મધપૂડાને કયારેય ન છેડાય .

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
મધપૂડાને કયારેય ન છેડાય                           . 1 - image


- જેમ બચાવેલું ધન ખૂબ જ કામ આવે છે એવી જ રીતે બચાવેલા વિચારો સંકલ્પોથી જે આપણી શક્તિ બચે છે એ આપણે બીજા કોઈ સારા કાર્યમાં કે જરૂરી કાર્યમાં વાપરી શકીએ છીએ.

કો ઈ અસ્થિર મગજનું જ ગણાય જે મધપૂડાને છેડવાની હિંમત રાખે. બાકી તો લોકો એને દૂરથી જ જોઈ ભાગતા હોય. જો કોઈ વખતે ભૂલથી પણ મધપૂડાને અડાઈ જવાય તો પછી તો આપણી આવી બને. મધમાખી આપણા હાથ પગ મોઢું બધું જ બગાડી નાખે અને એ માણસને લાંબા સમય સુધી પરેશાન કરે. આ તો થઈ એક સ્થૂળ વાત. પણ વાચકોને થોડા સૂક્ષ્મતામાં લઈ જવા હતા. સ્થૂળતાથી સૂક્ષ્મ વાત ને સારી રીતે સમજી શકાય છે. કેમ કે સાયન્સનાં સમયમાં લોકો પાંચ તત્ત્વો થી બનેલા જગતમાં રહે છે. માટે પાંચ તત્વોની ભાષા જ સમજવી સહજ બને છે.

તો અહીંયા વાત થાય છે આપણા બધાના આંતરિક જગતની. અહીંયા પણ એક મધપુડો છે. જેની આજનો માણસ આખો દિવસ છેડતી કર્યા જ કરે છે. અને પછી એનાથી એટલો બધો તો હેરાન થઈ જાય છે કે છેવટે એને કાઉન્સીલર, સાયક્યાટ્રીસ વગેરે નો આધાર લેવો પડે છે. ટેન્શન, ડિપ્રેશન, અનિંદ્રા તો એની ફ્રી ગિફ્ટ છે. એ મધપૂડો છે આપણા વિચારો. હાલમાં તો માણસોની અંદર વિચારોની સુનામી ચાલી રહી છે. એનું મુખ્ય કારણ જે હોય તે મૂળ તો અધ્યાત્મિક શકિત ની ઊણપ જ છે) પણ માણસની આંતરિક શક્તિ સાવ ક્ષીણ થઈ ચૂકી છે અને લોકોનું મન ફકત આ ભૌતિક જગતમાં જ ફર્યા કરે છે. મન એક સેકન્ડ પણ ખાલી રહેવા નથી માંગતું. જો તમને આ વાતનો પુરાવો જોઈએ તો તમે તમારી આજુબાજુ જોઈ શકો છો કે લોકો બે મિનિટ પણ જો ફાટક બંધ હોય તો એ ખાલી ઊભા રહી શકતા નથી. કે ૩૦ સેકન્ડ નો પણ જો સમય હોય તો માણસ ખિસ્સા કે પર્સમાંથી મોબાઈલ કાઢી જોવા બેસી જાય છે. આજુબાજુ કોણ છે એની પણ એમને જાણ થતી નથી. જેને આજની ભાષામાં કહીએ તો માણસનું મગજ હાયપર એક્ટિવ બની ગયું છે. એમાંય સામે કોઈ એક માણસ એવું નજરમાં આવે જેનાથી કંઈક સંબંધોમાં ઉપર નીચે થયું હોય પછી તો એની આખી જનમપત્રી નો ફોલ્ડર મનમાં વિચારો રૂપે ખુલી જાય છે. શરૂઆત એક વિચારથી જ થાય છે અને એ જ એક વિચાર છે મધપૂડાની છેડતી.

જો પહેલો વિચાર આવ્યો એનાથી જ ચેતી જવાય તો મધમાખી ના બટકાથી બચી શકાય, તેનાથી થનાર નુકસાન રોકી શકાય છે પણ આ બધું સમજવા માટે પણ જ્ઞાાનની અને શક્તિની જરૂર છે. જ્ઞાાન માં કહ્યું છે કે આપણે પોતાના જ વિચારોથી ડિસ્ટન્સ બનાવી રાખવું અને એક અજાણ્યા માણસ તરીકે જ આપણે પોતાના વિચારોને જોવા અને પછી સમજદાર બની જેમ એક એક રૂપિયો બચાવવાની આવડત આપણા પાસે છે, એવી જ રીતે એક એક સંકલ્પને પણ ખર્ચ ન કરવા, પોતાની શક્તિ બચાવવી. જેમ બચાવેલું ધન ખૂબ જ કામ આવે છે એવી જ રીતે બચાવેલા વિચારો સંકલ્પોથી જે આપણી શક્તિ બચે છે એ આપણે બીજા કોઈ સારા કાર્યમાં કે જરૂરી કાર્યમાં વાપરી શકીએ છીએ. 

-  બી.કે. રીનાબેન


Google NewsGoogle News