Get The App

જીવન તો કર્મયોગનું ઝરણું .

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News
જીવન તો કર્મયોગનું ઝરણું                 . 1 - image


- સુખનાં સાત કેન્દ્રો કયાં?

- એક જ દે ચિનગારી-શશિન્

- જીવન એ કળા નહીં પણ તપસ્યા છે. 'લટકતા' રહેવું અને 'ભટકતા' રહેવું એ જીવનનું અપમાન છે'' 

- હજારી પ્રસાદ દ્વિવેદી

ફૂલ કે કાંટાઓ

બદલાતા નથી

આપણા મનનાં જ

કારણ હોય છે

- મનહર મોદી

જીવન : કર્મયોગનું ઝરણું

મનુષ્ય માત્રને સુખની તૃષા હોય છે. 'સુખ' એટલે જીવનનું આકાશ સ્વચ્છ અને દુ:ખ એટલે જીવનનું આકાશ વાદળગ્રસ્ત: સુખનાં સાત કેન્દ્રો કયાં ?

૧. પહેલું સુખ તે નિરોગી કાયા

૨. બીજું સુખ તે સુલક્ષણી પત્ની

૩. ત્રીજું સુખ તે આજ્ઞાંકિત પુત્ર

૪. ચોથું સુખ તે સુખદ નિવાસ, સંતોષ.

૫. દેવાદાર ન હોવું - પાંચમું સુખ

૬. સજ્જનો સાથેની બેસ-ઉઠ, સ્થિર આવક છઠ્ઠું સુખ

૭. નિર્મળ ચારિત્ર્ય, નિર્ભયતા - સાતમું સુખ

પણ સાચું સુખ તો યૌવનાવસ્થામાં સમાયેલું છે. સંસારમાં રહી સંસારને ભાંડવો એ જીવનનું અપમાન છે. કોઈપણ સુખ વિઘ્ન રહિત ક્યારે પણ હોતું નથી. આ વાસ્તવિક્તા સ્વીકારીને આપણે ચાલવું જોઇએ ? મનુષ્ય જન્મની પ્રાપ્તિ એ જ મોટું સુખ છે. જીવનને વાસી દ્રષ્ટિ કોણથી જોવું એ પાપ છે. જીવન તો એક વહેતું ઝરણું છે - કર્મયોગનું ઝરણું

ઉપેન્દ્રનાથ 'અશ્ક'ની કાવ્યપંક્તિઓ મુજબ -

''પતન મેં અવસિત હૈ ઉત્થાન,

ચઢ ચઢ ગિરના, ગિર-ગિર

ચઢના, જીવન કી દાસ્તાન

પતન મેં અવસિત હૈ

ઉત્થાન.

જીવન તો બહતા

સોતા (ઝરણું) મન

એક દશા મેં નહીં

રહેગા, માન-માન

મતિમાન,

પતન મેં અવસિત

હૈ ઉત્થાન.''

'મહાભારત'ના શાન્તિપર્વમાં કહેવામાં આવ્યું છે તેમ 'સર્વ લોકો પ્રત્યે સમભાવ, વ્યર્થ પરિશ્રમનો અભાવ, સત્યવક્તાપણું, સાંસારિક સુખો પ્રત્યે ઉદાસીનતા અને આસક્તિજન્ય બંધનોના અભાવ - આ પાંચેય જે માણસમાં હોય છે તે સુખી છે.' ચાલવાની પ્રતિજ્ઞા વણકથી પ્રતિજ્ઞા કરીને આ અવનિ પર અવતરિત થએલા આપણે સહુ કર્મરત રહેવા બંધાયેલા છીએ, અંતિમ શ્વાસ સુધી. આત્માને કાયરતા ખપતી નથી, શક્તિ સંપન્નતા ખપે છે. એટલે જ વેદવ્યાસે કહ્યું છે કે શક્તિશાળી હોવા છતાં જે પોતાની શક્તિને પ્રગટ નથી કરતો એ બીજા દ્વારા તિરસ્કૃત થાય છે. પ્રજ્જવલિત અગ્નિનું કોઈ ઉલ્લંઘન નથી કરતું, પરંતુ લાકડાની અંદર રહેલા અગ્નિનું ઉલ્લંઘન સહુ કોઈ કરે છે. આશાઓ, તૃષ્ણાઓ, કામનાઓ, આકાંક્ષાઓ, અભીપ્સાઓના મહાસાગરમાં ક્યારેય તણાતા, ક્યારેક કરીએ છીએ, સુખની શોધમાં, આનંદ અને પ્રસન્નતાના અન્વેષણમાં, પરિતૃપ્તિના અહેસાસ માટે. સંસારી માણસ સંત કબીરની જેમ એમ તો ન જ કહી શકે કે -

'ચાહ ગઈ, ચિંતા ગઈ

મનુવા બે પરવાહ,

જિનકો કછુ ન ચાહિયે

સોઈ શાહંશાહ'

માણસે તો અગન ખેલ ખેલતા રહીને પણ આ ધરતી પર જીવવું છે. ભૂલ થાય, ક્યાંક ચૂક થાય, ક્યાંક કદમ ખોટાં પડે, ક્યાંક નવી વાટ તલાશવી પડે પણ માણસને પોતાનું વામણાપણું સ્વીકાર નથી. વિરાટત્વ જ એનું લક્ષ્ય છે. એણે હારવું નથી ઝુકવું પણ નથી, એણે કસોટીભર્યાં કદમ ભરીને, જિંદગીના પંથે સંચરવું છે. કદાચ એવી મનોવૃત્તિ દ્વારા જ એ 'બિન્દુ'માંથી સિંધુ બની શકે. ઉત્થાન પતનની ચિંતા વગર વિનમ્ર ભાવે જીવન તીર્થના યાત્રી બનીને જીવીએ, એ જ આપણા જીવનની નિયતિ છે. મન રુડું તો જગત રુડું, મન ભૂડું તો માણસને જગત પણ ભૂડું લાગશે. વિચાર, ચિંતન, મનની અગાધ શક્તિની મહામૂડી આપણી પાસે હોય પછી આપણે અકિંચન કેવી રીતે ? પં.હજારીપ્રસાદ દ્વિવેદીએ જીવનને 'કળા' નહીં, પણ 'તપસ્યા' કહીને બિરદાવ્યું છે. 'લટકતા રહેવું' અને 'ભટકતા' રહેવું એ જીવનના વરદાનનું અપમાન છે.

દુ:ખી સુખની ઇચ્છા કરે છે અને સુખી અતિ સુખની ઇચ્છા કરે છે. હકીકતમાં દુ:ખ પ્રત્યે ઉપેક્ષા કેળવવામાં જ સાચું સુખ સમાયેલું છે.

પાપોનું મૂળ લોભ છે. વ્યાધિઓનું મૂળ રસ છે. શોકનું મૂળ ઇષ્ટ વસ્તુઓની કામનાઓમાં રહેલું છે. આ ત્રણેયનો જે ત્યાગ કરે તે સુખી બને. જીવન એ પડકાર છે. 

એનાથી વધુ આસ્થા અને શ્રદ્ધા છે. અને એમાં પવિત્રતાના ઉમેરણ સાથે તૃપ્તિનો ઓડકાર છે. સુપ્રસિદ્ધ ગઝલકાર શ્રીમનહર મોદીએ સાચું જ કહ્યું છે કે ફૂલ કે કાંટાઓ બદલાતા નથી

આપણા મનનાં જ કારણ હોય છે

સુખ-દુ:ખ વિશેની વાસ્તવિક ફિલ્સૂફી અંકિત કરતું આ ભજન પ્રેરણાનો મહાધોધ છે.

''સુખ-દુ:ખ મનમાં ન આણીએ

ઘટ સાથે રે ઘડીયાં,

ટાળ્યાં તે કોઇના નવટળે

રઘુનાથનાં જડિયાં.

નળરાજા સરખો નર નહીં,

જેની દમયંતી રાણી

અડધે વસ્ત્રે વનમાં ભમ્યાં,

નયને નિંદ્રા ન આણી.

સીતા સરખી સતી નહીં,

જેના રામજી સ્વામી

રાવણ તેને હરી ગયો,

સતી મહાદુ:ખ પામી

રાવણ સરખો રાજિયો,

જેની મંદોદરી રાણી,

દસ મસ્તક છેદાઈ ગયાં

બધી લંકા લૂંટાણી

હરિશ્ચંદ્ર સરખો

સત્ વાદિયો

તારા-લોચન રાણી

તેને વિપત્તિ બહુ પડી

ભર્યાં પરઘેર પાણી,

શિવજી જેવા નર નહીં,

જેની પાર્વતી રાણી

ભોળવાયા ભીલડી થકી,

તપમાં ખામી ગણાણી

સર્વદેવોને જ્યારે ભીડ પડી

સમર્યા અંતરયામી,

ભાવટ ભાંગી ભૂઘરે

મહેતા નરસૈયાના સ્વામી

સુખ-દુ:ખ મનમાં ન આણીએ !''

બાલાશંકર કંથારિયાના શબ્દોમાં : 'અરે પ્રારબ્ધ તો ઘેલું

રહે છે દૂર માગે તો

ન માગે દોડતું આવે

ન વિશ્વાસે કદી રહેજે.'

માણસની ખુમારીનો જયજયકાર કરતાં શાયર બરકત વીરાણી 'બેફામ' કહે છે :

કરો ન વાત કે

હું આવો છું ને

એવો છું.

કહી દઉં હવે હું જ

કે હું કેવો છું !

નથી કોઈ ફિરશ્તો

ઓ નિંદકો મારા,

હું માનવી છું,

તમારા બધાય જેવો છું.'


Google NewsGoogle News