Get The App

રાવણત્વનાં દસ મુકામ કયાં કયાં? .

Updated: Oct 15th, 2024


Google NewsGoogle News
રાવણત્વનાં દસ મુકામ કયાં કયાં?                                  . 1 - image


- એક જ દે ચિનગારી-શશિન્

- રાવણ કહે છે મારે મરવું છે પણ મનુષ્યો જ મને 'અમર' બનાવી રહ્યાં છે

* 'રામમંદિરો' ધરતી પર બન્યાં પણ રાવણે પોતાનો 'પ્લોટ' માણસના મનમાં 'રિઝર્વ' કરાવ્યો. માણસના મનમાં જ વીથ સ્ક્રીન, પિકચર એણે કાયમી પડાવ નાખ્યો છે!

રા માયણમાં જે પ્રકારે રાક્ષસોનું વર્ણન કરવામાં આવ્યું છે તેમ તેમને મનુષ્ય જેવા દેખાવડા પણ ચિતરવામાં આવ્યા છે. રાવણના મૃત્યુ બાદ તેની પત્નીઓ પૈકી એક કહે છે ઃ 'રાજન્, આપનું મુખકમળ સુકોમળ હતું. નાક ઉત્તમ હતું. ભુ્રકુટિઓ સુંદર હતી. મુખકાન્તિ ચંદ્ર જેવી હતી. હોઠ લાલ હતા. અને તેજ સૂર્ય સમાન હતું. રાક્ષસો વિદ્વાન અને તપસ્વી હતા. રાવણ પોતે જ શિવભક્ત હતો. તે વેદપાઠી હતો. લંકામાં અન્ય રાક્ષસો પણ વેદપાઠ કરતા. રાવણની પત્ની મંદોદરી પણ ગૌરવર્ણની અને રૂપાળી હતી. રાક્ષસોના બિહામણા રૂપની કલ્પના કરીને જ તેમને રાવણ (ગર્જના કરનાર) કુંભકર્ણ (જેના કાન ઘડા જેવા છે) વિભીષણ (ભયંકર) ત્રિશિરા (ત્રણ મસ્તકવાળો, ખર (ગર્દભ) દૂષણ (દુષ્ટ) વગેરે નામો આપવામાં આવ્યાં હતાં.'

રાવણ ઋષિ વિશ્રવસ અને કૈકસીનો પુત્ર હતો. એ યક્ષરાજ કુબેરનો સાવકો ભાઈ હતો. રાવણને કુંભકર્ણ અને વિભીષણ નામના બે ભાઈઓ અને શૂર્પણખા નામની બહેન હતી રાવણ ઋષિ પુલસત્યનો પુત્ર હતો. એટલે એને 'પૌલસ્ત્વ' પણ કહેવામાં આવે છે.

'રાવણ' નામ કેવી રીતે પડયું ? એક ઉલ્લેખ મુજબ રાવણની ભુજાઓ કૈલાસ પર્વત હેઠળ દબાઈ ત્યારે એણે 'રાડ' (રાવ) પાડી હતી એટલે એનું નામ રાવણ પડયું હતું. 'પ્રાચીન ચરિત્ર કોશ'ના ઉલ્લેખ મુજબ ગૌડ જાતિના લોકો આજે પણ પોતાને રાવણના વંશજો માને છે. રાંચી જિલ્લાના 'કંટકયાં' નામના ગામમાં 'રાવણા' નામનું કુટુંબ આજે પણ હૈયાત છે.

રાવણના દસ માથાં હોવાની વાત કલ્પનારમ્ય લાગે છે. એમ બને કે 'દેશ ગ્રીવ' શબ્દ રૂપક તરીકે પ્રયોજાતો હોય. 'દશગ્રીવ' એટલે કે જેની દશ ગ્રીવા (ડોક) સાધારણ ગ્રીવાઓ કરતાં દસ ગણી બળવાન હોય. અથર્વવેદમાં 'દશમુખ' નામના બ્રાહ્મણનો ઉલ્લેખ મળે છે. કદાચ રાવણના સ્વરૂપનું મૂળ તેમાં પણ શોધી શકાય.

કહેવાય છે કે કુબેર જેવા વૈભવશાળી બનવા માટે રાવણની માતા કૈકસીએ તેને તપ કરવા સૂચવ્યું હતું. રાવણે દસ હજાર વર્ષ સુધી તપ કર્યું અને પ્રત્યેક હજારમા વર્ષે એ પોતાનું મસ્તક અગ્નિમાં હોમતો હતો. જ્યારે રાવણ દસમું મસ્તક હોમવા તૈયાર થયો, ત્યારે બ્રહ્માએ તેના તપથી પ્રસન્ન થઇને વરદાન આપ્યું હતું કે તું સુવર્ણ, નાગ, યક્ષ, દૈત્ય, દાનવ, રાક્ષસ અને દેવતાઓને હાથે હણાઈશ નહીં. બસ પછી રાવણને જાણે અત્યાચારનો પરવાનો મળી ગયો !

પ્રત્યેક વર્ષે 'વિજયાદશમી' આવે છે. રામપ્રેમીઓ રાવણના પૂતળાનું દહન કરે છે... પણ આ તો 'કર્મકાંડ' થયું. શું રાવણને માત્ર 'લંકેશ' ગણીને તુલસીદાસે વર્ણવ્યા મુજબ તેને કામી, લંપટ કે અત્યાચારી ગણીને આપણો રોષ વ્યક્ત કરીશું ?

હકીકતમાં માણસમાં 'રાવણ'ને મારવાની શક્તિ હોત તો માણસ 'દેવા બની જાત ! રાવણને મારવા માટે હૃદયમાં પવિત્રતાનું પ્રાગટય કરવું પડે ! પહેલાં માણસે પોતાની અંદરના રાવણને મારવાની શક્તિ કેળવવી પડે ! પછી બહારના રાવણના પૂતળાનું દહન કરવાનો પ્રશ્ન ઉભો થાય. રાવણ કેમ મરતો નથી ? કારણ કે રાવણ વ્યક્તિવાદ, સત્તાપ્રિયતા અને ભોગવાદનું પ્રતીક અને પરિણામ છે. માણસે રાવણ બનવામાં ઝાઝુ કષ્ટ ભોગવવું પડતું નથી. કષ્ટ પડે છે 'રામ' બનવામાં. 'નવરાત્રિ' પછી પણ માણસ રાવણને ભૂલી શક્તો નથી. રામમંદિરો ધરતી પર બન્યાં પણ રાવણે પોતાનો 'પ્લોટ' માણસના મનમાં 'રિઝર્વ' કરાવ્યો. રાવણે એક વાર ભૂલ કરી લંકા નગરી બનાવવાની ત્યારબાદ રાવણે પાકું થાણું બનાવવાની લાલચ ત્યજી દીધી છે. એણે માણસના મનમાં જ પડાવ નાખ્યો છે. 'રાવણત્વ'ના 'સાત' લક્ષણો ક્યાં ?'

૧. અહંકાર, ગર્વ

૨. ચારિત્રિક શિથિલતા

૩. મોહ અને લંપટતા

૪. પરસ્ત્રી પ્રત્યેનું આકર્ષણ

૫. બનાવટીપણું અને દંભ

૬. સત્તા લાલસા

૭. ભૌતિક સુખોની અતિકામના.

રાવણને અંદરથી હેમખેમ રાખીને બહારથી એનું દહન કરવાથી જીવન 'વિજયાદશમી' નહીં પણ 'પરાજયલક્ષ્મી' જ બની રહે.

રાવણ પોકારી-પોકારીને કહે છે મનુષ્યો, તમે મને મારી કે બાળી શકશો નહીં. 'રામનામ' સત્ય માનો છો તેમ રાવણ નામ પણ કાયમી રહેશે. 

હું પાંચ હજારથી પણ વધુ વર્ષો પૂર્વે શ્રી રામના હાથે મોક્ષ પામ્યો છું. અત્યારે ધરતીનું જેવું વાતાવરણ છે, એમાં મને પુનર્જન્મ પ્રાપ્ત કરવાની ઇચ્છા પણ નથી. મારા સ્વરૂપને જીવાડવા સ્વાર્થી, અહંકારી અને ભોગવાદી માણસો રાતદિવસ મહેનત કરી રહ્યા છે. મારા જીવનમાં પણ કેટલાંક 'ઈારૈબજ' હતાં, આદર્શો અને નીતિમત્તા હતી. તમે 'વિજયાદશમી'ને 'આત્મવિજયા' દશમી બનાવી શકો તો હું તમને મર્દ માનું તમે કાયર છો, અને હું મજબૂત. તમને ઐહિક સુખોની ભૂખ હશે, ત્યાં સુધી હું મરવાનો નથી. તમે મને 'અમર' બનાવી દીધો છે. તમારી દ્રષ્ટિ હીનતાને હું કયા શબ્દોમાં વર્ણવું ?


Google NewsGoogle News