ગીતા જયંતિ : આજે મહાભારતનું યુદ્ધ શરૂ થયેલું
- દિનેશ દેસાઈ
- મહાભારત યુદ્ધનો કાળ કયો? સિંધુખીણની સંસ્કૃતિમાં તેનો ઉલ્લેખ કેમ નથી?
ભ ગવાન શ્રી રામનો જન્મ મધ્યાન્હે થયો હતો. ત્યારે ભારતીય સંસ્કૃતિ મધ્યાન્હે પહોંચી હતી.
ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મધ્યરાત્રીએ થયો. સંસ્કૃતિની મધ્યરાત્રી હતી. તેવે સમયે ''રક્ષણાય ચ સાધુનામ્, વિનાશાય ચ દુષ્કૃતામ્'' તેવા ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાકટય થયું.
સંસ્કૃતિ એટલી નિમ્ન કક્ષાએ પહોંચી કે ભરી સભામાં ભાભીના વસ્ત્રો ખેંચનાર જન્મ્યા. તેઓનો વિનાશ અનિવાર્ય હતો. દુર્યોધને કહ્યું : ''સૂચિ શિર્ષ એવ ભૂમિ નહી દાસ્યામિ વિના યુદ્ધેન કેશવ:'' આખરે યુદ્ધ શરૂ થયું : માર્ગશિર્ષ શુકલ એકાદશીએ.
હવે પ્રશ્ન ઉપસ્થિત થાય છે, તે યુદ્ધ સમયનો :
મૂળ વાત તે છે કે પૂર્વે કાર્તિક કૃષ્ણ અમાવાસ્યાના દિને ગ્રહણ થયું હતું. તે ગ્રહણોની ગણતરી ઉપરથી ખગોળ શાસ્ત્રી આર્યભટ્ટે (ઈ.સ. ૪૭૬-૫૨૦) તે સમય ઈ.સ.પૂ. ૩૧૦૨નો મુક્યો છે. જ્યારે ઈતિહાસકાર એચ.સી. રાયચૌધરીએ સાહિત્યિક પ્રમાણો ઉપરથી તે સમય ૩,૧૪૨ (ઈ.સ.પૂર્વે)નો મુક્યો છે. તે બંનેની મધ્યમાન ગણતરી મુકીએ તો તે સમય ઈ.સ.પૂ. ૩,૧૨૨ નો મુકી શકાય.
હવે મૂળભૂત પ્રશ્ન તે છે કે જો આ યુદ્ધ થયું જ હોય તો સિંધુખીણની સંસ્કૃતિમાં તેનો ઉલ્લેખ કેમ નથી ?. સિંધુખીણની સંસ્કૃતિની લિપિ હજી ઉકેલી શકાય નથી. સંભવ તે પણ છે કે તેમાં તેનો ઉલ્લેખ થયો પણ હોય. જે આપણા માટે 'આવાચ્ય' છે.
તેમ છતાં સ્વીકારી લઈએ કે તેમાં તેનો ઉલ્લેખ છે જ નહીં. તો સ્પષ્ટ અનુમાન તારવી શકાય કે વાસ્તવમાં તે સંસ્કૃતિનો ઉદ્ગમ જ ઈ.સ.પૂર્વે ૩,૦૦૦ આસપાસ થયો હતો.
હવે થોડી ભૌગોલિક સ્થિતિ વિચારીએ : તે યુગમાં સિંધુ નદી અત્યારે છે તે કરતા વધુ પશ્ચિમે વહેતી હતી. તેથી તો વર્તમાન બલુચીસ્તાન (મુળ નામ વાલ્હીકીસ્તાન)ના કેટલાક વિસ્તારમાં પણ સિંધુખીણ સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે. હસ્તિનાપુર-કુરૂક્ષેત્ર તો ત્યાંથી ૯૦૦ માઈલ દુર હતું. ત્યારે સિંધુ સંસ્કૃતિનો કૂંપળો જ ફુટયા હતા તેઓને આ વિનાશક યુદ્ધનો અણસાર પણ ન હોય.
હવે આપણે ઉલટી રીતે જોઈએ : ચાલો સિંધુખીણની પ્રજાને તો તેની માહિતી ન હોય પરંતુ આર્યો તો 'પણિ' (ફીનીશ્યન્સ) અને 'ચીન'થી પણ માહીતગાર હતા. પણીનો મહાભારત યુદ્ધમાં ઉલ્લેખ પણ છે. જેઓને વર્તમાન લેબેનોનના આસપાસના વિસ્તારમાં રહેતા ફીનીશ્યન્સની માહિતી હોય. જેઓને ચીન વિષે માહિતી હોય, જેઓને ઈરાનની માહિતી હોય, બ્રહ્મદેશની માહિતી હોય. અર્જુનના એક પુત્રનું નામ જ 'ઈરાવન્' હતું તે 'ઈરાવતી'નો પુત્ર હતો (આજે પણ બર્માની મુખ્ય નદીનું નામ 'ઈરાવતી' છે) તેઓને તો સિંધુખીણની પ્રજાની માહિતી હોવી જ જોઈએ.
ભગવાન શ્રી કૃષ્ણ સોમનાથ પાસે દેહોત્સર્ગ પામ્યા. તે પછી દેશમાં અંધાધૂંધી ફેલાઈ. તેમાં પરિક્ષિત અને જન્મેજન્મે સંસ્કૃતિ મહાપ્રયાસે ટકાવી રાખી.
હવે જન્મેજમ પછી ૨૭૫૦ વર્ષે ચંદ્રગુપ્ત મૌર્ય થયા. તેઓએ મહામતા ચાણક્યના માર્ગદર્શન નીચે ભારતને એક કર્યું. ચંદ્રગુપ્તનો સમય તો નિશ્ચિત છે. ઈ.સ.પૂ. ૩૨૭માં એલેકઝાંડર ધ ગ્રેટના આક્રમણ પછી ૭ વર્ષે તેઓ સત્તારૂઢ થયા. એટલે ઈ.સ.પૂ. ૩૨૦માં સત્તારૂઢ થયા. ત્યારે તેઓની વય માત્ર ૨૪ વર્ષની હતી. ૨૫મું ચાલતું હતું. હવે તેઓ જન્મેજમ પછી ૨,૭૫૦ વર્ષે થયા. તે તો નિશ્ચિત છે. તેમાં ૩૨૦ ઉમેરીએ તો આંક ૩,૦૭૦ આવે.
હવે તે યુગની સામાન્ય આરોગ્ય સ્થિતિ મુકતા એક પેઢી માત્ર ૩૦ વર્ષી ન મુકી શકાય. એક પેઢી આશરે ૪૦ વર્ષની મુકવી જોઈએ. જન્મેજમ પૂર્વે પરિક્ષિત થયા. બંનેના ૮૦ વર્ષ મુકીએ. પરીક્ષિતનો જન્મ મહાભારત યુદ્ધના અંત ભાગે થયો. એટલે મહાભારતનું યુદ્ધ ઈ.સ.પૂ. ૩૦૭૦+૮૦ = ઈ.સ.પૂ. ૩૧૫૦ આસપાસ મુકી શકાય. માટે ઈતિહાસકાર એચ.સી. રાયચૌધરીએ મહાભારત યુદ્ધ માટે મુકે તો સમય ઈ.સ.પૂ. ૩,૧૪૨ લગભગ યોગ્ય લાગે છે. બીજી તરફ આર્યભટ્ટે ગ્રહણો ઉપરથી મહાભારતનો સમય ઈ.સ.પૂ. ૩,૧૦૨ નો મુક્યો છે. ટુંકમાં મહાભારત યુદ્ધ અને તે સમયે આપેલા 'ગીતા'નો ઉપદેશ મધ્યમાન તારીખે પણ ઈ.સ.પૂર્વે ૩,૧૨૨ આસપાસ મુકી શકાય.