Get The App

અનુશાસન જીવનનું અનિવાર્ય તત્વ .

Updated: Nov 12th, 2024


Google NewsGoogle News
અનુશાસન જીવનનું અનિવાર્ય તત્વ                      . 1 - image


- એક જ દે ચિનગારી-શશિન્

- અનુશાસન માટે જીવનનાં છ મહત્વનાં તત્વો કયા ?

જી વને પ્રસન્નતા અને ખુશીથી છલકાતું રાખવા માટે મારી જાતને મારે પ્રતીતિ કરાવવી જોઇએ કે હું પરમાત્માનો વરદપુત્ર છું એટલે ઉચ્ચ કોટિના ઇન્સાનની જેમ જ વર્તીશ

અનુશાસન એટલે આદેશ, આજ્ઞા, હુકમ, અનુશાસ્ એટલે ઉપદેશ, શિખામણ. નિયમ, ફાયદો, વિધિ, નૈતિકબળ, પ્રમાણ આપી સાબિત કરવું. મર્યાદામાં રાખવાની ક્રિયા, નિયમન. મહાભારતના તેરમા પર્વમાં ઉપદેશ આપેલો હોવાથી તે અનુશાસન પર્વ પણ કહેવામાં આવે છે. અનુશાસન એટલે નિયમ, કાયદો, અધિકાર, સત્તા, કોઇ વિષયનું વિવરણ કે સમજૂતી, રાજ્ય વહીવટનો અમલ કરવો તે. અંગ્રેજીમાં અનુશાસનને સમકક્ષ શિસ્ત માટે DISCIPLINEનો ઉદભવ લેટિન ભાષાના DISCIPULUS પરથી થયો છે. (અંગ્રેજી શબ્દોની દુનિયા પ્ર.દોશી) તેના પરથી હાલનો શબ્દ મૂળ ફ્રેંચ ભાષામાં આવ્યો છે. જેમાં તે ભાષા મુજબ 'કેળવણી, સૂચના, અધ્યાપન્ કે તાલીમ' થાય છે.

અનુશાસનની છ વિશેષતાઓ કઇ ? અનુશાન માટેનાં છ મહત્વનાં તત્વો કયાં ?

૧ સંયમ

૨ આત્મ નિયંત્રણ

૩ ક્રોધ પરનો કાબૂ

૪ વહીવટની ક્ષમતા

૫ આત્મ સુધાર

૬ નને નિયમ અનુસાર કામ કરવાની તાલીમ, સમયોચિત મૌન.

જીવનને ઘરેડમાંથી મુક્તિ આપી તેને નાવીન્ય અર્પવું જોઇએ. એ માટે જરૂરી છે :

૧. જીવન મૂલ્યોની સુરક્ષા

૨. પ્રત્યેક પરિસ્થિતિમાં બળાપા વગરની જીવનદ્રષ્ટિ

૩. સાદગી અને થોડામાં ગુજારો કરી લેવાની વૃત્તિ

૪. સહિષ્ણુતા, ક્ષમાદાન, તંદુરસ્ત સ્પર્ધા, અંગજીવનમાં નીતિમત્તા.

૫. નિષ્કામ કર્મ, પ્રેમ અને સેવાને જ સર્વશ્રેષ્ઠ ધર્મ માનવાનો માનવતાસભર દ્રષ્ટિકોણ.

૬. આંતરિક સમૃદ્ધિની વૃદ્ધ અને બાહ્ય સમૃદ્ધિની પ્રાપ્તિમાં નૈતિકતા.

૭. વૈભવશાળી બનવા કે દેખાવા માટે શિસ્ટતા, સદાચાર અને પ્રામાણીકતાને નેવે મૂકવાનું પ્રલોભન જતું કરવું.

૮. વાંચન, મનન અને ચિંતન દ્વારા જીવનને ઉદાત્ત બનાવવા સમયની ફાળવણી.

૯. અહંકાર ત્યાગ, નિર્વેર, મૈત્રી અને સમર્પણ માટેની તૈયારી.

૧૦ વિનમ્રતા, વિનયશીલતા, વિવેક અને ત્યાગની ભાવના.

માણસે પોતાનું મૂલ્યાંકન કેળવી નવો દ્રષ્ટિકોણ અપનાવવો જોઇએ ? એ માટે પોતાની જાતને પૂછવું જોઇએ કે હું જળની પાછળ દોડયો છું કે મૃગજળની પાછળ ? મારી તરસ માટે જવાબદાર કોણ ? મૃગજળ કે હું પોતે ? મારું જીવન જડ છે કે પરિવર્તનશીલ ? જડતાને છોડવાની મારી તૈયારી છે ખરી ? કબાડી માર્કેટની નકામી વસ્તુઓ વચ્ચે ફૂલનો છોડ ખીલ્યો છે ખરો ? મને ભરતાં આવડે છે પણ ખાલી કરતાં નથી આવડતું, એ મારી મજબૂરી છે. મારે મારી જાતને પૂછવું જોઇએ કે મારું બોલકાપણું (વાચાળતા) મને ફળ્યું છે કે સમજણપૂર્વકનું મૌન ? મને મારી જીભે કેટલી વાર હરાવ્યો, તેનો મેં કદી સરવાળો કર્યો છે ખરો ?

મેં જીવનને સમગ્રતાથી મૂલવ્યું છે કે ટુકડે-ટુકડે. મારા ખંડિત જીવન માટે હું જ જવાબદાર છું, એવું મેં કદી વિચાર્યું છે ખરું ? હું દ્વિધાગ્રસ્ત રહી યોગ્ય સમયે યોગ્ય નિર્ણય ન કરું તો પરમાત્માની કૃપા મને ક્યાંથી મળે ?

મારાં પગલાંની લિપિ મેં કદી ઉકેલી છે ખરી ? મેં લીધેલા પગલાં કેટલાં સીધાં અને કેટલાં વાંકા હતાં, તેનું ચિંતન કર્યું છેે ખરુ? હું તુલનામાં પાવરધો છું પણ સંતુલનમાં સાવ નબળો એ  વાત મને ક્યારેય ખટકી છે ખરી ? મારી સમસ્યાઓનું કારણ સંતુલનનો અભાવ છે એમ મને લાગ્યું છે ખરું ?

અનુશાસનનો પ્રારંભ ઘરથી થાય છે. ઘરના દરેક માણસને આગવો સ્વભાવ હોય છે. આગવી મર્યાદાઓ અને આગવી વિશેષતાઓ. એ બધા વચ્ચે સામંજસ્ય સ્થાપી બિનવિવાદાસ્પદ રીતે કેવી રીતે વર્તવું એ પણ કળા છે. અનુશાસન એ માટે સૂચવે છે ધૈર્ય, સહિષ્ણુતા અને જતું કરવાની ભાવના. આ ભાવનાને અભાવે કુુટુંબો તૂટયાં છે અને બરબાદ થયાં છે. એટલે કુટુંબનો દરેક સભ્ય અનુશાસનનું સ્વેચ્છાએ પરિપાલન કરે તે અનિવાર્યત: આવશ્યક છે.

સમાજ અને સામાજિક જીવનમાં પણ અનુશાસન અત્યંત મહત્વનું સ્થાન ધરાવે છે. સામાજિક સંબંધોમાં પ્રમાણ ભાવ સચવાવું જોઇએ. 'અતિ' નિકટતા સામાજિક સંબંધો કે મૈત્રીભાવના માટે વિઘાતક બને છે. સમાજના જુદા જુદા વર્ગો અને જાતિ. જ્ઞાતિ માટે અનુશાસત્મક ઔદાર્ય અનિવાર્ય છે. સાંપ્રદાયિકતા, સંકીર્ણ દ્રષ્ટિકોણ અને અસહિષ્ણુતા સામાજિક સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો કરે છે એટલે સર્વધર્મ સમભાવનું શિક્ષણ સ્વૈચ્છિક અનુશાસન આપે છે.

રાજકારણમાં પણ અનુશાસનનું ખૂબ જ મહત્વ છે. નેતૃત્વની તાલીમ અને ઘડતર વગર માત્ર ભાષણ આપવાના કૌશલ્યને કારણે નેતૃત્વના અહંકારમાં રાચવું એ એક ભયાનક રોગ અને નિમ્ન કોટિની વૃત્તિ છે. અનુશાસનને અભાવે નેતાઓ એકબીજાને ભાંડતા હોય છે, વગોવતા હોય છે, નિંદતા હોય છે અને આક્ષેપોથી રાજકીય વાતાવરણને દૂષિત કરતા હોય છે. વિધાનસભ્ય કે સાંસદ થયું એટલે બેલગામ વાણીનો ઉપયોગ કરવાનો પરવાનો મળ્યો. એવા ખોટા ખ્યાલમાં આખું નેતૃત્વ વગોવાતું હોય છે. પ્રચાર અને દુષ્પ્રચાર બન્ને વચ્ચે જમીન આસમાનનું અંતર છે એ વાત નેતાઓ ભાગ્યે જ યાદ રાખતા હોય છે.

ધર્મ અને સંપ્રદાયોમાં પણ અનુશાસન અનિવાર્ય છે. પોતાના ધર્મ કે સંપ્રદાયને મોટો ચિતરવાનો ખ્યાલ ધર્મગુરુઓમાં અહંકાર અને વિદ્વેષ સર્જતો હોય છે. અનુયાયીઓની સંખ્યા વધારવા બિનતંદુરસ્ત સ્પર્ધા ધર્મભાવનાને ઠેસ પહોંચાડે છે. ધર્મ કે સંપ્રદાયના નિભાવ માટે 'દાન'ની લાલચ પણ નૈતિકતાને હાનિ પહોંચાડે છે.

જીવનને ખુશી અને પ્રસન્નતાથી છલકાતું રાખવા માટે મારી જાતને મારે પ્રજાતિ કરાવવી જોઇએ કે હું પરમાત્માનો વરદ પુત્ર છું એટલે ઉચ્ચ કોટિના ઇન્સાનની જેમ જ વર્તીશ. જન અને જગત સાથેનો મારો નાતો નિસ્વાર્થ રાખીશ. હું યાચક નથી પણ 'દાતા' છું એવી ખુમારીથી અર્પણભાવ કેળવીશ.


Google NewsGoogle News