Get The App

યે તેરા ઘર, યે મેરા ઘર... .

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
યે તેરા ઘર, યે મેરા ઘર...                                            . 1 - image


- રજનીગંધા-વિભાવરી વર્મા

- તે માત્ર પૈસા ભર્યા છે, જ્યારે મેં આ ઘરમાં મારો જીવ રેડયો છે 

'મ મ્મી જો! મેં ઘર બનાવ્યું!' નાનકડા આરવે પોતાની ડ્રોઈંગ બુકમાં રંગીન ક્રેયોન વડે ચીતરેલું ઘર બતાડતાં કિલકારી કરી.

'અને જો મમ્મી ! મેં ઉગતો સૂરજ બનાવ્યો !' નાની રિયાએ એની ડ્રોઈંગ બુકમાં ચીતરેલું કુદરતી દૃશ્ય બતાડયું.

બે ચિત્રો જોઈને ગીતાએ ચહેરા ઉપર સ્મિત ઉપજાવીને કહ્યું, 'વાહ ! બહુ સરસ !' પણ બીજી જ ક્ષણે અંદરથી નિસાસો નંખાઈ ગયો. કોનું ઘર ? કોનો ઉગતો સૂરજ ?

ગીતાના પેટમાં ઉચાટ હતો. તેણે ઘડિયાળના સરકી રહેલા કાંટા તરફ જોયું. આજે પ્રતિક અને મલ્લિકાએ અહીં આવવાની ધમકી આપી જ હતી. થોડી મિનિટો વીતી ત્યાં જ દરવાજા ઉપર જોરથી પછડાતા આગળાનો અવાજ સંભળાયો. ગીતાના ધબકારા વધી ગયા.

'અહીં જ બેસજો.' તેણે બાળકોને કહ્યું અને આગળના રૂમમાં ગઈ.

ઊંડો શ્વાસ લઈને તેણે દરવાજો ખોલ્યો. તેણે ધાર્યું હતું એમ જ સામે પ્રતિક ઉભો હતો. એનો પતિ..એના ચહેરા ઉપર એ જ ઘમંડી સ્મિત હતું. એની પાછળ જે સ્ત્રી હતી તે મલ્લિકા હતી. આજે તે વધારે જ ઠાઠમાઠમાં હતી. સીધી બ્યુટિ પાર્લરથી આવી હોય તેમ એનો ચહેરો ચમકી રહ્યો હતો. ઉપરથી મોંઘું પરફ્યુમ આ ફ્લેટની દિવાલોની આરપાર ધસી આવવા માટે ઉતાવળું થઈ રચ્યું હતું.

'અંદર આવવાનું નહીં કહે ? આ ઘર હજી મારું છે. પ્રતિકે કડવું સ્માઈલ આપ્યું અને ગીતાને સ્હેજ ખસેડીને તે અંદર આવી ગયો.'પોતાના ઘરમાં આવવાનો ટાઈમ મળ્યો ખરો ! વાહ ગીતાના અવાજમાં કટાક્ષ કરતા દર્દ વધારે હતું.

'જો ગીતા, મેં તને ઓલરેડી નોટિસ મોકલી છે, તારે આ ઘર ખાલી કરવું પડશે.'

ગીતાના પેટમાં ચૂંથારો વધી ગયો. 'એટલે ? તું હવે ખરેખર કાનૂની પગલાં ભરવા માગે છે ?' 'એ સિવાય છૂટકો જ ક્યાં છે ?' અચાનક મલ્લિકા બોલી ઉઠી. 'જો ગીતા પ્રતિક આમેય તને છોડી ચૂક્યો છે.'

'છોડી નહીં, તરછોડી ચૂક્યો છે !' ગીતાનો અવાજ તૂટી રહ્યો હતો. 'ફક્ત મને જ નહીં, એના પોતાનાં બે સંતાનોને પણ તરછોડી ચૂક્યો છે અને એ પણ તારા જેવી એક મિનિટ !' પ્રતિકે હાથ ઊંચો કરીને ગીતાને અટકાવી. 'તું મારી સાથે વાત કર.' 'શું વાત કરું તારી સાથે ? આ ઘર છોડીને તું જાતે જ જતો રહ્યો છે. બંને બાળકોને હું એકલી સંભાળી રહી છું. ત્રણ ત્રણ વરસ સુધી મારી ખબર પૂછવાની તો બાજુએ રહી બાળકોને મળવા પણ નથી આવ્યો. અને હવે -'

'આ ઘર મારું છે.' પ્રતિકે પોતાનો અવાજ ઊંચો કર્યો.

'અને હવે પ્રતિક પણ મારો છે.' મલ્લિકાએ આગળ આવતાં કહ્યું 'એક તો તું તારા પતિને સાચવી શકી નહીં, અને હવે એમ સમજે છે કે તારા પતિની મિલકત પણ તું પચાવી પાડશે ?'

'મિલકત?' ગીતાને હસવું આવ્યું. 'મલ્લિકા, હકીકતમાં તું પ્રતિકને તારી મિલકત સમજતી હોય એમ લાગે છે. અને તને શું લાગે છે. તેં પ્રતિકને મારી પાસેથી છીનવી લીધો એટલે હું તારાથી જલું છું ? ભૂલી જ્જે.. આજે એણે મને દગો કર્યો છે, તો કાલે તને પણ દગો દેશે ! પણ હું મારા બાળકોને દગો ના દઇ શકું.'

'તો રાખનેએ બચ્ચાંઓ તારી પાસે ? હું ક્યાં ના પાડું છું ? પ્રતિક બોલી ઉઠયો, 'મને તો બસ, મારો આ ફલેટ પાછો જોઇએ છે. તને ખબર છે ને. આના હપ્તા કોણ ભરે છે ? હું ભરું છું ! આ ઘર મારા નામે છે !''

'ઘર ? ગીતાના દિમાગમાં એક કડાકો બોલી ગયો. ફક્ત પૈસા ભરીને શું તું એમ સમજે છે કે આ ઘર તે બનાવ્યું છે ? અરે, ઘર કોને કહેવાય એની સમજણ પણ છે તને?'

પ્રતિકે ગીતાના આવા સવાલથી જરા બધવાઈ ગયો. ગીતા આગળ વધી. પ્રતિક, તે માત્ર પૈસા ભર્યા છે, જ્યારે મેં આ ઘરમાં મારો જીવ રેડયો છે. આ કીચનના પ્લેટફોર્મ ઉપર હું જેટલીવાર રસોઈ બનાવતી હતી. એટલી વાર મેં એમાં મારો પ્રેમ મારો સ્નેહ, મારી ભાવનાઓ રેડી છે...

'અને આ બેડરૂમ ? તને શું લાગે છે. આ માત્ર સૂવાની જગ્યા છે ? માત્ર શારીરક આનંદ માણવાની જગ્યા છે ? અરે, આ અહીં જ મેં આપણી આખી જિંદગીનાં સપનાં જોયાં છે ! માત્ર બે બાળકોને જન્મ નથી આપ્યો, બે ઉગી રહેલાં સપનાંઓનાં બીજ રોપ્યાં છે ! 

પણ તારા માટે તો આ બાળકો અત્યારે એક જાતનો બોજ છે ને ?'

'એક મિનિટ ગીતા- મલ્લિકા કંઈ બોલવા જતી હતી ત્યાં ગીતા એની સામે ત્રાટકી. 'ઘર શું કહેવાય એની તને પણ જો થોડી સમજ હોત તો તે મારું ઘર ન ભાંગ્યુ હોત !''સંતાનો કોને કહેવાય એની જો તને સમજ હોત તો તેં પોતે તારા સંતાનને દૂર કોઈ હોસ્ટેલમાં ભણવા માટે ના મોકલી આપ્યું હોત. અરે, તને આ માણસ-પ્રતિક જ જોઈતો હતો ? તો લઈ જા ! રાખ તારી પાસે ! પણ જો તને મારું આ ઘર જોઈતું હોય તો પહેલાં તું જે ચાર દિવાલોની વચ્ચે મારા પતિ સાથે રહે છે એને જરાક ઘર જેવું બનાવવાની કોશિશ કરી જો.

મલ્લિકા બોલતી જ બંધ થઈ ગઈ. ગીતાએ પ્રતિકને કહ્યું 'તારી પાસે પૈસા છે એટલે તું મોંઘા વકીલની મદદથી કેસ જીતી જઈશ. પૈસા છે એટલે આ ફલેટનું ખોખું પણ ખરીદી લઈશ. પણ એને કદી તું ઘર નહીં બનાવી શકે.'

પ્રતિક દાંત ભીંસતો થોડી ક્ષણો સુધી ત્યાં જ ઉભો રહ્યો. પછી બૂટ વડે ફર્શને ખોતરતાં બોલ્યો : 'ઠીક છે, તો મારી નોટિસનો શું જવાબ આપવાનો છે તારે ?'

'એ પણ મળી જશે.' ગીતાએ મક્કમ અવાજે કહ્યું 'અત્યારે તો આ મારું ઘર છે. મેં જાતે બનાવેલું ઘર છે. આ ઘરને મેળવવાની તારી જે દિવસે લાયકાત હોય, એ દિવસે આવજે.'

પ્રતિક અને મલ્લિકા ફલેટના દાદરા ઉતરી ગયા. થોડી મિનિટો પછી પ્રતિક મલ્લિકાની કારમાં બેઠો હતો. વીસેક મિનિટ પછી મલ્લિકાએ કારને પાર્ક કરતાં કહ્યું.

'ચાલ ઘર આવી ગયું.'

'ઘર?' પ્રતિક મનમાં ગણગણ્યો.

કે પછી મલ્લિકાને પણ એવું સંભળાયું ?


Google NewsGoogle News