બિહારની આ આઇપીએસ ઓફિસર રાજીનામું આપીને સેલિબ્રીટી બની ગઈ

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
બિહારની આ આઇપીએસ ઓફિસર રાજીનામું આપીને સેલિબ્રીટી બની ગઈ 1 - image


- હરતાં ફરતાં-વિક્રમ વકીલ

ર મતગમતમાં જીત, ફિલ્મમાં સુપર એક્ટીંગ કે અવ્વલ દરજ્જાનું સામાજીક કામ કરીને લોકપ્રિય થનારાઓને આપણે જાણીએ છીએ. નોકરીમાંથી રાજીનામું આપવાને કારણે જે વ્યક્તિ વિશે કરોડોએ ચર્ચા કરીને સોશિયલ મીડિયામાં સ્ટાર બનાવી દીધી હોય એવું પ્રથમવાર બન્યું છે. બિહાર કેડરના આઇપીએસ અધિકારી કામ્યા મિશ્રાએ નોકરીના થોડા વર્ષોમાં જ રાજીનામું આપી દીધું. કામ્યા મિશ્રા ૨૦૫૬માં રીટાયર્ડ થવાના હતા. કામ્યા મિશ્રા દરભંગા ગ્રામીણ વિસ્તારના એસપી હતા. નોકરી છોડવા માટે એમણે કોઈ કારણ આપ્યું નહીં હોવા છતાં સોશિયલ મીડિયા પર એમની તસવીર સાથે આ સમાચાર વાયરલ થઈ ગયા. કામ્યા મિશ્રા દેખાવમાં આકર્ષક હોવાથી કદાચ લોકોને એમના રાજીનામામાં વધુ રસ પડયો. બિહારમાં ફક્ત પોલીસ ડિપાર્ટમેન્ટમાં જ નહીં, રાજકારણ અને મીડિયામાં પણ આજકાલ કામ્યા મિશ્રા ચર્ચામાં છે. 

ઠગાઈ કરવા અમેરિકન ઠગ રસાયણશાસ્ત્ર ભણ્યો

કેટલાક લોકો વિજ્ઞાાનનો ગેરલાભ ઊઠાવે છે. એક જણે અમેરિકાની ફર્સ્ટ ટેનેસી નેશનલ બેન્કમાં ખાતું ખોલાવીને ચેકબુક લીધી. આ માણસે પછી રસાયણશાસ્ત્રનો અભ્યાસ કર્યો. એવા રસાયણની માહિતી મેળવી જે રસાયણ ચેકબુકને લગાવાય તો તેનો ચેક બેન્કમાં જાય અને પાસ થઈ જાય પછી અડધા કલાકમાં તે ચેકની અંદર રસાયણિક પ્રક્રિયા થાય અને આખા ચેક ભરરરર ભૂક્કો થઈ જાય. સાવ પાઉડર જેવી હાલત થઈ જાય. આમ થવાથી આ માણસે ૧૦ લાખ ડોલરનો ચેક લખ્યો હોય તે પાસ થઈ જાય! આ પ્રકારે લાખ્ખો રૂપિયાની રકમ આ માણસે ઉચાપત કરી છે અને અમેરિકાનું જાસૂસીતંત્ર તે માણસની શોધ કરે છે!

અઢી ફૂટનો ઠીંગુજી લૂંટ કરવા ખોખામાં પેક થયો

ક્યારેક નાનો માણસ મોટાં અને ખોટાં પરાક્રમો કરી જતો હોય છે. આવા એકનો હમણાં ઇટાલીના ચબરાક લૂંટારાઓએ સદુપયોગ કર્યો. અઢી ફૂટિયા ઠીંગુજીને બે ફૂટ બાય બે ફૂટના એક મજબૂત પૂઠાંના ખોખામાં પેક કરી, તેનું પાર્સલ રોમની પોસ્ટ ઓફિસ પર મોકલ્યું. ઇટાલીમાં પોસ્ટ ઓફિસો બેન્કનું પણ કામ કરે છે. પાર્સલ જેવું ઓફિસમાં પ્રવેશ્યું કે તુરંત તેમાંથી વીર ઠીંગુજી બહાર નીકળ્યા અને હવામાં પિસ્તોલ તાકીને બરાડયા, ''કોઈએ હલવાનું નથી. અમે પોસ્ટ ઓફિસને કબજામાં લીધી છે. સામનો કરવાની કોશિશ અથવા ચાલાકી કરી તો પિસ્તોલથી ઉડાવી દઇશ.'' એક કલાર્કના લમણા સામે પિસ્તોલ તાકી એણે મુખ્ય દરવાજા પરના ચોકીદારોને દૂર જતાં રહેવાની સૂચના આપી. આથી બહાર તૈયાર ઊભા રહેલા એના પૂરા કદના સાગરીતો સાઇડ ડોરમાંથી પોસ્ટ ઓફિસમાં આવી ગયા. એ લોકો સાથે મળીને પોસ્ટ ઓફિસનું ૭૫ લાખ રૂપિયાની કિંમતનું ઇટાલિયન ચલણ ઉઠાવી ગયા. જોકે ઠીંગુજીઓની સંખ્યા ઓછી હોય છે, અને લોકો તેમને જાણતા હોય છે એટલે એ ટૂંકાને પકડી પાડવામાં પોલીસના લાંબા હાથને વાંધો આવ્યો નહીં.

જેનું વખાણાય એનું બધું જ વખણાતું હોય છે

મેરેલિન મનરોની કાયા એના સમયમાં દુનિયાની સૌથી કમનીય કાયા ગણાતી હતી. ત્યાં સુધી કે પ્રમુખ જ્હોન એફ. કેનેડીને પણ તેનો મોહ લાગ્યો હતો. એના શરીરના વળાંકો દુનિયામાં સૌથી શ્રે ગણાતા હતા. પણ હવે બહાર પડયું છે કે એ શારીરિક નકશામાંની કેટલીક વિગતો બનાવટી હતી, પણ મેરેલિનના નામનો મહિમા એટલો મોટો છે કે લોકો હવે એ બનાવટને પણ પ્રેમ કરવા લાગ્યા છે. કઈ રીતે તે જુઓ. પોતાની છાતીને વધુ ઘાટીલી બતાવવા માટે ફોલ્સીઝ (તેનો અર્થ જ 'બનાવટી' એમ થાય છે) તરીકે ઓળખાતાં પેડ વાપરતી હતી. એ પેડ સ્વેટર અને બ્રાની વચ્ચે પહેરતી જેથી એવો આકાર પેદા થાય કે મેરેલિન બ્રા પહેરતી નથી. હવે આ પીળા રંગનાં પેડ હમણાં એક લિલામમાં ૩૪૫૦ ડોલરમાં વેચાયાં. ખ્રિસ્તી ધર્મ પ્રમાણે મૃત વ્યક્તિની દફનાવવાની વિધિની જે વ્યક્તિ વ્યવસ્થા કરે તેને અન્ડરટેકર કહે છે. અલાન એબોટ નામના અંડરટેકર પાસે આ પેડ આવ્યાં હતાં. મેરેલિનનું મરણ થયું ત્યારે તેની એક સખીની ઇચ્છા હતી કે મેરેલિન સુંદર દેખાતી હોય એ રીતે જ એને કબ્રસ્તાનમાં લઈ જવામાં આવે. આથી એ સખીએ પેલા પેડ અન્ડરટેકર એબોટને આપ્યાં જેથી મેરેલિનને સજાવી શકાય. 

પણ એબોટને લાગ્યું કે મેરેલિન તો પેડ વગર વધારે સારી લાગે છે એટલે એણે એ પેડ ડસ્ટબીનમાં ફેંકી દીધાં, પણ પછી હાથ કરીને સાચવી રાખ્યાં અને હમણાં એક દાનધર્માદાના કામ માટે તેનું લિલામ થયું. ઘણીવાર જેનું વખાણાય એનું બધું જ વખણાતું હોય છે.

'વી'ની નિશાનીને બ્રિટનના પ્રમુખ વિન્સ્ટન ચર્ચિલે જાણીતી કરી 

બે આંગળાને પહોળા કરીને વિજય તરીકેની સંજ્ઞાા બતાવવાનું ક્યારે શરૂ થયું? બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનના પ્રમુખ વિન્સ્ટન ચર્ચિલે પ્રથમ બે આંગળાને પહોળા કરીને બીજા વિશ્વયુદ્ધની વિજય ઘોષણા માત્ર સંકેત દ્વારા કરી હતી તે પછી ઘણી વખત શાંતિના ચિહ્ન તરીકે પણ 'વી'ની નિશાની કરાય છે. હવે તો વિદ્યાર્થીઓ, ખેલાડીઓ, બળવાખોરો, દાણચોરો વગેરે તમામ જીતની નિશાની આ પ્રકારે બતાવે છે. રમૂજની વાત એ છે કે અસલમાં ઇંગ્લેન્ડમાં બે આંગળા પહોળા કરીને બતાવતા તે અશ્લીલ ચેષ્ટા ગણાય છે. ચર્ચિલે 'વી'ની નિશાનીને સામે હથેળી બતાવીને વિજય તરીકે ઘોષિત કરી તે સારું થયું. કારણ કે ઇંગ્લેન્ડમાં કોઈ માણસ તમારી સામે બે આંગળા પહોળા કરીને હથેળી પોતાની તરફ રાખે તો તે ગાળ ગણાય છે! આરબ દેશોમાં બે આંગળા પહોળા કરવા તે પણ અશ્લીલ ગણાય છે છતાં આધુનિક આરબો ક્રિકેટ મેચમાં પાકિસ્તાન જીતી જાય ત્યારે બે આંગળા પહોળા કરીને 'વી'ની સંજ્ઞાા બતાવે છે. 'વી'ની નિશાની કરીને પાકેપાકી ગાળ દેવી હોય તો બે આંગળાની વચ્ચે નાક ભરાવીને હારેલા માણસને શરમિંદો કરાય છે.

નૈતિક મૂડી રોકાણની સેવા આપતી અનોખી ઇન્વેસ્ટમેન્ટ સર્વિસ

 અમેરિકામાં ન્યુ યોર્કની શેરબજારમાં ''એથિકલ ઇન્વેસ્ટમેન્ટ સર્વિસ'' (નૈતિક મૂડી રોકાણ સેવા) નામની દલાલની પેઢી છે. ઘણા અમેરિકનો દારૂ બનાવતી કંપનીમાં મૂડી રોકવાની સ્પષ્ટ ના કહે છે. અમુક શાકાહારી અમેરિકનો તો ડેરી ઉદ્યોગ કે માંસ વેચનારી કંપનીમાં મૂડી રોકવાની ના કહે છે. અમુક અમેરિકનો કુદરતી આહારના આગ્રહી છે તે ક્રૂટ ઉગાડનારી કે વેચનારી કંપનીના શેરો ખરીદવા તૈયાર હોય છે. પણ પ્રોસેસ્ડ ફૂડની કંપનીના શેરો ખરીદવા તૈયાર નથી.


Google NewsGoogle News