જાણો રજવાડાના ચિત્ર-વિચિત્ર રિવાજો .
- હરતાં ફરતાં-વિક્રમ વકીલ
એ પ્રિલ ૧૯૩૨માં જયપુરના રાજા જયસિંઘ જોધપુરની કન્યાને પરણવા જતા હતો. કિશોરકુંવરી નામની કન્યા જયસિંઘની પ્રથમ રાણીની ભત્રીજી હતી. જોધપુરના મહારાજાએ વરરાજા જયસિંઘ પરણવા માટે જોધપુર આવે તે પહેલાં રાજા જયસિંઘનાં હાથની લંબાઈ, પગની લંબાઈ, તેનાં માથાનું માપ, વાળનો અને આંખોનો રંગ વગેરે વિગતો પણ જોધપુર મોકલી દેવા લખ્યું હતું. જયપુરના રાજાને લાગ્યું કે તેના સસરા તેમને માટે કોઈ અફલાતૂન ડ્રેસ સિવડાવવાના હશે પણ જોધપુર ગયા ત્યારે ખબર પડી કે કોઈ બીજો બનાવટી માણસ આવ્યો છે તેની ખાતરી કરવા વરરાજાના શરીરના તમામ અંગોનું માપ અગાઉથી મંગાવવાનો રિવાજ જોધપુરમાં હતો. રજવાડાના આવા વિચિત્ર નિયમોથી નવાઈ લાગશે. મહારાજા જયસિંહ વાજતે ગાજતે જાધપુર રવાના થતા હતા ત્યારે તેને કહેવામાં આવ્યું થ ''તમારે એક વડી દાસીને ધાવીને જવાનું છે.'' મહારાજાને નવાઈ લાગી. પોતે લંડનમાં રહી ચૂક્યા હતા એટલે જુનવાણી રિવાજને માનવા તૈયાર નહોતા. મહારાજાને સમજાવીને કહેવામાં આવ્યું. ''તમે મહેલની કોઈ વડી સ્ત્રીને ધાવશો નહીં ત્યાં સુધી તમારી જાન રવાના જ નહીં થાય.'' આખરે મહારાજાએ નમતું જાખીને પોતાની જ વૃદ્ધમાતાને ધાવીને પરણવા જવું પડયું. પાછળથી રાજાને ખુલાસો કરાયો કે જૂના જમાનામાં બાળલગ્ન થતા હતા અને બહારગામ જાન જાય ત્યારે જાન ઊઘલાવતા પહેલાં બાળરાજાને તેની માતા ખૂબ ધવરાવી લેતી જેથી રસ્તામાં બાળ-વરરાજા રડે નહીં!
કેટલીક દેશી દવાઓમાં સ્ટેરોઇડ્સની ભેળસેળ થાય છે
આયુર્વેદિક દવાઓ પોતે બદનામ ન થાય તે માટે અને લોકો ભેળસેળવાળી આયુર્વેદિક દવાઓ લઈને દુખી ન થાય તે માટે આયુર્વેદિક દવાઓની કડક ચકાસણી જરૂરી છે. અમેરિકામાં રોગનિયંત્રણ અને રોગઅટકાવ કેન્દ્રના રોઝેન ફિલેનના કહેવા પ્રમાણે અમુક હર્બલ (વનસ્પતિમાંથી બનતી) દવાઓની ઝડપી અસર લાવવા માટે એમાં જાણીજાઇને રાસાયણિક દ્રવ્યોની ભેળસેળ કરાય છે. દા.ત. સંધિવા માટે વપરાતી દવાઓની ચકાસણી કરતાં તેમાંથી દર્દશામક પદાર્થો, સ્ટેરોઇડ્સ અને ઉત્તેજનાશામક રસાયણો મળી આવ્યાં હતાં. હર્બલ દવાઓ કુદરતી જ હોય છે એવી ગેરસમજના ભાગરૂપે લોકો એવું પણ માની લેતા હોય છે કે એલોપેથિક દવાઓ સો ટકા કૃત્રિમ જ હોય છે. ખરું જોતાં તો એલોપેથિક એન્ટિબાયોટિક્સ સંપૂર્ણપણે કુદરતી ગણાય, કારણ કે તે જીવાણુઓમાંથી બને છે. ફૂગ અને બેક્ટેરિયા જેવા સૂક્ષ્મ જીવો કુદરતી રીતે જ પોતાના શરીરમાં એન્ટિબાયોટિક્સ બનાવતા હોય છે. એ એન્ટિબાયોટિક્સનો આપણે દવા તરીકે ઉપયોગ કરીએ છીએ. રસી પણ સૂક્ષ્મ જીવાણુમાંથી જ બને છે. સાચું પૂછો તો આધુનિક દવાઓના મોટા ભાગના સક્રિય અંશ ઔષધીય છોડમાંથી બનેલા હોય છે. ઔષધીય છોડ આજની આધુનિક દવાઓનો પૂર્વ જ છે. જેમ કે, કેન્સરવિરોધી દવા વિનક્રિસ્ટિન મડાગાસ્કર પેરિવિન્કલના ફૂલમાંથી મેળવવામાં આવે છે. ડાયાબિટીસવિરોધી દવા ઇન્સ્યુલીન છોડમાંથી મેળવવામાં આવે છે. લાંબા સમયથી ચકાસાયેલી એસ્પિરિન પણ સો વર્ષ પહેલા વિલો નામના ઝાડની છાલમાંથી કઢાઈ હતી. જે કાંઈ કુદરતી છે તે સુરક્ષિત છે એ માન્યતા સાચી નથી. આ વાત એલોપથીની દવાઓ ઉપરાંત તેના વિકલ્પરૂપે વપરાતી દવાઓ માટે પણ એટલી જ લાગુ પડે છે.
શાર્કના મોઢામાં ફસાયેલા અમેરિકન તરૂણનો આબાદ બચાવ
અમેરિકાના ફલોરિડા પ્રાંતમાં ૧૬ વર્ષનો કેવિન મોરિસન ત્રણ ફૂટ લાંબી શાર્ક માછલીના મોઢામાં જડબેસલાક રીતે બંધ થઈ ગયો. થયું એવું કે આ છોકરો તેના પરિવારજનો સાથે દરિયામાં ધુબાકા લગાવવાની મોજ લેવા નીકળ્યો હતો. તેમની બોટ દરિયામાં હતી ત્યારે એક જગ્યાએ કેવિન બોટમાંથી કૂદકો મારીને દરિયાના પાણીમાં તરી રહ્યા હતો ત્યારે તેણે બાજુમાં શાર્કને તરતી જાઈ અને તેને અડપલું કરવાનું મન થયું. તેણે શાર્કની પૂંછડી ખેંચી. શાર્ક વીફરી. શાર્કે છોકરાને જડબાંમાં પકડી લીધો. પણ પછી ગોટાળો થયો. શાર્કનાં જડબાં કંઈક એવી રીતે સજ્જડ થઈ ગયાં કે ન બંધ થઈ શકે કે ન ખૂલી શકે.
પરિણામે શાર્ક છોકરાને ખાઈ પણ ન શકી અને મોઢામાંથી છોડી પણ ન શકી. આ દ્રશ્ય જાઈને બોટના કપ્તાને તરત કોસ્ટલ ગાર્ડને સંદેશો મોકલ્યો. કોસ્ટલ ગાર્ડ તરત પોતાની બોટમાં ધસી આવ્યો. તેણે કેવિનને શાર્કના મોઢામાંથી કાઢવાની ઘણી કોશિશ કરી, પણ કંઈ વળ્યું નહીં. છેવટે છોકરાને શાર્કસહિત બોટમાં નાખીને કિનારે લાવવો પડયો. ત્યાંથી શાર્ક-કેવિનની જોડીને એમ્બ્યુલન્સમાં હૉસ્પિટલમાં લઈ જવાયાં. ત્યાં શાર્કના શરીર પર વાઢકાપ કરીને છોકરાને માંડ છોડાવવામાં આવ્યો. જોવા જેવી વાત એ છે કે છોકરાને ખાસ કંઈ નહોતું થયું. તેને તો એ જ દિવસે હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી, પણ તેને બટકું ભરનાર શાર્કના શરીર પર એટલી મોટી વાઢકાપ કરવામાં આવેલી કે તેને ઘણા દિવસો સુધી હૉસ્પિટલમાં રહેવું પડયું.
વાઘની વસતિ જાળવવાના ભારત જેવા પ્રયત્નો કયાંય થયા નથી
નેશનલ જ્યોગ્રાફિક મેગેઝિનના જ્યોફ્રી સી. વોર્ડનું કહેવું છે કે વાઘની વસતિ ઘટી રહી છે એ વાત સાચી, પણ થોડા વર્ષો પછી દુનિયામાં વાઘ જ નહીં બચે તેવી શંકા કરવી, તે વધારે પડતી વાત છે. તે કહે છે : ''આ પ્રકારની બૂમરાણ મચાવનારા લોકોનો ઉદ્દેશ ભલે સારો હોય, પણ તેઓ વાઘ બચાવવા મથી રહેલા લોકોને નાસીપાસ કરી રહ્યા છે. તેમણે એવું ન કરવું જાઇએ.'' વાઘનું મૂળ વતન દક્ષિણ ચીન હોવાનું મનાય છે. ત્યાંથી તેઓ પશ્ચિમે કેસ્પિયન સમુદ્ર તરફ, ઉત્તરે સાઇબીરિયા તરફ અને દક્ષિણે ભારત તથા ઇન્ડોનેશિયા તરફ ફેલાયા હોવાનું મનાય છે. ૧૯૪૦ના દાયકામાં દુનિયામાં વાઘની ૮ પેટાજાતિઓ અસ્તિત્વમાં હતી. ત્યારથી આજ સુધીમાં બાલી, જાવા અને કેસ્પિયન વિસ્તારમાં વાઘનું અસ્તિત્વ નાબૂદ થઈ ચૂક્યું છે. અને હવે ચીનમાંથી પણ વાઘ ઝડપભેર લુપ્ત થઈ રહ્યા છે. એક અંદાજ મુજબ ચીનમાં અત્યારે જંગલોમાં ફક્ત ૩૦ જ વાઘ છે. દુનિયાનાં જંગલોમાં ઘૂમી રહેલા વાઘમાંના અડધાથી પણ વધુ ભારત, નેપાળ અને બાંગ્લાદેશમાં છે. ભારતમાં ૧૯૭૦થી વાઘના શિકાર પર પ્રતિબંધ છે. ૧૯૭૩માં વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ પ્રોજેક્ટ ટાઇગર હાથ ધરીને દેશમાં વાઘ માટે ૯ અભયારણ્યો ફાળવ્યાં હતાં (આજ સુધીમાં તેમાં બીજાં ૧૪ અભયારણ્યો ઉમેરાયાં છે.) જ્યોફ્રી સી. વોર્ડ કબૂલે છે કે વાઘની વસતિ જાળવી રાખવા માટેના આટલા નિષ્ઠાવાન પ્રયાસો તો પશ્ચિમના વિકસિત દેશોમાં પણ ક્યારેય નથી થયા.
બિલાડી માટે યુનિયનનું આંદોલન!
યુ.કે.ના બ્રાઇટન ખાતે આવેલી એક બ્રુઅરી (શરાબ ગાળવાની ભઠ્ઠી)માં કામદારોએ માલિકો સામે એક વિશિષ્ટ રજુઆત કરી છે. આખો મુદ્દો એક બિલાડીને લગતો છે. કામદારો બિલાડીને પોતાના પક્ષે ગણે છે અને માલિકો બિલાડીને કાઢી મૂકવા માગે છે. પ્રોબ્લેમ એ છે કે આ બ્રુઅરી તેના જૂના માલિકે એક નવી પાર્ટીને વેચી દીધી છે. બ્રુઅરીમાં બોની નામની એક બિલાડી લાંબા સમયથી પોતાની જિંદગી સારી રીતે વિતાવી રહી છે. વાઇન નામની આ બ્રુઅરીમાં બિલાડીને ખાવા પીવાની કોઈ સમસ્યા નથી એટલે એ અહીં ખુશ છે. નવા માલિકને પોતાને પણ આ બિલાડી સામે કોઈ વાંધો નથી. વાંધો તેમના પાળેલા કૂતરાને છે. નવા માલિકને બીક છે કે તેમના કૂતરાને અને આ બિલાડીને એકબીજા સાથે ફાવશે નહીં. કામદારોનું કહેવું છે કે બિલાડી આ બ્રુઅરીની સિનિયર સભ્ય છે એટલે નવા કૂતરા માટે જૂની બિલાડીને કાઢી ન મુકાય. બિલાડીની તરફેણમાં એક સહીઝુંબેશ ચલાવવામાં આવી છે. સહીઝુબેશના કાગળમાં લખ્યું છે કે 'વફાદાર બોની અહીં દસ વર્ષથી રહે છે. તેણે પ્રેમપૂર્વક લોકોની સેવા કરી છે. હવે તેને કાઢી મૂકવામાં આવે તો એ બિચારી ક્યાં જશે!'