Get The App

લવ સે જ્યાદા, 'વૈસે' વાલા લવ .

Updated: Dec 10th, 2024


Google NewsGoogle News
લવ સે જ્યાદા, 'વૈસે' વાલા લવ                                    . 1 - image


- રજનીગંધા-વિભાવરી વર્મા

- પેલો છોકરો બાઈક સ્ટાર્ટ કરીને હસતો હસતો જતો રહ્યો. પણ હવે રોજ ચંદાની નજર એ છોકરા ઉપર પડતી હતી

'લ વ' કોને કહેવાય એની ચંદાને ખબર જ નહોતી. ચંદાનું આખું નામ ચંદ્રિકા હતું. પરંતુ ચંદ્ર અને ચંદામાં એક જ વાતે સરખાપણું હતું. ચંદાના ચહેરા ઉપર ચંદ્ર જેવા જ ખાડા-ટેકરા હતા. એ સિવાય બધું જ અલગ હતું.

ચંદાનો ચહેરો શ્યામ હતો. શરીર સ્થુળ હતું. કાયા બેઠી દડીની હતી. કોઈપણ રીતે એને રૂપાળી તો કહી જ ના શકાય તેવી હતી. પરંતુ ચંદાને તેનાથી કોઈ તકલીફ નહોતી. કેમકે તે જે સરકારી નિશાળમાં ભણતી હતી ત્યાં બીજી ડઝનબંધ છોકરીઓ તેના જેવી જ હતી.

ચંદાની જિંદગીમાં મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે તે દસમાની પરીક્ષામાં 'સારા' માર્કે પાસ થઈ ગઇ. 'સારા' માર્ક એટલે એના મા-બાપને હિસાબે સારા માર્ક.  કેમકે નિશાળમાં તો અડધો અડધ છોકરીઓએ પરીક્ષા જ નહોતી આપી, જેણે આપી હતી. એમાંથી અડધી છોકરીઓ કાં તો એક અથવા બે-ત્રણ વિષયોમાં નાપાસ થઈ હતી. આવામાં ચંદા બધા સબ્જેક્ટમાં પાસ થઈ ગઈ હતી.

ચંદાના મા-બાપને થયું કે ચંદાને આગળ ભણાવવી જોઈએ, એને કોઈ સારી સ્કુલમાં મુકવી જોઈએ. પરંતુ એટલી ફી ભરવાની એમની પહોચ હતી ખરી?

ચંદાના બાપુજી મજુરીકામ કરતા હતા અને ચંદાની મા મધ્યમ વર્ગનાં ઘરોમાં કચરા-પોતાં વાસણ વગેરેનાં છૂટક કામ કરતી હતી. છતાં ચંદાના મા-બાપની ઇચ્છા હતી કે એમની દિકરી 'સારી' નિશાળમાં ભણે. જો તે ભણશે તો જ તેનું કંઈ ભવિષ્ય બનશે. નહિતર અમારી જેમ ચંદા પણ મજુરી જ કરતી રહેશે.

ચંદા માટે સારી નિશાળ શોધવામાં ઘણી તકલીફ પડી. પણ છેવટે એક નિશાળ મળી ગઈ જ્યાંની ફી એટલી બધી વધારે નહોતી. તકલીફ એક જ હતી કે તે ચંદાની બસ્તીથી ખાસ્સી દૂર હતી. છતાં ચંદાના બાપુ મક્કમ હતા. એમણે ક્યાંકથી જુગાડ કરીને ચંદા માટે એક સાઈકલ લાવી આપી ! ચંદા એ સાઈકલ જોઈને હરખાઈ ઉઠી હતી ! હાશ, હવે એ 'નવી' નિશાળમાં સાઇકલની ઘંટડી રણકાવતી જતી હશે. બસ્તીના બધા લોકો તો જોતા જ રહી જશે !

પણ પહેલા જ દિવસે ચંદાનો હરખ ભાંગીને ભૂક્કો થઈ ગયો. આ સ્કૂલમાં છોકરા-છોકરીઓ સ્કૂટી લઈને આવતા હતા ! જેની પાસે સ્કૂટી ન હોય તેમને મુકવા માટે ચળકતી લીસ્સી કારો આવતી હતી. નિશાળે સાઈકલ લઈને આવનારી છોકરી તે એકલી જ હતી.

નવી સ્કુલમાં માત્ર એક જ અઠવાડિયામાં તેને ભાન થઈ ગયું કે તેની સામું છોકરાઓ તો ઠીક, છોકરીઓ સુધ્ધાં જોતી નથી. ચંદાને છેક છેલ્લી બેન્ચ ઉપર બેસવું પડતું હતું. કલાસની કોઈ છોકરી તેની સાથે વાત કરતી નહોતી.

ચંદાની પણ હિંમત નહોતી ચાલતી કે તે બીજી છોકરીઓ સાથે વાત કરે. કેમકે એ છોકરીઓનું ગુજરાતી કંઈ અલગ જ હતું ! એમની ગુજરાતી ભાષામાં અડધો અડધ શબ્દો તો ઇંગ્લીશના હતા. જેના અર્થ જ ચંદાને ખબર નહોતા. એ ઉપરાંત અડધું હિન્દી બોલાતું હતું.

આમ છતાં ચંદાએ નવી સ્કૂલમાં જવાનું ચાલુ રાખ્યું. એ પોતાના મા-બાપને શી રીતે કહે કે મને આ નવી નિશાળમાં જરાય ગમતું નથી ? અને કહે પણ ક્યારે ? આખો દિવસ તો મા-બાપ મજુરીમાં અને ઘરકામમાં જ હોય.

પરંતુ લગભગ અડધુ વરસ પડયું ત્યારે ચંદાની જિંદગીમાં એક મોટો વળાંક આવ્યો. હકીકતમાં એ વળાંક એની સ્કુલના રસ્તામાં જ હતો. એ વળાંક પાસે એક પાનનો ગલ્લો હતો. ત્યાં અમુક છોકરાઓ રોજ ઉભા રહેતા હતા. ચંદા એમને જોયા વિના રોજ પસાર થઈ જતી હતી. પણ..

એક દિવસ બરોબર એ જ જગ્યાએ ચંદાની સાઈકલમાં પંચર પડયું ! ચંદાને સમજાતું નહોતું કે હવે કરવું શું ? ત્યાં એક યુવાન બાઈક લઈને તેની પાસે આવીને કહેવા લાગ્યો : સ્કુલે જવાનું મોડું થાય છે ? ચાલ, બેસી જા, તને મુકી જાઉં છું.

'પણ મારી સાઈકલ ?' ચંદા ખચકાઈ રહી હતી. 'સાઈકલનું પંચર રીપેર કરાવીને તારી સ્કુલે હું પહોંચાડી દઈશ. બસ ?'

યુવાનના ચહેરા ઉપર સ્માઈલની ચમક હતી, એણે ફરી કહ્યું 'અરે ગાંડી છોકરી, હું તને કંઈ ખાઈ નથી જવાનો! મારો ભરોસો કર, અને બેસી જા.'

ચંદા એની બાઇકની પાછલી સીટ ઉપર બેસી ગઈ. સ્કુલ આવતાંની સાથે જ તે ચૂપચાપ ઉતરીને દોડતી દોડતી ઝાંપામાં જતી રહી. સ્કુલ છૂટી નહીં ત્યાં સુધી ચંદાની છાતીમાં ધકધક થતું રહ્યું.

સ્કુલ છૂટી ત્યારે ચંદાએ જોયું કે એ છોકરો ઝાંપા પાસે જ ઉભો હતો ! એના હાથમાં ચંદાની સાઈકલ હતી ! એણે કહ્યું 'લે તારી સાઈકલ ! મેં પંચર રીપેર કરાવી દીધું છે.'

ચંદાને શું કહેવું તે સમજાતું નહોતું. તે મુઝાઈને પગના અંગૂઠા વડે ભોંય ખોતરવા લાગી. છોકરાએ હસીને કહ્યું આવે વખતે 'થેન્ક્યુ' કહેવાનું હોય ! સમજી ?

ચંદા થેન્ક્યુ બોલતાં બોલતાં શરમાઈ ગઈ. પેલો છોકરો બાઈક સ્ટાર્ટ કરીને હસતો હસતો જતો રહ્યો. પણ હવે રોજ ચંદાની નજર એ છોકરા ઉપર પડતી હતી. એ છોકરો રોજ પેલી પાનની દુકાન પાસે બાઈક લઈને ઉભો રહેતો અને ચંદા સામે જોઈને સ્માઈલ આપતો હતો.

એક શનિવારે, જ્યારે સ્કુલ બપોરે છુટી ગઈ હતી ત્યારે એ છોકરો ચંદાની સાઈકલને રોકીને ઉભો રહ્યો. ચંદાએ કહ્યું 'શું છે ? મારી સાઈકલમાં પંચર નથી પડયું.'

છોકરાએ કહ્યું 'કેમ ? પંચર પડે તો જ મારી જોડે વાત કરાય ?'

છોકરાનું નામ રાજુ હતું. તે ચંદાને બાઈક પર બેસાડીને ફરવા લઇ ગયો. તેને પાણીપુરી ખવડાવી, મજેદાર વાતો કરીને. તેને ખુબ હસાવી. ચંદાને આ બધું ગમવા લાગ્યું.

રાજુ આગળ વધ્યો. હવે તે ચંદાને પિકચર બતાડવા લઈ ગયો હતો. અંધારામાં રાજુનો હાથ ચંદાના શરીર પર ફરતો હતો તે ચંદાને ગમવા લાગ્યું.

રાજુ એનાથી આગળ વધ્યો. હવે તે ચંદાને પોતાના કોઈ દોસ્તની ઓરડીમાં લઈ જવા. લાગ્યો ત્યાં જે કંઈ થતું તે ચંદા માટે ખુબ જ રોમાંચક હતું. રાજુ તેને કહેતો : ગાંડી આને લવ કહેવાય !

હકીકતમાં રાજુ પાણીપુરીથી લવ સુધી માત્ર સાત દિવસમાં પહોંચી ગયો હતો. પરંતુ ચંદા માટે પોતાની સાઈકલ આકાશમાં ઉડતી હોય એવો અનુભવ હતો. આવુ ઉડવાનું ઘણા સમય સુધી ચાલ્યું. પણ પછી એક દિવસ એ જ વળાંક ઉપર ચંદાની જિંદગીમાં બીજો વળાંક આવ્યો.

તે વખતે ફરીવાર ચંદાની સાઈકલમાં પંચર પડયું. ચંદાને હતું કે રાજુ હમણાં જ તેની પાસે આવશે. પણ ના, ચંદાએ જોયું કે રાજુ એની બાઈક ઉપર કોઈ બીજી છોકરીને બેસાડીને જઈ રહ્યો હતો.

ચંદાને ધીમેધીમે સમજાયું કે છોકરાઓ જેને લવ કહે છે તે આવો હોય છે.


Google NewsGoogle News