Get The App

ઉર્ધ્વ જન્મ કરાવે તે જ ઉત્સવ .

Updated: Nov 12th, 2024


Google NewsGoogle News
ઉર્ધ્વ જન્મ કરાવે તે જ ઉત્સવ                                   . 1 - image


- ઉત્સવો પાછળ રહેલી દ્રષ્ટિ જો પકડાય, તેની પાછળ રહેલા મંત્રનું જો મનન થાય તો એ સાંસ્કૃતિક ઈતિહાસના સર્જક એવા ઋષિમુનિઓ પ્રત્યે માનવ કૃતજ્ઞા બુદ્ધિથી નતમસ્તક બની જાય. 

'વિ ષ્ણુને અલંકાર પ્રિય છે. શિવજીને જલધારા પ્રિય છે. સૂર્યને નમસ્કાર પ્રિય છે. બ્રાહ્મણને ભોજન પ્રિય છે.' 'દહીં મધુર છે, મધ મધુર છે, દ્રાક્ષ મધુર છે તેમજ અમૃત પણ મધુર છે. જેનું મન જ્યાં લાગી જાય તે તેને માટે મધુર છે.'

ઉપરોક્ત બંને સુભાષિતોની મર્યાદારેખાને ઉત્સવો ઓળંગી જાય છે. ઉત્સવો કોઈ એક વિશિષ્ટ વ્યક્તિ કે વર્ગને નહીં, પરંતુ સર્વને ગમે છે, સૌને મધુર લાગે છે. તેથી જ તે સર્વગ્રાહ્ય અને સાર્વજનીન બન્યા છે. મહાકવિ કાલિદાસે उत्सवप्रियां खलु मनुष्या । એમ યથોચિત જ કહ્યું છે.

ઉત્સવો આપણને ગમે છે કારણ કે તે આપણને રોજિંદા જીવનમાંથી અલ્પકાલીન મુક્તિ આપે છે. ધંધા રોજગાર અને શુષ્ક જીવનવ્યવહારના બોજા નીચે દબાયેલો માનવ ઉત્સવના દિવસે થોડો મુક્ત શ્વાસ લઈ અહેસાસ અનુભવે છે. જીવનની જડતાને ખુલ્લું આકાશ સાંપડે છે. ઘડીભર તેમાં મુક્ત ઉડ્ડયન કરીને માનવી પોતાના મનના સંતાપોને તત્કાલ પૂરતા શમી ગયેલા અનુભવે છે. બીજાના ચંદ્રની માફક ક્યારેક આવતા ઉત્સવો અતિ પરિચયથી થતી અવજ્ઞાના દોષમાંથી બચી જાય છે. ક્યારેક ક્યારેક આવતો માણસ જેમ આપણને આવકાર્ય લાગે છે તેમ ક્યારેક આવતા ઉત્સવો આપણને પ્રિય બની જાય છે. ઉત્સવમાં રહેલો ઉલ્લાસ એ જો એમાંનો પ્રેય ભાગ હશે તો ઉત્સવમાં રહેલું જીવન દર્શન એમાંનો શ્રેય ભાગ છે. કોઈ પણ ઉત્સવની ઉજવણી પાછળ પ્રેય અને શ્રેય બંનેનો સમન્વય રહેવો જોઇએ. ઉત્સવને યથાસ્થિત ઊજવવા એમાં પ્રાકૃતતા છે જ્યારે ઉત્સવની પાછળ રહેલા ભાવ-રહસ્યને સમજીને ઉત્સવ ઊજવવામાં શ્રેષ્ઠત્વ છે. ઉત્સવ શબ્દ उद्+सू ધાતુમાંથી બન્યો છે. અર્થાત્ ઉત્સવ એટલે જે 'ઊર્ધ્વ જન્મ કરાવે તે.'  जन्मना जायते शूद्रः संस्कारैं द्विज उच्यते ।' સાંસ્કૃતિક ઉત્સવોની સાંસ્કારિક ઉજવણી મનુષ્યને દ્વિજત્વ બક્ષે છે.

ઉત્સવોની પાછલ ભાવનું મહત્ત્વ છે. ભાવશૂન્ય અંત:કરણથી કરેલી ઉત્સવોની ઉજવણી યંત્રવત્ બને છે અને માનવના જીવનમાં જડત્વ નિર્માણ કરે છે. ગતાનુગતિક પરંપરાથી સમજ્યા વગર ઉજવાતા ઉત્સવોથી કંઈ અર્થ સરતો નથી. પરિણામે સમય, શક્તિ કે સંપત્તિનો બગાડ જ ઉત્સવ નિમિત્તે થતો દેખાય છે. ભાવપૂર્ણ અંત:કરણથી અને સારગ્રાહી બુદ્ધિથી જો ઉત્સવો ઊજવવામાં આવે તો તે જીવનમાં આનંદ નિર્માણ કરે તેમ જ જીવનની નિરાશાને ખંખેરી નાખી નવી આશાનો સંચાર કરે.

ઉત્સવોની મૂક વાણી આપણને જીવનવિકાસમાં ઉપયોગી એવા સંદેશાઓ આપે છે. સમ્યક્ દિશા બતાવે તે સંદેશ. આ રીતે ઉત્સવો એક ઉત્કૃષ્ટ માર્ગદર્શક કે ભોમિયાની ગરજ સારે છે. મહાપુરુષોની જયંતીના જે ઉત્સવો આપણેે ઊજવીએ છીએ તે તેમની મહાનતા આપણી સામે દ્રષ્ટિગોચર કરી આપણને પણ મહાન બનવાનો સંદેશ આપે છે. 

‘‘Lives of great men all remind us;

We can make our lives sublime.

Departing leave behind us;

Footprints on the sands of Time !" - Longfellow. 

આપણે પણ આપણું જીવન ઉચ્ચ અને ઉદાત્ત કરી શકીએ છીએ એવું આશ્વાસન મહાપુરુષોનું જીવન આપણને આપે છે. कृष्णो भूत्वा कृष्णं यजेत् । रामो भूत्वा रामं यजेत् । शिवो भूत्वा शिवं यजेत्  એવા સંદેશાઓ જન્માષ્ટમી, રામનવમી કે મહાશિવરાત્રિ જેવા ઉત્સવો આપણને આપે છે.

સંક્રાતિ, હોળી કે દિવાળી જેવા ઉત્સવો આપણા માટે માર્ગદર્શક સમા બની રહે છે. જીવનને ક્યાં બાંધવું જોઈએ, કઈ દિશામાં માનવે ગતિ કરવી જોઈએ વગેરેનું સુંદર સૂચન એમાં રહેલું છે.

સંક્રાંતિનો ઉત્સવ સાચી સંઘનિષ્ઠા કેળવી સમ્યક્ ક્રાંતિ સર્જવાનો સંદેશ આપે છે. હોળી આપણને રાગ-દ્વેષો, ખોટા તર્કકુતર્કો તેમજ ઊંચનીચના ભેદ બાળી નાખવાનો સંદેશ આપે છે. હોળીમાં પાપ બાળી નાખીને, પુણ્યની ઝોળી ભરીને, જીવન પ્રભુને ધરો તો હોળીનું દિવાળીમાં રૂપાંતર થાય.

તો વળી દિવાળી આપણને કહે છે ઊંચા આદર્શો રાખી, વીર બનીને, સંસ્કૃતિ કાજે ભેખ ધરીને, તેવી દીક્ષા લઈને દિવાળી ઊજવો.

રક્ષાબંધન કે ભાઈબીજ જેવા ઉત્સવો ભાવસંવર્ધનનું કામ કરે છે. બહેનની ભાવના હોય છે કે જગતમાં જોટો ન મળે એવો મારો ભાઈ થશે.

બહેનની ભાઈ માટેની આવી ભાવના હોય છે. સાસરે જતી બહેનને વિદાય આપતી વખતે ભાઈનો મૂર્તિમંત ભાવ નીતરતો જોવા મળે છે. બહેન ! તને પ્રભુના આશીર્વાદ મળે, ઋષિના આશીર્વાદ તને પથ-દર્શક બને, તું સંસારમાં સુવાસ ફેલાવ, તારું સૌભાગ્ય અખંડ રહે.

ગણેશ ચતુર્થી એ ગણ-પ્રમુખ કેવો હોવો જોઈએ તે સમજાવે છે.

કર્મવીરોના જીવનમાં તો ઉત્સવ નવા પ્રાણ પૂરે છે. હોળીની ધમાચકડી, જન્માષ્ટમીની રમતો કે નવરાત્રિના રાસગરબા વગેરે આપણને ચેતનાની થોડી ઝલક આપે છે. કાર્યના સાતત્યને લીધે નિર્માણ થયેલી નીરસતાને દૂર કરી, નિત્ય નવીનતાને આમંત્રી, કાર્યકરના દિલમાં ઉમંગ નિર્માણ કરી તેની રસિકતાને ટકાવી રાખવાનું કામ ઉત્સવ કરે છે.

ભારતનો સાંસ્કૃતિક ઈતિહાસ, પુસ્તકના પાનાંઓમાં નહીં, પરંતુ તેના જીવતા ઉત્સવોમાં લખાયેલો છે. તે ઉત્સવો પાછળ રહેલી દ્રષ્ટિ જો પકડાય, તેની પાછળ રહેલા મંત્રનું જો મનન થાય તો એ સાંસ્કૃતિક ઈતિહાસના સર્જક એવા ઋષિમુનિઓ પ્રત્યે માનવ કૃતજ્ઞા બુદ્ધિથી નતમસ્તક બની જાય. એ સંસ્કૃતિ ટકાવવા લોહીનું ટીપેટીપું ખર્ચનાર પૂર્વજો માટે આદર નિર્માણ થાય. શાસ્ત્રકારો ઉપરની શ્રદ્ધા વધારે દ્રઢીભૂત થાય.

ઉત્સવો ઐક્યના સાધક, પ્રેમના પોષક, પ્રસન્નતાના પ્રેરક, ધર્મના સંરક્ષક અને ભાવના સંવર્ધક છે ઉત્સવોમાં કેવળ રજાની મઝા માણતા આપણે જીવનમાંથી મઝાને જ રજા આપી બેઠા હોઈએ એવું લાગે છે. મનોમંથન વગરનું કેવળ મનોરંજન ઉત્સવના ઉત્સવપણાને જ હણી નાખે છે.

આપણા ઉત્સવોને આપણે સાચા અર્થમાં સમજીએ, સેવીએ, સાચવીએ, સંસ્કારીએ, સમુન્નત બનાવીએ, તો જ ઉત્સવની ઉજવણીનો કંઈક અર્થ છે. ઉત્સવ-દર્શન સાચા અર્થમાં આપણું જીવનદર્શન બની રહે એ જ ભગવાન યોગેશ્વરને પ્રાર્થના !

- શાસ્ત્રી પાંડુરંગ આઠવલે


Google NewsGoogle News