આજના માણસ પાસે 'આંખ' છે, પણ 'દ્રષ્ટિ' નથી!
- એક જ દે ચિનગારી-શશિન્
- જિંદગી એક મહાન પુસ્તક સમાન છે. આ પુસ્તકની અનેક વ્યાખ્યાઓ છે, તે કઈ-કઈ છે ? જીવનને વહેવા દો, બસ વહેવા દો, વહેવા દો
જી વનમાં દ્રષ્ટિકોણની વિરાટતાનું મહત્વ હા, એક વાત સ્વીકારીને ચાલો કે તમે વામન નહીં પણ વિરાટ બનવા જનમ્યા છો. આપણે ખાઈએ છીએ, આનંદ-પ્રમોદ કરીએ છીએ અને થાક્યા-પાક્યા પલંગ પર પોઢીએ છીએ. દિવસ કેમ વિતાવ્યો એની ચિંતા અને ચિંતનમાં આપણને રસ નથી હોતો.
એક માણસ નિરંતર પ્રવાસ કરીને થાકી ગયો છે. કકડીને ભૂખ લાગી છે. સામેના ઝાડ પર એક ફળ લટકતું દેખાય છે પણ એના પગ કોઈ પણ પ્રકારના શ્રમ લેવાની ચોખ્ખી ના પાડે છે. એ માણસ જંગલમાં એક ટેકરી પર બેઠો છે. ટેકરી પર બેઠાં-બેઠાં વિચાર કરે છે. કોઈ જંગલી પ્રાણી આક્રમણ કરશે તો કૂદી પડીશ. ઉંચાઈ તો ઘણી છે પણ નીચે નદી વહે છે એ મને ઝીલી લેશે. પણ નદી અજાણી છે. એમાં ભયાનક જળચર હશે તો ?
દૂર નજર કરે છે. એક સિંહનો શિકાર ન બનવા એક સસલું પૂરી તાકાતથી દોડી રહ્યું છે. એ માણસની નજર કોઈ સાધુ કે આદિવાસીની ઝૂંપડી પર પડે છે. એ દોડીને ઝૂંપડી પાસે પહોંચી જાય છે. એને જોઈને બંદૂક લઈ ચોકીઆત તેની સામે ધસી આવે છે. 'ખબરદાર આગે મત બઢના સંત બાબા ધ્યાનમેં બૈઠે હૈ. ડાકૂ ઉન પર હમલા કરને વાલે હૈં! અપની રક્ષા કે લિયે પહરા દેને કે લિયે હમેં બિઠાયા હૈ! તુમ ડાકૂ જૈસે નહીં દિખતે. વાપસ ચલે જાઓ.'
અને પેલો માણસ પાછો ફરે છે. જિંદગીના અનુભવ લેવા અને પ્રવાસ ખેડી રહ્યો હતો અનુભવ માટે પણ હિંમત જોઈએ નિર્ભયતા જોઈએ, પડકારો ઝીલવાનો સંકલ્પ જોઈએ.
આજના માણસની સૌથી મોટી નબળાઈ છે એની કાયરતા અને ભયગ્રસ્તતા. આજનો માણસ નિર્ભયપણે જીવતો નથી એ ગણી-ગણીને શ્વાસ લે છે. કુટુંબના સભ્યોનો અ સહકાર અને અપમાન-ઉપેક્ષાનો ડર! નોકરીમાંથી બર્ખાસ્તગીનો અને ધંધામાં નુકસાનનો ડર! વાહન ચલાવતાં અકસ્માત અને કાયદાનો ડર, એકલ-દોકલ ચાલતાં લૂંટારાનો ડર! સ્ત્રીને છેડતીનો ડર, વિદ્યાર્થીને શિક્ષકનો ડર! શિક્ષકને આચાર્યનો ડર! આચાર્યને સરકારનો ડર, રાજકારણીઓને ચૂંટણીમાં પરાજયનો ડર! સરકારને સત્તા હેમખેમ ટકાવી રાખવાનો ડર! આજે રૂપ પણ ભયગ્રસ્ત છે અને રૂપિયો પણ શાસક પણ ભયગ્રસ્ત છે અને શાસિત પણ ચહેરે-ચહેરે ભયની છાયા છે. નથી ગામ સલામત કે નથી શહેર સલામત. આંતરિક ભય અને બાહ્ય ભય, શું એ જ જિંદગીનો વણમાગ્યો પુરસ્કાર છે ? આજના માણસ પાસે આંખ છે, પણ દ્રષ્ટિ નથી. તે ન જોવાનું જુએ છે અને જોવાનું ટાળે છે. માણસને કામના દબાણનો ભય છે અને સાથે-સાથે એવો ભ્રમ છે કે અમુક કામ તેના સિવાય કોઈ જ ન કરી શકે !
નોર્મન વિન્સેન્ટ પીલે એક ડૉક્ટર અને રોગીનો સરસ દાખલો આપ્યો છે. એ દર્દી બિઝનેસમેન હતો. એણે ડૉક્ટરને કહ્યું કે પોતાને ઢગલાબંધ કામો જાતે કરવાં પડે છે. એનો તાત્કાલિક નીવેડો લાવવો પડે છે. નહીં તો બધું ખેદાન મેદાન થઈ જાય... એટલે મારાં કામો-પતાવવા બ્રીફકેસ ઘેર લાવું છું. 'તમે ઓફિસનો કામો ઘેર શા માટે લાવો છો. ઘરનાં લોકોને તમારા પ્રેમ અને લાગણીની પ્રતીક્ષા હોય છે, કામના ગંજ નીચે દબાયેલા-ડૂબેલા માણસની નહીં.''
પણ કામો પતાવવાની ઝડપ મારા જેટલી કોઈનામાં ન હોઈ શકે. બધી જ વાતો મારા પર નિર્ભર છે એટલે મને એવી સરસ દવા લખી આપો કે મારા જીવનની દિશા બદલાઈ જાય !''
પણ તમે મેં લખી આપેલી દવાનું નિયમિત રીતે પાલન કરશો ? - ડોક્ટરે પૂછયું.
''અલબત્ત, મને તમારામાં વિશ્વાસ છે એટલે તો દોડીને અહીં આવ્યો છું. મારે મન ડોક્ટર એ પાર્થિવ ભગવાન છે. માણસ મંદિરમાં જાય અને હળવો બનવી જાય એમ દવાખાને ડોક્ટરને મળે એટલે હળવો બની જાય !''- દર્દી તરીકે આવેલા માણસે કહ્યું.
''ઓ.કે. થેંક યું., હું જે દવા લખી આપું છું તેનું પરિપાલન કરશો તો તમે હળવાફૂલ થઈ જશો.'' - એમ કહી ડોક્ટરે પોતાના લેટર હેડ પર દવા લખી આપી :
દવા લખી આપી :
૧. દરરોજ બે કલાક દૂર-દૂર સુધી ફરવા જવું
૨. દર અઠવાડિયે અડધા દિવસની રજા રાખવી
૩. અને બાકીનો અડધો દિવસ કબ્રસ્તાનમાં વિતાવવો.
'અડધો દિવસ કબ્રસ્તાનમાં ? શા માટે ?'' દર્દીએ પૂછયું.
ડોક્ટરે કહ્યું : 'એટલા માટે કે કબ્રસ્તાનમાં એવા માણસો ચિરનિદ્રામાં પોઢી ગયા છે કે જે
ઓ વિચારતા હતા કે આખી દુનિયાનો ભાર તેમના ઉપર છે અને દુનિયા તેમના વગર નહીં ચાલે. પણ દુનિયા કોઈના વગર અટકી નથી અને અટકવાની પણ નથી.''
ડોક્ટરની વાત સાંભળી દર્દીનો દ્રષ્ટિકોણ બદલાયો અને એણે પોતાના કામમાં બીજાને સહભાગી બનાવી હળવાશ અનુભવવાનું શરૂ કર્યું.
રાજેન્દ્ર અવસ્થિએ, 'હાલ ચિંતન'માં આત્મબોધ ખંડમાં જણાવ્યું છે તેમ જિંદગી એક મહાન પુસ્તક સમાન છે. આ પુસ્તકની સોળ વ્યાખ્યાઓ સમજવાની કોશિશ કરીએ -
૧. જિંદગી એક જુગાર છે એને જોઈ તો લો.
૨. જિંદગી એક પડકાર છે એનો સામનો કરો.
૩. જિંદગી એક ખુશી છે તેને વાપરીતો જુઓ.
૪. જિંદગી સંઘર્ષ છે : તેનો સ્વીકાર કરો
૫. જિંદગી એક જાદુ-મહેલ છે તેને પ્રકાશમાં લાવો.
૬. જિંદગી એક દર્દ છે. તેની ઉપર કાબૂ મેળવો.
૭. જિંદગી એક દુ:ખ છે તેને સામનાપૂર્વક સહન કરો.
૮. જિંદગી પ્યાર છે તેને ચાહી જાણો.
૯. જિંદગી એક ગીત છે, તેને હૃદયપૂર્વક ગાઈ જાણો.
૧૦. જિંદગી એક ધર્મ છે. શક્ય હોય ત્યાં સુધી એને નિભાવી જાણો.
૧૧. જિંદગી એક વરદાન છે, તેને આલિંગન આપો.
૧૨. જિંદગી એક સ્વપ્ન છે તેનો અનુભવ કરી લો.
૧૩. જિંદગી એક સફર છે તેને પ્રસન્નતાપૂર્વક પૂરી કરો.
૧૪. જિંદગી એક કોયડો છે તેનું નિરાકરણ શોધી કાઢો.
૧૫. જિંદગી એક તક છે : તેને મૂઠ્ઠીમાં કેદ કરી લો.
૧૬. જિંદગી એ બસ જિંદગી છે પછી શા માટે તેને ભારેખમ બનાવો છો ?...
જિંદગીને વહેવા દો, બસ વહેવા દો, વહેવા દો.