Get The App

એક જ મિસ-કોલની ઘટના, અને... .

Updated: Dec 17th, 2024


Google NewsGoogle News
એક જ મિસ-કોલની ઘટના, અને...                                               . 1 - image


- રજનીગંધા-વિભાવરી વર્મા

- એને થયું કે જો આ ક્ષણે તે પોતાના પ્રેમનો એકરાર નહીં કરે તો તે સુનીતાને હંમેશ માટે ખોઈ બેસશે

અ ભિષેકના કોનમાં બે રીંગ વાગી અને કટ થઈ ગઈ. તે વખતે અભિષેક ટોઈલેટમાં હતો.

તેને ખ્યાલ જ નહોતો કે તેના ફોનમાં કોઈનો મિસ-કોલ આવીને ગયો. આ બેંગ્લોર નામના શહેરમાં તે નવો નવો આવ્યો હતો. એક તો આઈ-ટી કંપનીની જોબ, ઉપરથી સખત વર્કલોડ... સવારે આઠ વાગે તે પોતાના ફલેટમાંથી નીકળે ત્યારથી છેક રાત્રે બહાર ક્યાંક જમીને પાછો. આવે ત્યાં સુધીમાં રાતના દસ વાગી જતા હતા.

ઓફિસમાં પણ હજી એના કોઈ એવા ફ્રેન્ડઝ બન્યા નહોતા જે રાતે દસ પછી ફોન કરે. અભિષેકના ઘરેથી શનિ-રવિની રજામાં જ ફોન આવતા, આથી પેલી બે રીંગ ક્યારે વાગી ગઈ તેનો અણસાર સુધ્ધાં અભિષેકને નહોતો.

બીજા દિવસે છેક લંચ-ટાઈમે તેનું ધ્યાન પડયું... નંબર અજાણ્યો હતો. પણ કોલર આઈડીમાં ''બેંગ્લોર'' લખેલું હતું. અભિષેકે માત્ર કર્ટસી ખાતર એ નંબર ઉપર કોલ-બેક કર્યું. હજી તે 'હલો' કહે ત્યાં તો સામેથી કોઈ છોકરીનો અવાજ સંભળાયો.

'હલો, કોણ ?'

અભિષેકને નવાઈ લાગી. તેણે તરત જ પૂછ્યું : 'ગુજરાતી છો ?'

સામે બે ક્ષણ માટે ચૂપકીદી છવાઈ ગઈ, પછી સંભળાયું 'હા, ગુજરાતી જ છું. સોરી હો, ભૂલથી લાગી ગયો. નંબર સેવ કરવામાં ભૂલ થઈ ગઈ લાગે છે.'

'ઈટ્સ ઓકે' અભિષેકે ગુજરાતીમાં જ ચાલુ રાખ્યું હું પણ ગુજરાતી છું અને બેંગલોરમાં હજી પંદર દિવસ પહેલાં જ નોકરીએ લાગ્યો છું તમે... તમે પણ ?

'હા, જોકે હું બેંગલોરમાં બે વરસથી જોબ કરું છું.'

'અચ્છા... તો તમે ગુજરાતમાં, ક્યાંના ? આઈ મિન, તમારું હોમ-ટાઉન ? સોરી, જરા વધારે પૂછી રહ્યો છું. ના કહેવું, હોય તો ના કહેશો.'

'ના ના, એમાં શું ?' સામે છેડેથી યુવતીનો સ્હેજ હસવાનો અવાજ આવ્યો, 'મહેસાણા પાસે એક ગામ છે, નંદાસણ.'

'ઓહો!' અભિષેક બોલી ઊઠયો : 'એ નંદાસણની નજીકમાં ઘુમાસણ, ગામ ખરુંને એ મારું વતન છે !' લો, આ તો સાવ પડોશી નીકળ્યાં તમે !

બન્ને એકસાથે હસી પડયાં. એ પછી ખાસ્સી દસેક મિનિટ જેટલી વાતો થઈ. અભિષેકે તો કહી જ દીધું કે 'અહીં આ શહેરમાં મારા કોઈ ફ્રેન્ડઝ જ નથી. એમાંય, કોઈ ગુજરાતીમાં વાત કરનારું તો ક્યાંથી મળે ? એટલે તમારી સાથે વાત કરીને સારું લાગે છે, હોં !'

આવી ફોર્મલ વાતો પતી ગયા પછી ફોન કટ થઈ ગયો, પણ એની ત્રણ મિનિટ પછી અભિષેકને ભાન થયું કે એનું નામ પૂછવાનું તો રહી જ ગયું !

જોકે એ રાત્રે અભિષેકની હિંમત ચાલી નહીં. બીજી બે રાતો પણ અવઢવમાં વીતી. 'ફોન કરું કે ન કરું ? સાવ નામ પૂછવા ફોન કરું તો કેવું લાગે ?'

છતાં શનિવારે તો અભિષેકથી રહેવાયું જ નહીં. તેણે એ નંબર ડાયલ કરી જ દીધો. સામેથી હજી 'હલો' સંભળાયું કે તરત જ અભિષેક બોલી ઊઠયો : 'સોરી, પણ મેં એટલું જ કહેવા માટે ફોન કર્યો છે કે મારું નામ અભિષેક છે.'

સામે છેડેથી કંઈ અવાજ ના આવ્યો એટલે અભિષેક ગુંચવાયો. પાંચેક સેકન્ડ સુધી ફોન પકડી રાખ્યા પછી એ બોલ્યો 'હલો ?'

'બસ ? તમારું નામ તો કહી દીધું, હવે મારું નામ નહીં પૂછો ?'

અભિષેક ક્યા મોઢે કહે કે 'એ જાણવા માટે જ તો ફોન કર્યો છે !' એ હજી હિંમત એકઠી કરીને પૂછવા જાય છે ત્યાં સામેથી સંભળાયું 'મારું નામ સુનીતા છે... મને હવે તમે પૂછી શકો છો કે હું  બેંગલોરમાં ક્યાં રહું છું !'

બસ, આ જ રીતે ફોનમાં વાતો કરતાં કરતાં બન્ને વચ્ચે મિત્રતા થઈ ગઈ. થોડા દિવસો પછી એ બન્ને એક રેસ્ટોરન્ટમાં મળ્યા. અને પછી લગભગ દરેક શનિ-રવિ એકબીજાને મળવાનો સિલસિલો શરૂ થઈ ગયો.

સુનીતા દેખાવે કંઈ એવી બ્યુટિફૂલ નહોતી, જેની કલ્પના શરૂશરૂમાં અભિષેકે કરેલી, પરંતુ તેનો સ્વભાવ અભિષેકને ગમી ગયો. અહીં બેંગલોરમાં બે વરસથી બીજી બે છોકરીઓ સાથે એક ફલેટમાં રહેતી હતી છતાં સુનીતાને અહીંની 'નાઈટ-લાઈફ' માટે ક્યાં ક્યાં જવાનું હોય તેની ખબર નહોતી.

અભિષેકને તો અહીં મુવી જોવા માટે સારાં મલ્ટિપ્લેકસો ક્યાં છે. એની પણ ખબર નહોતી. સુનીતા જ્યાં જોબ કરતી હતી ત્યાં તે પોતે એક જ ગુજરાતી એમ્પ્લોયી હતી. અભિષેકનું પણ એવું જ હતું. ઈન-ફેક્ટ, અભિષેક સુનીતાને મનોમન પ્રેમ કરવા લાગ્યો હતો પણ એવું 

કહેવાની હિંમત થતી નહોતી, પરંતુ એક શનિવારની સાંજે જ્યારે સુનીતા તેને મળી ત્યારે તેનો ચહેરો ફીક્કો પડી ગયેલો હતો. અભિષેકે તેનું કારણ પૂછ્યું તો સુનીતાએ કહ્યું :

'મારાં લગ્નની વાત ચાલી રહી છે. આંવતા વીકમાં મારાં મમ્મી-પપ્પા અહીં આવવાનાં છે, મને અહીંથી મહેસાણા લઈ જવા માટે... એંમની ઈચ્છા છે કે એકાદ મહિનો હું ત્યાં રહું. એ દરમ્યાનમાં મેરેજનું નક્કી થઈ જાય તો સારું.'

અભિષેકને ધ્રાસકો પડયો. એને થયું કે જો આ ક્ષણે તે પોતાના પ્રેમનો એકરાર નહીં કરે તો તે સુનીતાને હંમેશ માટે ખોઈ બેસશે. તેણે તરત જ સુનીતાનો હાથ પોતાના બન્ને હાથમાં લઈને કહીં દીધું :

'સુનીતા, આઈ લવ યુ ! હું તારી સાથે લગ્ન કરવા માગું છું. ખબર નહીં, અત્યાર સુધી મેં તને કહ્યું કેમ નહીં, પણ હવે-'

'તો હવે વધારે મોડું થાય એ પહેલાં મારા મમ્મી-પપ્પા આગળ આ વાત કરી દો... કેમકે-'

સુનીતાએ આગળ બોલવાની જરૂર નહોતી.

હવે અભિષેક ખરેખર ઉતાવળ કરી, બીજા જ દિવસે ફોન કરીને તેણે પોતાનાં મમ્મી-પપ્પાને બેંગલોર બોલાવી લીધાં...

બસ, પછી શું ! પંદર જ દિવસ પછી મહેસાણામાં અભિષેક અને સુનીતાની સગાઈ થઈ રહી હતી ! જોકે અભિષેકને નવાઈ લાગી રહી હતી કે આખા ફંકશનમાં તેના મામા કેમ આટલા બધા ઉછળી ઉછળીને રાજી થઈ રહ્યા હતા !

એનું રહસ્ય અભિષેકને જાણવા મળ્યું નહીં, કેમકે બધુ પતી ગયા પછી અભિષેકના મામા એક ખૂણામાં જઈને અભિષેકની મમ્મીને ધીમા અવાજે કહી રહ્યા હતા :

'જોયુ ? આજકાલનાં છોકરા-છોકરીઓને લવ-મેરેજના બાટલામાં આપણે જ ઉતારવાં પડે ! મેં જ સુનીતાને અભિષેકનો નંબર આપીને એક મિસ-કોલ મારવા કહ્યું હતું !'


Google NewsGoogle News