વો પ્યાર પુરાના બચપન કા .
- રજનીગંધા-વિભાવરી વર્મા
- ગોવિંદના દસ-પંદર સાથીઓએ મોડી રાત સુધી પાર્ટી કરી. સાથીઓ પૂછતા રહ્યા 'યાર, શાની પાર્ટી છે !' ગોવિંદ કહેતો રહ્યો 'બસ એમ જ ! મન થયું !
ગો વિંદ અને ગીતા એક જ ગામના. ગામ પણ અંતરિયાળ વિસ્તારનું. શાળાએ જવું હોય તો બે કિલોમીટર ચાલીને, પછી નદી પાર કરીને, વધુ દોઢ કિલોમીટર ચાલવું પડે.
પરંતુ એ જ તો બાળપણની મજા હતી ! પેન-પાટી અને દફતર લઈને સાથે રમતા કૂદતા નીકળવું, નદીમાં પાણી ઓછું હોય ત્યારે મજાથી અંદર છબછબિયાં કરતાં દોડવું અને જ્યારે પાણી વધારે હોય ત્યારે દફતર માથે મુકીને ધીમા ડગલે એકબીજાનો હાથ પકડીને નદી પાર કરવી.
આમાં વળી ક્યારેક નદી ગાંડી થઈ હોય તો નદીને કિનારે બેસી રહીને નદીને તોફાન કરતી જોવાની મજા માણવી અને થોડીવાર પછી જ્યારે નદી તોફાન કરીને થાકે ત્યારે જો પાણી કેડથી યે ઉપર હોય તો ગોવિંદ ગીતાને ખભે ઉપાડીને નદી પાર કરાવે !
પહેલા ધોરણથી લઈને છેક દસમા ધોરણ સુધી ગોવિંદ અને ગીતાને આ રીતે એકબીજા વિના ચાલે જ નહીં એવી દોસ્તી બંધાઈ ગયેલી. અગિયારમા ધોરણ પછી બન્નેના તન અને મનમાં જે ફેરફારો થયા એમાં એમને બન્નેને લાગ્યું કે આપણી વચ્ચે જે છે એ 'દોસ્તી'થી કંઈક વિશેષ છે. એ 'શું' છે એની પણ ખબર નહોતી.
પરંતુ જ્યારે બારમા ધોરણની પરીક્ષાઓ આપી રહ્યા હતા ત્યારે એમને ખ્યાલ આવ્યો છેલ્લાં બાર વરસથી બન્નેને સાથે બાંધી રાખનાર જે નિશાળ હતી એનું નામ હવે પુરું થયું હતું. હવે ગોવિંદ એના રસ્તે જશે અને ગીતા એના રસ્તે.
બારમાની પરીક્ષાનું છેલ્લું પેપર આપ્યા પછી બન્નેએ જ્યારે પેલી નદી પાર કરી ત્યારે પોતાના ગામ તરફ જવાના બદલે બન્ને ત્યાં જ ઊભા રહી ગયા... સાંજ પડી રહી હતી. ડૂબતા સુરજના કેસરીયા પ્રકાશથી નદીનાં શાંત પાણી ચમકી રહ્યાં હતાં.
એવે વખતે ગીતાએ ગોવિંદનો હાથ પકડીને પોતાની છાતી સરસો ચાંપતાં કહ્યું 'ગોવિંદ આપણે ભલે આખો જનમારો એકબીજા સાથે જ વીતે એવું ઈચ્છતા હોઈએ પણ એવું બનશે નહીં.'
ગોવિંદે કહ્યું 'ખબર છે, ગીતા. હું રહ્યો એક દલિત કોમનો દિકરો અને તું ઊંચા ખાનદાનની લક્ષ્મી. આ હકીકત છે અને એને સ્વીકારવી જ રહી. છતાં...'
ગોવિંદે તેના પાકિટમાંથી એક જુની તસવીર કાઢી. એ તે તસવીર હતી જેમાં વરસો પહેલાં બન્ને જણાંએ એક મેળામાં તંબૂવાળા સ્ટુડિયોમાં જઈને સાથે ફોટો પડાવ્યો હતો ! ગોવિંદે એ તસવીરને હળવેકથી ચૂમીને પછી ધીમેથી એના બે ટુકડા કર્યા.
એક ટુકડો ગીતાના હાથમાં આપીને બીજો ટુકડો પોતાના પાકિટમાં મુકતાં તેણે કહ્યું 'બસ, આ રીતે આપણે એકબીજાની સાથે રહીશું.'
એ પછી વરસો વિત્યાં. ગોવિંદને સ્કોલરશીપ મળી. તે નજીકના શહેરની એક કોલેજમાં ભણવા માટે ગયો ગીતાના પિતાએ તેને દૂરના એક મોટા શહેરની પ્રખ્યાત કોલેજમાં ભણવા માટે મોકલી દીધી. બન્ને વચ્ચે હવે જે 'સંબંધ હતો તે માત્ર પેલા એક ફોટાના બે ટુકડા વડે જોડાયેલો રહ્યો.'
ભણી રહ્યા પછી ગોવિંદને નોકરી મળી. ખંત અને ઈમાનદારીથી કામ કરવાને કારણે એનો પગાર અને પોઝિશન, બન્ને વધ્યાં. છતાં ગીતાની યાદ મનમાંથી ખસતી નહોતી.
અચાનક એક સાંજે ઓફિસમાંથી નીકળતાં પહેલાં ગોવિંદે પોતાના સાથીદારોને કહ્યું 'આજે રાત્રે મારા ઘરે પાર્ટી છે ! સૌએ આવવાનું છે !'
ગોવિંદના દસ-પંદર સાથીઓએ મોડી રાત સુધી પાર્ટી કરી. સાથીઓ પૂછતા રહ્યા 'યાર, શાની પાર્ટી છે !' ગોવિંદ કહેતો રહ્યો 'બસ એમ જ ! મન થયું ! સૌએ બહુ ધમાલ મસ્તી કરી, ગીતો ગાયાં, નાચ્યાં, ઠઠ્ઠા મશ્કરીઓ કરી. સેલ્ફીઓ લીધી, ફોટા પાડયા, ફુગ્ગા ફોડયા, રીબિનો તોડી, ઘરમાં બધું રમણ ભમણ કરી નાખ્યું.'
છેવટે સૌ વારાફરતી છૂટા પડયા. સૌથી છેલ્લે વિદાય લેનારી લીનાએ ગોવિંદને કહ્યું 'હું સતત જોઈ રહી હતી, આટલી બધી ધમાલ મસ્તીની વચ્ચે તારા ચહેરા ઉપર ક્યાંક એક
ઉદાસીની છાયા આવી આવીને જતી રહેતી હતી. ગોવિંદ, મને ખબર નથી કે એ છાયા કોની છે, પરંતુ એક વાત યાદ રાખજે, તું એકલો નથી. અમે સૌ તારી સાથે છીએ. છેવટે હું તો છું જ...' ગોવિંદે લીનાની વાતનો સ્માઈલથી જવાબ આપ્યો.
બન્ને છૂટા પડયાં.
હવે ઘરમાં સન્નાટો હતો. એક બાજુ ફુગ્ગાઓ, ટોપીઓ, પેપરડીશો અને ખાલી પ્લાસ્ટીકની બાટલીઓ જ્યાં ત્યાં વિખરાઈને પડી હતી. તો બીજી તરફ સિલિંગ પરનો પંખો એકલો ગોળ ગોળ ફરી રહ્યો હતો.
ગોવિંદ આજે ખુશ હતો. તેણે વારાફરતી ઘરની લાઈટો બંધ કરી. માત્ર એક બ્લુ ઝબકારા કરતી સિરીજ લાઈટ રહેવા દીધી. તે બાલ્કનીમાં ગયો. આકાશમાં જોયું...
ત્યાં આકાશમાં પૂનમનો ચાંદ ઠંડી રોશની વિખેરી રહ્યો હતો. ગોવિંદે હળવેકથી પોતાના પેન્ટના ખિસ્સામાંથી પાકિટ કાઢ્યું. એમાંથી પેલા વરસો પહેલાં લીધેલા ફોટાનો અડધો ટુકડો લીધો અને પુનમના ચાંદ સામે ધરીને તે બોલ્યો :
'હેપ્પી બર્થડે ગીતા !'
બસ, ગોવંદ અને ગીતા એકબીજાના જન્મદિવસ આ જ રીતે મનાવતા હતા.
એ વખતે દૂર ક્યાંક કોઈના એફએમ રેડિયોમાં જૂનું એક ગાયન ગુંજી રહ્યું હતું : 'આયા હે મુઝે ફિર યાદ વો જાલિમ, ગુજરા જમાના બચપન કા...'