કેવા યુવાનને વિજય મળે? .
- એક જ દે ચિનગારી-શશિન્
- દરેક 'પ્રભાત' પાસે પોતાની આગવી 'ભાત' અને સંદેશ હોય છે. તમે વાસી રહી એ 'ભાત'ને ન ઓળખો એમાં 'પ્રભાત'નો શો વાંક ?
કે વા યુવાનને વિજય મળે ? યૌવન એટલે અખૂટ શક્તિનો ભંડાર ચાલે તો ધરતી ધૂ્રજે અને રોષ કરે તો સમાજને હચમચાવી દે. યુવાન વ્યક્તિત્વની છ વિશેષતાઓ કઈ ?
૧. આશા અને ઉલ્લાસ સભર દ્રષ્ટિકોણ
૨. હું હારવા જન્મ્યો નથી એવી ખુમારી
૩. પવિત્ર અંત:કરણ
૪. સાહસિક
૫. કર્મયોગી અને પરોપકારી
૬. તૈત્તિરીય ઉપનિષદ મુજબ સમસ્ત્રિશીલ, આશાવંતો, અધ્યયનશીલ અને બળવાન.
(યુવા ચારિત્ર્યશીલ, યુવા અધ્યાયક, આશિષ્ઠ; દ્રઢ નિશ્ચયી અને બલિષ્ઠ)
યૌવનનું પ્રથમ લક્ષણ છે તન અને મનની મજબૂતી. કેવા યુવાનને વિજય સાંપડે ? રશ્મિરથી ખંડકાવ્યના બીજા પ્રકરણમાં કવિ રામધારીસિંહ દિનકર તેનું શબ્દચિત્ર રજૂ કરતાં કહે છે :
''પત્થર-સી હો માંસપેશીઆં,
લોહે-સે-ભુજદંડ અભય
નસ-નસ હો ભરી આગ-સી
તભી જવાની પાતી જય''
યુવાનનું સૂત્ર છે ''ભાઈ રે ! આપણા દુ:ખનું કેટલું જોર ? આપણે ના કાંઈ રંક, ભર્યો ભર્યો માંહ્યલો કોશ અપાર, આવવું હોય તેને આવવા દેજો મૂલવશું નિર્ધાર'' (કવિ રાજેન્દ્ર શાહ)
પોતાના જેવી દુ:ખ સહન કરવાની તાકાત અન્યમાં ભાગ્યે જ હોઈ શકે. એવું માનીને ચાલતા દુ:ખ બાદ સુખની ક્ષણો પામેલા એક પ્રકારની ગર્વની લાગણી અનુભવતા હોય છે. માણસને પોતે દુ:ખ ભોગવ્યાનો આનંદ નથી હોતો, પણ પોતે 'દુ:ખવીર' ઠરે અને લોકો પોતાની સહિષ્ણુતાની નોંધ લે એવી પ્રશસ્તિ માટે પણ ઉત્સુક હોય છે. પરિણામે પોતે વેઠેલાં દુ:ખનું બહેલાવી-બહેલાવી વર્ણન કરતાં તેને મજા આવતી હોય છે.
ખરું પૂછો તો આપણે દુ:ખને વધારે પડતું મહત્વ આપીને જીવનની સહજ ગતિનું અપમાન કરતા હોઈએ છીએ. એટલે સુભાષિતકારોએ એ વાત માણસને વારંવાર સમજાવવી પડે છે કે જે થવાનું નથી તે નથી જ થવાનું અને જે થવાનું છે, તેમાં ફેરફાર નથી થવાનો. આ પ્રમાણેનું ઔષધ ચિંતારૂપી વિષથી ઘેરાએલો માણસ કેમ નથી પીતો. પ્રભાતે 'કરદર્શન' દ્વારા એ વાત સમજાવવામાં આવી છે કે 'કરાગ્રે વસતે લક્ષ્મી, કર મધ્યે સરસ્વતી, કર મૂલે સ્થિતો બ્રહ્મા પ્રભાતે કરદર્શન'. આપણે હાથની તાકાતનો પૂરો ઉપયોગ કરીએ છીએ ખરા ? લેખન અને સર્જનની શક્તિનો પૂરો ઉપયોગ આપણે કરીએ છીએ ખરા ? પ્રભાત પાસે પોતાની 'નવી ભાત અને સંદેશ હોય છે. તમે વાસી રહી, એ ભાતને ન ઓળખો તો એમાં પ્રભાતનો શો વાંક?'
માણસ ઈચ્છતો હોય, કલ્પતો હોય, એનાથી વિપરીત કશું બને તો તેને દુ:ખ માનીને દેકારો મચાવતો હોય છે અને એવા દુ:ખોમાંથી ત્રાણ માગ્યા બાદ પોતાની બહાદુરીનાં વખાણ કરતાં થાકતો નથી. કુદરતની વ્યવસ્થામાં બધું જ પૂર્વ નિર્ધારિત હોય છે. 'નહીં' કોઈ બાત નિકમ્મી, કુદરત કે કારખાને મેં માણસની ખુમારી વધારવા આપણે તેને 'મુકદ્દરનો સિકંદર' કે સ્વયં ભાગ્ય નિર્માતા માનીએ છીએ પણ નિયતિ નામની કોઈ વ્યવસ્થા છે. જેની આગળ માણસે શરણાગતિ સ્વીકાર્યા સિવાય છૂટકો હોતો નથી. એટલે જ બાલાશંકર કંથારિયાએ ગાયું છે કે :
''ગુજારે જે શિરે તારે,
જગતનો નાથ તે સહેજે
ગણ્યું જે પ્યારું પ્યારાએ
અતિ પ્યારું ગણ લેજે.''
ચિંતા, ઉદ્વેગ, આશાન્તિ, બેચેની અને બળાપો નોતરવાની અને તેની આળપંપાળ કરવાની આદત જ માણસની દુ:ખોનો સામનો કરવાની તાકાત છીનવી લે છે.
દુ:ખમાંથી ત્રાણ અનેક રીતે શક્ય બને. ખુમારીપૂર્વક દુ:ખ સામે યુદ્ધ કરીને, કોઈની મહેરબાનીના યાચક બનીને, સિદ્ધાંતો સાથે બાંધછોડ કરીને, સ્વાર્થ ખાતર નિમ્ન કોટિના માણસોની મદદ લઈએ. માણસ આત્મદર્શન નથી કરતો માટે પોતે શું ગુમાવ્યું અને શું મેળવ્યું તેનો હિસાબ રાખી શકતો નથી. આપણે કોમ્પ્યુટર અને ઈન્ટરનેટની બોલબાલાના યુગમાં જીવીએ છીએ. એક અંગ્રેજ લેખકે આ અંગેનું પોતાનું મંતવ્ય રજુ કરતાં કહ્યું છે કે માણસ કોમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં વિવેક નહીં રાખે તો સ્વયં કોમ્પ્યુટર બની શકે. કોમ્પ્યુટર પાસે જ્ઞાન-વિજ્ઞાન હોય છે પણ સંવેદનશીલતા, લાગણી પ્રેમ નથી હોતાં.
એક માણસે પુષ્કળ કામ કર્યા બાદ સંધ્યાકાળને કહ્યું છે : ''છે કોઈ મારા જેવું ? આપણી તોલે કોઈ ન આવી શકે. ત્યારે અસ્તાચળના અંતિમ ઉજાશે કહ્યું : ''ભાઈ, કામ કરીને શાન્ત રહેવું એ જ સૌથી મોટું અને મુશ્કેલ કાર્ય છે. આ સૂરજે બળતા રહીને આખો દિવસ લોકોને પ્રકાશ આપ્યા છતાંય તમારું 'થેંક્યું વેરી મચ' સાંભળવાય ઉભો રહ્યો નથી. કુદરત કેટલાં બધાં મહાન કાર્યો કરે છે છતાંય એણે કદી 'પ્રેસનોટ' નથી આપી. છતાંય એણે કોઈ ન્યૂઝ ચેનલ દ્વારા પોતાની મહાનતાનાં ગાણાં નથી ગાયાં. પોતાના કાર્યોનો વાચાળ પ્રચાર એ અંદરનો ખાલીપો સૂચવે છે. મૌન દ્વારા થતો પ્રચાર જ ઉત્તમ પ્રચાર છે. કહેવાતા બળવાન, વિદ્વવાન, ધનવાન અને સત્તાધીશો પાસે અહંકાર હોય છે, પણ નમ્રતા અને વર્તનની ઉદાત્તના નથી હોતી. એ તાકાત આપે છે, જીવનના ઊંડાણમાંથી, જીવન પ્રત્યેના ઉદાત્ત અને ઉન્નત અભિગમમાંથી, અણગમ રહેવાના સંકલ્પમાંથી, કસોટીની આંધીમાં ય અવિચળ રહેવાના દ્રઢ સંકલ્પમાંથી જીવન સાથે તાદાત્મ્ય સાધવાની વૃત્તિમાંથી.
દુ:ખની ચિંતા ન કરવી અને સુખમાં છકી ન જવું એ જ જીવન પ્રત્યેનો શ્રેષ્ઠ અભિગમ છે. દુ:ખથી ડરાય નહીં અને એ આવે ત્યારે 'વળતો જવાબ' આપ્યા સિવાય જવાય ન દેવાય. દુ:ખને તમે ભારે પડયા છો એ વાત તો સમયના ચોપડે નોંધવાની જ.