Get The App

પ્રેમમાં 'કમિટમેન્ટ' એટલે શું? .

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
પ્રેમમાં 'કમિટમેન્ટ' એટલે શું?                                       . 1 - image


- રજનીગંધા-વિભાવરી વર્મા

- અત્યારે મળે એટલી કોલેજ લાઇફ એન્જોય કરી લઇએ! પછી તો બિઝનેસ, રૂપિયા, બચ્ચાં... બધું છે જ ને?'

કો લેજ લાઇફ માટેનાં મયૂરીનાં જે સપનાં હતાં તે એટલી ઝડપથી સાચાં પડયાં કે ખુદ મયૂરીને તેની કલ્પના નહોતી ! એડમિશન પછીના પહેલા જ વીકમાં ફ્રેશર્સ માટેની જે વેલકમ પાર્ટી હતી, એમાં એને ધીમંત મળી ગયો. એકદમ ડેશિંગ, હેન્ડસમ, સ્માર્ટ અને ઉપરથી પૈસાદાર !

એ પાર્ટીમાં ડાન્સ કરતાં કરતાં જ મયૂરીને થયું 'વિ આર મેઇડ ફોર ઇચ અધર !' ધીમંત એનાથી એક જ વરસ સિનીયર હતો. મયૂરીને એની સાથે જામી ગયું.

ધીમંત સ્વભાવે પણ બિન્દાસ હતો. મયૂરી હજી આ જન્મમાં લગ્નની વાત કરે તો ધીમંત સાત જનમનો સાથ નિભાવવાનું પ્રોમિસ આપતો હતો. મયૂરી બે મિનિટનો સંગાથ માગે ત્યાં ધીમંત બે કલાકના સંગાથનું સેટિંગ પાડી દેતો હતો. મયૂરી થોડા સ્પર્શનું સુખ માગે ત્યાં ધીમંત એને આલિંગનોથી જકડી લેતો અને મયૂરી દિલથી દિલને મિલાવવાની વાત કરે તો ધીમંત તનથી બદનને જોડી દેવાની ગોઠવણ કરીને મયૂરીના મન અને તન, બન્નેેને છલકાવી નાંખતો હતો.

મયૂરી ધીમંતને જ પરણશે એ બન્ને વચ્ચે નક્કી જ હતું પણ તે થર્ડ યરમાં આવી ત્યારે એક ઘટના બની ગઈ. મયૂરીની મોટી બહેન જે એક પ્રાયવેટ કંપનીમાં જોબ કરતી હતી ત્યાંના એક સહકર્મચારી સાથે તેણે ભાગી જઇને કોર્ટ મેરેજ કરી લીધાં !

મોટી બહેન જાણતી હતી કે એના મમ્મી પપ્પા આ સંબંધને જરાય મંજુરી નહિ આપે કેમ કે છોકરો માત્ર બીજી જ્ઞાતિનો જ નહીં, બીજા રાજ્ય અને બીજી ભાષાનો હતો.

ખેર, જે થવાનું હતું, તે થઇ ગયું પણ મયુરી હવે ચેતી ગઈ. તેને થયું કે જો હવે પોતે પણ લવમેરેજ કરવાની વાત કરશે તો મમ્મી પપ્પા હરગિઝ નહીં માને.

એક દિવસ મયૂરીએ ધીમંતને કહ્યું 'જો ધીમંત, આપણે આપણા સંબંધને સંપૂર્ણ બંધનમાં બાંધવું હોય તો એક જ રસ્તો છે. તું ઘરે આવીને મમ્મી પપ્પાને મળ. તારા મા બાપ ધનવાન છે. સમાજમાં મોટું નામ છે. આ બધું જોઇને પપ્પા ના નહીં પાડે.'

ધીમંતે મયૂરીના હોઠ ઉપર હળવું ચુંબન કરતાં કહ્યું 'ડિયર, હું પણ એ જ વિચારી રહ્યો હતો. પણ મને ગ્રેજ્યુએટ થઇ જવા દે. થોડો ડેડીનો બિઝનેસ સંભાળી લઉં તો આખી વાત બહુ ઇઝિલી પતી જશે. ડોન્ટ યુ થિંક સો, હની ?'

આમ ને આમ એક વરસ જતું રહ્યું. ગ્રેજ્યુએટ થયા પછી ધીમંતે મેરેજ પ્રપોઝલ માટે મળવા આવવાને બદલે બીજી એક કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએશન માટે એડમિશન લઇ લીધું. મયૂરીએ પૂછ્યું તો એનો મસ્તીભર્યો જવાબ હતો : 'ડિયર, લાઇફ ઇઝ શોર્ટ ! અત્યારે મળે એટલી કોલેજ લાઇફ એન્જોય કરી લઇએ ! પછી તો બિઝનેસ, રૂપિયા, બચ્ચાં... બધું છે જ ને ?'

જો કે મયૂરી પોતે ભણી રહી પછી એની ધીરજ ખૂટવા લાગી. તેને ઘરમાં એકલું લાગતું હતું એટલે જોબ લઇ લીધી. આમ કરતાં કરતાં જ્યારે વધુ એક વરસ વીતી ગયું અને ધીમંતનું માસ્ટર્સ પણ પતી ગયું ત્યારે મયૂરીએ જીદ કરવા માંડી 'હવે તો મમ્મી પપ્પા આગળ વાત ચલાવ ?'

'શ્યોર, પણ શું વાત કરવી એ ડિસાઇડ કરવા માટે આપણે એકવાર મળી લઇએ ?'

આ વખતે મયૂરીને લાગ્યું કે ધીમંત હવે ખરેખર સિરીયસ છે. મોંઘી હોટલના રૂમમાં એમની ઉત્તેજના પતી ગયા પછી ધીમંત ઊંઘી રહ્યો હતો; મયૂરીએ તેને જગાડવાની કોશિશ કરી પણ એ ડીપ સ્લીપમાં હતો.

એ જ વખતે ધીમંતના મોબાઈલમાં કોઈ મેસેજ પોપ-અપ થયો. મયુરીએ કૂતૂહલથી જોવા માટે ઊંઘતા ધીમંતના અંગૂઠાની ફિંગરપ્રિન્ટ વડે ફોન અનલોક કરીને જોયું તો -

એ જ ઘડીયે મયૂરીને સમજાઈ ગયું કે ધીમંત આટલા વખતથી એની સાથે માત્ર ખિલવાડ કરી રહ્યો હતો ! મયૂરી એકપણ ક્ષણની રાહ જોયા વિના રૂમમાંથી નીકળી ગઈ.

છ મહિના પછી મયૂરીએ મમ્મી પપ્પાની પસંદગીના સુશાંત નામના યુવક સાથે લગ્ન કરી લીધાં. સુશાંતને મયૂરીના બેકગ્રાઉન્ડની કશી જ ખબર નહોતી.

બે મહિનાના લગ્નજીવન પછી એક ઘટના બની. મયૂરી બાથરૂમમાં હતી એ દરમ્યાન સુશાંતના ફોનમાં રીંગ વાગી. નંબર અજાણ્યો હતો. સુશાંત એ સમયે શેવિંગ કરી રહ્યો હતો. 

એથી તેણે ફોન સ્પીકર મોડ ઉપર રાખીને ઉપાડયો. સામેથી આવતા અવાજને મયૂરી ઓળખી ગઇ. એ ધીમંત જ હતો ! એ બોલ્યો, 'કોંગ્રેચ્યુલેશન્સ સુશાંત, આટલી સુંદર અને સુશીલ પત્ની મેળવવા બદલ ! પણ કદાચ તને ખબર નહીં હોય કે એનો પાસ્ટ શું છે...'

સુશાંતે તરત જ કડક અવાજે રોકડું પરખાવ્યું : 'ડિયર ફ્રેન્ડ, પોતાનું નામ અને નંબર છૂપાવીને' જે આવો ફોન કરતો હોય એવા કાયર, લબાડ, જુઠ્ઠા અને દગાબાજ માણસનો પાસ્ટ શું હોઈ શકે એની મને ખબર છે ! હવે ફરીવાર જો આવો ફોન કર્યો છે, કે મયૂરીને સ્હેજપણ હેરાન કરી છે તો તારા ઘરમાં આવીને કાન નીચે એક એવી થપ્પડ ઠોકીશ કે છેક બાળપણની ચડ્ડી સુધીનો પાસ્ટ તને યાદ આવી જશે. ફોન મુક હરામખોર !'

થોડીવાર પછી મયૂરીએ બાથરૂમનો દરવાજો ખોલીને પૂછ્યું 'કોનો ફોન હતો ?'

સુશાંતે કહ્યું 'રોંગ નંબર હતો' પણ મયૂરીને સમજાઈ ગયું કે તે જેને પરણી છે તે બિલકુલ 'રાઈટ નંબર'નો માણસ છે.


Google NewsGoogle News