Get The App

નહીં પૂછની બીતી બાતેં ? .

Updated: Oct 8th, 2024


Google NewsGoogle News
નહીં પૂછની બીતી બાતેં ?                . 1 - image


- રજનીગંધા-વિભાવરી વર્મા

- આર્જવ લગ્ન કર્યા વિના રાતોરાત પાછો આવી ગયો હતો. સેંકડો સવાલો કરવા છતાં કશું બોલતો જ ન હતો.

'મુ ઝે નહીં પૂછની તુમ સે બીતી બાતેં, કૈસે ભી ગુજારી હોં તુમને અપની રાતેં...'

સીમા એના મોબાઈલમાં રેડિયોની એફએમ ચેનલો ફેરવતી હતી ત્યાં અચાનક વિવિધ ભારતીની ચેનલ ઉપર મુકેશનું આ ગીત સંભળાઈ ગયું.

એ જ ક્ષણે સીમાની આંગળી અટકી ગઈ. સીમાની પણ આ જ તો પીડા હતી. છ મહિનાથી તે આર્જવને પરણીને અહીં આ ઘરમાં આવી છે એ દરમ્યાન આર્જવે એક પણ વાર તેના ભૂતકાળ વિશે કશું પૂછ્યું જ નથી. હકીકતમાં સીમાને એ જ પીડા કોરી ખાઈ રહી હતી.

એને થતું હતું કે એક વાર આર્જવ એ સવાલ પૂછી લે તો પોતે પોતાના દિલમાં જે દગાબાજીની પીડા સંઘરીને બેઠી છે તેનો ભાર હળવો થઇ જાય. પણ આર્જવ એ સવાલ પૂછતો જ નહોતો.

આર્જવ સાથે જ્યારે સીમાની સગાઈ થઇ ત્યારે સીમાના પપ્પાઓ આર્જવના પપ્પાને અચકાતાં ખચકાતાં સૌથી ઓછા શબ્દોમાં, સીમાના વિપ્લવ સાથેના જે સંબંધ હતા, તેની વાત કરી જ હતી. આર્જવે પણ પોતાના પપ્પા પાસેથી આ વાત સાંભળવા છતાં લગ્ન માટે હા પાડી હતી.

પરંતુ લગ્નના છ છ મહિના થઇ ગયા છતાં આર્જવે કદી એ સવાલ પૂછ્યો જ નહોતો. અને એના કારણે જ સીમાને લાગતું હતું કે આર્જવનો જે કંઇ 'સજ્જન' હોવાનો 'ભલો' અને 'ઉદાર' હોવાનો જે વર્તાવ હતો તેમાં નકરી બનાવટ હતી. સીમાને સતત લાગતું હતું કે આર્જવે તેની સાથે લગ્ન કર્યું તે માત્ર એક સામાજિક 'ગોઠવણ' હતી. આર્જવને કદી તેના માટે પ્રેમ નામની કોઈ લાગણી હતી તો નહીં જ પરંતુ હવે આખી જિંદગી સુધી થશે પણ નહીં.

આર્જવ જો પૂછે તો સીમાને કહેવું હતું કે 'હા હું વિપ્લવને સખત પ્રેમ કરતી હતી. અમે બન્ને અનેકવાર ફિઝિકલ પણ થઇ ગયા હતા. એટલું જ નહીં, હું એનાથી પ્રેગનન્ટ પણ થઇ ગઇ હતી !'

હા, સીમા એ બધું જ કહેવા માગતી હતી જે તેની છાતીમાં ઢબૂરાયેલું હતું. કેમ કે વિલ્પવે તેને છેક સુધી અંધારામાં રાખી હતી. અને પછી એક હલકટ દગાબાજ માણસની જેમ તે માત્ર એ માત્ર પૈસા અને ગ્લેમરસ લાઇફ માટે એક એનઆરઆઈ છોકરીને પરણીને અમેરિકા જતો રહ્યો હતો. પરંતુ જવાના છેલ્લા દિવસ સુધી તેણે સીમાને ખબર નહોતી પડવા દીધી કે તે ઓલરેડી કોર્ટ મેરેજ કરી ચૂક્યો છે !

કોઇપણ છોકરી જ્યારે કોઈ છોકરાના ગળાડૂબ પ્રેમમાં હોય અને તેનું બીજ પણ પોતાના ઉદરમાં ઉછેરી રહી હોય ત્યારે જો એને આવી હળહળતી સચ્ચાઇની ખબર પડે તો તે કેટલી તૂટી જાય ? સીમા અંદરથી અને બહારથી બન્ને તરફથી તૂટી ગઈ હતી. ડિપ્રેશનમાં તે આત્મહત્યા કરી બેસવાની હતી. કેમ કે સમાજનાં સૌ તેને એક 'બદનામ' છોકરી તરીકે જોતા થઇ ગયા હતા. પરંતુ એવા જ કપરા સમયમાં આર્જવના  કુટુંબ તરફથી લગ્નની વાત આવી. અને...

રેડિયોમાં હજી પેલું ગીત વાગી રહ્યું હતું : 'મુઝે નહીં પૂછની તુમ સે બીતી બાતેં, કૈસે ભી ગુજારી હો તુમને અપની રાતેં...'

હા, સીમા પોતાની એ રાતોની વાતો પણ દિલ ખોલીને કહેવા માગતી હતી પણ સીમા અને આર્જવ વચ્ચે જાણે એક જાડી, શૂન્યાવકાશથી ભરેલી, મૌનની દિવાલ હતી. એની આરપાર કોઈ લાગણીઓ પસાર થવાની શક્યતા જ નહોતી.

છતાં આજે સીમાથી રહેવાયું નહીં. તેણે એ ગીત ઓનલાઈન શોધી કાઢ્યું અને આર્જવને ફોનમાં મોકલી આપ્યું. સાથે લખ્યું 'આટલા બધા સજ્જન થવાની જરૂર નથી. તારા 'ઉપકાર''નો ભાર હવે મારાથી સહેવાતો નથી.

ગીત સેન્ડ કર્યા પછી સીમા સતત મોબાઈલ ચેક કરતી રહી. આર્જવે એ સાંભળ્યું હશે કે નહીં ? જો સાંભળશે તો એના વર્તનમાં કંઇક તો ફેર 

પડશે ને ?

બે કલાક પછી આર્જવે એ જ ગીતની બે પંક્તિઓ અલગ કરીને પાછી મોકલી હતી : 'મૈં રામ નહીં હું ફિર ક્યું ઉમ્મીદ કરું સીતા કી ?' કોઈ ઇન્સાનોં મેં ઢૂંઢે ક્યું પાવનતા ગંગા કી?'

સીમાને પહેલાં તો આ સાંભળીને સખત ગુસ્સો આવ્યો. 

'મૈં રામ નહીં હું' એટલે વળી શું ? અને 'ઉમ્મીદ કરું સીતા કી' એનો શું અર્થ થયો ? ઉપરથી 'પાવનતા ગંગા કી...?' મતલબ કે માત્ર સ્ત્રીએ જ એની ગંગા સમાન પવિત્રતાની સાબિતીઓ આપતા રહેવાનું છે ?

પરંતુ સ્હેજ ગુસ્સો ઉતર્યો ત્યારે પેલા શબ્દો ઉપર ફરી ધ્યાન ગયું 'મૈં રામ નહીં હું...' એનો અર્થ શું થયો ?

સીમાએ હવે તપાસ કરવા માંડી. આર્જવની કોલેજમાં જે તેના ખાસ મિત્રો હતા તેને શોધી કાઢ્યા. જાણવા મળ્યું કે આર્જવને એક સ્મિતા નામની અતિશય ધનવાન કુટુંબની છોકરી સાથે ખુબ ઊંડો પ્રેમ હતો. સ્મિતાના ડેડી આ સંબંધ માટે કોઈ કાળે રાજી થાય એમ નહોતા એટલે બન્નેએ ભાગી જઇને કોર્ટ મેરેજ કરવાનું નક્કી કર્યું હતું. પણ...

પણ પછી અચાનક શું થયું તેની તેના દોસ્તોને પણ ખબર નહોતી. આર્જવ લગ્ન કર્યા વિના રાતોરાત પાછો આવી ગયો હતો. સેંકડો સવાલો કરવા છતાં કશું બોલતો જ ન હતો.

સીમાએ હવે હિંમત કરી, એક સાંજે તેણે આર્જવને પૂછી જ નાખ્યું 'આ સ્મિતા કોણ હતી ? મારે જાણવું છે.'

આર્જવે જવાબ ન આપ્યો ત્યારે સીમાએ તેના બન્ને ખભા હચમચાવીને કહ્યું 'જ્યારે તું એમ કહે છે કે 'મૈં રામ નહીં હું..' તો મને પણ હક છે એ જાણવાનો, કે તું મારી પાસેથી 'સીતા' નહીં હોવાની અપેક્ષા રાખીને સાબિત શું કરવા માગે છે ?'

આર્જવ આ સવાલના તીર વડે રીતસર વીંધાઈ ગયો. તેના ગળે ડૂમો બાઝી ગયો. તેની આંખો છલકાઈ ઉઠી. તે તૂટતા અવાજે બોલ્યો 'સીમા હું કાયર છું...'

હવે સીમા સ્તબ્ધ હતી. આર્જવે કહ્યું 'એ રાત્રે સ્મિતાના ડેડી બે ગુંડાઓને લઇને અમારી પાછળ પાછળ આવ્યા હતા. એ ગુંડાઓએ મને બે થપ્પડ મારીને સ્મિતાનો હાથ પકડીને ખેંચી લીધી ત્યારે હું એટલો ડરી ગયો હતો કે કંઇ બોલી જ નહોતો શક્યો. સ્મિતા તે વખતે ક્યાંય લગી કરગરતી રહી... આર્જવ, મન છોડાવવાની કોશિશ તો કર ? પણ હું...'

સીમા સમજી ગઈ. થોડા દિવસ પછી તેણે સ્મિતાનો નંબર શોધી કાઢ્યો. ફોન લગાડીને આર્જવના હાથમાં આપતાં કહ્યું 'કમ સે કમ તું એને સોરી તો કહી જ શકે છે ને ? હું તો...'

આર્જવને પણ એ ક્ષણે લાગ્યું કે તેની આજુબાજુ જે એક અદ્રશ્ય શૂન્યાવકાશ હતો એમાં તીરાડો પડી રહી છે...


Google NewsGoogle News