સોના કરતાંય મૂલ્યવાન તાંબાના અલભ્ય સિક્કાનો ચરુ
- હરતાં ફરતાં-વિક્રમ વકીલ
એ ક જમાનો હતો જ્યારે દર ત્રીજા તરણ દેશવિદેશની ટપાલટિકિટો કે સિક્કાઓનો સંગ્રહ કરતો. માત્ર સિક્કા સંગ્રાહકોને જ નહીં, પણ ઇતિહાસમાં થોડોઘણો રસ ધરાવતા હોય તેવા લોકોને પણ રસ પડે તેવા આ સમાચાર છે. ઇંગ્લેન્ડના ઓક્સફર્ડ નગર નજીક એક ખેતરમાં બ્રાયન મેલિન નામનો માણસ ખોદકામ કરી રહ્યા હતો. અચાનક જ તેના હાથમાં, બાળવાર્તાઓમાં વાંચવા મળતું હોય છે તેમ, સિક્કાઓનો ચરુ હાથ લાગ્યો. પૂરા ૫૦૦૦ સિક્કા હતા. તે અલબત્ત, તાંબાના હતા, પણ સોના કરતાંય વધારે મૂલ્યવાન હતા. બ્રાયનને નવાઈ એ જાઈને લાગી કે બધા સિક્કા એકબીજા સાથે ચોંટી ગયા હતા. તે ખૂબ જૂના છે એ તો પહેલી જ નજરે દેખાઈ આવતું હતું. બ્રાયને આંખેઆખો ઘડો પુરાતત્ત્વવિદોને સોંપી દીધો. સિક્કાઓના બારીક પરીક્ષણ પછી જે તારણ સામે આવ્યું એનાથી તેમની આંખો પહોળી થઈ ગઈ. આ સિક્કા પોણા બે હજાર વર્ષ જૂના છે. ચોક્કસ સાલ કહીએ તો ઇસવી સન ૨૫૦ થી ૨૭૦ વચ્ચેના છે. સિક્કા પર જેનો ભેદી ચહેરો અકાયેલો છે તે 'રોમન સમ્રાટ' ડોમિશિઅન્સનો છે. ઇતિહાસકારોની થિયરી પ્રમાણે ડોમિશિઅન્સે બ્રિટન અને ફ્રાન્સ પર તે જમાનામાં 'રાજ' કર્યું હતું. આવો જ સિક્કો ૧૦૦ વર્ષ અગાઉ કોઈ ફ્રેન્ચ માણસને મળી આવ્યો હતો, પણ એને બનાવટી ગણી લેવામાં આવેલો. ઇંગ્લેન્ડમાંથી મળી આવેલા આ સિક્કા પરથી ફલિત થઈ ગયું છે કે ફ્રેન્ચ માણસે જેન્યુઇન સિક્કો જ પેશ કરેલો. કહે છે કે ડોમિશિઅન્સ ખૂબ ઘમંડી અને વિદ્રોહી હતો. પોતાને સમ્રાટ ગણાવીને એણે આવા સિક્કા બનાવડાવ્યા હતા. રાજદ્રોહ કરવા બદલ તેનો દેશનિકાલ કરવામાં આવ્યો હતો. ઇસવી સન ૨૫૦થી ૨૭૦ દરમિયાન રોમન સામ્રાજ્યમાં ઘણી ઉથલપાથલ થઈ હતી અને એક પછી એક પાંચેક સમ્રાટો ગાદી પર બેઠા હતા. બ્રાયને શોધી કાઢેલા ડોમિશિઅન્સના સિક્કા અત્યારે બ્રિટિશ મ્યુઝિમમાં મૂકવામાં આવ્યા છે.
ચીનના તરુણમા કોસ્મેટિક સર્જરી કરાવવાનો ક્રેઝ
આપણે ત્યાં આજકાલ એસએસસી અને એચએચસીનાં પરિણામોની મોસમ ચાલે છે. દીકરો કે દીકરી સારા માર્ક્સ લાવે અને એડમિશનની ધમાલ પુરી થઈ જાય પછી ખુશખશાલ મમ્મીપપ્પા ગિફ્ટમાં એને શું આપે? મોંઘી હોટલમાં પાર્ટી, કપડાં કે પછી કાઈનેટિક હોન્ડા પ્રકારનું કોઈ વાહન. આપણા તરુણો ડાહ્યાં છે. સારા માર્કે પાસ થયેલાં ચીની છોકરાછોકરીઓ વાલી પાસે આ એક માગણી કરે છે : અમને કોસ્મેટિક સર્જરી કરાવી આપો! ચીનમાં આજકાલ આ નવો ટ્રેન્ડ ચાલ્યો છે. ચીનના મહાનગરોમાં પ્લાસ્ટિક સર્જરી કરાવનારાઓમાંથી ૯૦ ટકા ઊગીને ઊભા થતાં આ સ્કૂલી બચ્ચાંઓ હોય છે. ચીની છોકરીઓને એમનાં ચીબા નાક જરાય ગમતાં નથી. કુમળી કન્યાઓ નોઝ-જાબ દ્વારા નાક ઘાટીલું કરાવે અને લબરમૂછિયા છોકરાઓ લિપોસક્શન દ્વારા હોઠ ભરાવદાર બનાવડાવે છે. થોડાં વર્ષ જવા દો. ચીનાઓની આગામી પેઢી વાલીઓને કહેવાની : મોમ, પોપ્સ, અમારે ઠીંગણા નથી રહેવું. અમારી હાઇટ અમેરિકનો જેવી થઈ જાય તે માટે હોર્મોન્સનાં ઇંજેકશનો મરાવી આપોને!
એનર્જી ડ્રિન્ક કઈ રીતે પહેલીવાર બજારમાં મૂકાયું
ઓસ્ટ્રિયાના ડિટ્રીચ મેસ્ચીટ્ઝની માલિકીનું રેડ બુલ આજે દુનિયામાં સૌથી વધુ વેચાતું એનર્જી ડ્રિન્ક છે. ૧૯૮૦માં મેસ્ચીટ્ઝ જર્મનીની કોસ્મેટિક કંપની બ્લેન્ડેક્સ માટે પૂર્વ એશિયામાં માર્કેટિંગનું કામ સંભાળતા હતા. ફ્રેન્કફર્ટથી તેઓ વિમાનમાં બેસીને ટોકિયો કે બિજિંગ પહોચે ત્યારે જેટ લેગને કારણે તેમનું માથું ભારે ભારે થઈ ગયું હોય. બહુ લાંબી વિમાની મુસાફરી કરવામાં આવે ત્યારે આવી સ્થિતિ થતી હોય છે. જેટ લેગ માટે એક ઉપાય કોફી પીવાનો છે, પણ જરા જુદી રીતે. જાણકારો કહે છે કે વિમાનમાં વિદેશની લાંબી મુસાફરી કરવાની હોય ત્યારે દસેક દિવસ પહેલાંથી ચા કોફી પીવાનું બંધ કરી દેવાનું. કેફેનવાળાં ઠંડાં પીણાં પણ નહીં પીવાનાં. આ રીતે શરીરને કેફેનથી થોડું વંચિત રાખ્યા પછી
ખરેખર જ્યારે મુસાફરી કરવાની આવે ત્યારે મુસાફરી બાદ એક મોટો કપ સારી કોફી પીવાથી જેટ લગની અસર નાબૂદ થાય છે. મેસ્ચીટ્ઝને કોફીની આ અસરની ખબર હતી, પણ તે માટે અગાઉ ચા-કોફી છોડવાં પડે તે પળોજણ હતી. આ મુસાફરી દરમિયાન તેમના ધ્યાનમાં એ વાત આવી કે બેંગકોકના ટેક્સીવાળા રાત્રે ઊંઘ ઉડાવવા કંઈક પીણું પીતા હોય છે. બેંગકોકના એક ટેક્સીવાળાએ તેમને સમજાવ્યું કે આ ક્રેટિંગ ડાયેંગ નામનું સ્થાનિક પીણું છે અને તેનાથી ઊંઘ ઊડી જાય છે. આ પીણામાં પણ કેફેન જ હોય છે અને તેની સાથે ટોરિન નામનો પદાર્થ પણ ભેળવેલો હોય છે. તેણે આ પીણું પીધું અને તેનો જેટ લેગ ગાયબ થઈ ગયો. મેસ્ચીટ્ઝને આઇડિયા મળી ગયો કે આ પીણું તો યુરોપમાં બહુ કામનું છે. ક્રેટિંગ ડાયેંગનો અર્થ થાઈ ભાષામાં થાય લાલ આખલો. તેમણે મોટું નાણાકીય રિસ્ક લઈને આ લાલ આખલાને રેડ બુલના નામે યુરોપની બજારમાં મૂકવાનું નક્કી કર્યું. રેડ બુલનો સ્વાદ બેંગકોકમાં થોડો તૂરો હતો. યુરોપિયનોને ગમે તેવો મીઠો બનાવ્યો અને તેને કાર્બોનેટ પીણું બનાવ્યું. એ રીતે મેસ્ચીટ્ઝે તેને એનર્જી ડ્રિન્ક તરીકે બજારમાં મૂકયું.
ગણેશજીના એકસો આઠ નામમાં અનેરી ઓળખ અને શક્તિ પ્રગટ થાય છે
ગણેશજીના જન્મની સાથે તેમને માથે હાથીના મસ્તક અંગે અગણિત કથાઓ પૌરાણિક સાહિત્યમાં મોજૂદ છે. એવું બનતું આવ્યું છે કે પ્રત્યેક યુગમાં ગણેશજીએ નવો અવતાર ધારણ કર્યો છે અને દરેક યુગની ચેતનાને તેમણે પોતાનામાં આત્મસાત કરી છે. ગણેશને એકસો આઠ જુદે જુદે નામે ઓળખાવાય છે અને એ દરેક નામમાં તેમની કોઈને કોઈ ઓળખ તથા શક્તિ પ્રગટ થાય છે. એકદંત, વક્રદંત, ગજવક્ર, લંબોદર, વિઘ્નરાજ, ધુમરવર્ણ, ભાલચંદ્ર, વિનાયક, ગજાનન ઇત્યાદિ અનેક નામે ગણપતિ ઓળખાતા રહ્ના છે. મહારાષ્ટ્રમાં અને મહારાષ્ટ્રીયનોમાં અષ્ટવિનાયકનું વિશેષ મહત્ત્વ છે. આ અષ્ટવિનાયકની યાત્રામાં સકળ તીર્થોની યાત્રાનું ફળ મળે છે એવું મનાય છે. આ અષ્ટવિનાયકમાં મોરેશ્વર, બલાલેશ્વર, સિદ્ધિવિનાયક, ચિંતામણિ, ગિરિજાત્મક, વરદ વિનાયક, વિઘ્નેશ્વર, મહાગણપતિ નામે ઓળખાતા અને મહારાષ્ટ્રમાં જ આવેલા પ્રત્યેક તીર્થસ્થાનની અનોખી રસપૂર્ણ કથા છે. આમ તો પ્રત્યેક પ્રાંતમાં ગણેશજી પૂરા આદરપ્રેમ સાથે પૂજાય છે, પણ મહારાષ્ટ્રમાં તેનું અદકેરું મહત્ત્વ છે.
અમેરિકન મહિલાઓનો વિચિત્ર ક્રેઝ
પશ્ચિમના કલાસિક યુગના ચિત્રકારોએ પોતાનાં ચિત્રોમાં સ્ત્રીઓનાં સાથળને વધુ જગ્યા ફાળવી હતી. હવે વ્યાખ્યા બદલાઈ છે. પશ્ચિમની નારીઓ, ખાસ કરીને અમેરિકાની સન્નારીઓ શરીરના કોઈ અંગ બાબતમાં સૌથી વધુ સભાન હોય તો સાથળની બાબતમાં છે. બેચાર ઇંચ વધારે જગ્યા રોકે એવાં સાથળ પણ તેઓને પસંદ નથી. સાથળને સોરી નાખે (ટ્રીમ કરે) એવાં ક્રીમ અને લોશનોની આજે અમેરિકામાં બોલબાલા છે. બજારોમાં બાવન કિસમનાં ક્રીમ મળે છે અને વરસદહાડે ૨૭ કરોડ રૂપિયાનાં આવાં ક્રીમ એકલા અમેરિકામાં જ વેચાય છે. પાતળાં સોટા જેવા સાથળ ફેશનમાં છે. સ્ત્રીના શરીરના કુલ વજનમાં ત્રીજા ભાગનું વજન માત્ર બે સાથળનું હોય છે. અમેરિકાની મોટી ભાગની સ્ત્રીઓને પોતાનાં સાથળ બાબતમાં અસંતોષ હોય છે. લિપોસકશન પદ્ધતિથી તેઓ ચરબી દૂર કરાવે છે અને તે માટે લાખથી પાંચથી દસ લાખ રૂપિયાનો ખર્ચ કરવા તૈયાર રહે છે. પણ જે સ્ત્રીનું વજન આદર્શ વજન કરતાં માત્ર વીસ ટકા વધુ હોય તેમને જ આ લિપોસકશન પદ્ધતિ મદદરૂપ નીવડ શકે છે. વેન્ડી સ્ટેલિંગ નામની લેખિકાએ સાથળ વિશે એક પુસ્તક લખ્યું છે : 'થિન થાઇઝ ઇન થર્ટી ડેય્ઝ.' આ પુસ્તક પ્રસિદ્ધ થયું ત્યારથી આજ સુધીમાં તેની વીસ લાખથી વધુ નકલો વેચાઈ છે. લિપોસકશનનો જ્યારે જમાનો હતો ત્યારે (૧૯૮૬-૧૯૮૭માં) અમેરિકામાં ત્રણ લાખ દસ હજાર સ્ત્રીઓનાં સાથળ સમથળ કરાયાં હતાં. હવે તે પ્રમાણ ઓછું થયું છે પણ થાઇઝને રૂપાળાં બનાવવાનો મેનિયા હજુ અકબંધ છે.