'દુષ્પ્રેરણા' માત્ર આત્મહત્યા માટે હોય? .
- રજનીગંધા-વિભાવરી વર્મા
- 'રાઘવને એની બૈરી સાથે રોજ કંકાસ થતો હતો કેમકે રાઘવના અન્ય સ્ત્રીઓ સાથે સંબંધો હતા. એટલે એણે કંટાળીને ઝેર પીધું લાગે છે.'
'મા રી જાનુ, મારી ડાર્લિંગ, મારી સ્વીટહાર્ટ, મારી જાનેમન... તારે આવવું તો પડશે જ ! તું નહીં આવે તો તું જાણે છે કે હું શું કરી બેસીશ...'
ફોનમાં આ અવાજ રાઘવનો હતો. મીઠા મધમાં ઝબોળાયેલા હોય એવા શબ્દો જ્યારે મીતાના કાનમાં ટકરાયા ત્યારે તેને નમકમાં બોળેલા ચાબૂકના ચાબખા જેવા લાગ્યા. કેમકે આ માત્ર આમંત્રણ નહોતું એક જાતની ધમકી હતી...
મીતાના શરીરમાંથી લખલખું પસાર થઈ ગયું. કેટલાક દિવસોથી જે વિચાર મનમાં ફસાઈ રહેલી ફાંસની જેમ પીડા આપી રહ્યો હતો તે વિચારને આખરે અમલમાં મુકી જ દેવાનું મન થઈ ગયું.
કીચનમાં મોટા ડબ્બાઓની પાછળ રાખેલી ઝેરી જંતુનાશક દવાની શીશી તેણે બહાર કાઢી. ૨૫૦ એમએલની આ શીશી જો તે એક જ ઝાટકે પેટમાં ગટગટાવી જશે તો થઈ થઈને શું થશે ? પેટમાં ચુંથારો... પછી અગનઝાળ... પછી ચક્કર... પછી મોંમાંથી ફીણ... એક બે આંચકી આવશે અને પછી -
'પણ ધારો કે હું બચી ગઈ તો ?'
આ વિચારે મીતાના પગ ઢીલા થઈ ગયા. હમણાં જેનો ફોન આવ્યો હતો તે રાઘવ તેનો કેમેય કરીને પીછો છોડતો નહોતો. જો તે બચી જશે તો તો રાઘવને ઔર ફાવતું મળી જશે...
રાઘવ વારંવાર આ રીતે રાતના સમયે પોતાના ઘરે બોલાવતો હતો. મીતાના પતિને કશી ખબર ન પડે એટલા માટે રાઘવ તેના ભોજનમાં મિક્સ કરીને ખવડાવવા માટે ઊંઘની ગોળીઓ પણ આપી રાખતો હતો.
એકાદ વરસથી આ ચાલી રહ્યું હતું. મીતા રાઘવથી છૂટવા માગતી હતી પરંતુ ધીમે ધીમે તે વધુને વધુ ફસાતી જતી હતી. આ આખી મુસીબતનું કારણ બની હતી દોઢેક વરસ પહેલાંની મીતાની એક નબળી ક્ષણ...
મીતા એક ગારમેન્ટ ફેકટરીમાં સિલાઈકામની નોકરી કરતી હતી. રાઘવ ત્યાં ફોરમેન હતો. મીતા પોતાના ઘરે સીલાઈ મશીનથી એકસ્ટ્રા કમાણી કરી શકે એ માટે રાઘવ તેને અલગથી પોતાના ઓર્ડરો આપી જતો હતો. રાઘવનો હસમુખો સ્વભાવ તેને નાની નાની વાતોમાં હસાવી દેતો હતો.
એક રાત્રે જ્યારે મીતાનો પતિ બહારગામ હતો ત્યારે રાઘવ સીવેલાં કપડાં લેવા માટે ઘરે આવ્યો હતો. મજાક મજાકમાં તેણે મીતાનો એક હાથ પકડી લીધો હતો અને પછી બીજો હાથ... અને -
એ રીતે મીતાનું મન લપસી ગયું. રાઘવનો સંગ પણ તેને ગમ્યો. એ પછી બે ચાર વાર રાઘવ એ જ રીતે મોકો શોધીને આવી ગયો હતો. ત્યાર બાદ એકવાર મીતાએ રાઘવને કહી દીધું હતું 'બસ હોં ? હવે વધારે નહીં.'
પરંતુ રાઘવ માનતો નહોતો. મીતા તેને ટાળવાની કોશિશ કરતી હતી પણ રાઘવ હવે ફેકટરીમાં જ બધા સામે ડબલ મિનિંગવાળાં વાકયોમાં મીતા સાથે મજાક કરવા લાગ્યો. એકવાર રાઘવ ડબલ મિનિંગમાં હદ વટાવી ગયો ત્યારે મીતાએ તેના મોં ઉપર ચોપડાવી દીધી હતી કે 'મારાથી આઘો રહેજે ! નહિંતર મારા હાથની બે થપ્પડ ખાઈશ !'
એ સાંજે ફેકટરીથી છૂટીને મીતા ઘરે જતી હતી ત્યારે રાઘવે એને રસ્તામાં રોકી. 'મીતા મેરી જાન! ગુસ્સામાં તો તું ઔર હસીન લાગે છે!'
'આઘો રહેજે મારાથી!' મીતા ચીડાઈ ગઈ.
'હવે તો શી રીતે આઘો રહું ? તું તો મારી ધડકનમાં સેવ થઈ ગઈ છે ! જો...' એમ કહીને તેણે પોતાના મોબાઈલમાં મીતાને એક વિડીયો ક્લિપ બતાડી.
મીતા એ જોઈને ચોંકી ગઈ ! 'આ તેં ક્યારે ઉતારી ?' રાઘવ હસીને બોલ્યો. 'જ્યારે તું મારામાં આખેઆખી ઉતરી ગઈ હતી ત્યારે ! હવે બહુ જુદાઈ રાખવામાં મજા નથી મીતા ! જે મજા છે એ મારી સંગાથે મોજ માણવામાં જ છે ! હવે જો તું નહીં જ માને તો તું જાણે છે, કે આ વિડીયો હું કોને કોને મોકલી શકું છું...'
એ પછી મીતાને વશ થયા વિના છૂટકો નહોતો. પરંતુ હવે આ સંબંધ રીતસરનો 'ટોર્ચર' સમાન બની રહ્યો હતો. ન તો રાઘવથી છૂટી શકાય કે ન તો એની સામું થઈને લડી શકાય..
મીતાને લાગ્યું કે હવે એક જ રસ્તો બચ્યો છે... આત્મહત્યા કરવાનો ! મરતાં પહેલાં તે એક ચીઠ્ઠી લખીને જશે કે 'મારી આત્મહત્યા માટે એક જ માણસ જવાબદાર છે... એ છે રાઘવ. તેમે જ મને આત્મહત્યા કરવાની દુષ્પ્રેરણા આપી છે...' હાથમાં ઝેરની શીશી લઈને તે હજી કિચનમાં જ ઊભી હતી. બસ... ચાર ઘૂંટડા અને ખેલ ખતમ! મીતાએ શીશીનું સીલવાળું ઢાંકણું ખોલવા માંડયું. પણ તે ચસક્યું નહીં, મીતાએ વધુ જોર
લગાવ્યું. પરંતુ ઢાંકણાએ મચક આપી નહીં.
મીતાએ એક હાથમાં મજબૂતીથી શીશી પકડીને બીજા હાથની પક્કડ વડે ઢાંકણું જોર કરીને મચડયું... પણ એ જ ક્ષણે હાથમાંથી શીશી છટકી ગઈ !
ફર્શ ઉપર 'ખણણણ...' અવાજ સાથે કાચના ટુકડા ફેલાઈ ગયા. શીશીમાંથી ઘેરું પ્રવાહી ટાઈલ્સ પર ફેલાઈ ગયું... એના છાંટા આજુબાજુ છંટાઈ ગયા... મીતા સ્તબ્ધ થઈને આ વિચિત્ર, ડરામણ આકારને જોઈ જ રહી ! આ શું થઈ ગયું ?
આ હું શું કરવા જઈ રહી હતી ?
બીજી જ ક્ષણે મીતાએ વિચાર ફેરવી કાઢ્યો. તે પ્લાસ્ટિકની સૂપડી વડે કાચના ટુકડા ભેગા કરવા લાગી... હવે ગાભા વડે પોતું કરતાં કરતાં તેનો બદલાયેલો વિચાર વધારે મજબૂત થતો ગયો...
***
બીજા દિવસે સવારે રાઘવના પાડોશીઓને એના ઘરમાંથી રાઘવની લાશ મળી...
રાઘવની પત્ની પિયર ગઈ હતી. પાડોશીઓએ પોલીસને કહ્યું કે 'રાઘવને એની બૈરી સાથે રોજ કંકાસ થતો હતો કેમકે રાઘવના અન્ય સ્ત્રીઓ સાથે સંબંધો હતા. એટલે એણે કંટાળીને ઝેર પીધું લાગે છે.'
પોલીસ જ્યારે ફેકટરીમાં પૂછપરછ કરવા આવી ત્યારે મીતાએ ઈન્સ્પેકટરને સવાલ કરેલો : 'સાહેબ, આત્મહત્યા માટે કોઈની દુષ્પ્રેરણા હોય, એ રીતે હત્યા માટે કોઈની દુષ્પ્રેરણા ના હોઈ શકે.'
- એ રાત્રે મીતા રાઘવના ઘરે ગઈ હતી, ઝેરની નવી બાટલી અને ઘેનની ગોળીઓ લઈને !