વિશ્વાસઘાત કર્યો છે, તેં! .
- રજનીગંધા-વિભાવરી વર્મા
- હોસ્ટેલની છોકરીઓએ બહુ પૂછ્યું કે રાત્રે શું થયું હતું ? પણ કાવ્યામાં જવાબ આપવાની હિંમત નહોતી
લે ડિઝ હોસ્ટેલના ત્રીજા માળની કોરિડોરની જુની ટયુબલાઈટ જાળીમાં ફસાયેલા કોઇ જંતુની માફક ફફડાટ કરી રહી હતી. રાતનાં અઢી વાગી ચૂક્યા હતા. એ લબક-ઝબક થતી ટયૂબલાઇટનો પ્રકાશ રૂમ નંબર ૩૦૪ની બારીમાંથી કાવ્યાની વિસ્ફારીત રહી ગયેલી આંખો ઉપર પડી રહ્યો હતો.
કાવ્યા ઝબકીને જાગી ઊઠી હતી, એના આખા શરીરે પરસેવો વળી ગયો હતો. જાળીમાં ફસાયેલા જંતુની જેમ એની છાતીમાં પણ ફફડાટ થઇ રહ્યો હતો. એને ખબર હતી કે હમણાં જ એ આવશે...એની નજર સામે લાલચોળ, લોહી નીંગળની આંખો વડે તે ટીકીટીકીને જોયા કરતી હશે..અને પછી -
અચાનક કોરીડોરમાં ઝબૂકતી ટયુબલાઇટ બંધ થઇ ગઇ. રૂમ નંબર ૩૦૪માં અંધકાર છવાઈ ગયો. કાવ્યાને થયું કે કદાચ પેલી આંખો હવે જતી રહી હશે. છતાં પોતાની જોરથી મીંચી રાખેલી આંખો ખોલવાની હજી હિંમત થતી નહોતી.
કાવ્યા આમ જ લાકડું બનીને બેડ ઉપર બેસી રહી હતી. બહાર કોરીડોરમાં ટયુબલાઈટની આસપાસ ઘુમરી લઇ રહેલાં જંતુઓ હવે રૂમની બારીના કાચ ઉપર આવી આવીને અથડાઈ રહ્યા હતા. દૂર દૂર કૂતરાંના રડવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો.
કાવ્યાએ હવે ધીમે રહીને આંખ ખોલવાની કોશિશ કરી. રૂમમાં ભૂરા રંગનો નાઇટ લેમ્પ ચાલુ હતો. ચાર પાંચ જંતુઓ બારીના તૂટેલા કાચમાંથી ઘૂસી આવ્યા હતાં. તે હવે ભૂરા નાઇટ લેમ્પની આસપાસ ઘૂમરી લઇ રહ્યાં હતાં. હજી આખી હોસ્ટેલમાં સન્નાટો હતો.
કાવ્યાના ગળામાં શોષ પડી રહ્યો હતો. તેને થયું કે, ફ્રીજમાંથી થોડું પાણી પીવું જોઇએ. તેણે ધીમેથી પોતાના પગ ફર્શ ઉપર ઉતાર્યા. લીસ્સા ટાઇલ્સનો સ્પર્શ થતાં જ કાવ્યાને ભાન થું કે તેના પગ સાવ ઠંડા થઇ ચૂક્યા હતા.
અંધારામાં પગ વડે જ સ્લીપર શોધીને તેમાં પંજા પરોવ્યાં. તે ઊભી થઇ. પણ કપડાં મુકવાના કબાટ પાસેથી પસાર થતાં જેવી એની નજર કબાટના ફૂલ સાઈઝના અરીસા પર પડી કે તે થથરી ગઈ !
હા...એ અરીસામાં જ દેખાઈ રહી હતી! પેલી લાલચોળ, લોહી નીંગળતી આંખો...
કાવ્યાના પગ ભોંય પર ચૌટી ગયા ! તે હવે ખસી જ શકતી નહોતી ! અને એ જ ક્ષણે અચાનક અરીસામાંથી એક યુવતીનો આકાર બહાર ધસી આવ્યો ! એના આખા શરીરે લોહી જ લોહી હતું...પેટમાંથી, છાતીમાંથી, ગરદનમાંથી સતત લોહી દદડી રહ્યું હતું !
'વિશ્વાસઘાત કર્યો છે તેં !'
આ ખરબચડો, જાણે સેન્ડપેપર ઘસાઈ રહ્યાં હોય એવો અવાજ પેલા લોહીયાળ શરીરમાંથી આવી રહ્યો હતો ! કાવ્યાની આંખો ફાટી ગઈ હતી...એનો શ્વાસ તાળવે ચોંટી ગયો હતો !
પેલો આકાર અરીસામાંથી નીકળીને તેનું ગળું પકડી રહ્યો હતો: 'દગો કર્યો છે તેં મારી સાથે ! તું મને બચાવી શકતી હતી...પણ તે જાણીજોઇને મને ના બચાવી ! હવે તારી પણ એ જ હાલત થશે જે મારી થઇ હતી...નહીં બચી શકે તું ! નહીં બચી શકે !!'
એ લાલચોળ લોહીથી લથબથ થઇ ચૂકેલો આકાર કાવ્યાનું ગળું ભીંસી રહ્યો હતો...કાવ્યા એક ચીસ પાડીને બેહોશ થઇ ગઇ...
જ્યારે તે ભાનમાં આવી ત્યારે તે એક હોસ્પિટલમાં હતી. તેની સામે હોસ્ટેલની બીજી છોકરીઓ ચિંતાતુર નજરે જોઈ રહી હતી. ડોક્ટરે કહ્યું ચિંતાનું કોઇ ખાસ કારણ નથી. તમારા રિપોર્ટસ હવે નોર્મલ છે. રાત્રે જો ઊંઘ ન આવે તો મેં ગોળીઓ લખી આપી છે તે એક વીક સુધી લેવાનું રાખજો.
પાછા વળતી વખતે હોસ્ટેલની છોકરીઓએ બહુ પૂછ્યું કે રાત્રે શું થયું હતું ? પણ કાવ્યામાં જવાબ આપવાની હિંમત નહોતી.
અને ક્યાંથી હોય ? તે જાણતી હતી કે છેલ્લા એક મહિનાથી જે લોહીથી લથબથ આકાર તેને દેખાઈ રહ્યો હતો તે તેની બહેનપણી રાજવીનો હતો. એ જ હસમુખી અને બોલકણી રાજવી, જેને બધી બહેનપણીઓ 'એડવાઈઝર આન્ટી' કહેતા હતા.
જો કે, રાજવી બીજી બધી છોકરીઓ કરતાં વધારે મેચ્યોર હતી, તે માસ્ટર્સ ડીગ્રીનું ભણતાં ભણતાં જોબ પણ કરતી હતી. હોસ્ટેલમાં આવતાં પહેલા તે ત્રણેક વર્ષ ઓનલાઈન પ્રાઇટવેટ કંપનીમાં જોબ પણ કરી ચૂકી હતી. એટલે જ તે પોતાના અનુભવના હિસાબે હોસ્ટેલની ફ્રેન્ડઝને ચોક્કસ સલાહો આપતી હતી.
રાજવીએ જ કાવ્યાને કહ્યું હતું કે, 'તું જેની સાથે રીલેશનશીપમાં આગળ વધવાનું વિચારી રહી છે એ વૈભવ બહુ શો-ઓફ કરતો લાગે છે. એ દેખાય છે એટલો પૈસાદાર નથી. મને વારંવાર ભટકાઈ જાય છે.'
આ જ રાજવીએ એની રૂમ પાર્ટનર આયેશાને વારંવાર ચેતવી હતી કે 'તારો બોયફ્રેન્ડ સોહિલ 'ટોક્સિક' છે ! ભલે તું એને લવ કરતી હોય અને ભલે એ પણ તને લવ કરતો હોય, પણ એ આટલો બધો પઝેસિવ શેનો થાય છે ? તું કોઇ બીજા છોકરા સાથે વાત પણ કરે તો એ તને મારવા લાગે છે ! એ કમ સે કમ દસ વાર તને બહુ ખરાબ રીતે મારી ચૂક્યો છે. એક વાર તો તારો હાથ ફ્રેક્ચર કરી નાંખ્યો હતો...આયેશા, જો આમ જ ચાલ્યું તો મેરેજ પછી તારી શું હાલત થશે ? આઇ સજેસ્ટ કે તું આ જાનવર જેવા માણસથી છુટકારો મેળવી લે, નહીંતર તારી લાઇફ નર્ક બની જશે...
આયેશાને રાજવીની વાત સાચી લાગી હતી, એટલે તેણે સોહિલ સાથે બ્રેક-અપ કરી નાંખ્યું હતું. તેને મોબાઇલમાં બ્લોક કરી દીધો હતો. પરંતુ એના કારણે સોહિલ એટલો છંછેડાયો હતો કે તે અહીં હોસ્ટેલમાં આવીને આયેશાને મુક્કાઓ વડે મારવા લાગ્યો હતો. આમ રાજવી જ્યારે વચ્ચે પડી ત્યારે સોહિલે એને ધક્કો મારતાં ધમકી આપી હતી કે તેં જ આયેશાને ચડાવી છે ! હજી વચ્ચે પડીશ તો હું તને જાનથી મારી નાંખીશ!
એ પછી આયેશા તો રાતોરાત હોસ્ટેલ છોડીને જતી જ રહી હતી પણ થોડા દિવસ પછી મોડી રાત્રે બે વાગે સોહિલ હોસ્ટેલની કમ્પાઉન્ડ વોલ કુદીને અંદર આવ્યો હતો....
કાવ્યાને યાદ છે...તેણે બારીમાંથી સોહિલને જોયો હતો....એના લક્ષણ જોતાં જ કાવ્યા સમજી ગઈ હતી કે એ રાજવી માટે જ આવ્યો છે !
પરંતુ ના તો કાવ્યાએ રાજવીને ચેતવી, ના તો સિક્યોરીટીને ફોન કર્યો કે ના તો પોલીસને ફોન કર્યો...અને પેલી બાજુ રૂમ નંબર ૨૦૩માંથી જ્યારે સોહિલ બહાર નીકળ્યો ત્યારે અંદર રાજવી લોહીલુહાણ હાલતમાં તરફડી રહી હતી !
કાવ્યાએ એ પણ પોતાની સગી આંખે જોયું હતું ! છતાં તે વખતે તેણે એમ્બ્યુલન્સને પણ ફોન નહોતો કર્યો !
કેમ કે કાવ્યાને શંકા હતી કે રાજવી તેના બોયફ્રેન્ડ વૈભવ સાથે વધારે પડતી ફ્રેન્ડલી થઇ રહી હતી ! એટલે જ તે કદાચ મને કહેતી હતી કે વૈભવ બહુ 'શો-ઓફ' છે ! રાજવી મને જ પોતાના રસ્તામાંથી હટાવવા માગતી હતી...એટલે જ મેં -
ભાડાની કેબ બ્રેક મારીને હોસ્ટેલના ગેટ પાસે ઊભી રહી. કાવ્યા ધીમા પગલે હોસ્ટેલનાં પગથિયાં ચડી રહી હતી. અત્યારે દિવસ હતો. છતાં કાવ્યાને લાગ્યું કે રૂમ નંબર ૨૦૩ના દરવાજામાંથી નીકળી રહેલું લાલ રંગનું પ્રવાહી તેના પગ નીચે પહોંચવા માટે ધસમસતું આવી રહ્યું છે...