Get The App

મનની શાન્તિ માટે જાતને પૂછવા જેવા નવ પ્રશ્નો

Updated: Feb 11th, 2025


Google NewsGoogle News
મનની શાન્તિ માટે જાતને પૂછવા જેવા નવ પ્રશ્નો 1 - image


- એક જ દે ચિનગારી-શશિન્

- બીજાને સુખી કરવાનો પ્રયત્ન કરો વેરવૃત્તિ કે ઇર્ષ્યા ત્યજી ક્ષમા ભાવ દાખવો. ભાગ્ય સજા કરી રહ્યું છે એ વાત મનમાંથી કાઢી નાખો

'કદમ-કદમ પર ધોખે હૈં

દિખને મેં સબ ચોખે હૈં

કિસપર રખું શક કી બુનિયાદ

સબ ખેલ અનોખે હૈં'

એક હતોત્સાહ માણસ લમણે હાથ દઇ બેઠો છે. પોતાની જિંદગી પરત્વે નફરત વ્યક્ત કરતાં વિચારે છે : 'અરે ! મારી તે કાંઈ જિંદગી છે ! શું વેઠ અને ઢસરડા કરવા જ ભગવાને મને જન્મ આપ્યો છે ? લોકો લહેર કરે છે અને મારું એક નાનકડું સ્વપ્ન પણ પૂરું થતું નથી ! હું કંટાળ્યો છું આવી જિંદગીથી.'

બીજા એક માણસનો વિચાર એ માણસની જિંદગી કરતાં તદ્દન જુદો હતો. એને લાગતું હતું પોતે એક આનંદી જીવડો છે. ભગવાન બુદ્ધે કહેલા આઠ માર્ગો મને ક્યારેય દુ:ખી થવા દેતા નથી. તે છે સાચી (યોગ્ય) માન્યતા, ૨. યોગ્ય (સાચા વિચારો, ૩. સત્યનિષ્ઠ કાર્યો, ૪. સાચી વાણી, ૫. શુદ્ધ સાધનોથી જીવન નિર્વાહ, ૬. આત્મનિગ્રહ, ૭. યોગ્ય સ્મૃતિબળ, ૮. સમુચિત ધ્યાન. એ માણસ આગળ વિચારે છે : 'પોતાની જિંદગી કેવી છે ? એની આઝાદી ભગવાને છીનવી નથી. હું સદાય મારા અંત:કરણને પૂછતો રહું છું કે સાચું શું અને ખોટું શું ? દિવસ આપણને ભોગવી જાય છે અને આપણે માનીએ છીએ મેં દિવસ પાસેથી ખાસ્સું વસૂલ કર્યું. આપણે આપણી જાતને પૂછવા જેવા પ્રશ્નો આ રહ્યા નવ પ્રશ્નો :

 હાસ્ય રેલાવવા આપણી પાસે સમય છે ખરો ?

 શું હું વિચારવા માટે સમય ફાળવી શકું છું ખરો ? કારણ કે એ ઉર્જાનો સ્રોત છે.

 શું હું વાચન માટે સમય કાઢી શકું છું ખરો ? કારણ કે સાત્વિક વાચન ડહાપણનો દરિયો છે.

 શું હું પ્રાર્થના માટે સમય કાઢી શકું છું ? કારણ કે એ અવનિની અમૃતમયી શક્તિ છે.

 શું હું પ્રેમ આપવા અને પ્રાપ્ત કરવા સમય અર્પી શકું છું ખરો ? કારણ કે એ ઇશ્વરદત્ત વિશેષાધિકાર છે.

 શું હું મૈત્રીભર્યું વર્તન દાખવી શકું છું ખરો ? કારણ કે તે પ્રસન્નતાનો રાજમાર્ગ છે.

 શું હું દાતા બની શકું છું ખરો ? કારણ કે સ્વાર્થી બનવા માટે આ જિંદગી ટૂંકી છે.

 શું હું કર્મ પ્રત્યે નિષ્ઠવાન છું ? કારણ કે એમાં સફળતાનું રહસ્ય છે.

 શું હું સાચા હૃદયથી પશ્વાતાપ કરી કોઇને દુભવવા બદલ મારી માગું છું ખરો ? કારણ કે એમાં પરમાત્માની પ્રસન્નતા છૂપાએલી છે.

આ નવ માર્ગો જીવનને પ્રસન્ન અને નિરાંતપૂર્ણ બનાવવાની આવી છે. જગત પ્રગતિ માટે હરણફાળે દોડે છે. આખા જગતે કાંઈક મેળવવું છે પણ 'કશુંક' એટલે શું તેની વ્યાખ્યા અને વ્યાપ સ્પષ્ટ નથી. એક સ્વપ્ન બીજા સ્વપ્નને ખો આપે છે અને વિજેતા બનવાની હોડ લાગી છે. કેટલાક માણસ ઇર્ષ્યાળુ છે. તમારા માર્ગમાં રોડાં નાખી તમને થકવી નાખવામાં તેમને આનંદ આવે છે. માણસ બગીચામાં ફરવા જાય છે એમાં સુગંધિત પુષ્પો જોઇ તેનું મન તરબતર થઇ જાય છે પણ એના જીવનની કરુણતા એ છે કે સુગંધને બગીચામાં રહેવા દે છે. સાથે લઇ જતો નથી. માણસ મલીન વસ્ત્રોની જેટલી ચિંતા કરે છે એટલી દરરોજ મેલા થતા મનની ચિંતા કરતો નથી. આપણાં ઘણાં બધાં દુ:ખો આપણી જાતને નહીં બદલવાની જિદ, અહંકાર અને ગર્વમાંથી જન્મે છે. ઘણા માણસો અભિમાનપૂર્વક કહેતા હોય કે જે થવાનું હોય તે થાય પણ આપણે બંદા બદલાવાના નથી ! માણસના પોતાની જાત પ્રત્યેના જડ વલણે જ આ જગતને સંસ્કારપ્રિય બનવાને બદલે સંહારપ્રિય બનાવી દીધું છે ! રાવણ, કંસ, દુર્યોધન, શિશુપાલ, જરાસંઘ એ બધામાં પોતાની જાતને બદલવાની સુટેવ હોત તો એમની દુષ્ટતા અગણિત લોકોના રક્ત પ્રવાહિત થવાનું નિમિત્ત ન બનત. તરસ છિપાવવા માણસ ઠંડા પીણાં પીએ છે પણ અંદરનો ઉકળાટ શાન્ત પાડી શક્તો નથી. તમે જાતજાતની બાહ્ય પરીક્ષાઓ આપો છો પણ તમારા અંતરાત્માની પરીક્ષામાં પાસ થાઓ છો કે નાપાસ ? બીજાના સદગુણોની યાદી કરવાથી તમને અંદરથી સુધરવાની પ્રેરણા મળશે. મનમાં આપોઆપ ઉગતા બાવળનું નિકંદન કાઢવા માટે પ્રયત્ન કરો અને સદગુણોનું વાવેતર કરતા રહો. તમે પોતે સંપૂર્ણ અને નિર્દોષ નથી એટલે બીજો સંપૂર્ણ અને નિર્દોષ હોય એવી અપેક્ષા જ એક પ્રકારનો અપરાધ છે. આપણે અંત:કરણને ઝેરની પોટલીઓ સંઘરવાનું સંગ્રહસ્થાન બનાવીએ છીએ. એક વખરત એક માણસ તરફથી થયેલા કટુ અનુભવને આધારે તેનું મૂલ્યાંકન 

કરી કટુતામુક્ત બનવાનો પ્રયત્ન કરતા નથી. બીજો સુધરે એ પહેલાં તમે જાતે સુધરવાનો પ્રથમ પ્રયત્ન કરો. એનાથી તમે હળવા નરવા ગરવા થઇ શકશો. માનસિક શાન્તિના બેતાજ બાદશાહ બની શકશો. અહીં આઈ.કે.વીજળીવાળાએ 'અંતરના ઉજાસ'માં વર્ણવેલો 'સુખની પૂંછડી' વાળો પ્રસંગ ધ્યાનમાં લેવા જેવો છે.

એક વખત બિલાડીનું એક નાનકડુ બચ્ચું પોતાની પૂંછડીને પકડવા ગોળ ગોળ ફરતું હતું. હજી તો એ પૂંછડી મોંમા પકડે તે પહેલાં ત્યાંથી છટકી જતી હતી. આ ખેલ એક ઘરડી બિલાડી બેઠી બેઠી જોઈ રહી હતી. ખાસ્સી વાર થઇ એ પછી એણે પેલા બચ્ચાને પૂછ્યું : 'બેટા, શું કામ તારી પૂંછડીની પાછળ દોડે છે. કાંઈ ખાસ કારણ ખરૃં ?'

બચ્ચાએ જવાબ આપ્યો : 'દાદી, મારા ભાઈબંધે મને કહ્યું છે કે સુખ નામની અદ્ભુત ચીજ તારી પૂંછડીમાં સમાયેલી છે. અને જો હું મારી પૂંછડીને પકડી શકીશ તો તે મને મળી જશે. પણ ક્યારનીયે દોડું છું પૂંછડી પકડાતી જ નથી !'

આ સાંભળી પેલી ઘરડી બિલાડી ખડખડાટ હસી પડી એણે કહ્યું : 'બેટા, પહેલાં મને પણ એમ લાગતું હતું કે સુખ પૂંછડીમાં જ સમાએલું છે. હવે મને સમજાયું કે પૂંછડી પાછળ દોડવું નિરર્થક છે. એટલે મેં પૂંછડી પાછળ દોડવાનું બંધ કરી દીધું. હવે હું જ્યાં જ્યાં જાઊં ત્યાં પૂંછડી મારી પાછળ આવે છે. આપણા સૌના સુખનું પણ એવું જ છે. એની પાછળ પાછળ દોડા-દોડી કરીએ ત્યાં સુધી એ આપણને દોડાવ્યા જ કરે છે. એ જ્યારે આપણે તેની અવગણના કરીએ ત્યારે તે તરત જ પેલી પૂંછડીની જેમ પાછળ પાછળ (સુખ) ચાલવા લાગે છે.' અહીં પ્રસંગ પૂરો થાય છે.

માનસિક શાન્તિને હેમખેમ રાખવા માટે આપણે પાંચ બાબતો યાદ રાખવા જેવી છે :

૧. કોઈના શબ્દોથી અત્યંત ફૂલાશો નહીં કે વ્યંગ્ય વક્રોક્તિથી દુ:ખી થશો નહીં.

૨. કોઈ બદલાય તેની અપેક્ષા રાખવાને બદલે તમે તમારી જાતને બદલવાની પહેલ કરો.

૩. સુખ પાછળ દોડશો નહીં. એ ઝાંઝવાતી નીર જેવું છે. સુખી થવા માટે સુખને તમારી પાછળ દોડવા દો.

૪. જગત એ દર્પણ સમાન છે. તમે જે અંદરથી અનુભવો છો, એ જ તમને બહારથી મળે છે. એટલે અંત:કરણને શુદ્ધ રાખો.

૫. બીજાને સુખી કરવાનો પ્રયત્ન કરો વેરવૃત્તિ કે ઇર્ષ્યા ત્યજી ક્ષમા ભાવ દાખવો. ભાગ્ય સજા કરી રહ્યું છે એ વાત મનમાંથી કાઢી નાખો.


Google NewsGoogle News