માત્ર 'ખુશ રહો' નહીં, 'ખુશ રખો' .
- સાચી ખુશીની ૬વિશેષતાઓ કઈ?
- એક જ દે ચિનગારી-શશિન્
- આજના આપણા જીવનની કરુણના એ છે કે આપણને માત્ર 'ખુશ રહેવામાં' રસ છે. બીજાને ખુશ રાખવામાં નહીં : હવે કોઈને આશીર્વાદ આપો કે શુભેચ્છા પાઠવો ત્યારે કહેજો કે તમે 'ખુશ' રહો, અને 'બીજાને ખુશ' રાખો
'ખુ શી' શબ્દ હિન્દી કે ગુજરાતીનો નથી પણ ફારસીનો છે. ખુશ એટલે આનંદમગ્નતા, હર્ષ, પ્રસન્નતા, આનંદ ભરી હાલત. ખુશીએ ભાવવાચક નામ છે તેથી ખુશ થવું તેને ઠેકાણે ખુશ થવું અને ખુશી થઈ તેને ઠેકાણે ખુશી ઉત્પન્ન થઈ એમ બોલવું શુદ્ધ છે. સાચી ખુશીની ૬ વિશેષતાઓ કઈ ?
૧ સંતોષ ૨. આંતરિક પ્રસન્નતા ૩. શુદ્ધ ભાવના. ૪. કરુણા અને ક્ષમા ૫. પરોપકાર ૬. સમર્પણ, ત્યાગ
'ખુશ' અને ખુશી ઉપરથી ઢગલાબંધ શબ્દો નિર્મિત થયા છે. ખુશ એટલે આનંદિત, ઉલ્લાસિત્, પ્રસન્ન, હર્ષિત.
ખુશ કરવું એટલે આનંદ પમાડવો-ખુશ રહેવું - એટલે આનંદમાં રહેવું.
ખુશ એટલે આબાદ, ઉમદા, સારું. ખુશ અવતાર એટલે સારી રીત ભાતવાળો, ખુશ અદાનો અર્થ છે સારા સંસ્કારવાળું ખુશ કિસ્મત મતલબ નસીબદાર, ભાગ્યશાળી ખુશ-ખુશ અર્થાત્ રાજીખુશીથી. ખુશખુશાલનો અર્થ છે તંદુરસ્ત, તન-મનની સારી સ્થિતિ. ખુશગવારનો અર્થ છે મુગ્ધ બનાવનાર, મોહ પમાડે તેવું સુંદર ખુશદિત, ખુશદિલી, ખુશનિયત, ખુશબખ્તીનો મતલબ છે સારું નસીબ. ખુશ મિજાજ, ખુશરંગ (સુંદર રંગ) ખુશહાલ (આનંદ વિહાર) ખુશમન (ખોટા વખાણ) ખુશી શબ્દના આરોગ્ય, ભોગ, સંતોષ, સુખ, સ્વીકાર, ખુશીખબર, ખુશીખાન (ફી ભરીને ભણનાર વિદ્યાર્થી) ખુશી રજાવંતી (આનંદ સમ્મતિ) ખુશ્ (શરમ) ખુશબાશ, (આરામથી રહેનાર) ખુશખો (સુગંધ) ખુશામદદોસ્ત (વખાણ વહાલાં હોય તેવું) - વગેરે
સામાન્ય રીતે માણસ કોઈને આશીર્વાદ આપતી વખતે 'ખુશ રહો' એવી શુભેચ્છા પાઠવે છે. પણ એવી શુભેચ્છા અધૂરી છે. માણસ પોતે ખુશ રહે એતો મતલબ વાત થઈ. એક સામાજિક પ્રાણી તરીકે બીજાને 'ખુશ રાખો' એ વાતનું મહત્વ છે. મહિનલાલ મહેતા 'સોપાન'નું 'તૂટેલાં સુવર્ણપાત્રો' નવલકથામાં એક સુંદર મજાનું વાક્ય અંકિત છે. આપણને બધાને મીજાજ કરતાં આવડે છે, તેને બદલે બીજાના સ્વ ભાવની માવજત કરતાં આવડતું હોય તો કેવું સારું થાત. આખા જગતનું અત્યારે એક જ સૂત્ર છે. હું 'ખુશ રહું', કોઈ પણ ભોગે કોઈ પણ રીતે, કોઈ પણ ઉપાયે.
પરિવારથી વાત શરૂ કરીએ તો પરિવારનાં સભ્યો લગભગ આત્મકેન્દ્રી હોય છે. પોતે સુખી થાય એને જ સર્વાધિક મહત્વ આપે છે પરિણામે બીજાના સુખની ચિંતા નથી કરતાં. ઉત્તમ ખોરાક, ઉત્તમ ઓરડો, ઉત્તમ શયનખંડ વગેરે પર પોતાનો પહેલો હક પછી બાજાનો. આવા દ્રષ્ટિકોણને લીધે પારિવારિક ઘર્ષણો, સંઘર્ષો અને કલેશ-કંકાસ થાય છે. એને બદલે પરિવારનાં સભ્યો ઝિંદાદિલી, ઉદારદિલી અપનાવી 'ખુશ રખો'નું સૂત્ર અપનાવે તો ઘર મંદિર બની જાય છે. બીજાને ખુશ રાખવા પણ જતું કરવાનું વલણ અપનાવવું પડે. 'સહુનું કરો કલ્યાણ, દયાળું પ્રભુ સૌનું કરો કલ્યાણ' જેવી ઉદાર ભાવના માણસાઈનું પ્રતીક છે. હું માત્ર સુખી થવા નથી જન્મ્યો, પણ બીજાને સુખી કરવા માટે પણ જન્મ્યો છું. એવી ભાવના જ માણસની સંસ્કારિતાની શાખ પૂરે છે.
જાહેરક્ષેત્રમાં જુઓ. સેવા સંસ્થાઓમાં પણ હુંસાતુંસી જોવા મળે છે. બીજાને ખુશ રાખવા માટે નહીં પણ પોતે કેમ ખુશ રહે, પોતાને આગવી હરોળમાં સ્થાન મળે એ માટે સમાજસેવકો પણ કામ કરતા હોય છે. દુનિયામાં સર્વત્ર ૩(ત્રણ) પ્રકારના માણસો જોવા મળશે.
૧. જપીઆ
૨. લપીઆ
૩. તપીઆ.
જપીઆ માણસો કામ કરવા કરતાં બીજાને જપવામાં એટલે કે ખુશામત કરવામાં વ્યસ્ત હોય છે. કામ બીજો કરે અને યશ પોતાને મળે એવી પ્રવૃત્તિ આ પ્રકારના માણસોની હોય છે. એટલે તેમનું પ્રદાન સેવા કાર્યોમાં નગણ્ય હોય છે.
બીજા પ્રકારના લોકો છે 'લપીઆ' અર્થાત્ નકારાત્મક દ્રષ્ટિકોણવાળા, દરેક કામમાં વાંધો કાઢે, વાંધો કાઢવામાં પોતાનું અહં સંતોષી લે. કોણ પણ કામ રજૂ થાય તો 'શું કામ', શા માટે, આનાથી લાભ શો ? જ્યા તુચ્છ પ્રશ્ન પૂછી આવા લપીઆ માણસો કામને અવરોધે એમને કામમાં બિલકુલ રસ હોતો નથી. પણ કામને બગાડવામાં જ રસ હોય છે.
જ્યારે ત્રીજા પ્રકારના લોકો છે તપીઆ. તપ કરે. કામમાં ખપી જાય. નિષ્ઠા અને સમર્પણથી કામ કરે, પોતાને પહેલી પંક્તિમાં પ્રતિષ્ઠિત થવામાં રસ ન હોય પણ 'કર્મ' યોગને તેઓ વરેલા હોય. આવા 'નથીઆ' લોકોને કારણે જ સૃષ્ટિ ટકી રહી છે.
એક પ્રસંગ અનુસાર રાજા જનકે સભા ભરીને બધા વિદ્ધાનોને બોલાવ્યા. અને પ્રશ્ન કર્યો કે તમારામાંથી કોઈ મને અયો ઉપાય બતાવો કે બે કલાકમાં જ ઈશ્વર પ્રાપ્તિ થઈ જાય. સભામાં ઘણા બધા પંડિતો હાજર હતા પણ કોઈ જવાબ આપી ન શકયા. જનક રાજાને ત્યાં વિદ્ધાનોની મોટી સભા ભરાઈ છે. એમ જાણી મુનિ અષ્ટાવક્ર પણ ત્યાં ગયાં. એમનાં આઠેય અંગ વાંકા જોઈ સહુએ તેમની ઠેકડી ઉડાડી. અષ્ટાવક્ર પોતે પણ બધાંની જેમ ખડખડાટ હસ્યા. લોકોએ પૂછ્યું તમે શા માટે હસ્યાં ? અષ્ટાવક્રે સામો પ્રશ્ન કર્યો, તમે લોકો શા માટે હસ્યા ? સભા સદોએ કહ્યું આપનાં આઠેય અંગ વાંકા જોઈને.
અષ્ટાવક્રે કહ્યું : ''આ હાડચર્મવાળા ચમારોની સભા જોઈ હું પણ હસ્યો કારણ કે તમે મારું જ્ઞાાન ન જોયું પણ શરીર જોયું ! અષ્ટાવક્રની નિસ્પૃહતા જોઈ રાજા જનક પણ પ્રભાવિત થયા. અષ્ટાવક્રને કાંઈક માગવાનું કહ્યું ત્યારે અષ્ટાવક્રે કહ્યું : ''મને રાજ કે તાજ ન ખપે. મને તારું મન આપ. એ મન થખી જ તું મને રાજ્ય આપવાનો સંકલ્પ કરે છે.'' જનકે સંકલ્પાત્મક મન ગુરુ અષ્ટાવક્રને અર્પણ કર્યું : મન આપ્યા પછી જનક પાસે બાકી શું રહ્યું ? ત્યારથી જનક વિદેહી કહેવાયા. તપીઆ લોકો આ પ્રકારના છે જેઓ પોતાનું સર્વસ્વ સમર્પિત કરતાં ક્યારે પણ પાછી પાની કરતા નથી !
દેશના રાજકારણમાં કે વિશ્વના રાજકારણમાં પોતાનો દેશ ખુશ રહે એ માટેના પ્રયત્નો થતા હોય છે. બીજા દેશનું શું થશે તેની ચિંતા રાજકારણીઓને હોતી નથી ! એમનું ધ્યેય પ્રેમ-વિસ્તાર નહીં પણ પ્રદેશ વિસ્તાર હોય છે. વિશ્વમાં પોતાનું વર્ચસ્વ વધે, પોતાની આણ અહુ સ્વીકારે અને પોતાનો દેશ અને પોતે મહાસત્તાધીશ ગણાય એના પ્રયત્નોને કારણે જ જગતની શાન્તિ હણાય છે. શીત યુદ્ધો ચાલે છે, જે ક્યારેક વિશ્વયુદ્ધોમાં પણ પરિણામતાં હોય છે.
મહાભારતના રચયિતા વેદ વ્યાસ મહાન દ્રષ્ટા હતા. સમયને આરપાર જ નહીં સદીઓ અને યુગોની આરપાર જોઈ શકતા હતા. તેમણે મહાભારતની રચના પછી કહ્યું ''જે અહીં છે તે બધે જ છે. જે અહીં છે તે બધે જ છે. જે અહીં નથી તે ક્યાંય નથી ?'' આજે આપણે વ્યાસજીની વાત સાચી પડતી જોઈએ છીએ.
માણસનું પતન એટલે જ માણસાઈનું પતન. માણસાઈ બોદા માનવોથી ન બચે. એ માટે મજબૂત મન અને અખંડ-અતૂટ આત્મવિશ્વાસ જોઈએ. આજના આપણા જીવનની કરુણતા એ છે કે આપણને માત્ર 'ખુશ રહેવામાં' રસ છે. બીજાને ખુશ રાખવામાં નહીં.'' હવે તમે કોઈને આશીર્વાદ આપો કે શુભેચ્છા પાઠવો ત્યારે અવશ્ય કહેજો કે 'ખુશ રહો' અને બીજાને પણ ખુશ રાખો. કારણ કે સમગ્ર ધરતી એક કુટુંબ છે.