નાનાજીની હત્યા.. શા કારણે? .
- રજનીગંધા-વિભાવરી વર્મા
- ચાર સ્કુલો અને બે કોલેજોમાંથી તને કાઢી મુકવામાં આવ્યો. છતાં તારી મા તને 'નાદાન'' અને 'માસૂમ' માનતી રહી...
તે જસની હાલત ખરાબ હતી. હાથ-પગના સ્નાયુઓ એવી રીતે ખેંચાઇ રહ્યા હતા કે જાણે અંદર કોઈએ લોખંડી સ્પ્રીંગો ભેરવી રાખી હોય. પેટમાં રહી રહીને એવી ખતરાના ચૂંક આવી રહી હતી કે જાણે આંતરડાં ખેંચાઈને બહાર આવી જશે. અને દિમાગ ? મગજની તમામ નસો ખેચાઈને તંગ બની ચૂકી હતી. માથું ફટાફટ થતું હતું. જીભમાં સતત મોળ આવતી હતી. હોઠ સૂકાઈને ફાટી રહ્યા હતા. ગળામાં જાણે ફોલ્લા પડયા હોય એવી પીડા થતી હતી.
આ બધું જ તેજસને એટલા માટે થઈ રહ્યું હતું કેમકે છેલ્લા પંદર દિવસથી તેને જેલમાં ડ્રગ્સની એક પણ પડીકી મળી નહોતી !
એ જેલમાં શા કારણે હતો ? ડ્રગ્સની હેરાફેરી કરવા બદલ ? ડ્રગ્સનું સેવન કરીને કાર વડે કોઈને કચડી નાંખવા બદલ ? ડ્રગ્સના નક્ષામાં મારામારી કરીને કોઈના હાથપગ તોડી નાંખવા બદલ ?
ના, એ બધું તો તેજસ આ પહેલાં પણ કરી ચૂક્યો હતો. દર વખતે એની અતિ ધનાઢ્ય (અને ખુબ જ વ્હાલ કરનારી) મમ્મી તેને જેલમાંથી છોડાવી લેતી હતી. પૈસા વેરીને.. લાગવગ લગાડીને... પુરાવાઓ સાથે છેડછાડ કરાવીને.. અતિશય મોંઘા વકીલોને મોં માગી ફી ચૂકવીને...
પરંતુ આ વખતે તેજસ એના નાનાજીની હત્યા કરવા બદલ જેલમાં હતો, હા એના સગા નાનાજીને સતત ૪૦ થી વધુ વખત ચપુના ઘા મારીને, એમના જ ઘરમાં, એમના જ ડ્રોઇંગરૂમમાં એમની જ વ્હીલચેરમાં મારી નાંખવા બદલ તે અહીં હતો.
એને હતું કે દર વખતની જેમ એની મમ્મી એને છોડાવી લેશે, બચાવી લેશે, બધું 'સગેવગે' કરી નાંખશે. કમ સે કમ અહીં આ જેલમાં એને ડ્રગ્સ મળતાં રહે એટલું તો 'સેટિંગ પાડી જ આપશે.'
પણ કોણ જાણે કેમ, એની મમ્મી એને આટલા પંદર દિવસમાં મળવા પણ નહોતી આવી. આજે એ આવવાની હતી..
***
મિસિસ રાજેશ્વરી રાયબહાદુરની પાંચ કરોડની લકઝુરીયસ સફેદ કાર જેલના દરવાજા પાસે આવીને ઉભી રહી.
અંદરથી સફેદ સિલ્કની સાડી કોણી સુધીનું સફેદ બ્લાઉઝ, સફેદ સેન્ડલ અને સફેદ ઇમ્પોર્ટેડ પર્સ સાથે પંચાવન વર્ષની ઉંમરના રાજેશ્વરીજી બહાર નીકળ્યાં. દરવાજો ખોલવા માટે શહેરના મશહૂર વકીલનો એક આસિસ્ટન્ટ હાજર હતો.
રાજેશ્વરીજીએ ઉતરતાંની સાથે કાળા ગોગલ્સ સરખા કરતાં ધીમા અવાજે પૂછ્યું કેમ છે મારા દિકરાને ?
'જી મેડમ, બહુ ધમપછાડા
કરે છે..'
તમે કહેતા હો તો એને થોડી રાહત મળે એટલા ખાતર-
'એક મિલિગ્રામ જેટલું પણ ડ્રગ્સ આપવાનું નથી.' શુષ્ક છતાં કડક અવાજે તે બોલ્યાં અને જેલના દરવાજા તરફ ડગલાં ભરી ગયાં.
અંદર મુલાકાતના રૂમમાં, જાળી પાછળ તેજસ ખુરશીમાં બેઠો હતો. તેના હાથ અને પગ બન્ને દોરડાં વડે બંધાયેલાં હતા. મમ્મીને આવતાં જોઈને તે સીધો જ જાળી તરફ ઘસી ગયો.
'મમ્મી શું છે આ બધું ? તું કેમ કંઈ કરતી નથી ? બહાર કાઢ મને ! એકવાર હું બહાર આવું પછી તું જોજે, આ બે બદામના જેલવાળાઓની હું કેવી હાલત કરું છું... સાલા ચવ્વની છાપ સરકારી નોકરો !'
રાજેશ્વરીજી કંઈ જ બોલ્યાં નહીં. આંખો ઉપરથી ગોગલ્સ પણ હટાવ્યાં નહીં. તેજસ એનો બળાપો કાઢતો રહ્યો. ઘાંટા પાડતો રહ્યો. જાળી ઉપર મુઠ્ઠીઓ પછાડતો રહ્યો. દરમ્યાનમાં રાજેશ્વરીજીની નજર સમક્ષ સોળ દિવસ પહેલાનું દ્રશ્ય વધુ એકવાર કોઈ ફસાઈ ગયેલી ફિલ્મની પટ્ટીની જેમ વારંવાર ભજવાતું રહ્યું.
***
'નાનાજી, તમે હંમેશા મને અન્યાય કર્યો છે. ફક્ત એટલા માટે કે હું તમારા દિકરાનો નહીં પણ દિકરીનો દિકરો છું ! શું હું ભણેલો ગણેલો નથી ? શું મારામાં કાબેલિયત નથી ? શું મને બિઝનેસ ચલાવતા નથી આવડતો ? હું બધું જ કરી શકું છું. છતાં તમે મને તમારી વસિયતમાંથી માત્ર ૧૫ કરોડ જ આપ્યા ?'
'તું તો એટલાને પણ લાયક નથી તેજસ !' વ્હીલચેરમાં બેઠેલા ૮૫ વરસતા રાજવીર રાયબહાદૂર સ્હેજ ધુ્રજતા છતાં કડક અવાજે બોલ્યા હતા 'તું ભણેલો ગણેલો હોવાની વાત કરે છે ? તને છેક કેજીથી લઈને કોલેજ સુધી પાસ કરાવવા માટે તારી મા રૂપિયા ખરચતી રહી. ચાર સ્કુલો અને બે કોલેજોમાંથી તને કાઢી મુકવામાં આવ્યો. છતાં તારી મા તને 'નાદાન'' અને 'માસૂમ' માનતી રહી... તું ડ્રગ્સમાં, મારામારીમાં કાર વડે નિર્દોષ લોકોના જાન લેવાના કેસોમાં ફસાયો... દર વખતે તારી માના કહેવાથી મેં તને છોડાવ્યો..એ પછી પણ તારી મમ્મીના કહેવાથી મેં તારી ઉપર ભરોસો મુકીને તને મારી બે ફેક્ટરીઓ ચલાવવા આપી ! પરંતુ બે જ વરસમાં બન્ને ફેક્ટરીઓના દેવાળાં ફૂંકાઈ ગયાં ! છતાં હજી તું સમજે છે કે તું કાબેલ છે ? અરે તું મારો પટાવાળો થવાને લાયક નથી ! છતાં આ પંદર કરોડ તારે નામે કર્યા છે એનો ઉપકાર માન.
'ઉપકાર?' તેજસ ગુસ્સાથી ધુ્રજવા લાગ્યો હતો.
'હા ઉપકાર !' નાનાજીએ ચોપડાવી હતી. ઉપકાર માન કે મેં તને ધક્કા મરાવીને મારા ઘરમાંથી કાઢી નથી મુક્યો ! ઉપકાર માન કે મેં તને આટલું પણ બોલવા દીધો છે.
'નાનાજી ! બસ, બહુ થયું હવે એક પણ શબ્દ આગળ બોલ્યા છો તો-' તો શું કરી લઈશ?
એના જવાબમાં તેજસે ચપુ કાઢીને સતત ૪૦ થી વધુ ઘા કરીને નાનજીને ત્યાંના ત્યાં જ લોહીલુહાણ કરી નાંખ્યા હતા...
***
જેલમાંથી નીકળીને રાજેશ્વરીજીએ કાર સીધી તેમના વકીલની ઓફિસે લેવડાવી. એમની કેબિનમાં જઈને એમણે કહ્યું : 'તમને મોં માગ્યા પૈસા મળી જશે, સ્થિર સપાટ પણ આ તેજસ.'
'જી મેડમ ! ફક્ત એક વાર કોર્ટમાં હાજર થઈને દલીલ કરવાની ૧ કરોડ રૂપિયા ફી લેનારા વકીલ સાહેબ પડયો બોલ ઝીલવા તત્પર હતા. એ રાજેશ્વરીનો હુકમ સાંભળવા માટે ઉભા થઈ ગયા. રાજેશ્વરી બોલ્યાં : ' આ છોકરો કમ સે કમ દસ વરસ સુધી જેલમાંથી બહાર ન આવવો જોઈએ !'' વાંક તો મારો જ છે, ભૂલ પણ મારી જ છે. પરંતુ હવે એ તેજસ નામની આવડી મોટી ભૂલ સુધારવાનો આ જ મોકો છે.
રાજેશ્વરીએ ઉભા થઈને જતાં જતાં ગોગલ્સ કાઢીને આંખો લૂછી લીધી.