બીજાને તમારી આંખે જોતા કરવાના બાર ઉપાયો
- એક જ દે ચિનગારી-શશિન્
- માણસને પોતાના સ્વમાનને પંપાળતાં આવડે છે, પણ બીજાના સ્વમાનને ટાઢક વળે એવું વર્તન કરતા નથી આવડતું એટલે આ દુનિયા દુ:ખી છે.
દ રેક માણસ એવું માનીને ચાલતો હોય છે કે બીજો માણસ તેની વાત સ્વીકારી લે. પણ બીજા માણસની પણ એવી અપેક્ષા હોય છે કે તેની વાત સામેની વ્યક્તિ લે. આમાંથી હૂંસાતુસી અને ક્લેશ પેદા થાય છે.
કેટલાક સંવાદો જોઇએ.
''પેલો કોમ્પ્યુટર ઓપરેટર શેઠને વહાલો થવાની કોશિશ કરે છે ને ! એનો રેકર્ડ આડો અવળો કરી નાખું. શેઠ એને ખખડાવ્યા વગર નહીં છોડે'' એક ઇર્ષ્યાગ્રસ્ત કર્મચારી બીજા કર્મચારીને અહંકારપૂર્વક કહી રહ્યો હતો.
''પપ્પાજી મોટાભાઇનાં વખાણ કર્યા કરે છે પણ મારી પ્રશંસામાં એક શબ્દ ઉચ્ચારતા નથી'' દુભાએલો નાનો ભાઈ પોતાના મિત્રને કહે છે અને પછી ઉંમરે છે. ''મોટાભાઈએ વિગતો ભરેલો બેંક ચેક તેમના ડ્રોઅરમાં મૂકી રાખ્યો છે. તેમની સહી બાકી છે. સહી વગરનો ચેક પેમેન્ટ માટેની પાર્ટીને મોકલાવી દઉ પછી જોઇશ મોટાભાઈ તેમની ફજેતી સહિત અપાતો ઠપકો.''
''મારા પતિને કાયમ મોડા મોડા ઘેર આવવાની આદત પડી ગઈ છે. હું તો ઠપકો આપીને થાકી ગઈ.'' એક નારાજ પત્ની પોતાની સહેલી સાથે વાત કરતાં એમને કેવી રીતે સુધારવા એનો મને ખ્યાલ જ આવતો નથી. પત્નીની ફરિયાદ.
આવી નાની-મોટી પરિસ્થિતિઓ ઠેકઠેકાણે સર્જાતી હશે. માણસ ઇચ્છતો હોય છે કે બીજાને મળે છે. એટલું માન સમ્માન અને મહત્વ પોતાને મળે. પરંતુ એ માટે આવશ્યક સન્નિષ્ઠા, સમજણ અને સંયમ જાળવવા તૈયાર નથી હોતો.
એક યુવાન વૃદ્ધ પિતાની જગાએ બેસી 'બૉસ' બનવા અધીરો બને છે અને પપ્પાના હાથ નીચે કામ કરતાં કર્મચારીઓને તે જાકજાતની સૂચનાઓ, પરિપત્રો બહાર પાડતો રહે છે. બૉસ બનવું સહેલું છે પણ કર્મન્યાયી બનવું અઘરું છે. પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારીને 'પોતાનો' કેમ બનાવવો એ પણ કળા છે. માણસની પ્રશંસા કરીને, પીઠ થાબડીને એનામાં ઉત્સાહ જન્માવવો એ તેનો રામબાણ ઇલાજ છે.
કામ લેવા માટે માણસને પારો ચઢાવવા પડે. માણસે એવી અપેક્ષા ન રાખવી જોઇએ કે તે અમુક બાબતમાં સફળ થયો માટે લોકો કાયમ તેની પ્રશંસા કરે. પોતાની જાતને ચાનક ચઢાવવાની કળા માણસે જાતે શીખી લેવી જોઇએ.
માણસે સ્પર્ધાથી ગભરાવું ન જોઇએ. સ્પર્ધા એ જાતને કસવાનો પડકાર છે. માનો કે તમારા વડીલ કે કંપનીના મેનેજિંગ ડિરેક્ટરે તમને સંચાલન માટેના ઊંચા હોદ્દાની જવાબદારી સોંપી. સામે પડકારોની વણઝાર છે. કંપનીની ખોટ વધી રહી છે. પ્રોડક્શન ઘટી રહ્યું છે ત્યારે તમારા હાથ નીચેના માણસોની પાસેથી કેમ વધુ કામ લેવું એ કળા તમારે શીખી લેવી પડે. હતાશ કે નિરાશ થવાથી બગડેલી પરિસ્થિતિ સુધારી શકાતી નથી.
સંચાલનની કુનેહ નહીં જાણનાર કહેશે''હું કારીગરો અને કર્મચારીઓનો દરરોજ ઉધડો લઉં છું. મેમો દૂર કરું છું. પણ તેમની પર કશી જ અસર થતી નથી. કેટલાક લોકો જાડી ચામડીના હોય છે.'' ઉચ્ચ હોદ્દેદાર પોતાનો બચાવ કરતાં કહેતો હોય છે અને પોતાના સિવાય બધાજ માણસો દોષિત છે, એવા ભ્રમમાં તે રાચતો હોય છે.
અહીં એક કારખાનાના માલિકની આવી સમસ્યાના સમાધાન શોધવાની રીતમાંથી પ્રેરણા લેવા જેવી છે. એ માણસનું કારખાનું બે પાળીમાં ચાલતું હતું. કારખાના માલિકે પહેલી પાળી પૂરી થાય એ પહેલાં કારખાનાની મુલાકાત લીધી અને જે તે વિભાગના વડાને પૂછ્યું : ''આજે કુલ કેટલી ભઠ્ઠીઓ ઉતરી?'' બધા કારીગરો સાંભળે તેમ તેણે કહ્યું ''છ ભઠ્ઠીઓ.''
શેઠે કારખાનાના મુખ્ય પ્રવેશદ્વાર પાસેના બ્લેક બોર્ડ પર લખ્યું : ''છ'' (Six) ત્યાર બાદ તેઓ ઘેર જવા વિદાય થયા.
રાત્રિની બીજી પાળી શરૂ થઇ. દરવાજા પાસેના બોર્ડ પર ''છ'' લખેલું જોઇ બીજી પાળીના વડાને ઇંતેજીરી થઇ. વોચમેને કહ્યું ''પહેલી પાળીના કારીગરો છ ભઠ્ઠી ઉતારી તેમને શાબાશી આપવા શેઠે આ આંકડો લખ્યો છે.''
કારીગરો અંદરો અંદર ચર્ચા કરવા લાગ્યા કે શેઠ શું એમ માને છે કે અમે બીજી પાળીવાળા ઓછું કામ કરીએ છીએ ? અમે પણ કાંઈ કમ નથી. સહુએ સંપીને કામ વધારી દીધું.
અને કામ પતાવી ઘેર જતી વખતે નોટિસબોર્ડ પર લખ્યું ''સાત''.
એ જોઇ પહેલી પાળી વાળાએ કામની નિષ્ઠા વધારી દીધી અને ઘેર જતી વખતે લખ્યું ''આઠ''.
જોત જોતામાં ભઠ્ઠીઓ ઉતારવાનો આંકડો 'દસ'ને પાર કરી ગયો. ઉત્પાદન વધ્યું ખોટ ઘટી અને કંપની દેવામાંથી ઉગરી ગઈ.
ઘરમાં કામ કરતો સ્ટાફ હોય કે પતિ-પત્ની કે પુત્ર-પુત્રી તેમની ટીકા-નિંદા કરવાને બદલે તેમને પારો ચઢાવી તેમના ''માંહ્યલો'' જગાડી કામ માટે તત્પતા બતાવે એવા કોઠાસૂઝભર્યા પ્રયત્નો કરે તો એમની વાણી, વર્તન અને કાર્યક્ષમતામાં અપેક્ષિત સુધારો કે પરિવર્તન લાવી શકાશે. બીજાને સુધારવા માટે માણસે સૌથી પહેલા જાતે સુધરવું પડે છે. બીજા પાસે ધાર્યું કામ લેવા માટે તેમના નિંદક કે દોષશોધક બનવાથી તેમનું સ્વમાન ઘવાશે. માણસને પોતાના સ્વમાનને પંપાળતા આવડે છે પણ બીજાના સ્વમાનને ટાઢક વળે એવું વર્તન કરતાં નથી આવડતું એટલે આ દુનિયા દુ:ખી છે.
''જિંદગી જીતવાની જડી બુટ્ટી''માં દર્શાવેલા આ ૧૨ (બાર) નુસખા લોકો તમારી આંખે જોતા કરવા માટે અત્યંત ઉપયોગી છે :
૧ વાદવિવાદને જીતવાનો એક માત્ર રસ્તો છે વ્યર્થ દલીલબાજીથી દૂર રહો.
૨ સામેની વ્યક્તિના અભિપ્રાયને માન આપજો. 'તું ખોટો છે' એમ કહીને તેને ઉતારી ના પાડશો.
૩ ભૂલ તમારી પણ હોઈ શકે. ભૂલનો ખુલ્લા મને એકરાર કરતાં અચકાશો નહીં.
૪ વાત કે ચર્ચાનો આરંભ આત્મીયતા અને મિત્રાચારીથી કરો.
૫ સામેની વ્યક્તિ પાસે વાતની રજૂઆત એવી રીતે કરો કે તેને તમારી વાત સ્વીકારી લેવાનો ઉત્સાહ થાય.
૬ મોટા ભાગે સામેના માણસને બોલવા દો. બોલવાની અનુકૂળતા કરી આપો.
૭ સામેની વ્યક્તિ એમ જ લાગવા દો કે તમે તેનો વિચારોનો પ્રતિઘોષ પાડી રહ્યા છે.
૮ બીજાના દ્રષ્ટિકોણનો પ્રામાણિકપણે આદર કરો અને તટસ્થ રીતે તેનું મૂલ્યાંકન કરો.
૯ તેને ઉમદા હેતુના સ્વીકાર માટે તૈયાર કરો.
૧૦ બીજાઓની ઇચ્છાઓ અને વિચારો તરફ લાગણી દર્શાવો.
૧૧ તમારા વિચારોને નાટકીરૂપ (મર્મ સ્પર્શી વળાંક) આપી સામેની વ્યક્તિનું દિલ જીતી લો.
૧૨ તંદુરસ્ત સ્પર્ધા માટે પડકાર ફેંકો
સારાંશ એ જ કે સંતુલિત દ્રષ્ટિકોણવાળા લોકોની સંખ્યા જેટલી વધશે તેટલા અંશે જગતમાંથી કોલાહલ ઘટશે અને કાર્યનિષ્ઠા વધશે.