મન : એક મહાન જાદુગર .
- એક જ દે ચિનગારી-શશિન્
- રત્ન કલાકાર મજબૂત હીરાને ઘસવા માટે હીરાનો જ ઉપયોગ કરે છે તેવી જ રીતે મન દ્વારા મન વશ થાય છે
(ભાગ : ૨)
(ગતાંકથી ચાલુ)
પ્રશ્ન : મનને વશ કરી શકાય ?
ઉત્તર : હા, મનને વશ કરી શકાય અને વશ થએલું મન જ અધ્યાત્મ માર્ગમાં ઉપયોગી તેમજ ફળદાયી બની શકે છે.
પ્રશ્ન : મનને કેવી રીતે વશ કરી શકાય ?
ઉત્તર : સૌથી પહેલાં મનને વશ કરવાનો દ્રઢ નિશ્ચય કરવો પડે છે. નિશ્ચય કરવાનું કામ બુદ્ધિનું છે જો બુદ્ધિ વશ થયેલ મનની અગત્યતા અને ઉપયોગિતા સમજે તો જ તે દ્રઢ નિશ્ચય કરે છે.
આપણે સૌ જાણીએ છે કે કાંટાની મદદથી પગમાં ખૂંચતો કાંટો કાઢી શકાય છે. લોઢાની છીણી લોઢાને કાપે છે તેમ જ રત્ન કલાકાર મજબૂત હીરાને ઘસવા માટે હીરાનો જ પાવડર ઉપયોગમાં લે છે તેવી રીતે મન દ્વારા મન વશ થાય છે.
મનને મનાવીને અને તેની ઇચ્છાઓને સંતોષીએ તો ઘડીભર ઇચ્છાતૃપ્ત થતાં મન શાન્ત બને છે. પરંતુ નવી નવી ઇચ્છાઓ અને તેને તૃપ્ત કરવાનો પ્રયત્ન લગાતાર ચાલુ જ રહે છે. તેનો કોઈ અંત જ નથી.
મનની ઇચ્છા જો ન સંતોષીએ અને તેને વશ કરવા દમન આચરીએ તો અતૃપ્ત ઇચ્છાઓ વધારે પ્રબળ બને છે. જેમ દબાએલી સ્પ્રિંગ દબાવ્યા પછી વધારે જોર કરે છે તેમ દમનયુક્ત મન વધારે બેકાબૂ બને છે.
મનને વશ કરવા માટે અતિદમન કે અતિ ઢીલાશ યોગ્ય નથી. તે માટે ભગવાન ગૌતમબુદ્ધ વીણાનું દ્રષ્ટાંત આપી સાધકને મધ્યમ માર્ગ અપનાવવા કહે છે. જો વીણાના તારને અતિ ઢીલો રાખીએ તો તારમાંથી સૂર નીકળતો નથી. યથાયોગ્ય તાર જ સંગીતના મધુર સૂર વહાવે છે.
આ જ રીતે સ્વમન સાથે પણ યથાયોગ્ય વ્યવહાર કરવો જોઇએ. ધ્યેય માર્ગથી ફંટાતા મનને વારંવાર ધ્યેય પ્રતિ જોડવું જોઇએ. મન સહજ રીતે સાનુકૂળ વર્તે તો તેને છંછેડવું નહીં. જો મનને ઘડી ઘડી નિષેધાત્મક સૂચનો આપીએ અને તેને વારંવાર કહીએ કે તારે આમ કરવાનું નથી, તો તે કદાચ શરીર દ્વારા સ્થૂળ ક્રિયા નહીં કરે પણ પોતે નકારાત્મક ભાવને વારંવાર વાગોળશે, તે યોગ્ય નથી. આ ભાવ સમજવા નીચેનું દ્રષ્ટાંત વિચારીએ.
એક વૈદ્યપાસે અસાધ્ય રોગનો દર્દી આવે છે અને પોતાનો રોગ મટાડવા વિનંતી કરે છે. સામાન્ય રીેત પ્રારંભાવસ્થામાં રોગ સાધ્ય, પછી કષ્ટ સાધ્ય અને છેલ્લે વિલંબથી અસાધ્ય બને છે, જેનો ઇલાજ વૈદ્ય પાસે હોતો નથી. આથી જ સમજુ વૈદ્યે કહ્યું કે તમારા રોગમાં દવા સાથે પાળવાની ચરી કઠીન છે. ખાનપાનની છૂટ છે પણ દવાની પડીકી સાથે જો ચરી પાળશો તો ત્રણ પડીકી ખાવાથી જ તમારો રોગ મટી જશે. દર્દી ખુશ થયો. વૈદ્યે ત્રણ પડીકી આપી અને કહ્યું કે ખાતી વખતે 'વાંદરો' યાદ કરશો નહીં. હવે વાસ્તવિક પરિસ્થિતિ એવી થઇ કે દર્દી હાથમાં દવાની પડીકી લે કે તરત જ તેને વાંદરો યાદ આવે અને પડીકી પાછી મૂકી દે. પછી તો એવું થયું કે દર્દી પડીકી સામે જુએ અને વાંદરાનું સ્મરણ થાય. પડીકીની દવા ખવાઈ નહીં, દર્દીનું શું થયું હશે તે સમજુ જન સમજી શકે છે.
મનને ન કરવાનું સૂચન આપીએ તો અવશ્ય વધુ યાદ રાખે છે. આથી જ આપણા પૂર્વજો સતત રટણ કરાવે તેવા આ પ્રયોગને રુઢિ બનાવીને કહ્યું છે કે પતિ-પત્નીએ અન્યોન્યનું નામ બોલવું નહીં.
મનને વશ કરવા પોતાના મનનું નિરીક્ષણ અને પરીક્ષણ અત્યંત જરૂરી છે. સતત પ્રયત્ન અભ્યાસ દ્વારા જ્યાં સુધી સફળતાનું પરિણામ ન આવે નહીં ત્યાં સુધી મનની પ્રારંભિક અવસ્થા તથા પ્રગતિ અને અંત સુધી સતત જાગૃતિ રાખવી પડે. કર્મયોગી સદાચાર, જ્ઞાાનયોગી ધ્યાનથી અને ભક્તિમાર્ગી પ્રાર્થના તથા શરણાગતિથી મનને વશ કરી શકે છે. મન આપણું સ્વામી નથી. આપણે મનના સ્વામી છીએ એમ સમજીએ તો જ મનને વશ કરી શકાય.
પ્રશ્ન : દરેકના મનમાં શા માટે આત્મા-પરમાત્મા પ્રત્યે તીવ્ર જિજ્ઞાાસા થતી નથી ?
ઉત્તર : બહુરત્ના વસુંધરા આ ઉક્તિ જ બતાવે છે કે દુનિયામાં વિભિન્ન પ્રકારના માનવ રત્નો છે.
જ્યાં વ્યક્તિના ચહેરા એક સરખા નથી ત્યાં દરેક વ્યક્તિના સ્વભાવ પણ એક સરખા કેમ હોય ? દરેક માનવમાં આંતરિક મનમાં જ જન્મોજન્મના સંસ્કાર અતિ સૂક્ષ્મ રીતે સ્થિત હોય છે. આ સંસ્કાર જ માનવીના સ્વભાવનું ઘડતર કરે છે અને તેથી જ તેમની પ્રકૃતિ બને છે. આથી જેવી પ્રકૃતિ તેવી જ વ્યક્તિ એમ કહેવાય છે.
પ્રકૃતિ ત્રિગુણી છે. એટલે દરેકમાં સત્વ, રજોગુણ અને તમોગુણ મિશ્ર રૂપે રહેલા છે.
આ ત્રિગુણી પ્રકૃતિનો જુદો જુદો ગુણ પ્રભાવ હોય છે. જેથી દરેકનું મન વિભિન્ન ભાવો પ્રગટ કરે છે. જેથી દરેક વ્યક્તિની રસરુચિ અને જિજ્ઞાાસા પણ વિવિધ પ્રકારની હોય છે.
તમોગુણી મન પરમાત્મા પ્રત્યે અજ્ઞાાન ધરાવે છે અને પોતાના દેહમાં અતિ આસક્ત હોવાથી અહંકારી હોય છે, જેથી તે પોતાનાં કર્તૃત્વ અભિમાનથી કરે છે.
રજોગુણી માણસ દેહાસક્તિ સાથે એવો વિચાર રાખે છે કે પોતાના જીવાત્મા જેવો સૌનો અલગ જીવાત્મા છે તે આત્મા વિશેનું અધૂરું અલ્પ દ્વૈત જ્ઞાાન ધરાવે છે જેથી વ્યવહાર જગતમાં સ્વાર્થ સાધે છે. સૌનાં કર્યાં સહુ ભોગવશે, એવું વિચારી પોતાનાથી અને પોતાના માનેલા સ્વજનોથી અન્યને જુદા ગણે છે. 'મારું' અને 'તારું' ગણી ભિન્નતાયુક્ત આચરણ કરે છે.
સત્વગુણી મન પરમાત્મા સૌના છે અને હું પરમાત્માનો છું જેવો વિચાર રાખે છે. જેથી તેને સ્વાર્થ કરતાં પરમાર્થમાં પણ રસ હોય છે. સત્વગુણીનો અહંકાર શિથિલ થયો હોવા છતાં પોતે અન્ય કરતાં જ્ઞાાની છું સુખી છે, તેવો સૂક્ષ્મ અહંકાર સ્વપ્રત્યે રાખે છે.
આ ગુણ પ્રભાવથી જ તમોગુણી અજ્ઞાાનભાવ વડે મૂંઢ જેવો વ્યવહાર કરશે. રજોગુણી સ્વાર્થ માટે દ્વૈત ભાવથી પ્રવૃત્તિશીલ રહેશે. ફક્ત સત્વગુણી જ નમ્ર ભાવથી બહુહિતાય સામાજિક વ્યવહારિક કર્મો કરશે. દરેક વ્યક્તિનું મન ભિન્ન-ભિન્ન વિચારે છે. ઉપરોક્ત ગુણપ્રભાવથી, આવી જ ભિન્ન ભિન્ન વ્યક્તિમાં પણ જિજ્ઞાાસા અનંત રૂપે રહેતી હોય છે. તમોગુણી વ્યક્તિમાં પરમાત્માની જિજ્ઞાાસા કરતાં સ્વસ્વાર્થમાં વધુ જિજ્ઞાાસા હોય છે. તેથી તેની જિજ્ઞાાસા ધન પ્રાપ્તિ સુધી જ સીમિત રહે છે.
ફક્ત સત્વગુણી વ્યક્તિમાં જ ખરી જિજ્ઞાાસા હોય છે. તેમાં પણ અધિકાર ભેદે કોઇકમાં મંદ જિજ્ઞાાસા હોય છે તો કઈ વીરલામાં જ તીવ્ર જિજ્ઞાાસા હોય છે. તીવ્ર જિજ્ઞાાસા-તીવ્ર મુમુક્ષતા યુક્ત અધિકારી જ પરમાત્મા પ્રત્યે પ્રેમ ધરાવે છે અને પરમાત્માને પામે છે.
(ગતાંકથી સંપૂર્ણ)
ઉપરોક્ત પુસ્તકમાંથી કેટલાક નમૂનાયુક્ત પ્રશ્નો જ અહીં આવરી લેવામાં આવે છે. આ પ્રશ્નો સંપૂર્ણ પુસ્તકનું પ્રતિનિધિત્વ કરતા નથી. રસ ધરાવનારે મૂળ પુસ્તક વાંચવું જોઇએ. (સંપૂર્ણ)