Get The App

દગાબાજ પ્રેમીનું આવું 'રિપ્લેસમેન્ટ'? .

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
દગાબાજ પ્રેમીનું આવું 'રિપ્લેસમેન્ટ'?                         . 1 - image


- રજનીગંધા-વિભાવરી વર્મા

- અચાનક માધવી ઉભી થઈ ગઈ ! મલ્હારના હાથને હડસેલીને તે ચાલવા જ માંડી. 

'મ મ્મી, તમને લોકોને જે છોકરો પસંદ હોય તેની સાથે હું લગ્ન કરવા તૈયાર છું...'

માધવીએ જ્યારે એની મમ્મીને આવું કહી દીધું ત્યારે મમ્મીએ પણ મનોમન એક ઊંડો નિસાસો નાંખ્યો. માધવી પણ શું કરે બિચારી ? કોલેજમાં સળંગ ચાર ચાર વરસ સુધી જેણે તેની સાથે સાચો પ્રેમ કર્યો હતો અને ભણી રહ્યા પછી સાત જનમના સાથ નિભાવવાનો વાયદો કર્યો હતો એ મલ્હાર આવો દગબાજ અને જૂઠ્ઠો નીકળશે એની કોને કલ્પના હતી ?

મલ્હાર છેક સુધી માધવીને કહેતો રહ્યો કે 'બસ, તું સારું મુહુર્ત શોધી રાખ ! હું બેન્ડવાજાં સાથે તારા ઘરે વરઘોડો લઈને આવી પહોંચીશ!'

પણ એ જ મલ્હાર અમેરિકાની એક એનઆરઆઈ છોકરીને છ મહિના પહેલાં જ પરણી ચૂક્યો હતો. અને એક રાત્રે એ 'બાય' પણ કીધા વિના ચૂપચાપ અમેરિકા જતો રહ્યો હતો. આવડા મોટા દગા પછી કઈ છોકરીનું મન જીવન જીવવામાં લાગે? માધવીનો જીવવામાંથી રસ જ ઊડી ગયો હતો. પૂનમના ચંદ્રમા જેવો લાગતો એનો ચહેરો ચીમળાઈને સાવ ઝાંખો પડી ગયો હતો. આખો દિવસ એ ગુમસુમ એના રૂમમાં ભરાઈને બેસી રહેતી હતી અને આખી રાત જાગીને પોતાના તકદીર ઉપર રડતી રહેતી હતી.

મેડિકલ ભાષામાં કહીએ તો માધવી 'એક્યુટ ડિપ્રેશન'નો ભોગ બની ચૂકી હતી. મમ્મી-પપ્પા પણ સતત ટેન્શનમાં રહેતાં હતાં કે માધવી ક્યાંક કંઈ કરી ના બેસે. પરંતુ જ્યારે માધવીએ લગ્ન કરવાની હા પાડી ત્યારે એમને થોડી હાશ થઈ.

પંદરેક દિવસ પછી મમ્મીએ માધવીને કહ્યું 'માધવી, અમે તારા માટે એક ખુબ જ સારા ઘરનો સરસ છોકરો શોધી કાઢ્યો છે. એ કાલે તને જોવા આવશે.'

માધવીએ જવાબમાં 'હં' પણ ના કહ્યું. એને કશાયમાં રસ જ ક્યાં હતો? બીજા દિવસે જ્યારે એ છોકરો એના માતા-પિતા સાથે એને જોવા આવ્યો ત્યારે માધવીએ જે હાથમાં આવ્યાં તે કપડાં પહેર્યા અને મમ્મીએ પકડાવેલી ચા-નાસ્તાની ટ્રે લઈને તે ડ્રોઈંગરૂમમાં કોઈ ચાવી આપેલા રમકડાની જેમ પહોંચી ગઈ.

ના તો એણે છોકરાનું મોં જોયું, ન તો કંઈ વાત કરી... બે મિનિટમાં તે ઊભી થઈને અંદર જતી રહી. એની આંખો સામે અંધકાર છવાઈ ગયો હતો. તેને હવે આ અંધકારમાં કોણ ક્યાં દોરી જશે તેની હવે તેને પરવા પણ નહોતી.

બીજા દિવસે મમ્મીએ હરખાતાં હરખાતાં કહ્યું 'માધવી, એ લોકોને તું ખુબ જ ગમી ગઈ છે ! પણ છોકરો છેને, તારી સાથે એક રેસ્ટોરન્ટમાં લન્ચ માટે બોલાવે છે. તું જઈશ ને ?'

માધવીએ માત્ર ગરદન હલાવીને હા, પાડી. શું ફરક પડે છે ? એ છોકરો આવશે, ચીલાચાલુ સવાલો પૂછશે, તમને શું ગમે છે, રસોઈ કરતાં આવડે છે ? બીજી કોઈ હોબી છે, મેરેજ પછી જોબ કરવી છે, હું ગમું છું ?

છેલ્લા સવાલનો જવાબ માધવીએ અત્યારથી જ નક્કી રાખ્યો હતો: 'હા, તમે ગમો છો !' એક વાત પતે ને ? બાકી લગ્નજીવનમાં હવે પ્રેમ ? એવી આશા જ ઠગારી હતી. મલ્હાર એની સાથે જે રમત રમી ગયો હતો એ પછી પ્રેમ નામની ચીજ ઉપરથી એનો વિશ્વાસ જ ઊઠી ગયો હતો.

થોડીવાર પછી એ છોકરો રેસ્ટેરન્ટમાં આવ્યો. માધવીએ એને પહેલીવાર જોયો. દેખાવે ઠીકઠાક હતો. થોડો ક્યૂટ પણ હતો. આવીને એણે 'હલો' કહ્યું. પછી સ્હેજ હસીને એ બોલ્યો: 'હું મલ્હાર ! મને ઓળખ્યો ને ?'

'મલ્હાર ?' આ નામ સાંભળતાં જ માધવીના દિલ ઉપર જાણે વીજળી પડી ! ઓહ ગોડ ! જે નામને તે હંમેશ માટે ભૂલવા માગતી હતી એ જ નામ એની બાકીની જીંદગીમાં એના લમણે લખાશે ? સામે બેઠેલો જીંદગીમાં એનું 'ક્યૂટ' સ્માઈલ આપીને હેન્ડશેક કરવા માટે હાથ લંબાવી રહ્યો હતો !

અચાનક માધવી ઉભી થઈ ગઈ! મલ્હારના હાથને હડસેલીને તે ચાલવા જ માંડી. મલ્હાર તેની પાછળ પાછળ દોડયો. 

'શું થયું ?' કેમ ચાલ્યા જાવ છો ?

છલકાતી આંખો સાથે માધવી બોલી 'એક મલ્હારે તો મારી સાથે ચાર ચાર વરસ લગી રમત કરીને છેવટે દગો કર્યો ? હવે હું બીજા મલ્હારને સહન નહીં કરી શકું ! 

સોરી !'

બહાર નીકળીને તે સામે ઊભેલી રીક્ષામાં બેસી ગઈ. ડઘાઈ ગયેલો મલ્હાર કંઈ બોલી જ ના શક્યો. ઘરે આવ્યા પછી માધવી પોતાની કિસ્મત ઉપર આખી રાત રડતી રહી.

'બીજા દિવસે વહેલી સવારે મમ્મીએ તેને ઉઠાડતાં કહ્યું બેટા, જરા તૈયાર થઈને બહાર આવ ને, મલ્હાર તને મળવા માટે આવ્યો છે.'

'હજી શું બાકી રહી ગયું છે ?' માધવીએ કહ્યું 'હું બહાર નહીં આવું ! એને અહીં આવવું હોય તો આવે.'

થોડીવારે મલ્હાર આવ્યો. દરવાજો ખુલ્લો હતો છતાં તેની ઉપર ટકોરા માર્યા. માધવી તેની તરફ પીઠ કરીને બારીની બહાર જોતી ઊભી હતી.

'જુઓ, તમારું દર્દ હું સમજી શકું છું.' મલ્હાર ધીમા પગલાં ભરતો અંદર આવ્યો. 'તમને મારા નામ સાથે તકલીફ છે ને ?'

'હા ! શું તમે તમારું નામ બદલી નાંખવાના છો ?'

'ના... અને તમારે પણ તમારું નામ બદલવાની જરૂર નથી.' એ નજીક આવ્યો. તેણે માધવીના ખભે હળવેળથી હાથ મુકતાં કહ્યું:

'જે કહાણી તારી છે એ જ કહાણી મારી પણ છે. મારું દિલ પણ એક માધવી નામની છોકરીએ જ તોડયું હતું.'

હવે માધવીએ પાછળ ફરીને જોયું. આ નવા મલ્હારની આંખોમાં એને સચ્ચાઈ દેખાઈ. મલ્હારની આગળ લંબાવેલી હથેળીમાં માધવીએ હળવેકથી પોતાનો હાથ મુકતા કહ્યું: 'સોરી હોં !'

મલ્હાર હસી પડયો. માધવીને એનું હાસ્ય પણ 'ક્યૂટ' લાગ્યું !


Google NewsGoogle News