જ્યારે ટીઆરપી વધારવા તંત્રી ખુદ સિરિયલ કિલર બન્યો!
- દિવાન-એ-ખાસ-વિક્રમ વકીલ
- શહેરમાં કોઈપણ હત્યા કે અપહરણકાંડ થતા ત્યારે 'કેનાલ લાઈવ'નાં રિપોર્ટરો ઘટનાસ્થળે સૌપ્રથમ પહોંચી જતા હતા
કયા રેક વાસ્તવિકતા કલ્પના કરતાં વધારે ભયાવહ અને ચોંકાવનારી હોય છે. વર્ષો પહેલાં ખ્યાતનામ લેખક ઇરવિંગ વોલેસે 'ધ ઓલ માઇટી' નામની નવલકથા લખી હતી. આ નવલકથાએ વેચાણના તમામ રેકોર્ડો તોડી નાંખ્યા હતા. છાપાનો એક માલિક પોતાના છાપાનું સરક્યૂલેશન વધારવા જાતે જ ગુનાઓને અંજામ આપી એનું સૌપ્રથમ રિપોર્ટીંંગ કરાવી, છાપાંનો પાવર વધારે છે. છાપાનાં પાવર દ્વારા રાજકીય સત્તા હાસલ કરવાનો પ્રયત્ન કરે છે. છેવટે બે મહિલા પત્રકારો એને ઉઘાડો કરે છે.
બ્રાઝિલનાં એમેઝોન પ્રાંતમાં આવેલા માનોસ શહેરમાં એક અતિ લોકપ્રિય ટી.વી. ચેનલ છે. આ ચેનલ પર 'કેનાલ નાઇન' નામનો સુપરહીટ શો પ્રસારિત થતો હતો. ચેનલનાં માલિક અને પત્રકાર વોલેસ સોઝા આ શોનુ એન્કરીંગ કરતા હતા. આપણી દેશી ચેનલો પર જે રીતે દર અઠવાડિયે કે અઠવાડિયાના અમુક દિવસો દરમિયાન ક્રાઇમને લગતાં જે કાર્યક્રમો આવે છે તેવો જ આ શો હતો, પરંતુ 'કેનાલ નાઇન'માં ઘણુ નવુ હતું.
લેટિન અમેરિકા અને દક્ષિણ અમેરિકાથી ઉત્તર અમેરિકામાં સપ્લાઈ થતા કોકેઇન, હેરોઇન, ... જેવા ડ્રગ્સનો મોટો જથ્થો બ્રાઝિલનાં દરિયાઇ માર્ગે જતો હતો. ૨૦ લાખની વસ્તી ધરાવતા માનોસ શહેરની ગણના દુનિયાના એક સૌથી વધારે જોખમી શહેર તરીકે થાય છે. અહીંના ડ્રગ્સ માફિયાઓ દ્વારા દરરોજ હત્યાઓ થતી રહે છે. ડ્રગ્સનાં વેચાણમાં હરિફાઇથી માંડીને ગદ્દારી સામે બદલો અને વર્ચસ્વ માટે થતી શેરી લડાઈ કોઈ છરા-ચાકૂથી નહીં, પરંતુ એકે-૪૭થી માંડીને ઓટોમટિક રાઇફલ સુધીના અત્યાધુનિક હથિયારોથી લડાય છે અને ભલભલા ખેરખાં પત્રકારો પણ ડ્રગ માફિયાઓ વિરૂદ્ધ લખી શકતાં નથી. આવી પરિસ્થિતિમાં વોલેસ સોઝાએ ૧૯૮૯માં 'કેનાલ લાઇવ' શો શરૂ કર્યો. વોલેસે કોઈ ડર વગર ડ્રગ માફિયાઓ વિરૂદ્ધ બિન્ધાસ્તપણે 'કેનાલ લાઇવ'માં દર્શાવવાનું ચાલુ કર્યું. શહેરમાં કોઈપણ હત્યા કે અપહરણકાંડ થતા ત્યારે 'કેનાલ લાઈવ'નાં રિપોર્ટરો ઘટનાસ્થળે સૌ પ્રથમ પહોંચી જતા હતા. કોઈક વખત તો 'કેનાલ લાઇવ'નાં રિપોર્ટર-કેમેરામેન ઘટનાસ્થળે પોલીસ કરતા પણ પહેલા પહોંચી જતા! ધીરે ધીરે 'કેનાલ લાઇવ'નું રેટીંગ વધતું જ ગયું અને વોલેસ સોઝા પોતે જ સેલિબ્રિટી બની ગયાં! ડ્રગ માફિયાઓ એક પછી એક જેલમાં જવા માંડયા. કોઈક કેસમાં તો સરન્ડર થવા માટે ગુનેગાર પણ મધ્યસ્થી તરીકે વોલેસનું નામ સરકારને સુચવતા હતા!
પોતાની લોકપ્રિયતાનો લાભ લઈને વોલેસ સોઝા ત્યાંની વિધાનસભાની ચૂંટણીમાં ઊભા રહ્યા અને આસાનીથી ચૂંટાઈ પણ ગયા.
૧૯૯૮માં વોલેસ લિબરલ પાર્ટીમાંથી ચૂંટાઈને વિધાનસભામાં ગયા અને પછીથી સોશિયલ પાર્ટીમાં જોડાયા. ૨૦૦૩માં તેઓ લોકસભામાં પણ ચૂંટાયા.
લોકપ્રિયતાની સાથે દુશ્મનો પણ વધતા હોય છે. ૨૦૦૯ના વર્ષ દરમ્યાન સ્થાનિક પોલીસ પાસે મોઆ નામના ડ્રગ ડિલરની માહિતી આવી. પોલીસે રેઇડ કરીને મોઆને પકડયો ત્યારે એના નિવાસસ્થાનેથી ડ્રગ્સ ઊપરાંત કેટલાક હથિયાર પણ મળ્યા. મોઆની ધરપકડના બીજા જ દિવસે પોલીસે ધડાકો કર્યો કે તપાસ દરમિયાન મોઆએ એવી કબુલાત કરી છે કે એણે તમામ હત્યાઓ વોલેસ સોઝા અને એના પુત્ર રાફેલના કહેવાથી કરી છે. ફક્ત બ્રાઝિલ જ નહીં વિશ્વ આખાનું મિડિયા જગત હલી ગયું. વોલેસ સંસદસભ્ય હોવાથી એને ત્યાંના કાયદા પ્રમાણે ધરપકડ સામે રક્ષણ મળતુ હતું. રાફેલની ધરપકડ કરવા માટે પોલીસ પુરાવા ભેગા કરવા માંડી. એજ વખતે કેટલાક સ્થાનિક છાપાઓમાં વોલેસ સોઝાના સ્વિમિંગ પુલમાં મોઆ નહાતો હોય એવી તસવીરો પ્રકાશિત થઈ. વોલેસે કહ્યું કે મોઆ કદાચ રાફેલનો મિત્ર હોઈ શકે, પરંતુ એ કદી મોઆને મળ્યો પણ નથી. પોલીસે વોલેસના ઘરની સર્ચ કરવા માટે સર્ચવોરંટ મેળવ્યું. ઘરમાંથી કેટલીક રોકડ અને રાફેલના રૂમમાંથી પિસ્તોલ મળી આવી. વોલેસની પ્રતિ દલીલ હતી કે ઘરમાં મોટી રોકડ એ એટલા માટે રાખતો હતો કે એને લિવરની ગંભીર બિમારી હતી
અને ગમે ત્યારે વધુ સારવાર માટે વિદેશની હાસ્પિટલમાં જવું પડે એમ હતું. પોલીસે છેવટે રાફેલની ધરપકડ કરી અને જેલમાં મોકલી આપ્યો. માનોસની મોટાભાગની પ્રજા એમ માનતી હતી કે વોલેસ સોઝાને કોઈ શક્તિશાળી વ્યક્તિ ફસાવી રહી છે. વોલેસની રહેણીકરણી ખૂબ સામાન્ય હતી. એજ દરમ્યાન મોઆની પત્ની અને મોઆએ એવા નિવેદન આપ્યા કે, મોઆનુ એન્કાઉન્ટર કરવાની ધમકી આપીને પોલીસે મોઆ પાસે વોલેસ વિરુદ્ધ નિવેદન કરવા દબાણ કર્યું હતું. ફરીથી મિડિયા જગતમા હંગામો થઈ ગયો. થોડા સમય પહેલાં માનોસના જંગલમાંથી એક વ્યક્તિની સળગતી હાલતમાં લાશનાં વિઝયુઅલ્સ સૌથી પહેલાં 'કેનાલ લાઇવ'એ બતાવ્યા હતા અને રેટીંગ વધારવા માટે એ હત્યા વોલેસે જ કરાવી હતી એવા આક્ષેપો પણ થયા. એટલા માટે કે સ્થળ પર પણ 'કેનાલ લાઇવ'ના પત્રકારો જ પહેલા પહોંચ્યા હતા. આ સિવાય સાત જેટલી હત્યાઓનો આરોપ વોલેસ સોઝા પર મૂકાયો. બ્રાઝિલનાં મિડિયા જગતમાં દરરોજ આ કેસની જ ચર્ચા થતી હતી. વોલેસની ધરપકડને ગ્રીન સિગ્નલ આપવા માટે છેવટે એમને સંસદસભ્ય તરીકે બરતરફ કરવામાં આવ્યા. 'કેનાલ લાઇવ'નાં બીજા કેટલાક પત્રકારોની પણ ધરપકડ થઈ. ૨૦૧૦ના જુલાઈ મહિનામાં બિમારીને કારણે વોલેસનું મૃત્યુ જ્યુડિશિયલ કસ્ટડીમાં જ થયું. વોલેસની સ્મશાનયાત્રામાં લાખો લોકો ઊમટયા હતા અને સરકાર વિરૂદ્ધ નારા લગાવ્યા હતા. થોડા સમયમાં જ મોઆની હત્યા જેલમાં જ થઈ ગઈ. એને જીવતો જ સળગાવી નાંખવામાં આવ્યો હતો! રાફેલને ૧૪ વર્ષની કેદ થઈ અને થોડા સમય પહેલાં જ એ પેરોલ પર છૂટયો છે.
બ્રાઝિલ - એમેઝોનનો બહુમતિ વર્ગ માને છે કે ડ્રગ માફિયા વિરૂદ્ધ કેમ્પેઇન ચલાવવાને કારણે વોલેસ સોઝાને ખતમ કરી નાંખવામાં આવ્યો, જ્યારે પોલીસ અને સરકારનું કહેવું છે કે, મિડિયા અને રાજકીય ક્ષેત્રે સફળતા મેળવવા વોલેસ પોતે જ ક્રાઇમ કરાવી, એને ન્યૂઝ બનાવતો હતો.
સચ્ચાઈ જે કંઈ હોય. લેખક 'ઇરવિંગ વોલેસે' લખેલા નવલકથાના પ્લોટને પણ ભૂલાવી દે એવું બ્રાઝિલના એક મુખ્ય શહેરમાં બની ગયું અને એનાં મુખ્ય પાત્રનું નામ પણ વોલેસ જ હતું એ પણ યોગાનું યોગ જ કહેવાય ને?