Get The App

'પઝેસિવ' બોયફ્રેન્ડ સારો કે ખરાબ ?

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
'પઝેસિવ' બોયફ્રેન્ડ સારો કે ખરાબ ? 1 - image


- રજનીગંધા-વિભાવરી વર્મા

'ખબરદાર ! એ છોકરીને કોઇએ હાથ પણ લગાડયો છે તો !'

સુનિધિ એક નાટકનો શો પતાવ્યા પછી મોડી રાત્રે સ્કૂટી પર જતી હતી તે વખતે એને ચાર લફંગાઓ બાઈકો ઘુમાવીને ઘેરી વળ્યા હતા. ત્યાં જ દૂરથી આવી રહેલી સ્કોર્પિયો કારમાંથી ઉતરી રહેલા એક યુવાને ખુલ્લી ચેતવણી આપી.

લફંગાઓ બાંયો ચડાવતાં એના તરફ વળ્યા. હજી આઠ દસ ડગલાં આગળ વધે છે ત્યાં તો પેલા યુવાને અચાનક દોડ લગાવીને સૌથી આગળ રહેલા લફંગાની છાતી ઉપર લાત ઠોકી દીધી ! આ જોવા છતાં બીજા બે લફંગા આગળ વધ્યા. પરંતુ યુવાને એમને બબ્બે મુક્કામાંથી જ ઢીલા કરી નાંખ્યા. એ પછી કોઇની હિંમત નહોતી કે ત્યાં ઉભા રહે.

લફંગાઓ ગયા પછી યુવાને સુનિધિને કહ્યું 'તમે સ્કુટી પર આગળ આગળ જાઓ. હું પાછળ આવું છું.'

સુનિધિ હોસ્ટેલના ગેટમાં દાખલ થઇ ત્યાં સુધી યુવાન દૂરથી જોતો રહ્યો. અંદર આવ્યા પછી સુનિધિને થયું, એને સરખું થેન્કયુ પણ ના કરી શકાયું.

પરંતુ, એ તક બહુ થોડા જ સમયમાં મળી. બીજા અઠવાડિયે જ્યારે સુનિધિ એના નાટકનો શો પતાવીને સ્કુટી પર નીકળી ત્યારે તેણે જોયું કે પેલી સેઇમ સ્કોર્પિયો થોડું અંતર રાખીને તેની પાછળ પાછળ આવી રહી હતી.

સુનિધિએ સ્કુટી ઉભું રાખ્યું. સ્કોર્પિયો નજીક આવીને ઉભી રહી. સુનિધિ કંઇ પૂછે એ પહેલા યુવાને કહ્યું 'જસ્ટ મેકીંગ શ્યોર, કે તમે સેઇફ છો ને !' સુનિધિએ તરત જ કહ્યું 'ઓહ, ખરેખર તો મારે તમને સોરી કહેવું જોઇએ કે ગયા વીકે મેં તમને સીધું સાદું થેન્કયુ પણ ના કહ્યું.'

યુવાને સ્માઇલ આપ્યું. 'હજી સીધું સાદું થેન્કયુ કહેવું હોય તો અહીં નજીકમાં એક કીટલી છે, ત્યાં મોડી રાત સુધી શહેરની બેસ્ટ ચા મળે છે !'

સુનિધિને આ ઓફર ગમી ગઈ. બન્ને જણા કીટલી પર અડધો કલાક બેઠાં. એકબીજાની ઓળખાણ થઇ. ફોન નંબરની આપ-લે થઇ. યુવાને કહ્યું 'હું સમીર છું, સેકન્ડ યરમાં ફેલ થયો પછી સ્ટડી છોડી દીધું છે, ડેડીનો બિઝનેસ સંભાળું છું.'

સુનિધિએ પણ પોતાની ઓળખાણ આપી. 'અહીંની કોલેજમાં માસ્ટર્સ કરું છું. એક્ટિંગનો બહુ શોખ છે એટલે પ્રોફેશનલ નાટકોમાં પણ ભાગ લઉં છું. આપણે મળતાં રહેવું જોઇએ.'

કોઈ ઓળખાણ વિના સાવ અજાણી છોકરીને બચાવવા માટે ફિલ્મી હિરોની જેમ ચાર ચાર લફંગાઓને ધોઈ નાંખે એવા યુવાન ઉપર છોકરી ફિદા જ થઇ જાય ને ? પણ એ સુનિધિની મોટી ભૂલ હતી.

સુનિધિ સમીરની સ્ટાઇલ ઉપર જ ફિદા હતી. એની પાસે ચાર-પાંચ કાર હતી. ત્રણ અતિશય હાઈ-ફાઈ બાઈક હતી. રૂપિયા એ પાણી જેમ ઉડાડતો હતો. રેસ્ટોરન્ટમાં ડીનર માટે ઇન્વાઇટ કરે તો આખી રેસ્ટોરન્ટ બુક કરી દેતો હતો ! મુવી જોવા લઇ જાય તો આખું થિયેટર ખાલી હોય... માત્ર સુનિધિ અને સમીર જ ઓડિયન્સમાં હોય !

સમીર કહેતો : 'તારી અને મારી વચ્ચે મને બીજું કોઈ આવે એ પસંદ જ નથી ! તને હાથ તો શું લગાડે, તારી ઉપર નજર નાંખે એને હું ઊભો ચીરી નાંખું !'

સુનિધિ જ્યારે એની ખાસ બહેનપણી 'શીલા આગળ આ બધી વાતો શેર કરે ત્યારે શીલાએ તેને બે ત્રણ વાર કહ્યું હતું 'બિ કેરફૂલ સુનિધિ ! ''આટલો બધો પઝેસિવ બોયફ્રેન્ડ સારો નહીં..''

પણ સુનિધિને એ જ ગમતું હતું ! આગળ જતાં અમુક ઘટનાઓ એવી જ બની. પણ સુનિધિની આંખ ઉઘડી નહીં. નાટકનાં રિહર્સલો દરમ્યાન સમીર સતત દૂર બેસીને જોતો રહે. રિહર્સલ પતે પછી માથાકૂટ કરે 'તું પેલા એક્ટરની જોડે લવ સીન ભજવે છે ને એ સીન નાટકમાંથી કઢાવી નાંખ ! મને ગમતું નથી !'

સુનિધિએ બે ચાર વાર આવી વાતો હસીને ટાળી દીધી હતી. પરંતુ એકવાર રિહર્સલોની વચ્ચે બ્રેક પડયો ત્યારે બધા કલાકારો મસ્તીના મૂડમાં હતા. એમાં વળી ફિલ્મ સ્ટારોની પેરોડી કરવાનું ચાલુ થયું. એક એક્ટરે સુનિધિનો હાથ પકીડને શાહરૂખની જેમ 'ક...ક...ક.કિરણ' કરવા માંડયું ! પછી અક્ષયકુમારની જેમ નજીક ખેંચીને 'હમ સે બચકર કહાં જાયેગી મેરી જટ્ટની !' એવી અદાઓ કરવા માંડી. સુનિધિ પણ મસ્તીમાં હતી એટલે એણે દિપીકાની જેમ 'એક ચૂટકી સિંદુર કી કિંમત તુમ ક્યા જાનો રમેશબાબુ !' વાળા ડાયલોગ ચાલુ કર્યા. એમાં પેલો એક્ટર ચગ્યો અને 'જુમ્મા ચુમ્મા દે દે...' ગાઈને સુનિધિને ખેંચીને નાચવા લાગ્યો.

બસ, એ વખતે સમીરની ખોપડી છટકી ! એણે આવીને પેલા એક્ટરને એક સણસણતો તમાચો ઠોકી દીધો ! બહુ મોટો ઝઘડો થઇ ગયો. નાટકના ડીરેકટરે સમીરને ખખડાવી નાંક્યો. સમીર પગ પછાડતો બહાર જતો રહ્યો... એ પછી સુનિધિએ સમીરને બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ સમીર એક જ વાત પર અડેલો રહ્યો : 'તારી સાથે કોઈ છેડછાડ કરે એ હું સહન નહીં કરી લઉં ! તું મારી છે, અને ફક્ત મારી છે !'

હદ તો ત્યારે થઇ ગઇ જ્યારે બીજા દિવસે સમીર પેલા એક્ટરના ઘરે ગયો અને એને ઘરમાંથી બહાર ખેંચી કાઢીને જાહેરમાં ઢોર માર માર્યો ! સુનિધિ ચાર દિવસ સુધી સમીર સાથે ના બોલી પણ પછી સમીરે એને સ્વિટઝરલેન્ડની ટુરની ટિકિટો બતાડીને ફરી જીતી લીધી હતી.

હવે સમીર દારૂ પણ પીતો હતો. સુનિધિ એને રોકે તો કહેતો 'જો. દારૂ કરતાં તારામાં વધારે નશો હશે તો દારૂ બંધ ! બસ' પરંતુ ત્યારબાદ સમીર સુનિધિ ઉપર જે જબરદસ્ત પ્રેમ વરસાવતો એની ઉપર સુનિધિ કુરબાન થઇ જતી હતી !

આખરે બન્ને પરણી ગયાં. પરણ્યા પછી ખબર પડી કે સમીરના જે છ સાત ધંધા છે એમાંનો એક ધંધો બીજા રાજ્યથી મંગાવીને દારૂ વેચવાનો હતો ! એ સિવાય પણ સમીર જે સરકારી કોન્ટ્રાકટો લાવતો હતો તે ગુંડાગીરી એન દાદાગીરીના જ જોર ઉપર લાવતો હતો.

જો કે તે સુનિધિને મહારાણીની જેમ રાખતો હતો. દોમ દોમ સાહ્યબી ્ને ધાર્યા કરતાં વધારે જલસાથી ભરપૂર જીંદગીમાં સુનિધિને સમીરના કોઈ દુર્ગુણ દેખાયા જ નહીં. આમ કરતાં કરતાં સુનિધિએ એક બાળકીને જન્મ આપ્યો. હવે સુનિધિની જીંદગી ભવ્ય બંગલાની અંદર જ સમાઈ જતી હતી. બીજી તરફ સમીર ધંધાના કામે મોટે ભાગે બહાર જ ફરતો રહેતો હતો.

છતાં જ્યારે એ ઘેર આવે ત્યારે અતિશય વૈભવી જલસા કરાવી દેતો ! હા, એટલું ખરું કે હવે એવા જલસાના દિવસો ઘટતા જતા હતા. આમ કરતાં કરતાં દિકરી સ્કુલે જતી થઇ ગઈ.

હવે સુનિધિને ખાલીપો વરતાવા લાગ્યો. એનો અભિનયનો શોખ ફરી જાગ્રત થયો. સમીર જ્યારે સળંગ એક મહિના માટે વિદેશની ટુરમાં હતો ત્યારે સુનિધિએ એક નાટકમાં રોલ સ્વીકારી લીધો હતો. એ પણ સમીરને કહીને જ !

સમીર જ્યારે પાછો આવ્યો ત્યારે નાટકનું ગ્રાન્ડ રિહર્સલ હોવાથી સુનિધિએ તેને લેવા માટે એરપોર્ટ જઇ શકી નહીં. સમીર એરપોર્ટ પરથી સીધો રિહર્સલમાં આવ્યો ત્યારે સુનિધિનો એક લવ સીન ભજવાઈ રહ્યો હતો.

સમીરે આવતાંની સાથે જ સુનિધિને એક સણસણતો તમાચો મારી દીધો ! એ પણ સૌનાં દેખતાં જ !

સુનિધિને તમ્મર આવી ગયાં. પણ જ્યારે કળ વળી ત્યારે એ જ ક્ષણે સમીરને સંભળાવી દીધું : 'સમીર તારા ને મારા સંબંધો આ જ ક્ષણે પુરા થયા છે... હજી ગુસ્સો આવતો હોય તો બીજા બે તમાચા મારી લે, પણ હું તારી કરોડો રૂપિયાની કેદમાં નહીં જીવી શકું !'


Google NewsGoogle News