Get The App

કેન્સર જેટલી ઘાતક બિમારીનું ફક્ત ગંધથી નિદાન કરતો શ્વાન

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
કેન્સર જેટલી ઘાતક બિમારીનું ફક્ત ગંધથી નિદાન કરતો શ્વાન 1 - image


- હરતાં ફરતાં-વિક્રમ વકીલ

પો લીસે કૂતરાઓ પાસે ચોરને પકડાવ્યા છે. નશીલા પદાર્થો અને ડ્રગ્સની પણ ભાળ મેળવી છે. શ્વાનની સેવાવૃત્તિમાં એક વધુ પ્રવૃત્તિ જાડાઈ છે. શ્વાન વધુ સારા ડૉક્ટરની ગરજ સારશે. અત્યંત ખર્ચાળ ટેસ્ટ દ્વારા જે પરિણામ જાણી શકાય તે શ્વાન માત્ર દરદીને સૂંઘીને જણાવી શકશે. અમેરિકાના ફલોરિડા રાજ્યમાં જ્યોર્જ નામનો શ્વાન આ ભૂમિકા કુશળતાપૂર્વક નિભાવી રહ્યા છે. ડૉ. અરમાન્ડ કોગ્નેટા અને ડોગ ટ્રેઇનર ડયુઆની પીકેલે શ્વાન જ્યોર્જને એવી તાલીમ આપી છે કે કોઈ પણ વ્યક્તિને ચામડીનું કૅન્સર છે કે નહીં તેનું જ્યોર્જ સો ટકા સાચું નિદાન કરી જાણે છે. ત્વચાના કેન્સરના જીવલેણ સ્વરૂપને અંગ્રેજીમાં મેલિગ્નન્ટ મેલાનોમાં કહે છે. જે રીતે વિસ્ફોટકો શોધી કાઢવાની જ્યોર્જને તાલીમ આપવામાં આવી હતી એ જ પદ્ધતિથી મેલિગ્નન્ટ મેલાનોમા પકડી પાડવાની તાલીમ અપાઈ છે. એક વખત ડૉ. કોગ્નેટાઅ એક અહેવાલ વાંચ્યો. જેમાં પોલીસે તળાવમાં ફેંકાયેલી લાશ શોધી કાઢવા માટે તળાવ પર કૂતરા સાથેની હોડી ફેરવી હતી. એ કૂતરો હવા સૂંઘીને તળાવના તળિયે મૃતદેહ છે કે કેમ તે જાણી શકતો હતો. આ અહેવાલથી ડૉ. કૉન્ગેટાના મગજમાં ઘંટડી વાગવા માંડી. એમણે તબીબી સાહિત્યનો અભ્યાસ કરવા માંડયો લાન્સેટમાં છપાયેલાં એક આર્ટિકલ અમના હાથમાં આવ્યો. તેમાં જણાવવામાં આવ્યું હતું કે ચુમાલીસ વરસની એક સ્ત્રીના શરીર પર ઘણી ગાંઠો હતી. પણ તેનો પાળેલો શ્વાન માત્ર કેન્સરવાળી ગાંઠ સૂંઘ્યા કરતો હતો. કૂતરો વારંવાર આમ કરતો હતો તેથી ચેતી જઇને એ સ્ત્રી નિદાન કરાવવા ગઇ તો ખરેખર પેલી ગાંઠ કેન્સરવાળી જણાઈ હતી. બીજી નિર્દોષ ગાંઠોને એ કૂતરો સૂંઘતો પણ ન હતો. લાન્સેટનો આ અહેવાલ વાચીને ડૉ. કોન્ગેટાએ પોતાની રીતે તેમાં વધુ સંશોધનો કરવાનું નક્કી કર્યુ અને ૫૩ વરસના ડોગ ટ્રેઇનર ડયુઆને પિકેલનો સંપર્ક કર્યો. મેલાનોમા કેન્સરનું ટિસ્યુ સેમ્પલ (નમૂના) મેળવીને તેની વાસ પકડી પાડવાની પિકેલે શ્વાનને તાલીમ આપી.

શરીરને નિરોગી રાખવા માટે જળોનો ઔષધીય ઉપયોગ

ગ્રીક જાદુગર નીકાન્ડર કોલોફોન જળોના ઔષધીય ઉપયોગનો પ્રથમ વાર ઉલ્લેખ કર્યો હતો. અવી માન્યતા છે કે મધ્ય યુગમાં લીચનો મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હતો. અ વખતે ડૉક્ટરને પણ લીચ કહેતા અને તે પરથી જળોનું નામ લીચ પડયું હતું. પાણીમાં રહેતી હોવાને કારણે કદાચ ગુજરાતીમાં તે જળો કહેવાતી હશે. અઢારમી સદીના અંત સુધી જળોનો ઉપયોગ કયારેક પ્રસંગોપાત્ત થતો હતો. ૧૮૩૦ના દાયકા બાદ તબીબી સારવાર માટે લીચનો બહોળા પ્રમાણમાં ઉપયોગ શરૂ થયો હતો. એ સમયે લંડનની હાસ્પિટલો વરસેદહાડે સિત્તેર લાખ જળો વાપરતી હતી. દરેક પ્રયોગશાળા કે દવાની દુકાનમાં કાચની અક બરણીમાં જળો જાળવી રાખવામાં આવતી હતી, જ્યાંથી દરતી તે ખરીદી શકતો હતો. ઘણા કિસ્સામાં દરદીના શરીરમાં માત્ર વીસ ટકા લોહી બચે ત્યાં સુધી જળોને લોહી પીવાની છૂટ અપાતી હતી. એમ માનવામાં આવતું કે માથાના દુખાવાથી માંડીને સ્થૂળતાની સારવાર પણ લીચ દ્વારા થઈ શકે છે. જોકે તેના જાણીતા ગુણો હૃદયરોગ અને લોહીના દબાણમાં રાહત આપવાના છે. ગામડાના લોકો તળાવમાં કે નદીના કાંઠે પાણીમાં પગ બોળીને જળો એકઠી કરતા. પાણીમાં રાખેલા પગ પર જળો આવીને ચીટકી જતી. ૧૯૧૦માં હૉસ્પિટલોમાં લીચનો વપરાશ સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો અને ઇંગ્લેન્ડમાં લીચને નાશ પામેલા જીવોની યાદીમાં મૂકવામાં આવી હતી. તોપણ અમુક નિર્જન સ્થળોઅ કેટલીક લીચો ટકી રહી હતી, જેનો ઉછેર આજે મોટા પાયે થઈ રહ્યા છે.

વાજીકરણની દવાઓને નામે ચાલતું ધૂપ્પલ

સેક્સ વિશેનું જ્ઞાાન વધવાને કારણે લોકોના ભ્રમ પણ ઘટયા છે. વાજીકરણની દવાઓ તરીકે ખપાવવામાં આવતી મોટા ભાગની દવાઓ તો જનરલ ટોનિકથી વિશેષ કંઈ જ નથી હોતી. વિટામિન બી કોમ્પ્લેક્સ અને જીએલએ જેવાં પોષક તત્ત્વો ધરાવતી દવાઓ માટે એવો દાવો કરવામાં આવે છે કે તે નપુંસકતા દૂર કરે છે. આ પ્રકારની દવાઓ વાસ્તવમાં માણસની જાતીય ક્ષમતા પર સીધેસીધી અસર નથી કરતી, પરંતુ માનસિક તાણ, ડાયાબિટીસ વગેરે સમસ્યાઓ હળવી બનાવે છે. ગાજર અને પપૈયામાં પુષ્કળ માત્રામાં મળી રહેતું કેરોટિન નામનું પોષક તત્ત્વ ધરાવતી દવાઓ માટે અવો દાવો કરવામાં આવે છે કે બીટા કેરોટિનમાંથી બનતું રેટિનોલ છેવટે શુક્રકોષોનું તથા ટેસ્ટોસ્ટેરોન નામના અત:સ્ત્રાવનું ઉત્પાદન વધારતું હોવાથી આ દવા નપુંસકતાના કેસમાં અસરકારક છે. કઠોળમાં પૂરતા પ્રમાણમાં મળતા મિથિયોનીન અને ટ્રિપ્ટોફેન નામના એમિનો એસિડ્સ ધરાવતી દવાઓ માટે એવો દાવો કરવામાં આવે છે કે આ તત્ત્વો મજ્જાતંતુઓને વધુ શાંત કરતી હોવાથી તે 'પરફોર્મન્સ' સુધારે છે. પણ મૂળ વાત અ છે કે જે લોકો આમેય ગાજર અને કઠોળ પૂરતાં પ્રમાણમાં ખાય છે તેમને આવી દવાઓની જરૂર જ નથી.

લેખક ડોમ મોરાઇસને થયેલો અકલ્પ્ય અનુભવ

અંગ્રેજીમાં લખતા જાણીતા ભારતીય લેખક ડોમ મોરાઇસે તેમની અક કટારમાં અક ભેદી પ્રસંગ લખ્યો હતો. એક વાર તેઓ કર્ણાટક વિશે પુસ્તક લખી રહ્યા હતા ત્યારે માહિતી મેળવવા માટે તેઓ એ રાજ્યની મુલાકાતે ગયા. ત્યાં તેમની મુલાકાત એક અત્યંત વૃદ્ધ ઇજનેર સાથે થઈ. વૃદ્ધ ઇજનેરે ડોમને કહ્યાં : 'તમે મારી સાથે જંગલમાં ફરવા આવો તો હું તમને એક જારદાર સરપ્રાઈઝ આપીશ.' ડોમ તેની સાથે જવા તૈયાર થયા. ગાઢ જંગલની અટપટી કેડીઓ પર તેઓ આગળ વધી રહ્યા હતા ત્યારે ડોમને એકાએક એવું લાગ્યું કે તેઓ આ જંગલથી પરિચિત છે. ડોમ લખે છે : 'હું અગાઉ અહીં ક્યારેય નહોતો આવ્યો તેમ છતાં કોણ જાણે કેમ મને ખબર હતી કે આ કેડી આગળ જતાં ડાબે વળશે... આ કેડી જમણે વળશે... હવે આગળના વળાંક પર લાલ ફૂલોવાળું મોટું વૃક્ષ હશે... એ કેડીઓથી હું સારી રીતે પરિચિત હતો.' પેલો ઇજનેર સસ્મિત વદને ડોમને જોતા રહ્યા. ચાલતાં ચાલતાં આગળ એક નદી આવી. નદી પર એક પુલ બંધાયેલો હતો. વૃદ્ધ ઇજનેરે ફોડ પાડયો : 'આ પુલ તમારા દાદાઅ બાંધેલો. તમારા ઇજનેર દાદા આ પુલ બાંધતી વખતે થોડો સમય અહીં રોકાયેલા. ત્યારે હું પણ અહીં જ હતો. તમારા દાદા અને હું રોજ આ રસ્તે ફરવા આવતા.' ડોમના જન્મના વીસ વર્ષ પહેલાં આ પુલ બંધાયેલો. ડોમ લખે છે : 'નાનપણમાં મેં મારા દાદાને જાયેલા ખરા પણ તેમના વિશે બહુ કંઈ યાદ નથી.' હવે સવાલ એ થાય કે જે કેડીઓ ડોમના દાદાએ, ડોમના જન્મ પહેલાં ખૂંદેલી એ કેડીઓ વિશેની જાણકારી ડોમના મગજમાં કઈ રીતે ઘૂસી ગઈ?

જેને અલ્લાહ રાખે તેનું કોણ બગાડે ?

ઈરાનમાં ગાંજી નામનો અક આઠ વર્ષનો છોકરો ઘરના છાપરેથી રમતાં રમતાં નીચે પડયો અને બાજુમાં જ બંધાઈ રહેલા એક ઘરનો દોઢ સેન્ટિમીટર જાડો સળિયો તેની જમણી બગલમાં ઘૂસીને ડાબી બગલમાં નીકળી ગયો. છોકરાનાં મા-બાપ તેને તરત જ મંદાર-અબ્બાસ મેડિકલ યુનિવર્સિટીની હોસ્પિટલમાં લઈ ગયા. છોકરાના બાપને લાગ્યું કે તેનો દીકરો હવે નથી જ બચવાનો. એટલે તેણે હૉસ્પિટલવાળાઓને વિનંતી કરતાં કહ્યું, 'મારા છોકરાનું શરીર ચીરશો નહીં.' હૉસ્પિટલમાં સર્જરી વિભાગના ડૉક્ટર હુસેન ઝરીન જૂઇને પણ લાગ્યું કે આ છોકરો નહીં બચે. છતાં તેમણે શરીરને ચીયું. છોકરાના શરીરમાં જે જાવા મળ્યું તે એક ચમત્કાર હતો. સળિયો હૃદયને અડીને પસાર થઈ ગયો હતો. શરીરના અંદરના મહત્ત્વના ભાગોને સળિયાથી થોડા દૂર જકડી રાખીને ડૉક્ટરોએ જમણી બગલમાંથી ધીમે ધીમે સળિયો બહાર ખેંચી લીધો. બચવાની જરાય શક્યતા ન ધરાવતો ગાંજી બચી ગયો. એટલું જ નહીં, ચોથે જ દિવસે તેને હૉસ્પિટલમાંથી છુટ્ટી પણ મળી ગઈ.


Google NewsGoogle News