Get The App

નિર્ભયતા કેવી રીતે કેળવશો? .

Updated: Feb 18th, 2025


Google NewsGoogle News
નિર્ભયતા કેવી રીતે કેળવશો?                                          . 1 - image


- એક જ દે ચિનગારી-શશિન્

- સ્વામી રામતીર્થે કહ્યું છે : શું તમે ડરો છો? કોનાથી? ઇશ્વરથી? તો તમે મૂર્ખ છો? માણસથી? તો તમે કાયર છો. પંચ મહાભૂતોથી? તો તેનો સામનો કરો તમારી જાતથી? તો તમારી જાતને ઓળખો

એ ક પિતા અને પુત્ર રસ્તેથી પસાર થઇ રહ્યા હતા. એક શ્વાન ભસતું-ભસતું તેમની પાછળ પડયું. પિતાએ પુત્રને કહ્યું : ''ભાગવા માંડ નહીં તો આ કૂતરું તને અને મને કરડયા વગર છોડશે નહીં.''

છોકરો કાબેલ હતો. એણે કહ્યું : આપણે કેવી રીતે કહી શકીએ કે ભસતા શ્વાનનો ઇરાદો આપણને કરડવાનો છેો. જેમ આપણને તે કૂતરાની બીક લાગે છે તેમ શ્વાનને પણ આપણી બીક લાગતી હશે. લાવો, તમારી છત્રી, હું શ્વાનને પડકારું.

છોકરાએ હોંકાર કરી છત્રી તેની આગળ ધરી, પણ શ્વાન છત્રી પકડવાને બદલે ઉભી પૂછડીએ ભાગ્યું. 

પિતાએ પુત્રને શાબાશી આપી. મોટા ભાગનાં મા-બાપો બાળકોને નિર્ભયતાને બદલે ભયનાં માઠાં પરિણામોનું જ શિક્ષણ આપે છે.

મેદાન છોડી ભાગનાર જીતતો નથી અને જીતનાર જીવનનું મેદાન છોડી ભાગતો નથી ! જીવન ઘડતરનું પ્રથમ સોપાન છે. નિર્ભયતાની ઉપાસના માણસ એક વાર પલાયનવાદી બનવાની શરૂઆત કરે પછી પલાયનવાદની જ તેની આદત બની જાય છે.

અહીં એક હિન્દી એકાંકીના સારાંશનું સ્મરણ થાય છે. એક યોદ્ધા પરાણે-પરાણે યુદ્ધમાં જોડાય છે પરંતુ તેનો આત્મા નિર્ભયતા માટે ટેવાએલો નથી. યુદ્ધના મેદાનમાં તલવારો ટકરાય છે. સામ સામે ભાલાના પ્રહારો થાય છે. બંદૂકોના  ધડાકા-ભડાકા થાય છે. પેલો પોચો સૈનિક સહુની પાછળ ઊભો રહે છે અને હથિયારો વીંઝે છે એને લાગે છે કે પોતાની સેના પરાજિત થઇ રહી છે ત્યારે રણમેદાન છોડી ઘેર દોડી જાય છે. એ ઘેર પહોંચ્યો ત્યારે ઘરનું બારણું બંધ હતું. એની પત્ની ઝરુખામાંથી જોઇ લે છે કે પોતાનો પતિ યુદ્ધ છોડીને કાયર બની ઘેર આવી ગયો છે. એણે બારણું ખોલવાની ધરાર ના પાડી. પેલો સૈનિક વારંવાર વિનંતીઓ કરે છે છતાં તેની બહાદુર ક્ષત્રિયાણી પત્ની મચક આપતી નથી.

એ બન્નેની રકઝક સાંભળી એ સૈનિકની માતા પુત્રવધૂને આદેશ આપે છે કે વહુ દીકરો યુદ્ધનું મેદાન છોડી થાક્યો-પાક્યો ઘેર આવ્યો છે. જા બારણું ખોલ.

પુત્રવધૂએ કહ્યું : ''અરે માડી ! આપ રાજપૂતાણી હોવા છતાં દીકરાને કાયરતાના પાઠ શીખવો છો. તમારો દીકરો તમારું દૂધ લજવી રહ્યો છે !'' પણ સાસુમા બારણું ખોલવાની જિદ પકડે છે અને પુત્રવધૂ બારણું ખોલે છે !

સાસુમા વહુને આદેશ આપે છે કે 'મારો દીકરો ભૂખ્યો તરસ્યો ઘેર આવ્યો છે, તેને માટે ગરમાગરમ શીરો શેકો.'

સાસુના વર્તનથી વહુને આશ્ચર્ય થાય છે. સાસુમા પૂછે છે 'આ લોખંડ અથડાવાનો અવાજ શાનો છે ?'

''મા, લોખંડની તાવડી અને તાવેથો એક બીજાને અથડાય છે.'' પુત્રવધૂ ચોખવટ કરે છે અને સાસુમા કહે છે : ''ખબરદાર લોખંડની બે વસ્તુઓ અથડાવાનો અવાજ આવ્યો છે તો ! લોખંડની બે વસ્તુઓ ટકરાવાનો અવાજ સાંભળીને તો મારો દીકરો રણમેદાન છોડી ઘેર ભાગી આવ્યો છે. ઘરમાં લોખંડની બે વસ્તુઓ અથડાવાનો અવાજ સાંભળી મારો દીકરો ઘર છોડી ભાગી જશે તો આપણએ એને શોધવા ક્યાં જઇશું.''

માતાના શબ્દોનો પેલા સૈનિક પુત્રને ડંખ લાગ્યો. એને ચાનક ચઢી. દોડીને રણમેદાનમાં પહોંચ્યો અને વીરતાપૂર્વક લડતાં લડતાં ખપી ગયો.

જે પડકારોથી ગભરાય છે એ પોતાના પતનને સામેથી નિમંત્રણ પાઠવે છે. જિંદગીનો વણલખ્યો આદેશ છે લોહપુત્ર બનો, પડકારોને પડકારો, ભયને ભયભીત કરો, આફતને હંફાવો. પરાજયની ભાવનાને ઉચકીને ફેંકી દો. જીત મહત્વની નથી પણ મહત્વનો છે જીતવાનો સંકલ્પ. અપરાજેય રહેવાનો પ્રબળ આત્મવિશ્વાસ જો તમારામાં ઉત્સાહનો અગ્નિ પ્રજ્વલિત નહીં હોય તો તમારી જાતને પરાજયની આગમાં ભસ્મીભૂત થતાં કોઇ નહીં રોકી શકે.

વિન્સ લોમ્બાર્ડીએ રમતવીરો માટે એક સરસ વાત નોંધી છે. એણે કહ્યું છે કે, અંગ્રેજી શબ્દકોશમાં 'સકસેસ' એટલે કે સફળતા. વર્ક અર્થાત કાર્ય કરતાં પહેલાં સ્થાન પામ્યો છે. સફળતા માટે આગોતરું નાણું ચુકવવાનું મૂલ્ય છે. માત્ર પ્રેક્ટીસ (અભ્યાસ). પણ માત્ર અધૂરા મનથી પ્રેક્ટીસ કરો તો જીત તમારાથી બાર ગાઉ દૂર રહેશે. યુદ્ધ પહેલાં મનમાં લડાય છે પછી યુદ્ધના મેદાનમાં. મહાનતાની પ્રાપ્તિની કોઇ સીમા રેખા નથી. માણસ ધારે તો ધારે તેટલો મહાન બની શકે છે. વાલ્મિકીજીએ રામાયણના અયોધ્યા કાંડમાં નિર્ભય રહેવાની સલાહ આપતાં કહ્યું છે કે, જે રીતે પાકેલાં ફળોને નીચે પડવા સિવાય કોઇ ભય નથી હોતો, 

એ જ રીતે જેણે જન્મ લીધો છે તે માણસને મૃત્યુ સિવાય અન્ય કોઇ જ ભય નથી હોતો.

ભયથી ત્યાં સુધી ગભરાવં ન જોઇએ જ્યાં સુધી તે ઉપસ્થિત ન થાય. ભયજનક પરિસ્થિતિ ઉપસ્થિત થતાં બહાદુરી દેખાડવા માટે મનને તૈયાર રાખવું જોઇએ અને આશ્વસ્ત કરવું જોઇએ કે એવો કોઇપણ દેશ નથી જ્યાં સંપૂર્ણ નિર્ભયતાની ખાત્રી મળતી હોય.

જેઓ કાયર હોય છે, ભયભીત હોય છે તેઓ ભયનો નિર્દેશ કરીને બીજાને પણ ડરાવતા હોય છે. માણસે આંતરિક ભયની રક્ષા કરીને બાહ્ય ભયનો સામનો કરવા મનને મજબૂત બનાવવું જોઇએ. માણસે સમજી લેવું જોઇએ કે જે ભયને ટાળવાનો કોઇ જ વિકલ્પ ન હોય તેને શરણે જવાને બદલે આત્મબળ વધુ મજબૂત બનાવવું જોઇએ. આ જગત ભયથી ભાગેડું બનેલા લોકોથી ભરેલું છે. તેમાં એક વ્યક્તિનું ઉમેરણ કરવાનો તમને કોઇ જ અધિકાર નથી. ભયની ક્ષણે તેનો સામનો કરવાના સાત દ્રષ્ટિકોણ યાદ રાખવા જેવા છે :

૧. મન અને હૃદયમાંથી ભયને ભગાડો. આંતરિક ભય નાબૂદ થશે તો જ તમે બાહ્ય ભયનો સામનો કરી શકશો.

૨. દુશ્મનાવટ ન કરો પણ ભયને ડરાવનારને તમારા મિજાજનો પરચો તો અવશ્ય આપો.

૩. 'હું હારવાની વાતમાં વિશ્વાસ રાખતો નથી', એવો આત્મવિશ્વાસ જ અડધી લડાઈ જીતવાનું બળ બની જાય છે.

૪. સાચી વાત કહેવામાં ભયગ્રસ્ત ન બનવાથી તમારું મૂલ્ય વધી જાય છે.

૫. ભયની ક્ષણે નકારાત્મક વાક્ય ઉચ્ચારવાનું કદી ન વિચારો, એ તમને નિર્ભયતાને ઊંબરે પ્રવેશતાં જ રોકી દે છે.

૬. ભય શરીરમાં રહેતા રક્તમાં અવરોધો ઉભા કરી તમારા નિર્ભયતા અને ઉત્સાહના વલણમાં હાનિ પહોંચાડે છે. સ્વામી રામતીર્થના શબ્દો યાદ રાખો.


Google NewsGoogle News