વન નાઈટ સ્ટેન્ડ .
- રજનીગંધા-વિભાવરી વર્મા
- 'જ્યાં સુધી મિટિંગ ના ગોઠવાય ત્યાં સુધી એકબીજાના ફોટા સુદ્ધાં જોવા મળતા નથી! બ્લાઈન્ડ ડેટ એટલે ટોટલી બ્લાઈન્ડ ડેટ!'
'ડુ યુ થિંક ઈટ્સ અ ગુડ આઈડિયા ?' યશ હજી બે માઈન્ડમાં હતો. એના ફ્રેન્ડ રૂપાંગે કહ્યું 'જો, તું તારી વાઈફ જોડે કોઈ ચિટીંગ તો કરતો નથી ? બસ, એક રાતનો સવાલ છે. એકચ્યુલી એક રાત પણ નહીં, અમુક કલાકોની જ વાત છે. આખરે શરીરની પણ ડિમાન્ડ હોય કે નહીં ? તું સમજ.'
યશ સમજી તો રહ્યો હતો છતાં એના મનમાં આખી વાત બેસતી નહોતી. યશ અને એની પત્ની ઈરા બન્નેએ એમબીએ કર્યું હતું. બન્ને એક જ કંપનીમાં જ્યારે જુનિયર એક્ઝિક્યુટિવો તરીકે જોડાયા ત્યારે માત્ર એક જ મહિનામાં બન્નેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો.
જુનિયર પોસ્ટ ઉપર હતા ત્યારે તો જોબમાંથી ગુટલી મારીને, અથવા ગમે ત્યાંથી સમય કાઢીને બન્ને એકબીજાની સાથે રહેતા અને ખુબ જલસા કરતા હતા.
પરંતુ બન્નેમાં આગળ વધવાની એમ્બિશન ઠાંસી ઠાંસીને ભરી હતી. આ જુનિયર એક્ઝિક્યુટિવની જોબ તો માત્ર બિઝનેસની આંટીઘૂટી સમજવા માટેની ટ્રેનીંગ હતી. બાકી, યશ અને ઈરા, બન્નેનાં સપનાં બહુ મોટા હતાં... પોતાની કંપની હોય, પોતાનું એક નાનું સરખું રાજ હોય અને કોર્પોરેટ વર્લ્ડમાં એક રિસ્પેક્ટેબલ નામ હોય...
યશ અને ઈરાનાં દિલ અને દિમાગ એટલી હદે મેચિંગ હતાં કે દોઢ બે વરસમાં બન્નેએ લગ્ન કરી લેવાનું નક્કી કરી લીધું હતું અને એ માટેની ગોલ્ડન ઓપોર્ચુનીટી પણ બન્નેને એકસાથે મળી ગઈ !
યશને એક મલ્ટિનેશનલ કંપનીમાં અઢી ગણા પગારે જોબ મળી ગઈ અને ઈરાને એક નવા સ્ટાર્ટ-સપનાં વર્કીંગ પાર્ટનર તરીકેની સોલીડ ઓફર મળી ગઈ ! એ જ વખતે એમણે નક્કી કર્યું કે હવે મેરેજ કરી લેવાં જોઈએ.
બન્નેએ મળીને એક શાનદાર ફ્લેટ લોન પર લઈ લીધો. બન્ને પાસે હવે પોતપોતાની કાર હતી, જે એમની સેલેરી સ્લીપને કારણે આસાનીથી લોન પર મળી ગઈ. બન્નેના પગારો એટલા સારા હતા કે લોનના હપ્તા ચૂકવ્યા પછી પણ મોટી રકમ એમની બેન્કમાં બચતી હતી.
પણ આ જલસાનાં વરસો નહોતાં, આ ખરેખર તો સંઘર્ષમાં વરસો હતાં. બન્ને સખત મહેનત કરી રહ્યાં હતાં અને એમાં જ આ સમસ્યા ઊભી થઈ...
શરૂશરૂમાં તો યશ અને ઈરા વિક-એન્ડમાં મૂવી જોઈ લેતા, રેસ્ટોરન્ટમાં ડીનર એન્જોય કરી લેતા કે મોંઘી હોટલની નાઈટ ક્લબમાં જઈને લગભગ સવાર સુધી જલસો કરી લેતા હતા.
પણ પછી ધીમે ધીમે એ ઘટતું ગયું. બબ્બે પમોશનો લીધા પછી યશને શનિ-રવિમાં પણ કામનો લોડ રહેવા લાગ્યો. ઈરાની કંપનીનું અચાનક એકસ્પાન્શન થવાથી રજા જેવું ખાસ રહેતું જ નહોતું.
ક્યારેક યશને એમ થાય કે આ સેટરડે-સન્ડે શહેર છોડીને ક્યાંક બહાર જઈને એન્જોય કરીએ, ત્યારે ઈરાને એટલો બધો વર્ક-લોડ હોય કે એ પોસિબન ના બને. ક્યારેક ઈરાની ઈચ્છા મુજબ સમર ટાઈમમાં ગોવા કે કોડાઈ કેનાલનું છ દિવસનું પેકેજ બુક કર્યું હોય છતાં છેલ્લી ઘડીએ કેન્સલ કરવું પડયું હોય.
આમ કરતાં કરતાં યશ અને ઈરા વચ્ચે એક સમયે એવી સ્થિતિ આવીને ઊભી રહી કે બન્ને જણાં એક જ બેડમાં સૂતાં હોય, છતાં 'ફિઝિકલ' થવાનું ટાળે ! કેમકે ક્યારેક ઈરા સખત થાકેલી હોય, તો ક્યારેક યશને એ જ વખતે ઈન્ટરનેશનલ ઓનલાઈન કોલ આવી પડે !
યશે એક દિવસ એના કલિગ રૂપાંગ આગળ દિલની ભંડાસ કાઢતાં કહ્યું 'યાર, અને બન્ને પતિ-પત્ની છીએ છતાં છ મહિનાથી એકબીજા સાથે-'
રૂપાંગે તે વખતે આ 'એપ' બતાડયું હતું. એ એમનું નામ જ 'વન નાઈટ સ્ટેન્ડ' હતું. રૂપાંગે કહ્યું 'આમાં મેઈન વાત એ છે કે બન્ને સાઈડથી ટોટલ પ્રાયવસી રહે એટલા માટે જ્યાં સુધી મિટિંગના ગોઠવાય ત્યાં સુધી એકબીજાના ફોટા સુદ્ધાં જોવા મળતા નથી ! બ્લાઈન્ડ ડેટ એટલે ટોટલી બ્લાઈન્ડ ડેટ !'
'હા પણ એકવાર મિટિંગ થઈ જાય પછી તો એકબીજાના ટચમાં આવી જવાય ને ? આમાં જો ક્યાંક ઈરાને ખબર પડી જાય તો-'
'પોસિબલ જ નથી ને ! રૂપાંગે કહ્યું 'બન્નેને એકબીજાના ટચમાં આવવા માટે એપ દ્વારા વન ટાઈમ પાસવર્ડ આપે છે. મિટિંગ પતી ગઈ પછી તમે શોધી શોધીને ઊંધા પડી જાવ!
સામેવાળી વ્યક્તિ તમને ના શોધી શકે, અને તમે પણ એનો કોન્ટેક્ટ ના કરી શકો.''
'હા, પણ જ્યારે એકબીજાને મળીએ ત્યારે તો નંબરોની આપ-લે થઈ શકે ને ?'
'બસ, એ જ વખતે તારે તારી જાતને યાદ કરાવવાનું કે તું ઈરાને અને ફક્ત ઈરાને પ્રેમ કરે છે ! બાકી, જો તારે લફરું જ કરવું હોત તેં તો ક્યારનું કરી જ લીધું હોત ને ?'
યશને આ વાત બરોબર લાગી, તેણે 'વન નાઈટ સ્ટેન્ડ' નામના એપ વડે શુક્રવારની સાંજની એક એપોઈન્ટમેન્ટ ફિક્સ પણ કરી દીધી હતી. અહીં તેનું ડમી નામ 'રેશમ' હતું અને જે આવવાની હતી તેનું નામ 'રેશમા' હતું.
યશ શુક્રવારની સાંજે અહીં એક ખુબસુરત રેસ્ટોરન્ટમાં બેસીને 'રેશમા'ની રાહ જોઈ રહ્યો હતો. તેણે ઈરાને મેસેજ કરી દીધો હતો કે આજે રાત્રે કદાચ ત્રણ પણ વાગી જાય.
સામેથી ઈરાનો પણ મેસેજ હતો કે 'ડોન્ટ વરી, મારે પણ ઓફિસમાં બે તો વાગશે જ.'
હાશ... યશનું અડધું ટેન્શન દૂર થઈ ગયું ! હવે 'રેશમા' આવે એની રાહ જોવાની હતી. અહીં રેસ્ટોરન્ટમાં એનું ટેબલ પણ દૂરના અંધારા ખૂણામાં હતું. બરોબર રાતના નવ વાગ્યાના ટાઈમે મોબાઈલમાં મેસેજ ચમક્યો : 'શી ઈઝ હિયર...'
યશે એ તરફ જોયું. ઝાંખા પ્રકાશમાં એક સુંદર વળાંકો ધરાવતી, ચપોચપ વસ્ત્રો પહેરેલી યુવતી તેની તરફ આવી રહી હતી ! યશનો ધડકનો વધી ગઈ...
પરંતુ જ્યારે એ બિલકુલ નજીક આવી ત્યારે યશ ચોંકી ગયો ! એ ઈરા હતી !
ઈરા પણ યશને જોઈને ચોંકી ગઈ !
બન્ને એકબીજા સામું જોઈ જ રહ્યા... થોડી ક્ષણો પછી ઈરા બોલી : 'ડિયર રેશમા એવરી ફ્રાઈડે આપણે એકબીજાનું આ જ રીતે ચિટિંગ કરતા રહીએ તો કેવું !'