Get The App

રોક સોલ્ટની ખાણમાં દમનું આરોગ્યધામ

Updated: Apr 15th, 2025

GS TEAM


Google News
Google News
રોક સોલ્ટની ખાણમાં દમનું આરોગ્યધામ 1 - image


- હરતાં ફરતાં-વિક્રમ વકીલ

ખ ડકમાંથી મીઠું પ્રાપ્ત કરવા માટેની રોક સોલ્ટ માઇન (ખાણ) પોલેન્ડના પ્રાચીન પાટનગર ક્રેકો નજીક આવેલી છે અને જેમાંથી રોક સોલ્ટ મળતું હોય તેવી દુનિયાની આ સૌથી જૂની ખાણ છે. સદીઓથી મજૂરો આ ખડકોમાં ઓરડા આકારની ચેમ્બરો બનાવીને મીઠું પ્રાપ્ત કરી રહ્યા છે અને ઉપરથી શરૂ કરીને કુલ ૯ મજલામાં જે ઓરડા આકારની ચેમ્બરો કે ખંડ અસ્તિત્વમાં આવ્યાં છે તેમની કુલ લંબાઈ ૩૦૦ કિલોમીટર જેટલી થાય છે. ૧૬૩૮થી જેનું ખોદકામ શરૂ થયું હતું તેવા ઉપરના ત્રણ સ્તરમાં ટુરિસ્ટો માટેનું મ્યુઝિયમ વસાવવામાં આવ્યું છે. અને તેમાં પણ ભૂગર્ભમાંનો અઢી કિલોમીટર લાંબો ટુરિસ્ટ રૂટ અચંબો પમાડે છે. જમીનથી ૩૫૦ ફૂટ નીચે ૫૦ મીટર લાંબા, ૧૬ મીટર પહોળા અને ૧૨ મીટર ઊંચા ખંડમાં (એક ખંડમાંથી વીસ હજાર ટન મીઠું નીકળે) બે ખાણિયા કમ શિલ્પીઓએ ૧૮૯૬થી શરૂ કરીને સતત ૧૬ વરસ કામ કરીને સુંદર મજાનું મ્યુઝિયમ બાંધ્યું છે. આ ભૂગર્ભ સંકુલની બીજી ખાસ વિશેષતા ઉપરથી શરૂ કરીને ૬૫૦ ફૂટ નીચેના પાંચમા મજલા પર આવેલું ભૂગર્ભ આરોગ્યધામ છે. લિફ્ટમાં બેસીને તેમાં જઈ શકાય. આ આરોગ્યધામની સ્થાપના ૧૯૫૦માં ખાણના મેડિકલ ઓફિસર ડો. સ્કુલીવોસ્કીએ કરી હતી. ખાણના કામદારોના એ ડોક્ટર હતા ત્યારે તેમના ધ્યાન પર આવ્યું કે એક પણ ખાણિયાને ફેફસાંની કે લોહીના ઊંચા દબાણની બીમારી ન હતી. એ ઉપરાંત તેઓને કદી ફ્લુ પણ થતો ન હતો. આથી ખાણમાં કામ નહીં કરતા અને ફેફસાંના રોગથી પીડાતા લોકોને ડોક્ટરે ખાણિયા તરીકે કામ કરવાની સલાહ આપી હતી. પરિણામે આવા લોકોની દમ અને ફેફસાંની બીમારી જતી રહેતી અથવા તેમાં નોંધપાત્ર સુધારો થતો. આનાથી પ્રેરાઇને ૧૯૫૮માં ડો. સ્કુલીવોસ્કીએ રેઢા પડેલા ખંડોમાં એક હોસ્પિટલ શરૂ કરી અને અસ્થમા, ત્વચાના રોગ, એલર્જી વગેરેથી પીડાતા બહારના દરદીઓને તે દિવસના સમયે આ હોસ્પિટલમાં રાખતા.

સિગારેટ પીવાનુ બંધ કર્યાના વીસ જ મિનિટમાં બીપી નોર્મલ

 બીજું બધું તો ઠીક છે પણ નવા વરસના સંકલ્પરૂપે તમે જો સ્મોકિંગ છોડી દેવાનું નક્કી કર્યું હોય તો એના જેવું ઉત્તમ એકેય નથી. સિગારેટમાં સૌથી ખતરનાક તત્ત્વ નિકોટિન છે. ધૂમ્રપાનની શોખીન કોઈપણ વ્યક્તિ સિગારેટનો એક કશ લે એટલે ફક્ત સાત જ સેકંડમાં એના લોહીમાં નિકોટિન ભળી જાય છે. તમે સિગારેટ પીવાનું બંધ કરો એટલે વીસ જ મિનિટમાં તમારું બ્લડપ્રેશર અને હૃદયના ધબકારા નોર્મલ થઈ જાય છે. આઠ જ કલાકમાં શરીરમાં નિકોટિન અને કાર્બન મોનોક્સાઇડનું લેવલ અડધું થઈ જાય છે અને લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ પણ નોર્મલ થઈ જાય છે. ધારો કે તમે ૨૪ કલાક સુધી સિગારેટ ન પીધી તો લોહીમાંથી કાર્બન મોનોક્સાઇડ નામનો ઝેરી ગેસ સદંતર નામશેષ થઈ જાય છે અને ફેફસાં ચોખ્ખાચણાંક થવા લાગે છે. બીજા ૪૮ કલાકમાં તો તમારા શરીરમાં નિકોટિનનો એક અંશ રહેતો નથી. બીજી તરફ સ્વાદેન્દ્રિય અને ધ્રાણેન્દ્રિય વધુ સતેજ બને છે. ત્રણ દિવસમાં તો બંધાણીઓના બોલવા સાથે આવતો સિસોટી જેવો અવાજ પણ બંધ થઈ જાય છે. સિગારેટ છોડયા પછી ૧૪ દિવસમાં તમે શરીરમાં નવું જોમ અને તાજગી અનુભવતા થઈ જાવ છો. લોહીનું પરિભ્રમણ સુધરે છે અને માણસ પોતાને ફિઝિકલી એકદમ ફિટ માનવા લાગે છે.

ઇંગ્લેન્ડના પ્રાણી પ્રેમીઓનો વર્ષે અધધ... ખર્ચ

બ્રિટનનો પ્રત્યેક કૂતરામાલિક વર્ષે આશરે ૯૦,૦૦૦ રૂપિયા એના લાલનપાલન પાછળ ખર્ચી નાખે છે, જ્યારે બિલાડીનો માલિક એના પર આશરે ૪૦,૦૦૦ રૂપિયાનો ધુમાડો કરે છે. સમગ્રપણે વાત કરીએ તો ઇંગ્લેન્ડના લોકો પાલતુ પ્રાણીઓ પાછળ વર્ષે કુલ ૧૧.૦૦ બિલિયન પાઉન્ડ અર્થાત્ આશરે ૧૦૦૦ અબજ રૂપિયા ઉડાડી દે છે! ત્યા કૂતરાં-બિલાડાંને બ્યુટીપાર્લરમાં મોકલવાનો ચાલ છે. પોતાનાં જનાવરના ગૂ્રમિંગ પાછળ તેઓ વર્ષે ૨૨ અબજ કરોડ રૂપિયા વાપરી કાઢે છે. જનાવરોને ખબર પડે કે ન પડે પણ એમના માટે ભેટસોગાદો લાવવામાં બ્રિટિશરોના દિલને ભારે સુકૂન મળે છે. એટલે જ તો ચોપગાંને વિધવિધ ગિફટસ આપવા પાછળ તેઓ વર્ષે આશરે ૧૮૦ અબજ રૂપિયા વાપરી નાખે છે. મૂંગું પ્રાણી બીમાર પડે એટલે એમનો માલિક ઊંચોનીચો થઈ જાય. પ્રાણીઓના દવાદારૂ પાછળ બ્રિટનવાસીઓને વર્ષે ૧૧૦૦ અબજ રૂપિયાનો ધુમાડો કરી નાખવો પડે છે. 

બ્રિટનનાં ૮૦ ટકા પાલતુ કૂતરાં અને બિલાડાંનો વીમો ઊતરાવવામાં આવ્યો છે. વીમાનાં પ્રીમિયમ ભરવા પાછળ તેઓ વર્ષે આશરે ૪૦ અબજ રૂપિયા વાપરે છે.

સંરક્ષણની જીપમાં હવે એન્ટિ-સ્નિપર લેસર

યુદ્ધ ચાલતું હોય એ દિવસોમાં શત્રુપક્ષની ગતિવિધિઓ પર નજર રાખવા માટે તેમ જ હુમલો કઈ દિશાએથી થયો તે જાણવા માટે કેટલીક જીપ સતત કાર્યરત રહેતી હોય છે. આ માટે તેમણે ખૂબ મોટું જોખમ ખેડી શત્રુદળના પેગડામાં પગ ઘાલવો પડે છે અને છતાં સરવાળે ખાસ કંઈ બાતમી ન મળે એવું પણ બને. સંરક્ષણ માટે ફરતી આ જીપમાં હવેથી એન્ટિ-સ્નિપર લેસર નામનું ઉપકરણ ઉપલબ્ધ રહેશે જેનાથી દસ કરતાંય વધારે કિલોમીટર સુધીના વિસ્તારની હિલચાલ પર ચાંપતી નજર રાખી શકાશે. ગોળીબાર કે હુમલો બરાબર કઈ જગ્યાએથી થયો હતો તે પણ જાણી શકાશે. શત્રુદળ તરફથી છોડવામાં આવેલી બુલેટ દ્વારા જે તરંગોનું નિર્માણ થયું હશે તે તરંગોનું વિશ્લેષણ કરી આ ઉપકરણ ગોળીબારના ઉદ્ગમસ્થાન વિશે પાક્કી માહિતી આપી શકશે.

ઓસ્ટ્રેલિયનો મગરના હુમલા સામે પણ વિમો મેળવે છે

ઉત્તર ઓસ્ટ્રેલિયામાં ડાર્વિન નામનું એક શહેર છે. અહીંના લોકો નૌકાવિહાર અને હોડીઓની રેસના ભારે શોખીન છે. પણ અફસોસની વાત એ છે કે અહીંના મગરમચ્છો પણ માણસ ખાવાના શોખીન છે. અહીંના પાણીમાં નૌકાવિહાર કરી રહેલી વ્યક્તિ પર ઘણી વાર મગર હુમલો કરે છે. આ સમસ્યાના ઉકેલરૂપે, બોટની રેસમાં ભાગ લેતી અહીંની એક ટુકડીએ વિશિષ્ટ પ્રકારની વીમા યોજના અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ પ્રીમિયમ ભરનારી વ્યક્તિનું જો મગરના હુમલાને કારણે મૃત્યુ થાય તો તેના વારસદારોને વીમા કંપની દ્વારા સાડા તેર લાખ રૂપિયા આપવામાં આવે છે. વીમાની મુખ્ય શરત એ છે કે મગર હુમલો કરે તેના ૩૦ દિવસની અંદર માણસ મરી જાય તો જ પૈસા મળે. મોત માટેની આ પ્રકારની સમયમર્યાદા પાછળની ગણતરી એવી છે કે મગરના હુમલાનો ભોગ બનનાર માણસ મરવાનો જ હોય તો એકાદ મહિનામાં મરી જ જવાનો. મહિના પછી તે મરે તો તેના મોત પાછળ મગરના હુમલા સિવાયની બીજી કોઈ બાબત કારણરૂપ હોય તેવી પૂરી શક્યતા રહે છે.

Tags :