નાગરિક ધર્મ અને મોક્ષ .
- એક જ દે ચિનગારી-શશિન્
- આપણે 'મોક્ષ'ની કામના કરીએ છીએ, પણ જીવનમાં ગ્રંથિઓથી મુક્ત થઈ હૃદયને વિશાળ બનાવી માનવતાને મહેકાવવા તત્પર નથી !
એ ક નદીને કિનારે પાંચ પંડિતો બેઠા છે. જુદા-જુદા વિષયો વિશે જોરદાર ચર્ચા ચાલી રહી છે, પણ એના મુખ્ય કેન્દ્રમાં છે જીવન. જીવન વિશેનો પોતાનો અભિપ્રાય મક્કમપણે પકડી રાખવા એ બધા તૈયાર છે. એ પૈકી પહેલા પંડિતે કહ્યું : ''જુઓ, આ નદી તરફ જુઓ. એક અંગ્રેજ કવયિત્રીએ જીવનની તુલના નદી સાથે કરી છે.''
બીજા પંડિતે કહ્યું : ''જરા ફોડ પાડીને વાત કરો ને !'' પહેલા પંડિતે જવાબ આપતાં જણાવ્યું 'મેરી' નામની કવયિત્રી જીવન વિશે
જણાવે છે.
લાઈફ ઈઝ એ રિવર
- મતલબ કે જીવન એક નદી છે.
સત્કાર્ય તેનો ઘાટ છે,
સત્ય એનું જળ છે.
નૈતિક માન્યતાઓ
એના કિનારા છે
દયા એનાં મોજાં છે.
- આવી નદીમાં સ્નાન કરો એટલે શુદ્ધ થઈ જશો.
બીજા પંડિતે કહ્યું : ''આ બધી આદર્શોની વાત થઈ. જેને જીવનની વાસ્તવિકતાઓનો સામનો કરવો પડયો હોય એને ખબર પડે કે જીવન હકીકતમાં શું છે ?''
પહેલા પંડિતે પૂછ્યું : ''તો પછી તમે જ કહોને કે જીવન વિશે તમારો અભિપ્રાય શું છે ?''
બીજા પંડિતે કહ્યું : ''મેં જીવનને ઉંડાણથી તપાસ્યું છે. મને લાગે છે કે મનુષ્ય જીવન સારું-ખરાબ, સુખ-દુ:ખ વગેરેના તાણા-વાણાથી બનેલું કરોળિયાના જાળા જેવું છે. માણસો કષ્ટોથી કંટાળીને નિસાસા સાથે મરે છે. જીવન 'નદી' નથી પણ બંદી છે.''
''છી-છી-છી, જીવન વિશે આવી ગંદી અને નકારાત્મક વાતો એક પંડિતના મોંઢે ન શોભે. જીવન 'બદી' છે જ નહીં, માણસે એને બદી જેવું બનાવી દીધું છે.'' પહેલા પંડિતે જીવન વિશેના અભિપ્રાય આપતાં ઉમેર્યું.
એમની વાત સાંભળી ત્રીજા પંડિતે કહ્યું : ''બીજા પંડિતની વાત સાચી છે. જીવનમાં ક્યાં છે શાન્તિ ? ક્યાં છે નિરાંત ? મેં મારી નોંધપોથીમાં રોબર્ટ બર્ન્સનું એક વાક્ય લખી રાખ્યું છે : હે જીવન, તું વિષમ અને થકાવટભર્યા માર્ગમાં કષ્ટોથી ભરેલું પોટલું છે. શાયર 'બેફામે' કેટલી પીડા સાથે આ શબ્દો નોંધ્યા હશે.''
''બેફામ ! તોયે કેટલું
થાકી જવું પડયું
નહીં તો જીવનનો
રસ્તો છે,
ઘરથી કબર સુધી.''
ચોથા પંડિતે કહ્યું : ''મેં જીવન વિશે મેન્સ ક્રિશ્ચયનનું એક મંતવ્ય વાંચ્યું હતું : પ્રત્યેક વ્યક્તિનું જીવન પરમાત્માની સુંદર આંગળીઓ દ્વારા લખાએલી એક પરી-કથા છે. ભગવાને દુ:ખનું સર્જન કર્યું જ નથી ! ક્યાંક આપણી ભૂલ, ક્યાંક આપણી બેદરકારી, ક્યાંક ખાન-પાનમાં આપણી બેજવાબદારી રોગોને નોંતરે છે. મારે મન જીવન તો પરમાત્માનું વરદાન છે. એને વગોવનારા બેલાશક મહામૂર્ખ છે. હવે પાંચમા પંડિતનો વારો હતો. એણે કહ્યું : તમે લોકો મારી સાથે સમ્મત થાઓ કે નહીં પણ મારી દ્રષ્ટિએ ગ્રેનવીલેના શબ્દોમાં'' જીવન એક પાઠશાળા છે. જેમાં તમે સતત શીખતા રહો છો કે કેવી રીતે આપણે વધુ સારી રીતે કામ કરી શકીએ, વધુ યોજનાઓ બનાવી શકીએ. જીવનની પાઠશાળાનો શિક્ષક (ઈશ્વર) બહારથી કઠોર અને નિર્દય લાગે છે પરંતુ તેની સમગ્ર શિસ્ત તમારા હિતમાં હોય છે એટલે ઈશ્વરના નિર્માણનું પ્રસન્નતાપૂર્વક સ્વાગત કરો.''
એટલામાં એક સંત નદીએ સ્નાન કરવા આવ્યા. એમનાં વસ્ત્રોમાં સાદગી હતી અને ચહેરા પર સત્ય પ્રિયતાનો પ્રકાશ. પેલા પાંચેય પંડિતોએ એમને કહ્યું : ''બાપજી, જીવન વિશેનો અભિપ્રાય આપી અમારી ગૂંચવણ દૂર કરવાની કૃપા કરો.''
પેલા સંતે કહ્યું : પહેલાં મને તમારા પાંચેયની જીવન વિશેની માન્યતાઓ કહી સંભળાવો. બધાં વતીથી પહેલા પંડિતે તેમની ચર્ચાનો સાર વર્ણવી બતાવ્યો.
સંતે કહ્યું : ''તમારી ચર્ચામાં જીવનમાં પ્રેમનું વર્ણન તો ક્યાંય આવતું જ નથી ! હેરી ઈમર્સને પ્રેમને કેન્દ્રમાં રાખી સરસ વાતો કરી છે -''
''કઠોરતા જીવનને કેદી બનાવે છે
પ્રેમ માણસને મુક્ત બનાવે છે.
કઠોરતા જીવનને નિષ્ક્રિય
બનાવે છે, પ્રેમ તેને શક્તિ
પ્રદાન કરે છે.
કઠોરતા જીવનને કડવું બનાવે છે,
પ્રેમ તેમાં મિઠાશ ઉમરે છે.
કઠોરતા જીવનને રોગી
બનાવે છે, જ્યારે પ્રેમ તેને
સાજો-તાજો બનાવે છે.
કઠોરતા જીવનને દ્રષ્ટિહીન
બનાવે છે, પ્રેમ તેની
આંખોમાં દિવ્ય મલમ
આંજે છે.''
એટલે મારી તમને પાંચેયને સલાહ છે કે જીવનની વ્યાખ્યાના ચક્કરમાં પડયા સિવાય જીવનને પ્રેમની લહાણીનો અવસર બનાવો. આ દેહ દેવ માટે અને આ દેહ દેશ માટે એવું વિચારી જીવનને સાર્થક બનાવો સ્વાતંત્ર્ય દિન આવે કે પ્રજાસત્તાક દિને, તમે એક જ ફરિયાદ કરો છો, દેશે તમારે માટે શું કર્યું ? પણ તમે તમારો નાગરિક ધર્મ યાદ રાખો છો ખરા ? તમારી જાતને પૂછો :
''તમે કરવેરા ઈમાનદારીથી ભરો છો ?''
''બીજાંના દુ:ખમાં સહભાગી બનો છો ?''
''ગમે તેવા વિધાનો કરી દેશની એકતા અને શાન્તિને ભયગ્રસ્ત તો નથી બનાવતા ને ?''
''સર્વધર્મ સમભાવ અને બિન સાંપ્રદાયિકતાનું તમે જીવનમાં પાલન કરો છો ખરા ?''
''તમે સદાય ભોગોની પરવા કરો છો, પણ ત્યાગનો મહિમા અપનાવવા તૈયાર છો ખરા ?''
''દેશ પ્રત્યે વફાદારી અને સમર્પણની ભાવના વાણી, વ્યવહાર, વર્તન અને આચારમાં અપનાવો છો ખરા ?''
''તમારા પરિવારને પ્રેમ અને આત્મીયતાની અનુભૂતિ કરાવો છો ખરા ?''
''પ્રાણી માત્ર પ્રત્યે તમે કરુણાશીલ છો ખરા ?''
''તમે ક્યારેય આત્મદર્શન કર્યું છે ખરું ?''
મારી વાણીમાં સચ્ચાઈનો રણકાર તમને સંભળાય તો આજે નદીમાં સ્નાન કરી ઈન્સાનિયતથી મહેકતા એક નવા ઈન્સાન તરીકે જીવવાની કોશિશ કરજો, જીવનની વ્યાખ્યાના ચક્કરમાં પડશો નહીં, કારણ કે આ એવો પ્રશ્ન છે જેના વિશે ઋષિમુનિઓ અને પંડિતો પણ એક મત નથી.
ચાલો, આવજો, ભગવાન તમારું સર્વ રીતે ભલું કરે. - કહીને સંત વિદાય થયા. સંત પાસેથી પેલા પાંચેયને એક નવીન દ્રષ્ટિ મળી કે જીવન વિતંડાવાદનો અવસર નથી. આપણે કથા-શ્રવણ કરીએ છીએ, ધર્મગ્રંથો વાંચીએ છીએ, પણ મોક્ષનો અર્થ શોધીને આ જીવનમાં જ મુક્તિનો અહેસાસ કરતા નથી ! માણસે જિંદગી એવી રીતે જીવવી જોઈએ કે તમે કરેલું પ્રત્યેક કાર્ય માનવતાને મહેકાવતું હોય. જીવન પ્રેરક ચિંતન રત્નોમાંથી બોધ લઈ જીવનમાં આ દસ કામોને પ્રાધાન્ય આપો.
૧. હસવા માટે સમય કાઢો, હાસ્ય એ તો જીવનનું સંગીત છે.
૨. રમવા માટે સમય કાઢો, અખંડ યૌવનનું એમાં રહસ્ય છે.
૩. નક્કર સ્વપ્ન જોવા માટે સમય કાઢો એ તમને તારલાની નજીક પહોંચાડશે.
૪. વિચારવાનો સમય કાઢો, શક્તિનો એ સ્રોત છે.
૫. વાંચવા માટે સમય કાઢો, એ શાણપણનો ઝરો છે.
૬. મૈત્રી માટે સમય કાઢો, સુખ મુકામે એ પહોંચાડશે.
૭. આપવા માટે સમય કાઢો. જીવનનું કર્તવ્ય એમાં સમાએલું છે.
૮. પ્રેમ મેળવવા-કરવા તત્પર રહો, એ ઈશ્વરદત્ત અધિકાર છે.
૯. સન્નિષ્ઠ કાર્યો માટે સમય કાઢો, એમાં સફળતાનું મૂલ્ય છે.
૧૦. પ્રાર્થના માટે સમય કાઢો એમાં પૃથ્વી પરનું મહાન કાર્ય સમાએલું છે.