંગાયો
હરિનો હંસલો !''
ગાંધીજી સ્વાર્થી રાજકારણીઓ માટે સાધ્ય નથી સાધન છે. શૈલી ચતુર્વેદીએ વ્યંગ્યમાં કહ્યું છે :
ભરી તિજોરી ચાંદીની
જય બોલો મહાત્મા ગાંધીની !
બાપુ ! આપનું ખરું સરનામું કયું ?
ગાંધીજીએ કહ્યું : 'જ્યાં 'સત્ય' ત્યાં હું. ગાંધીજીના વ્યક્તિત્વની સાત વિશેષતાઓ કઈ ?'
ગાંધીજીના વ્યકિત્વની સાત વિશેષતાઓ.
૧ સત્ય
૨ અહિંસા, અક્રોધ
૩ અપરિગ્રહ, બીજાના મનનો આદર
૪ અસ્પૃશ્યતાનો ઈન્કાર
૫ ચારિત્રિક પવિત્રતા, વૈષ્ણવજન ત્યાગ અને બલિદાન
૬ પર-સ્ત્રી માત સમાન, મન, વચન-કર્મમાં એકતા
૭ આમ આદમી પ્રત્યે અનહદ લાગણી, સહિષ્ણુતા.
ગાંધીજી હજી જીવે છે -
''હજી ફોટો તો લટકે છે
તમારે દેશની ભીંતે
રહી છે એટલે આદમને
હૈયે હામ ગાંધીજી !''
૩૦મી જાન્યુઆરી, ૧૯૪૮. લોકોના હૈયે, લોકો માટે જીવતો લોકો વચ્ચે હરતો-ફરતો એક સાચુકલો માણસ રામ-નામ સાથે સદા માટે પરલોકના ગામોતરે ગયો. 'લોકઘાટ'ના માણસને આપણે સમાધિ રૂપે રાજઘાટ પર સાચવવાની કોશિશ કરી. આજે પણ 'રાજઘાટ'ના રાજકારણી પ્રવાસીઓ સ્વાર્થ સિદ્ધી માટે એમના નામનું તિલક કરે છે ! ગાંધી એમને મન 'કામધેનું' છે. ગાંધી એમને મન શત્રુઓનું મોં બંધ કરવાનું સાધન છે. ગાંધી હવે એટલે ઊંચે છે છે કે એમને 'આંટી' પહેરાવવા નિસરણીની જરૂર પડે છે. સ્વ. કવિ હસિત બૂચે સાચું જ કહ્યું છે કે -
'તારીખટાણું જોઈ ચડાવી
આંટી, યાદ તમારી
છાપી લેખે, શબ્દેશબ્દ
ટાંકી, હવે ન અધિક
માગો,
મોહનદાસ કરમચંદ ગાંધી !'
પોતાના મુક્તિદાતાની ક્યારેય ન હોય એવી ફજેતી મહાત્મા ગાંધીની થઈ રહી છે. કોઈકને મન ગાંધી 'ચોરો' છે. તો કોઈકને મન ચબૂતરો અને કોઈને મન ચલણીનાણું 'વાદ'માં નહીં માનતા માણસને આપણે વાદ (ગાંધીવાદ) સાથે જોડીને એમનું ગૌરવ છીનવી લીધું છે. ગાંધી માર્ગ એટલે માણસને ચઢેલો શેતાનિયતાનો તાવ માપવાનું થર્મોમીટર કોઈકે એમને પૂછ્યું, બાપુ ! તમારે સ્વરાજ શું કામ જોઈએ છે ? ગાંધીજીએ તરત જ જવાબ આપેલો ઈશ્વરનાં દર્શન કરવા માટે મારે સ્વરાજ જોઈએ છે. ગાંધીજી દરિદ્રમાં, ગરીબ માણસમાં 'નારાયણ'નું દર્શન કરીને જીવ્યા હતા. ગાંધીજીનો સ્વરાજયનો આદર્શ બિલકુલ સ્પષ્ટ હતો. પોતાનાં નામો મતદાર તરીકે નોંધાવી તસ્દી લેનાર તથા જાત મહેનત કરી પોતાની સેવા દેશને આપનાર દરેક જણ, મરદ કે ઓરત, અસલ વતની અથવા હિંદુસ્તાનને પોતાનો દેશ કરી વસેલાં સર્વ લોકો, લોકોના મત વડે થતું શાસન એટલે સ્વરાજ.
વિશ્વના દેશોને મુક્તિદાતાઓ મળ્યા છે, પણ 'મહાત્મા મુક્તિદાતા જવલ્લેજ મળ્યા છે. ગાંધીજી મુક્તિદાતા પણ હતા અને મહાત્મા પણ. ભારતનું એનાથી મોટું સૌભાગ્ય શું હોઈ શકે ?'
'ગાંધી દર્શન'માં વર્ણવ્યા મુજબ ગાંધીજીની કલ્પનાનું ભારત કેવું હોય ? ''અહિંસક સ્વરાજમાં કોઈ-કોઈનંિ દુશ્મન ન હોય. બધા પોતપોતાનો ફાળો અદા કરે. કોઈ નિરક્ષર ન હોય. ઉત્તરોત્તર જ્ઞાાન વધતું જાય. આવી પ્રજામાં રોગ ઓછામાં ઓછા હોય.
કંગાલ કોઈ હોય નહીં : મહેનત કરનારને મહેનતનો મોકો મળતો હોય. દેશમાં જુગાર, મદ્યપાન, વ્યભિચાર ન હોય. વર્ગવિગ્રહ ન હોય. ધનિક પોતાનું ધન વિવેકસભર રીતે વાપરે, ભોગવિલાસ કે સંગ્રહખોરી માટે નહીં : મુઠીભર ધનિક મીનાકારીના મહેલમાં રહે અને લાખ્ખો લોકો હવા-અજવાળુ ન હોય એવા અંધારિયામાં રહે. એમ પણ ન હોય. કોઈના વાજબી હક ઉપર કોઈ તરાપ મારે નહીં.''
ગાંધીજીને આપણે આનો શું ઉત્તર આપીશું ? એમને ફરી જન્મવાનું મન થાય એવા ભારતનું નિર્માણ આપણી સામે મોટો પડકાર છે. ગાંધીજી એટલે કથની અને કરણમાં સદાય એકતા દાખવે એવી વિભૂતિ. અહીં એમની નેકીનો એક પ્રસંગ યાદ રાખવા જેવો છે. નોઆખલી પ્રવાસ વખતનો આ પ્રસંગ લેખક સુહાસીએ ટાંક્યો છે. તદનુસાર કસ્તુરબા જેલમાં હતા.
મણિલાલ માંદો હતો. પોતાના દીકરાનો પત્ર નહીં આવવાને કારણે કસ્તુર બા ચિંતિત હતા. કસ્તુર બાએ તાર લખાવ્યો અને કેટલી સાહેબને આપ્યો. કેટલી સાહેબ જેલના મોટા અમલદાર. તાર લઈને ગાંધીજી પાસે પહોંચ્યા. તારના પૈસા અંગે વાત કરી ગાંધીજીએ કહ્યું : ''બા પાસે માગોને હું વળી ક્યાંથી લાવું ?'' ગાંધીજીએ હસતાં-હસતાં કહ્યું : ''કસ્તુરબા પાસે ખાદીની સાડી છે. એને વેચી આપશો તો બે-ત્રણ રૂપીઆ તો મળશે જ ! આ હતા 'મહાત્મા' ગાંધીજી.
ગાંધીજીનું જીવન એટલે નૈતિક મૂલ્યોનો કંટકભર્યો પંથ. તકવાદને એમાં સ્થાન નથી. 'મસ્તક મૂકી, ઈશ્વરનું કામ કરવાની વાત છે. કારણ કે એ શુદ્ધ પ્રેમ, સેવા અને માનવતાનો મહાપંથ છે. એવો પંથ જેને અપનાવ્યા સિવાય વિશ્વે ચાલવાનું નથી ! ગાંધીજીની ઝોળીમાં એવું બધું ઘણું છે જે માણસને 'માણસ' બનાવી શકે. માણસમાં રહેલી શેતાનિયતને જાકારો આપી અંત:કરણની પરિશુદ્ધિ દ્વારા સત્યને વિજેતા બનાવીએ એ જ ગાંધીજીનું તર્પણ હોઈ શકે. આ વાત દુનિયા જેટલી જલ્દી સમજી શકશો તેટલા જ અંશે વિશ્વયુદ્ધની શક્યતા નિવારી શકાશે. ગાંધીજી અમર છે.