Get The App

પ્રણય સંબંધ ટકાવી રાખવા માટે કઈ પાંચ બાબતો જરૂરી ?

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
પ્રણય સંબંધ ટકાવી રાખવા માટે કઈ પાંચ બાબતો જરૂરી ? 1 - image


- એક જ દે ચિનગારી-શશિન્

- આપણને ફાવતું ને ભાવતું ન મળે તો જે મળે છે તેને ફાવતું ને ભાવતું માની લેવું એ જ શ્રેયસ્કર છે

સા માન્ય રીતે યુવાનો પ્રણય-સંબંધની વાત આવે એટલે 'આઈ લવ યુ' અને 'પ્રોમિસ' ને કેન્દ્રમાં રાખી વાત કરે. 'પ્રેમમાં પડવું' નહીં પણ પ્રેમમાં ઉન્નત થવું એ જ લક્ષ્ય હોવું જોઈએ. પ્રેમ એ લાગણીનો ઉભરો નથી પણ વાસ્તવિકતા છે. પ્રેમને સાકાર કરવામાં મદદરૂપ થાય એવી મહત્વની પાંચ બાબતો.

૧. સ્નેહ

૨. સખ્ય

૩. સંવાદ

૪. સમાનુકૂલન

૫. સમાધાન

સંત કબીરે સાચા પ્રેમ વિશે ઘણું બધું લખ્યું છે -

 'પ્રેમ ન બાડી ઉપજૈ,

પ્રેમ ન હાટિ બિકાઈ,

રાજા-પરજા જેહિ રૂચૈ,

સિસ દિયે લે જાઈ''

 કબીર યહુ ઘર પ્રેમકા

ખાલા કા ઘર નાહિ,

સીસ ઉતારૈ ભુઇ ઘરે,

સો પૈસે ઘર માંહિ

 પ્રેમ અકથ્ય છે, એ આંતરિક અનુભૂતિ છે. જેને શબ્દોમાં અભિવ્યક્ત કરવાનું શક્ય નથી.

કબીર કહે છે -

અકથ કહાણ પ્રેમકી

કછૂ ન કહી જાય,

ગૂંગે કેરી સરકરા,

ખાવૈ અરુ મુસકાઈ.

પ્રેમને જો અધિકાર મુક્ત રાખવો હોય તો પ્રિયતમાને સખી માનો. સખ્ય એટલે કે મૈત્રીભાવથી નીરખવાથી પ્રેમ અધિકારની તુચ્છ ભાવનાથી મુક્ત રહે છે. મૈત્રીમાં સંબંધ મુખ્ય હોય છે. હક નહીં. એટલે જેટલા અંશે પ્રિયપાત્ર સાથે સખ્ય ભાવ કેળવાય, પ્રેમ તેટલી વધુ સુરક્ષા પ્રાપ્ત કરે છે. સાચા પ્રેમ માટે ત્રીજું મહત્વનું પાસું છે સંવાદ. માણસને વાદ કરતાં આવડે છે, વિવાદ કરતાં પણ સંવાદ કરતાં નથી આવડતું. સંવાદ એટલે નિખાલસતા, સંવાદ એટલે સત્યનો સ્વીકાર, સંવાદ એટલે સામેની વ્યક્તિના મનનો સમાદર.

પ્રેમનું વિધાતક તત્વ છે અહંકાર. જિદ, હઠ અને દુરાગ્રહ પણ પ્રેમના શત્રુઓ છે. પ્રેમમાં ઘણાં કારણોસર ગેરસમજની શક્યતાઓ રહેલી છે એમાંનું મહત્વનું તત્વ છે શંકા-કુશંકા અને વહેમ. એનું નિવારણ જ પ્રેમનો પ્રાણ છે. પણ મોટા ભાગના પ્રેમીઓ જિદ્દી હોય છે. પોતાની વાત જતી કરવા તૈયાર હોતા નથી. એટલે સંવાદને અભાવે ગેરસમજ પ્રબળ બનતી જાય છે અને બંનેમાંથી કોઈ પણ પક્ષ ભૂલ બદલ ક્ષમાયાચના માટે તૈયાર ન હોય તો પ્રણય-વિચ્છેદમાં તેવી હઠ પરિણમે છે. જેટલા અંશે તમે સંવાદ અપનાવશો તમારો પ્રેમ તેટલા જ અંશે ચિરંજીવી બનશે. માણસના ઝઘડાનું મૂળ પણ સંવાદનો અભાવ જ હોય છે. આપણે એમ માનીને ચાલતા હોઈએ છીએ કે સામેનો માણસ જ અમુક સ્થિતિ-પરિસ્થિતિ માટે જવાબદાર છે. જો સંવાદ સાધવામાં આવે તો કોઈ નવું રહસ્ય જ ઉજાગર થાય. આજે દેશ-દેશ વચ્ચેના, રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચેના ઝઘડા કે યુદ્ધનું કારણ હોય તો તે છે સંવાદનો અભાવ. મહાત્મા ગાંધીજી માણસના વર્તનમાં સંવાદને અતિ પ્રાધાન્ય આપવામાં માનતા હતા.

ચોથું મહત્વનું તત્વ છે સમાનુકૂલન એટલે કે સારી રીતે અનુકૂળ થવું. 'છગલેજાસીહા' એટલે જ સમાનુકૂલન. એક આકૃતિ ચોરસ હોય અને બીજી આકૃતિ ગોળ, તો તેનું સમાનુકૂલન થઈ શકતું નથી. દરેક માણસ પોતાને ફાવતું ને ભાવતું મળે તે માટેનો આગ્રહી હોય છે. સમાનુકૂલનમાં સૌથી બાધક તત્વ હોય તો તે છે વ્યકિતનો અહંકાર. ઘણી વાર માણસ વટ ખાતર કહેતા હોય છે મારો સ્વભાવ અમુક પ્રકારનો છે. હું તેને બદલવાનો નથી. આવા જિદ્દીઓ સામે નમ્રતા દાખવી. સહનશીલતા દાખવી, સમજાવટનો ધૈર્ય પૂર્ણ માર્ગ અપનાવી કામ પાર પાડવું જોઈએ.

સમાનુકલનનું તત્વ પારિવારિક જીવન માટે ખૂબ જ અગત્યનું છે. પરિવારના દરેક સભ્ય અમુક અંશે હક પ્રધાન હોય છે. ચર્ચા- વિચારણા કે કોઇ મહત્વના નિર્ણયમાં પણ એવા લોકોની હઠ નડતરરૂપ બને છે. ઘણી વાર જિદને કારણે વાતનું વતેસર થઇ જાય છે અને નાનો ઝઘડો અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતો હોય તો ખાવા-પીવાની વસ્તુઓ ઓરડાની પસંદગી અને પોતાને અતિ મહત્વ મળે એવી મનોકામના સમાનુકૂલન સધાવા દેતી નથી. ડહાપણનો માર્ગ એ છે કે જો આપણને ફાવતું ને ભાવતું ન મળે તો જે મળે છે. તેને ફાવતું ને ભાવતું માની લેવું - એ જ શ્રેયસ્કર છે. છેલ્લું અગત્યનું તત્વ છે સમાધાન ઉર્ફે જતું કરવાની વૃત્તિ. માણસ અડિયલ જ રહે તો ન તો સંવાદ સધાય કે ન તો સમાનુકૂલન ઉદભવે.

 એવા સંજોગોમાં સમાધાનનો માર્ગ જ સુખ, શાન્તિ અને સંવાદ જન્માવી શકે. ઘણી વાર લોકો એમ માનીને ચાલતા હોય છે કે સમાધાનનો માર્ગ પસંદ કરવો એટલે પ્રકારાન્તરે પરાજયનો સ્વીકાર કરવો. આ એમનો ભ્રમ છે. સમાધાન એ તો માણસની ઉદારતા અને શાન્તિ પ્રિયતાનો નમૂનો છે. આજના જગતના જે પ્રશ્નો છે તે સમાધાનનો માર્ગ ન અપનાવવાથી ઉભા થએલા પ્રશ્નો છે. બે પ્રેમીઓ પણ અમુક બાબતો ભારે મતમતાંતર હોય છતાં પ્રેમને ટકાવવા ખાતર પોતાની મમત છોડી સમાધાનનો માર્ગ અપનાવવો પડે છે. પરિવારની એકતા અને અખંડિતતા જાળવવા માટે પણ સમાધાનના જેવો કોઈ ઉત્તમ માર્ગ નથી. બધું જતું કરીને પણ પ્રેમ બચાવવો જોઈએ.

કારણ કે -

''યહ પ્રેમ કો પંથ

કરાલ મહા

પરવારિ કી ધારમેં

ધાવનો (દોડવું) હૈ.''


Google NewsGoogle News