Get The App

ઘમંડી લેખક સાથે 'સેલ્ફી'

Updated: Jul 16th, 2024


Google NewsGoogle News
ઘમંડી લેખક સાથે 'સેલ્ફી' 1 - image


- રજનીગંધા-વિભાવરી વર્મા

- આરજેની વર્કશોપમાં નીરવે પોતાનામાં કેટલી બધી ટેલેન્ટ છે તેવું વર્કશોપના સર આગળ શેર કરેલું અને કીધેલું કે 'સર, મારે લેખક બનવું છે!

ઘ મંડની પણ હદ હોય ને ? અત્યંત ઉત્સાહી અને ટેલેન્ટથી ફાટફાટ થતા નીરવે માત્ર એક જ સેલ્ફી માટે રિકવેસ્ટ કરી... એમાં તો આખી વાત એ રીતે શરૂ થઈ કે નીરવમાં ટેલેન્ટ તો ઘૂઘવતાં પૂર સમાન નદી જેવી, પરંતુ એને ચેનલાઈઝ ક્યાં કરવી. એ જ નાનકડો સવાલ હતો. ઘડીકમાં એને થતું કે એ અચ્છો એકટર બની શકે, તો ક્યારેક લાગતું કે પોતે સારો સિંગર પણ બની શકે. દિલ્હીથી આવેલા એક મોટીવેશનલ સ્પિકરનો સેમિનાર એટેન્ડ કર્યા પછી તો એને ખાતરી થઈ ગઈ હતી કે પોતે જે ધારે એ બની શકે, બસ, સવાલ માત્ર એક તકનો જ હતો.

નીરવ પાસે તો ડઝનબંધ એપોર્ચ્યુનિટીઝ હતી. એણે મોડલિંગ માટે કોલેજના ફેસ્ટિવલમાં થર્ડ પ્રાઈઝ જીતેલું. એને વેસ્ટર્ન મ્યુઝિકમાં પણ ઈન્ટ્રેસ્ટ હતો એટલે મસ્ત પંદર હજારની ગિટાર ખરીદીને એના ક્લાસિસ પણ જોઈને કરેલા. ગિટાર સાથેના પોતાના ફોટાઓને તો હજારો લાઈક મળતી હતી પણ પછી ગિટાર ક્લાસિસનો ટાઈમ સુટેબલ નહોતો એટલે ગિટાર શીખવાનું પોસ્પોન કરેલું. એવામાં કોલેજ તરફથી રેડિયો જોકી યાને કે આરજે બનવા માટેની એક વર્કશોપની નોટિસ આવેલી. એમાં ત્રણ હજારની ફી ભરીને તેણે એ કોર્સ કરી નાંખેલો.

બસ, અહીંથી જ પેલા ઘમંડી લેખક સાથે પનારો પડયો ! આરજેની વર્કશોપમાં નીરવે પોતાનામાં કેટલી બધી ટેલેન્ટ છે તેવું વર્કશોપના સર આગળ શેર કરેલું અને કીધેલું કે 'સર, મારે લેખક બનવું છે ! મને ગાઈડ કરો ને?'

આમાં વળી આરજે વર્કશોપના દર્શન સરે એક પનુભાઈ દવે નામના લેખક, જે 'મૌલિક'ના નામથી વાર્તાઓ, નાટકો, નવલકથાઓ લખતા હતા તેનો ફોન નંબર આપ્યો. તે વખતે નીરવને શું ખબર કે આ માણસ આટલો ઘમંડી હશે ?'

પહેલી વાર ફોન કર્યો તો ઉપાડયો જ નહીં ! પછી અડધો કલાકે સામેથી ફોન આવ્યો. 'તમે કોણ ? શું કામ હતું ?' નીરવે કહ્યું કે 'મારે સ્ટોરી લખતાં શીખવું છે. દર્શન સરે તમારો નંબર આપ્યો છે.' આટલું કહ્યું એમાં તો લેખક મહાશય ભાવ ખાવા લાગ્યા ! કહે કે 'હમણાં જરા બિઝી છું. તને કાલે સાંજે છ વાગે ફોન કરું તો ચાલે ?'

બીજા દિવસે છ વાગે એ ઘમંડીનો ફોન આવ્યો પણ ખરો, પણ નીરવ એ વખતે એના ફેન્ડઝ જોડે એક રેસ્ટોરન્ટમાં બેઠો હતો. હવે એવામાં કંઈ સ્ટોરી લખવાની વાત થોડી થાય ? એટલે એણે ફોન ઉપાડયો જ નહીં ! પેલો મોટો લેખક હોય તો શું થયું ? એ પછી ચાર દિવસ સુધી લેખકનો તો ફોન જ ના આવ્યો ! આખરે કંટાળીને નીરવે રાત્રે અગિયાર વાગે ફોન કરી જ દીધો ! તો જવાબમાં પેલો ઘમંડી માણસ કહે છે 'મિત્ર, પ્લીઝ કાલે સાંજે ચારેક વાગે કરીશ?'

બીજા દિવસે ચાર વાગે તો નીરવ એની ગર્લફેન્ડ જોડે વિડીયો કોલમાં બિઝી હતો. એ કોલ કંઈ કટ થોડો કરાય ? છેવટે સાડા પાંચે કોલ પત્યો પછી પેલા લેખક મહાશયને ફોન લગાડયો.

આ વખતે મહાશયજી થોડા નવરા હતા. પણ એમણે સ્ટ્રેઈટ-અવે સ્ટોરી શી રીતે લખાય એવું સમજાવવાને બદલે સત્તર જાતના સવાલો પૂછવા માંડયા : 'તે કોઈ વાર્તા લખી છે ખરી ? કયા કયા લેખકોને વાંચ્યા છે ? શું શું વાંચવાનું ગમે છે ? શું ભણે છે ? આગળ શું બનવું છે ? ખરેખર લેખક બનવું છે કે માત્ર શોખ છે ?'

બોલો, આવા વિચિત્ર સવાલો પૂછીને એ માણસ નીરવને 'ઈન્ફીરીયર' જ ફીલ કરાવવા માગતો હતો ને ? છતાં નીરવે બિચારાએ બધા જવાબ આપ્યા, તો લેખક મહાશયે લાંબી લાંબી શીખામણો આપવા માંડી કે 'ફલાણા લેખકનાં થોડાં પુસ્તકો વાંચો, જો ટૂંકી વાર્તામાં જ રસ હોય તો આ, આ, અને આ વાર્તાસંગ્રહ એકવાર વાંચી જાવ ! અને છતાં કશું વાંચવાનો મૂડ ના હોય તો શીખાઉ તરવૈયો જેમ પાણીમાં ઝંપલાવી દે એમ વાર્તાઓ લખવા માંડો ! જેવી આવડે એવી ! ભલે ઘણી ના લખી શકાય તો શરૂઆતમાં એકાદ વાર્તા તો લખો ? એના માટે વિષય ના જડતો હોય તો છાપાંમાં સમાચારો વાંચો ! એમાંથી એકાદ એવી ઘટના, જે તમને ટચ કરી જાય, એને વાર્તા સ્વરૂપે લખી જુઓ!

'ટુંકમાં લખો તો ખરા ? ધીમે ધીમે ફાવટ આવી જશે...' આવું તો એ લેખક મહાશયે પંદર મિનિટ સુધી ચલાવ્યું !

નીરવે હવે એનાથી છૂટવા માટે કહી દીધું : 'સર, હું જરૂર લખીશ ! લખીને તમને ડેફીનેટલી મોકલીશ : તમે મને ગાઈડ કરશો ને ?'

લેખકે જાણે ઉપકાર કરતો હોય એમ કીધેલું 'તમે દર્શન સરના રેફરન્સથી આવ્યા છો એટલે જરૂર હેલ્પ કરીશ.'

પણ પછી નીરવ બીજા કામમાં પડી ગયો, એમાં એનો કંઈ વાંક ? નીરવમાં તો બહુ બધી ટેલેન્ટ એકસાથે ભરેલી પડી હતી. એણે પેઈન્ટિંગ કરી જોયું, ફોટોગ્રાફી કરી જોઈ, વચ્ચે સ્વિમિંગના ક્લાસ પણ ભરેલા... એમાં પેલી વાર્તા લખવાનું કંઈ યાદ થોડું આવે ?

આમ ત્રણેક મહિના પછી એ ઘમંડી લેખક એક ગુજરાતી ફિલ્મના પ્રિમિયર શોમાં દેખાઈ ગયો ! નીરવ તરત એને દૂરથી જ ઓળખી ગયો. નજીક જતાંની સાથે જ કહ્યું 'તમે જ પનુભાઈ દવેને ? તમે જ 'મૌલિક'ના નામથી લખો છો ને ?'

લેખકને જરા નવાઈ લાગી. 'મને શી રીતે ઓળખી કાઢ્યો ? હું તો સોશિયલ મિડીયામાં છું જ નહીં !'

હવે નીરજ એમ થોડો પોતાનું સિક્રેટ ખોલી દે કે 'સર, આ તો ત્યાં ઊભેલા ચાર પાંચ જણા તમારી તરફ ઈશારો કરીને તમારું નામ બોલ્યા એટલે મને ખ્યાલ આવી ગયો...' ઉલ્ટું, નીરવે બિન્દાસ રીતે ઠાંસ મારી કે 'સર. હું તો તમારો ડાઈ-હાર્ડ ફેન છું ! તમને તો ઈન્ટરનેટમાં જઈને શોધી રાખ્યા હતા !'

આ સાંભળીને લેખક મહાશય જરા રાજી થયા ! થાય જ ને ? એમને તો બધા આગળ 'મોટાભા' જ બનવું હોય ને ? નીરવ આગળ કંઈ બોલે એ પહેલાં લેખકે પૂછી નાંખ્યું : 'પછી પેલી વાર્તા લખી કે નહીં ?'

'સર, એ તો નથી લખી કેમકે, યુસી, ટાઈમ જ ના મળ્યો ને ? બાકી મારામાં લેખક બનવાનું સોલ્લીડ પેશન છે ! બસ, એક વાર ડિસાઈડ કરી લઉં એટલી જ વાર...'

આ સાંભળીને પેલો ઘમંડી લેખક મૂછમાં હસ્યો. નીરવે એ જોયું પણ ખરું : છતાં તેણે ઉત્સાહથી કહ્યું 'સર, એક સેલ્ફી થઈ જાય ?'

અચાનક એ ઘમંડી લેખકનું મોં સિરિયસ થઈ ગયું ! એણે કહ્યું 'ના સોરી, જે દિવસે તું તારી પહેલી વાર્તા લખે એ દિવસે હું તને મારી સાથે સેલ્ફી લેવા દઈશ ! પ્રોમિસ ! ઓકે ?'

આ સાથે જ નીરવનો આખો મૂડ મરી ગયો. એક સેલ્ફી લેવામાં એ ઘમંડી લેખકનું શું ખાટુંમોળું થઈ જવાનું હતું ? બીજા બાર લેખકોએ તો કશું પૂછયા વિના સેલ્ફીઓ આપી જ હતી ને ?

પણ ઘમંડી લેખક કોને કીધો ? અને આમેય નીરવને લેખક બનવામાં કંઈ એવો ઈન્ટ્રેસ્ટ તો હતો નહીં !


Google NewsGoogle News