Get The App

સાચા માણસનાં પાંચ લક્ષણો કયાં? .

Updated: Jul 16th, 2024


Google NewsGoogle News
સાચા માણસનાં પાંચ લક્ષણો કયાં?                                 . 1 - image


- એક જ દે ચિનગારી-શશિન્

- માણસની સાચી ઓળખ કઇ ? માણસ એટલે પરમાત્માનો છડીદાર. કોઈ પણ પિતાને પોતાનો પુત્ર કાયર રહે તે ન જ ગમે

મા ણસની સાચી ઓળખ કઇ? હકીકતમાં માણસ એટલે પરમાત્માનો છડીદાર સાચા માણસના પાંચ લક્ષણો કયાં ?

૧. એ પરમાત્માથી ડરીને ચાલે છે.

૨. એનું અંત:કરણ પવિત્ર હોય છે.

૩. એ આપેલું વચન કોઈપણ ભોગે પાળે છે.

૪. કોઇને છેતરતો નથી.

૫. સંબંધની શાન જાળવે છે અને  પરોપકારી હોય છે.

માણસ દુ:ખ કે તકલીફ આવે એટલે ભગવાનને પોકારે છે. કરગરે છે અને ભગવાનની ધારી મદદ ન મળે તો ભગવાને નિંદે છે. આપણે પરાજયની ક્ષણોમાં ઇશ્વરની મદદ માગીએ છીએ એમાં આપણા ગૌરવનો પ્રશ્ન સમાયેલો છે. ઇશ્વરને સર્વ સત્તાધીશ માની એને પિતાની જેમ પૂજતા હોઈએ તો શું કોઈપણ પિતાને પોતાનો પુત્ર કાયર કે પલાયનવાદી હોય એ ગમે ખરૃં ? જેમ પાર્થિવ, પિતાનું કામ સંતાનને ચાલતાં શીખવવાનું છે પણ ચાલવાનો મહાવરો તો એણે પોતે જ કરવાનો હોય છે. ચાલતાં-ચાલતાં એ ભોંય પટકાય પણ ખરો. પડવાની ક્ષણોમાં ઉભા થવાની કોશિશ ન કરીએ અને ઇશ્વર દોડી આવે મદદ કરી ઉભા કરે એવો આગ્રહ યોગ્ય નથી. આપણે ઇચ્છીએ તેવી મદદ ન મળે તો ઇશ્વરને આપણે લજવીઓ એવી સાપેક્ષ ગણતરીઓ ઇશ્વરને મંજૂર ન જ હોય.

આપણે શ્વાસોચ્છવાસની ક્રિયા કરીએ છીએ, ભોજન પચાવીએ છે એ ઇશ્વરની આપણને મળતી સતત મદદ છે. એક પ્રાર્થનાના એક અંશ મુજબ -

''હું તો રાતે નિરાંતે

પ્રભુ ઊંઘતો રે

મારું ખાધું પચાવે અન્ન

કેમ ભૂલાય નામ

ભગવાનું રે !''

ઇશ્વર વિશે ધર્મશાસ્ત્ર ગ્રંથોમાં અને ચિંતનાત્મક સાહિત્યમાં પુષ્કળ લખાયું છે. ઋગ્વેદ (૧૦/૮૨/૩)માં વેદનો ઋષિ કહે છે ''જે આપણો પિતા, સ્રષ્ટા અને વિધાતા છે, જે સમસ્ત સ્થાનો તથા પદાર્થો વિધાતા જાણે છે, જે અદ્વિતીય અને સમગ્ર દેવોના નામને ધારણ કરે છે તેની જિજ્ઞાાસુઓ પ્રશ્નો દ્વારા શોધ કરે છે.'' વેદવ્યાસ તે સનાતન ભગવાનની ઉપાસના કરે છે, એના જ પ્રકાશે સૂર્ય-પ્રકાશિત થાય છે તેનો યોગીજનો સાક્ષાત્કાર કરે છે. 'ઇન્દ્રિયોથી મન શ્રેષ્ઠ છે, મનથી બુધ્ધિ શ્રેષ્ઠ છે બુધ્ધિમાં જ્ઞાાન શ્રેષ્ઠતમ છે અને જ્ઞાાનથી પરાતત્પર પરમાત્મા શ્રેષ્ઠ છે. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે : હે અર્જુન, શરીરરૂપી યંત્રમાં બેઠેલો પરમાત્મા સંપૂર્ણ પ્રાણીઓનો અંતર્યામી પોતાની માયાથી સર્વ પ્રાણીઓને ઘુમાવે છે. તે સર્વ પ્રાણીઓમાં રહેલો છે. આવા અદ્ભુત પરમાત્માનું વર્ણન કેવી રીતે કરવું ? કબીર કહે છે

'ભારી કહું તો બહુ ડરૌં

હલકા કહું તો જૂઠ,

મૈં કા જાણું રામકું

નૈનૂં કબહું ન દીઠ'

જેમ કબીર પણ  કહે છે :

'સાત સમંદર કી

મસિ કરૌં,

લેખિની સબ વનરાઇ

ધરતી સમ કાગદ કરૌં,

હરિગુણ લખ્યા

ન જાયે.'

'બુલ્લા સાહેબ શબ્દ સાગર'માં બુલ્લા સાહેબ કહે છે -

''જા કે રૂપ રેખ કાયા નહીં,

ના કભી કુમ્હિલાય

સર્વકલા ગુણ આગરો,

મોપૈ બરનિન

જાય.''

મહાત્મા ગાંધીના શબ્દોમાં ઇશ્વર એક અનિર્વચનીય રહસ્યમયી શક્તિ છે, જે સર્વત્ર વ્યાપ્ત છે. હું તેનો અનુભવ કરી શકું છું પણ જોઈ શક્તો નથી. ઇશ્વરની અગણિત વ્યાખ્યાઓ છે કારણ કે તેની વિભૂતિઓ પણ અગણિત છે. કોશના તમામ શબ્દોનો ઇશ્વર જ એક માત્ર અર્થ છે.

હનુમાન પ્રસાદ પોદ્દારના મંતવ્ય મુજબ 'યાદ રાખો, દુનિયામાં બે જ વસ્તુઓ છે ભગવાન અને ભગવાનની લીલા. જડચેતન એ સઘળું ભગવાન છે તે બહુ ભગવાનની લીલા છે. ગુરુ નાનક સાહબ ઉચિત જ કહ્યું છે કે હે પરમાત્મા ! આપ જ અમારી નજીક છે. અને સ્વયં જ અમારાથી દૂર છો અને પોતે જ અમારા સર્વની વચ્ચે છો. પ્રભુ ! આપ જ બધું જુઓ છો. આપ જ બધું સાંભળો છો અને આપ પોતે જ માયા વડે સૃષ્ટિની રચના કરો છો જે તે પરમાત્માને સારી લાગે તે જ આજ્ઞાા પ્રામાણિક છે. રવિન્દ્ર ટાગોરે ઇશ્વરમા સંપૂર્ણ શ્રધ્ધા વ્યક્ત કરતાં કહ્યું છે કે પ્રભુ ! આપને જાણ્યા પછી કોઈ પરાયુ રહેતું નથી. ન તો કોઈ ટોકશે કે ન તો કોઇનો ભય રહેશે. સંપૂર્ણ કર્મોમાં આપની જ શક્તિ છે. એનો સાર સમજીને સમગ્ર કર્મોમાં હું તમારો જ પ્રચાર કરીશ.' ઇશ્વર એટલે સત્ય, શ્રધ્ધા, વિશ્વાસ અને પવિત્રતાનો સેતુ. મનુષ્ય જીવનનો એ જ પરમ હેતુ બનવો જોઇએ.

માણસને કોઇનો સત્સંગ, સાચો ઉપદેશ, સાચું માર્ગદર્શન મળે તો એના વ્યક્તિત્વની કાયાપલટ થઇ જાય. આ બાબતે ડૉ. જોસેફનું દ્રષ્ટાન્ત યાદગાર છે. ડૉ. જોસેફનું મન એક આગલી હરોળના નામાંકિત ડૉક્ટર બનવા તલપાપડ હતું પણ મનોવાંછિત સફળતા સાપડતી નહોતી અનેક પ્રયત્નો કર્યા છતાં તેઓ ઇચ્છાનુસાર પ્રતિષ્ઠિત થઇ શક્યા નહોતા. તેમની આંખમાં યૌવનોચિત સ્વપ્નો નાચતાં હતાં પણ પંથ લાંબો હતો ને પંથને માપવા માટે પગલાં ટૂંકા પડતાં હતાં. ડૉ. જોસેફને ઘોર નિરાશા ઘેરી વળી કોઈ ઉપાય જડતો નહોતો.

આવી ઘોર નિરાશાની સ્થિતિમાં એક ઉપદેશક સાથે તેમનો ભેટો થયો. ઉપદેશક મહાન શ્રધ્ધાળુ આને તત્ત્વચિંતક હતા. એ મહાપુરુષના એક વાક્યએ ડૉ. જોસેફની ચિંતાઓ દૂર હડસેલી દીધી. તેમણે મેડિકલ સાયન્સના અવનવા અને અદ્યતન ગ્રંથોનો અભ્યાસ કર્યો. જેમ જેમ તેઓ અભ્યાસ અને દર્દીઓની સેવા નિષ્ઠાપૂર્વક કરતા રહ્યાં તેમના મન અને હૃદયમાં અનેરો ઉત્સાહ પ્રગટતો રહ્યો.

પેલા ઉપદેશકે ડૉ. જોસેફને એક જ ઉપદેશ આપ્યો હતો : 'જોસેફ, તને જેણે આ ધરતી પર જીવનયાત્રા માટે મોકલ્યો છે તે પણ તારી અડખે-પડખે ચાલી રહ્યો છે તું એકલો નથી. પ્રભુએ તને એકલો છોડી દીધો નથી એની કૃપાનાં કિરણો અત્ર-તત્ર સર્વત્ર વરસી રહ્યાં છે. પછી નિરાશાની વાત કેવી ?'

ટેનિસને ઇશ્વર તરફનો અહોભાવ દર્શાવતાં કહ્યું હતું કે 'ઇશ્વર, શ્વાસ લેવા કરતાં પણ આપણી સાથે વધુ ઘનિષ્ઠતા ધરાવે છે. આપણા હાથપગ કરતાં પણ વધુ નિકટ છે.'

સ્વામી દયાનંદ સરસ્વતી એ એક પ્રેરક વાત કરી છે કે ઇશ્વરને કેવળ જીભેથી રટવાને બદલે પરમેશ્વરના ગુણ, કર્મ અને સ્વભાવ છે. તેવો રાખવો. ઇશ્વર ન્યાયકર્તા છે તો આપણે પણ ન્યાયકર્તા બનીએ. જે કેવળ ઇશ્વરનું ગુણકીર્તન કરે છે અને પોતાના ચરિત્રને સુધારતો નથી. તેની ઇશ્વર પ્રાર્થના વ્યર્થ છે.

માણસને જેટલો રસ ઇશ્વરને ભજવામાં છે તેટલો રસ પોતાનામાં ઇશ્વરત્વ પ્રગટાવવામાં નથી ! ઇશ્વરત્વ પ્રગટાવાનું કામ સહેલું નથી. એટલે માણસ કેવળ બાહ્યાચારનો સહારો લે છે. અંદરથી નિષ્કપટ બનતો નથી. 'હરિ તને પ્રસન્ન કેમ થાયે તારા દિલનું કપટ નવ જાય.' વિદ્યાર્થી હોય કે શિક્ષક પોતે અદ્યયન-અધ્યાપન કરી રહ્યો છે. તનમનથી એવી ભાવનાથી કરે તો એની સારસ્વત ઉપાસના કદાપિ એળે જતી નથી. તમે ઇશ્વરના છડીદાર બનો તમારાં સર્વકાર્યોમાં ઇશ્વરને નાદ કતા રહો. તમારા કાર્યમાં પૂર્ણતા આણવાની કોશિશ કરો એ ઇશ્વર સ્મરણ છે.

તમે મંદિર જાઓ અને કોઈ દ્રૌપદીની લાજ ન બચાવો તો ભગવાન કૃષ્ણ રાજી નહીં જ રહે.

મૂળ વાત છે પરમાત્માના સેવક માત્ર બનવાની નહીં, ઇશ્વરના કાર્યોમાં તેના સહકાર્ય કર બનવાની. જે કામ ઇશ્વરે આ જગતના કલ્યાણ અને શાન્તિ માટે કરવાનાં છે એ કાર્યો કરવામાં ભગવાનો ભાર ઉપાડો તો પછી તમારું પ્રત્યેક કાર્ય ઇશ્વર ભક્તિ બની જશે.

માનસિક સંકીર્ણતા છોડી દો. જ્યાં વિશાળતા છે ત્યાં પ્રભુ છે. તમે સ્નાન કરો એટલું જ નહીં. આત્મદર્શન દ્વારા અંત:કરણે પણ પવિત્ર કર્મોની પવિત્રતા માટે સ્નાન કરાવો તો ઇશ્વર રાજીના રેડ થઇ જશે. પોતાના સંતાનને સર્વગુણ સંપન્ન અને બત્રીસલક્ષણો જોવામા કયા માબાપને રસ ન હોય ? સમર્પણ ભાવે ઇશ્વરને કહી શકાય કે 'તને ગમે તે દે જે ભગવન્ મને ગમે તેથી શું ?' પરમાત્માનો છડીદાર માણસ કદાપિ રાંકડો નહીં પણ શાનદાર અને ફાંકડો બને એની પરમાત્મા પ્રતીક્ષા કરે છે.


Google NewsGoogle News