Get The App

આશા : ઈશનું વરદાન કે અગ્નિ ૫રીક્ષા? .

Updated: Apr 22nd, 2025

GS TEAM


Google News
Google News
આશા : ઈશનું વરદાન કે અગ્નિ ૫રીક્ષા?                             . 1 - image


- એક જ દે ચિનગારી-શશિન્

- આશા માણસની માનસિક અને આત્મિક પ્રોપર્ટી છે. આશાનાં મુખ્ય બે કેન્દ્રો છે : દીર્ધાયુ અને પારાવાર ધનની પ્રાપ્તિ. આશા એક આશ્ચર્યજનક રસાયણ છે

આશા: ઈશનું 'વરદાન' કે 'અગ્નિપરીક્ષા' ?

આશા જીવનનું પ્રેરક બળ છે. તે જીવનભર મનુષ્યની સાથે રહે છે. વાસ્તવમાં જેને કોઈ પણ પ્રકારની આશા નથી તે સુખેથી સૂઈ શકે છે.

આશા વૃદ્ધાવસ્થામાં પણ મનુષ્યનો છાલ છોડતી નથી. શંકરાચાર્ય કહે છે. અંગો ગળી રહ્યાં છે. વાળ સફેદ થઈ ગયા છે દાંત પડી ગયા છે. ધૂ્રજતા હાથમાં ડંડો લીધેલા છે. છતાં આશા મનુષ્યનો પિંડ છોડતી નથી.

વેણી સંહારમાં ભટ્ટ નારાયણ કહે છે : ''ભીષ્મ નામશેષ થઈ ગયા. દ્રોણની હત્યા થઈ. કર્ણનો પણ વિનાશ થયો. હવે પાંડવોને શલ્ય જીતાડશે એવી આશા છે. હે રાજન્ આશા ખૂબ જ બળવાન છે.''

'વૈરાગ્ય-શતક'માં વર્ણવ્યા મુજબ આશા રૂપી એક નદી છે, જેમાં મનોરથરૂપી જળ છે, જેમાં તૃષ્ણારૂપી મોજાં ઉછળી રહ્યાં છે, રાગરૂપી ગ્રાહ છે, વિતર્કરૂપી પક્ષી છે. આશા ધૈર્યરૂપી વૃક્ષને ઉખાડીને ફેંકી દે છે. એમાં અજ્ઞાાનરૂપી વમળ છે, જેને પાર કરવાનું મુશ્કેલ છે, જે અત્યંત ગહન છે. તેના ચિંતા રૂપી કિનારા બહુ જ ઊંચા છે. એને પાર જઈને યોગીઓ આનંદિત થાય છે.

હકીકતમાં આશા શૂન્ય બનવું અત્યંત કપરું છે. આશા મનુષ્યના મનમાં સ્વપ્નોનો સંસાર પેદા કરાવે છે. કમાવા માટે દોડતો કરે છે. ધંધો-વ્યવસાય કરાવે છે. મનમાં પ્રેમનો સંચાર કરે છે. એટલે માણસે કોઈ પણ સંજોગોમાં નિરાશા રૂપી પ્રાણધાતકાનો સહારો લેવો જોઈએ નહીં. આશાની તાકાત તો જુઓ. ભતૃહરિ કહે છે આશા નામની કોઈ, આશ્ચર્યજનક બેડી છે. જેના બંધનમાં પેડલો માણસ દોડતો રહે છે, જેનાથી મુક્ત થએલો માણસ પાંગળાં સમાન સ્થિર રહે છે.

જ્યાં સુધી શ્વાસ ત્યાં સુધી આશ. આશા ચિરંજીવી છે એ કદી મરતી નથી. એને સંતુષ્ટ કરવામાં ન આવે ત્યાં સુધી માણસને ઠરવા દેતી નથી. આશાને લમણે, મરવાનું લખાયું નથી. એ નિંદ્રાધીન બની જાય છે. 'માતાનું હૃદય' વાર્તામાં મુન્શી પ્રેમચંદજી કહે છે : ''આશાનો બાગ તૈયાર કરવામાં આપણે કેટલા બધા કુશળ છીએ. રક્તમાં બીજ  વાવીને અમૃતનાં ફળ ચાખવાની અપેક્ષા રાખીએ છીએ. 'મનાઈ' નામનો શબ્દ આશા સ્વીકારતી નથી. અશક્ય સાથે બાથ ભીડવાની આશાને આદત છે. આગથી છોડને સિંચીને તેની શીતળ છાયામાં બેસવાનું મંદબુદ્ધિનો માણસ વિચારે છે.

આશા કોઈની થઈ નથી અને થવાની પણ નથી. દરેક માણસને સુખની આશા છે અને સુખ માટે તે બીજાને સાધન ગણે છે. આશાના શબ્દકોશમાં 'ભોગ' ને સ્થાન છે 'ત્યાગ' ને નહી. માણસના સર્વ ખેલ આશાને અધીન છે. ક્ષેત્ર ક્રિકેટનું હોય કે જીવનની કોઈપણ બાબતનું માણસ આશાને સહારે જીવે છે. નિરાશ થયેલા માણસને જીવનમાં રસ હોતો નથી તેથી તે જીવનનો અંત લાવવાની પણ કોશિક કરે છે. આશા માણસની માનસિક અને આત્મિક પ્રોપર્ટી છે. આશાન્વિત  રહેવાના પાંચ મહત્વના ફાયદા.

૧. સકારાત્મક દ્રષ્ટિકોણનો વિકાસ

૨. ઉજ્જવળ ભવિષ્યની અભિલાષા

૩. માનસિક પ્રસન્નતા

૪. સંયમ અને સમજણ

૫. પ્રસન્નતામાં શ્રદ્ધા.

આશા એક પ્રકારની આસક્તિ છે. આશા અમર છે. માણસના હૃદયમાં એક યા બીજી રીતે ઉમેદ હંમેશાં રહે છે. આશા બળથી કે કળથી વશ થતી નથી કારણ કે એ આશા મનુષ્યને દિશાનું સૂચન કરે છે. આશાનાં મુખ્ય બે કેન્દ્રો : દીર્ઘાયુ અને પારાવાર ધનની પ્રાપ્તિ. આશા માણસને ભરોસો આપે છે કે તેની આશા ફળીભૂત થશે. એક દિલાસો છે આશા.

માણસે હંમેશાં આશાદર્શી બનવું જોઈએ. આશા માણસને શ્રદ્ધાપૂર્વક જોવાની તાકાત આપે છે.

શ્રી વિવેક મનહર ટેલરે દરવાજો કરેલી અનુવાદ રચના 'દરવાજો' આશાસ્પદ રહેવાનો સુંદર સંકેત પૂરો પાડે છે.

દરવાજો

જાઓ અને દરવાજો ઉઘાડો કદાચ બહાર કંઈ હોય એક ઝાડ અથવા જંગલ એક બગીચો અથવા કોઈ જાદુઈ નગરી

જાઓ અને દરવાજો ઉઘાડો

કદાચ કોઈ કૂતરો ખાંખા ખોળા કરતો હોય.

કદાચ તમને કોઈ ચહેરો અથવા એક આંખ અથવા કોઈ ચિત્રનું ચિત્ર જોવા મળે.

જાઓ અને દરવાજો ઉઘાડો જો ધુમ્મસ હશે તો એ વિખરાઈ જશે.

જાઓ, દરવાજો ઉઘાડો ભલે ત્યાં કેવળ અંધકાર જ ટિકટિક કેમ ન કરતો હોય.

ભલે બહાર કેવળ ખોખલો પવન જ હોય બહાર કંઈજ ન હોય તો પણ

જાઓ, દરવાજો ઉઘાડો

કમસે કમ બહાર ઠંડી હવાનું એક ઝોકું તો હશે. 

Tags :