મુસ્તફા કમાલ પાશા ખરેખર કમાલ હતા!
- દિનેશ દેસાઈ
- તુર્કીમાં 100 વર્ષ પહેલાં 1924માં કમાલ આતા તુર્કે બહુપત્નીત્વ દૂર કરાવ્યું, હીજાબ દૂર કરાવી, મહિલાઓને સુશિક્ષિત કરી, સાંસદો પણ બનાવી
જે ઓએ ૧૯૨૪માં બહુપત્નીત્વ દૂર કર્યું, મહિલાઓને સમાન અધિકાર આપ્યા. બુર્ખા પ્રથા દર કરાવી. મહિલાઓને શિક્ષિત કરી તેઓને મજલિસ (સંસદ) સુધી પહોંચાડી. પુરૂષોને દાઢી રાખવાનું દૂર કરાવ્યું તેમની શંકુઆકારની ટર્કીશ ફેઝ ને બદલે હેટ પહેરવા આદેશ આપ્યો. ક્રૂર સુલ્તાનને દૂર કરી દેશને પ્રજાસત્તાક બનાવ્યો. ગ્રીસ તથા બ્રિટનનાં આક્રમણોને મારી હઠાવ્યાં. કહેવાતી 'ખિલાફત' વિસર્જિત કરી, મોરોક્કોથી ઇરાક સુધીના પ્રદેશો સ્વતંત્ર કર્યા.
ડાર્ડેનલ્સની સમુદ્રધુનિ ઉપર તો, બ્રિટન જેવી મહાસત્તાનાં સૈન્યને ૨:૧ની ટુકડીઓ હોવા છતાં હંફાવ્યું. સ્મર્ના ઉપર થયેલા ગ્રીસના હુમલાને મારી હઠાવ્યા. તેવા આ મહામાનવે 'દરવીશો' (ધર્મગુરૂઓ)ની સત્તા ફગાવી દઈ, મહિલા ઉત્કર્ષની ઝૂંબેશ હાથ ધરી શિક્ષિત કરી બુર્ખા તો દૂર કરાવ્યા. પરંતુ પાશ્ચાત્ય પરિધાનો તરફ પણ વાળી.
સૌથી ભગીરથ કામ તો તેઓએ, માત્ર ૧૮ વર્ષની જ વયે 'વતન' નામક સુધારાવાદી જૂથ સ્થાપી તે દ્વારા દેશને સુધારણા તરફ વાળવાની ઝુંબેશ હાથ ધરી અને ગામડે ગામડે તેના સાથીઓ મોકલી જનતાને જાગૃત કરવાનું કર્યું. માટે તેઓને આજે પણ તુર્કી તેના તારણહાર આનાતુર્ક તરીકે પૂજે છે.
તેઓએ જૂના શરિયત કાનૂનો ફગાવી દઈ પાશ્ચાત્ય કાનુન પદ્ધતિ અપનાવી. રૂલ ઓફ લૉ, જસ્ટિસ બાય ટ્રાયલની પદ્ધતિ દાખલ કરી. જો કે શરૂઆતનાં વર્ષોમાં તેઓએ પશ્ચિમીકરણનો વિરોધ કરનારાઓને કઠોર હાથે દબાવી દેવા જસ્ટિસ બાય ટ્રાયલ ને એક તરફ મુકવી પડી હતી. જે અનિવાર્ય પણ હતું.
તેઓની કારકિર્દી જેટલી અસામાન્ય હતી તેટલું જ તેઓનું જીવન પણ અસમાન્ય હતું. તેઓને જન્મ સેલોનિકાના ઉચ્ચ પ્રદેશમાં એક સામાન્ય ખેડૂતને ત્યાં ૧૮૮૧માં થયો. અભ્યાસ સમયે પણ તેઓ અત્યંત તોફાની હતા. કશો વિરોધ કે સ્પર્ધા પણ સ્વીકાર્ય ગણતા ન હતા. તેથી તેઓને માત્ર ૧૭ વર્ષની વયે જ સેલોનિકા સ્થિત મિલિટરી સ્કૂલમાં મોકલ્યા. જ્યાં તેઓની કારકિર્દી ઝળકી ઉઠી. બે વર્ષની તાલિમ પછી તેઓને મોન્સ્ટેરેટમાં સબ લેફ્ટેનન્ટ પદે નિયુક્ત કરાયા. તે સમયે દક્ષિણ પૂર્વ યુરોપથી ઇરાક અને ઇરાકથી પશ્ચિમે મોરોક્કો સુધી પ્રસરેલી ખિલાફતનો ખલીફ અબ્દુલ હમીદ એટલો નપાવટ હતો કે તેને માટે બ્રિટિશ પાર્લામેન્ટમાં ગ્લેડસ્ટને કહ્યું હતું : 'હીઝ નેઇમ ઇઝ નોટ અટરિંગ ઇન ધિસ ઓગસ્ટ એસેમ્બી'.
મુસ્તફા કમાલે તે સામે એક બળવાખોર જૂથ રચ્યું જેનું નામ તેઓએ 'વતન' રાખ્યું. ત્યારે તેઓને કોર્ટ માર્શલ કરાયા પરંતુ ડાયરેક્ટ જનરલ ઓફ મિલિટરી ટ્રેનિંગ ઇસ્માઇલ હકી પાશાએ તેઓને માત્ર સારી ચાલ ચલગતનું લખાણ લઇ એડમોનિશ કરી છોડી મુક્યા. કારણ કે તેઓ વતનની કાર્યવાહીને અયોગ્ય ગણતા ન હતા.
સેલોનિકાથી તેઓને સીરીયામાં પર્વતીય પ્રદેશમાં રહેલી આદિવાસી પ્રજા 'ડ્રુસેસ'નો બળવો શમાવવા, સીરીયા મોકલ્યા. જ્યાં તેઓ સફળ રહ્યા. ફરી પાછા ફરી વતનની બીજા નામે શાખા શરૂ કરી. ફરી વિપ્લવની યોજના ઘડી. હવે તો ફાંસીનો ફંદો જ નિશ્ચિત હતો. તેઓ ત્યાંથી નાસી જાફા ગયા. ત્યાં જવા બનાવટી પત્રો વેપારી તરીકેના રજૂ કર્યા. પંરતુ સુલ્તાનના જાસૂસો જાફા પણ પહોંચી ગયા છે તે ખબર પડતાં તેઓ ગ્રીસ પહોંચી ગયા. તે માટે તેઓે સ્ટીમર દ્વારા એલેક્ઝાંડ્રીયા ગયા ત્યાંથી સ્ટીમર દ્વારા પાછા ગ્રીસ પહોંચ્યા જેથી તેઓના સગડ જલ્દી ન મળે. વળી ઇઝરાયલની ઉત્તરે રહેલા જાફા પહોંચ્યા. પરંતુ ત્યાંના કમાન્ડર અહમદ બે એક સમયે વતનના સભ્ય હતો. તેણે કોન્સ્ટટીનોપલ (પાટનગર) સંદેશો મોકલ્યો કે મુસ્તફા તો ઇઝરાયલ પહોંચ્યો છે. ત્યાં બળવાખોરો સામે લડતાં સૈન્યનું નેતૃત્વ લઇ જાનની બાજી લગાડી લડે છે. આમ બચી ગયા. તૂર્કીના ભાવિ તારણહાર.
બીજી તરફ લુચ્ચા હમીદને પણ લાગ્યુ કે, (વતનમાં જોડાયેલા) આ બધા અધિકારીઓને ફાંસી આપીશ તો લશ્કરમાં જ બળવો થશે. તેણે સૌને સામુહિક માફી આપવા સાથે તુર્કીનું નવું બંધારણ તૈયાર થયું છે, સૌએ શાંતિ રાખવાની જરૂર છે. તેવું આશ્વાસન આપ્યું. ઘડીભર શાંતિ પણ રહી. પરંતુ નવું બંધારણ તો આવ્યું જ નહીં, આવવાનું જ ન હતું. ફરી બળવો થયો. સુલ્તાને ગાદી ત્યાગ કરી તેના ભાઈને નિયુક્ત કર્યો. તેણે ના કહેતાં ભત્રીજાને સુલ્તાન નિયુક્ત કર્યો. પરંતુ બળવાખોરો તે પણ સ્વીકાર્ય ગણતા ન હતા. છેલ્લે સુલ્તાનનું સમગ્ર કુટુમ્બ નાસી છૂટયું. કેટલાક માર્યા પણ ગયા.
બળવા ખોરોએ મુસ્તફા કમાલને પ્રમુખ બનાવવા નિર્ણય કર્યો. ત્યાં બોસ્પરસમાં ઇંગ્લેન્ડે હુમલો કર્યો. બલ્ગેરિયાએ પોતાને સ્વતંત્ર જાહેર કર્યું. મેસિડોનિયા, ક્રોશિયા, બોસ્નીયા, વગેરે દક્ષિણ પૂર્વ યુરોપનાં દેશોમાં બળવો થયો. દરમિયાન વતન જેનું નામ બદલી 'કમીટી ઓફ યુનિયન એન્ડ પ્રોગ્રેસ' રખાયું હતું, તેઓએ મુસ્તફાને, સરદારી સોંપી, અહીં ગ્રીસે સ્મર્ના ઉપરથી એન્કોરા સુધી એકધારી કૂચ કરી. મુસ્તફાએ અસામાન્ય યુદ્ધ વિદ્યાથી મારી હઠાવી. તેમને સ્મર્ના પોર્ટ સુધી પહોંચાડી દીધા. ત્યાં ગ્રીસનાં નૌકા જહાજો તૈયાર હતાં. જેમણે ગ્રીક્સને બચાવી લીધા. ત્યારે મુસ્તફાએ નક્કી કર્યું કે પ્રબળ નૌકાદળ સિવાય નહીં ચાલે.
ખતરનાક પ્રશ્ન તો ડાર્ડનલ્સમાં રહેલાં બ્રિટિશ સૈન્યનો હતો. તેનું સંખ્યાબળ પણ ઘણું હતું. તોપો સહિત શસ્ત્રો પણ આધુનિક હતાં. તેવે સમયે પરિસ્થિતિનો લાભ લઇ રશિયાએ (ઝારિસ્ટ રશિયાએ) કૉકેસસ પ્રદેશ કબ્જે કર્યો. તે સામે નિયાઝી નામનો જનરલ લડવા ગયો તેણે કમાલનાં લશ્કરને કમ કરાવી પોતાનું ૧ લાખનું લશ્કર લઇ ડયુક સામે લડવા ગયો પરંતુ જાન્યુઆરી મહિનો હતો. રશિયાની આબોહવાનો ખ્યાલ ન રાખ્યો. તેનાં ૧ લાખનાં લશ્કરમાંથી ૮૦,૦૦૦ ઠંડીમાં માર્યા ગયા. ત્યાં રશિયામાં રિવોલ્યુશન શરૂ થયું. ડયુક પાછો ફર્યો પરંતુ કૉકેસસ પ્રદેશ રશિયાના હાથમાં જ રહ્યો.
પૂર્વે નિયાઝી નિષ્ફળ ગયો. ત્યારે પશ્ચિમ ઉત્તરે બ્રિટિશ સૈન્ય કરતાં માત્ર અડધી જ સંખ્યા ધરાવતાં સૈન્યનું નેતૃત્વ લઇ તે સમયે દુર્ધર્ષ ગણાતાં બ્રિટિશ સૈન્યને પરાસ્ત કર્યું (૧૯૧૭). પરંતુ કુનેહ વાપરી. બ્રિટિશરોને શરણાગત કરાવાને બદલે બ્રિટિશ સેનાપતિ સાથે સંધિ કરી કે તમારે અમોને દરેક રીતે પુષ્ટિ આપવી પડશે. તે સમેય કમાલ સાથે જર્મન જનરલ પણ હતો. (પ્રથમ વિશ્વ યુદ્ધમાં તુર્કી જર્મીન અને ઓસ્ટ્રિયા સાથે જોડાયું હતું) તે પણ કમાલની વ્યૂહ રચનાથી આશ્ચર્ય પામી ગયો હતો.
આવા આ કમાલને પછી પ્રમુખ પદ આપવા મજલિસે નિર્ણય કર્યો. તેઓએ કહ્યું હું તે પદ તો જ સંભાળીશ કે જો મને સર્વ સત્તાં આપવામાં આવે મજલિસે (સંસદે) તે સ્વીકાર્યું. તેઓએ સૌથી મહત્ત્વનું કામ તો કોસ્ટન્ટીનોપણથી પાટનગર મધ્ય તુર્કીના ઉચ્ચ પ્રદેશ એન્કોરામાં ફેરવવાનું કર્યું. કારણ કે કોસ્ટન્ટીનોપણ યુરોપીય દેશોના હુમલાનો ભોગ બને તેમ હતું.
ગ્રીસે દક્ષિણ મેસિડોનિયા જીતી એડ્રીયાનોપલ પર હુમલો કર્યો. કમાલે મારી હઠાવ્યો. એડ્રીયાનોપલ તુર્કીનું જ રહ્યું. આમ ગ્રીસ અને તેથીય વધુ ઇંગ્લેન્ડ જેવી સત્તાને હંફાવનાર મુસ્તફાને આતાતુર્ક (તારણહાર) તરીકે આજે પણ તુર્કી પૂજે છે.
તેઓેએ મહિલા ઉત્કર્ષ કર્યો. દેશને યુરોપીય બનાવ્યો. આધુનિક કર્યો. જૂના શરિયા કાનૂનો દૂર કરી આધુનિકકાનૂનો અમલી કર્યા. ખાઈ બદેલાં નાગરિક તંત્રમાં રહેલા તમામને દૂર કરી નવું નાગરિક તંત્ર રચ્યું. સેનાના ભ્રષ્ટ અધિકારીઓને ફાંસી આપી. પોતાના અનેક વિરોધીઓને ઠાર મરાવ્યા. ઘણાને ફાંસી આપી. થોડો સમય તો કાળો કેર વર્તાવ્યો પરંતુ એક સમયે યુરોપનો 'માંદો માણસ' કહેવાતાં તુર્કીને મજબૂત નૌકાદળ અને નાનું એવું વિમાનદળ પણ આપી મધ્ય પૂર્વની સૌથી સબળ સત્તા બનાવ્યું. આવા આ મહામાનવ નવેમ્બર ૧૯૩૮માં ફાની દુનિયા છોડી ખરા અર્થમાં જન્નત નશીન થયા.
(સંદર્ભ : Home Library Club - ‘One Hundred Great Lives'
Europe in the 19th and 20th Centuries : E.Lipson)