Get The App

જીવનમાં ચારિત્ર્યશીલતાનું મહત્વ .

Updated: Dec 17th, 2024


Google NewsGoogle News
જીવનમાં ચારિત્ર્યશીલતાનું મહત્વ                                            . 1 - image


- એક જ દે ચિનગારી-શશિન્

- શું બિનકળિયુગી માણસ બનવાનો કોઈ ઉપાય નથી ? છે, અજમાવી જુઓ આ સાત ઉપાયો પૂછો. કયા - કયા?

''ત મે કશું જ જાળવી ન શકો તો કોઈ પણ ભોગે તમારું ચારિત્ર્ય તો જાળવજો જ'' એક વડીલે પરદેશ જતા યુવકને કહ્યું ''ચારિત્ર્ય ? આજે એનો કોણ ભાવ પૂછે છે. મજા, યસ મિસ્ટર કમ, મનીનો મિસ્ટર ગો'-નો જમાનો છે. યુવકે કહ્યું ચારિત્ર્ય એટલે સદાચાર, પવિત્ર આચરણ. સદાચરણમાં એક અનોખી શક્તિ છે, એ મહાત્મા ગાંધીએ ચરિતાર્થ કરી બતાવ્યું.

કમળ કીચડ વચ્ચે પણ ખીલે છે. પણ આજ કાલ કીચડ વધી રહ્યો છે તેટલા પ્રમાણમાં કમળ ખીલતાં નથી એ આજના જીવનની કરૂણતા છે. વધતો જતો કીચડ એ કમળોની સંખ્યા વધવાનો શંખનાદ નથી.

સમાજ એટલે પરસ્પરના સહયોગથી તૃષિત વ્યવસ્થા. આ વ્યવસ્થામાં વિકૃતિની વાત કરીએ છીએ ત્યારે એનું મૂળ કારણ વીસરી જઈએ છીએ. સમાજ કોઈને એકલપેટા થઈને સુખ ભોગવવાની પરવાનગી આપતો નથી કારણ કે પરસ્પરાવલંબન તેનો પાયો છે. બીજાનું સુખ તમારા સહયોગ પર અવલંબિત છે તેમ તમારું સુખ પણ કોઈ અન્યના સહયોગ અને સન્નિષ્ઠા પર અવલંબિત છે. ઔદાર્ય સુયોગ જન્માવે અને કંજૂસાઈ રોગ. સમાજ વિકૃતિઓનું કારણ એક-મેકના સંબંધોમાં વરતાતી ઉદારતાની ખોટ અને કંજૂસાઈની પ્રધાનતા છે. સંબંધો જ્યારે ચારિત્ર્યહીન બને અને ભોગપ્રધાન બને ત્યારે એમાંથી સહજતાની ખુશબુ વિલોપાવા માંડે.

જમાનો બદલાયાનો કે બગડયાનો બળાપો આપણે વ્યક્ત કરીએ છીએ ત્યારે એક વસ્તુ તરફ આપણું ધ્યાન જતું નથી કે વિકૃતિઓ તો દરેક જમાનામાં જોવા મળે છે. દુરાચાર નહીં હોવાની ગેરન્ટી તો કોઈ સમાજ કેવી રીતે આપી શકે ? પ્રશ્ન માત્ર એ છે કે દુરાચાર બદલ માણસ શરમાય એવું વાતાવરણ પેદા કરવા માટે બહુજન સમાજ સંકલ્પબદ્ધ છે ખરો ? જો આવું ન બને તો માણસના દુરાચારને મોકળું મેદાન મળી જાય અને સરવાળે સમાજ દૂષિત-પ્રદૂષિત થઈ જાય. ચારિત્ર્યશીલ માણસ જ સમાજની મૂડી છે.

સમાજમાં જીવતા માણસને જ્યારે એમ લાગે કે હું જેમની વચ્ચે જીવી રહ્યો છું એમને મારે માટે નામ માત્રની લાગણી નથી, મારી સમસ્યાઓ, પીડાઓ તથા વ્યથા સાથે કોઈને સ્નાન સૂતકનો સંબંધ નથી ત્યારે માણસની. સમાજ વ્યવસ્થામાંથી શ્રદ્ધા ઉઠી જાય છે અને એ અવિચારી બને છે. હિંસક, ઘાતકી અને ક્રૂર બની જાય છે, કારણ કે એની ખંડિત શ્રદ્ધા એના મનમાં પ્રતિશોધની વૃત્તિ જન્માવે છે. જે સમાજ પદ અને પૈસાને પ્રતિષ્ઠા આપે પણ લાયકાત અને ચારિત્ર્યની સદંતર ઉપેક્ષા કરે છે એ સમાજ સદાચારી માનવીઓની બહુમતી અપેક્ષા રાખી પણ કેવી રીતે શકે. આપણે પાપી પ્રત્યે નફરત દાખવીએ છીએ પણ પાપી બનવાના તેના કારણની તપાસમાં ઊંડા ઉતરીએ છીએ ખરા ? મહાત્મા ગાંધીજીએ 'હણોના પાપીનો દ્વિગુણ વધશે પાપનાં'-ની ભાવના એટલે જ વ્યક્ત કરી હતી. જે સમાજમાં 'કમળા' એટલે લક્ષ્મીનો આદર થાય અને 'કમળ'નો ભાવ ન પૂછાય એ સમાજમાં 'કમળ'ની માવજત કરવામાં કોને રસ હોય ?

શ્રી યુવાચાર્ય મહાપ્રજ્ઞો એક મર્મસ્પર્શી પ્રસંગ વર્ણવ્યો છે. એક માણસ જંગલોમાંથી પસાર થઈ રહ્યો હતો. ચાલતાં-ચાલતાં તેને તરસ લાગી. ગરમીના દિવસો. તેમાંય ધોમધમતો બપોર. ખૂબ શોધખોળ કરતાં તે માણસને એક કૂવો દેખાયો. એણે જોયું કે કૂવામાં પાણી છે. કાંઠે ડોલ અને દોરડું પણ પડેલાં છે. પરંતુ કૂવામાંથી પાણી કાઢી આપે તેવું કોઈ હાજર નથી ! એ માણસે વિચાર્યું કે પાણી તો હું કાઢી શકું પણ મારાથી કઢાય કેમ ? હું તો અમીરજાદો છું ! મારી મોટાઈને બટ્ટો લાગે એના કરતાં તરસ્યા બેસી રહેવું સારું. કોઈ તરસ્યો માણસ આવશે તો તે કૂવામાંથી પાણી કાઢશે. હું પાણી પી લઈશ !

એવામાં એક બીજો માણસ ત્યાં આવી ચઢ્યો. એણે ત્યાં બેઠેલા માણસને કહ્યું : ''એ ય !'' કૂવામાંથી પાણી કાઢ. મને તરસ લાગી છે ?

પેલા માણસે કહ્યું : ''તારે પાણી કાઢવું હોય તો કાઢ, હું અમીરજાદો છું.'' બીજા માણસે કહ્યું : ''તું અમીરજાદો છે તો હું નવાબજાદો છું. મારાથી પાણી ના કઢાય. એટલામાં ત્રીજો માણસ પાણી-પાણી ક્યાં છે કરતો હાજર થયો છું. એણે કહ્યું હું શાહજાદો છું. એટલે મારાથી આવું હલકું કામ કેવી રીતે થાય ?''

એટલામાં એક બીજો માણસ આવી ચઢ્યો. એ પણ તરસ્યો હતો. એણે જોયું દોરડું, ડોલ અને પાણીથી ભરેલો કૂવો હાજર છે. પછી હું બીજા પાસે પાણી શું કામ માગું ? એણે પાણી કાઢ્યું એટલે પેલા અમીરજાદા, 

નવાબજાદા, શાહજાદાએ તેની પાસે પણ પાણી માગ્યું. એટલે કહ્યું : ''હું તમને કોઈને પાણી નહીં આપું. એણે પાણી પીધું અને બાકીનું ઢોળી દીધું ! પેલા ત્રણે પૂછ્યું તું કોણ 'જાદો' છે એ તો કહે ? એણે કહ્યું : હું પણ તમારા કરતાં કમ નથી, હું 'હરામજાદો' છું. હું પાણી પીઉં છું. ખરો પણ કોઈને પાણી આપતો નથી. પેલા ત્રણ પૈકી એકે પૂછ્યું : ''તું 'હરામજાદો' કેવી રીતે બન્યો ?'' એણે કહ્યું : ''તમે અમીરજાદાઓ નવાબજાદાઓ શાહજાદાઓએ જ મારા જેવા 'હરામજાદાઓ'' પેદા કર્યા છે !

કેવો માર્મિક વ્યંગ્ય છે. સમાજમાં કોઈ હરામજાદો જન્મતો નથી, પણ સમાજની કુ વ્યવસ્થા જ હરામજાદાઓ પેદા કરે છે. આજે આપણે બેરોજગારી અને કામ નહીં કરવાની તક નહીં કરવાની ફરીયાદ કરીએ છીએ પણ એ માટે માણસની વૃત્તિ જ જવાબદાર છે. મોટા થવા માટે નાના થવું પડે. આપોઆપ મોટાઈ પ્રાપ્ત થતી નથી. જ્યારે સમાજમાં સુખી અને સંપન્ન લોકો આરામ અને ચેનથી રહે છે અને બીજી તરફ ઘોર ગરીબીમાં સબડતા લોકોની કોઈ દરકાર નથી કરતા અને બેઈમાન લોકોની સમાજમાં બોલબાલા વધે છે ત્યારે કવિ કરસનદાસ માણેકને પૂછવાનું મન થાય છે કે

''કામધેનું ને સૂકુંયે તૃણ

ન મળતું,

ને લીલાંછમ ખેતરોને

આખલા ચરી જાય છે,

મને એ જ સમજાતું

નથી કે

કેમ આવું થાય છે ?''

ગરીબ માણસ પણ ગરીબ તરીકે પોતાની ઉપેક્ષા સહન કરી શકતો નથી. ગરીબીને એ નસીબે આપેલો દંડ માનતો નથી પણ સામાજિક અસમાનતાનું કારણ માને છે તેમાંથી તેનામાં અપરાધભાવ જન્મે છે. અંધારી આલમના માનવીને અંધારામાં પાપ કરતાં સંકોચ થતો નથી. કારણ કે એણે ધોળે દહાડે 'ઉજળાં' માનવીઓને કાળાં કરતૂત કરતાં નજરે નિહાળ્યાં છે. એટલે એ કઠોર અને નઠોર બની ગયો છે.

સમાજ જ્યારે પાપના નૈતિક મૂલ્યો, સદાચાર, ચારિત્ર્યશીલતાની સદંતર ઉપેક્ષા કરે છે ત્યારે શાશ્વત જીવન મૂલ્યો સામે ખતરો ઉભો થાય છે. એમાંથી જન્મે છે 'કુભાવ' : ''મારે શું ? અને મારું શું ?'' ક્યારેક લોકો એવી પણ દલીલ કરતાં હોય છે જ્યાં સઘળું સર્વનાશોન્મુખી હોય ત્યારે આપણે મૂલ્યનિષ્ઠ રહીએ એની કોણ કદર કરવાનું હતું ? સમાજનો પૂરેપરો લાભ લેવો પણ જીવવું માત્ર પોતાને માટે, આવો અધમ દ્રષ્ટિકોણ જ સમાજમાંથી શુદ્ધિની બાદબાકીનું નિમિત્ત બને છે. શું બિનકળિયુગી માણસ બનવાના કોઈ જ ઉપાયો નથી ? છે, અવશ્ય છે આ સાત ઉપાયો અજમાવી જુઓ :

૧. પ્રત્યેક સવારની શરૂઆત પ્રાર્થના કરી પરમતત્વને કહો કે તમને દસે દિશાઓમાં ફેલાયેલી પવિત્રતાનું ખુશ્બોનું તમને દાન કરે.

૨. મળેલા જીવનને ઓછા ધન કે ઓછી આવકને કારણે અભિશાપ માનવાને બદલ પરિશ્રમપૂર્વક પ્રમાણિક્તાથી ધન કમાઓ.

૩. સુખ અને વૈભવની તૃષામાં રાચવાને બદલે સંતોષી જીવન જીવવા મનને તૈયાર કરો.

૪. સેવાની સદ્ભાવનાથી સત્તાના ક્ષેત્રમાં પ્રવેશો. ઊંચા પદને શોષણનો નહીં પણ માનવતાનાં પોષણનો મોકો સમજો.

૫. મન-વચન-કર્મમાં સત્યનો પહેરો રાખો.

૬. ઘરને ભોગાલય નહીં, પણ પ્રેમાલય અને સંસ્કારધામ બનાવો. ઘર એ પોતે બિનકળિયુગી બનવાની અને સંતાનોને નિકનિયત બનાવવાની ઘડતર શાળા છે.

૭. માનવતા અને શુદ્ધ આચરણથી મોટો કોઈ જ ધર્મ નથી, એ વાત સદાય સતત સ્મરણમાં રાખો.


Google NewsGoogle News