Get The App

ઈન્ટર્નશીપ એટલે ગધ્ધામજૂરી જ ને? .

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
ઈન્ટર્નશીપ એટલે ગધ્ધામજૂરી જ ને?                             . 1 - image


- રજનીગંધા-વિભાવરી વર્મા

- એને આ રીતે દોડધામ કરતો જોઈને અભિનવને અંદરથી મજા પડી રહી હતી. 'કંપનીને સારો ગધેડો મળી ગયો છે, નહીં!'

'આ અરવિંદ પટેલ અહીં શી રીતે ઘૂસી ગયો?', કોલેજમાં હંમેશાં ટોપ ટેનમાં રહેનારા અભિનવને એક ખુબ જ ફેમસ સોફટવેર કંપનીમાં ઈન્ટર્નશીપ મળી હતી. પરંતુ પહેલા દિવસે હાજર થતાંની સાથે જ તેણે જોયું કે ક્લાસમાં સૌથી છેલ્લી બેન્ચે બેસનારો અને માંડ માંડ પાસ થનારો પેલો અરવિંદ પણ અહીં ઈન્ટર્ન તરીકે જોડાયો હતો ?

આવું બને જ શી રીતે ? અભિનવે ડાયરેક્ટ અરવિંદને જ પૂછી લીધું. 'ટોપા, તું અહીં શી રીતે પહોંચી ગયો ? તારા બાપાની તો કોઈ ઓળખાણ પણ શેની હોય ?'

અરવિંદ ખસિયાણો પડી ગયો. એના બાપા તો એક મામૂલી કરિયાણાની દુકાન ચલાવતા હતા. સ્હેજ ફીક્કું હસતાં એ બોલ્યો : 'એક્ચુલી, બાય મિસ્ટેક આવું થયું લાગે છે. કોઈ 'અરવિન'ને બદલે મારું નામ -'

અભિનવને હસવુ આવી ગયું. 'બેટમજીને બે જ દિવસમાં અહીંથી રવાના કરી દેશે. ત્યાં સુધી ભલે એસી ઓફિસની હવા ખાઈ લેવા દે, ડોબાને!'

એવામાં એમના ઈન-ચાર્જ મિસ્ટર ચેટર્જી આવી ગયા. બન્નેનાં આઈડી વગેરે ચેક કરીને એ બોલ્યા : 'ઠીક છે, આજે થોડુ ડેટા એન્ટ્રીનું કામ છે. એ પતાવો, પછી કાલે જોઉં છુ.'

'ડેટા એન્ટ્રી ?' અભિનવે તરત જ વાંધો લીધો. હું સોફ્ટવેર એન્જિનિયરીંગનો ગ્રેજ્યુએટ છું. કોઈ ટાઈપિસ્ટ નથી. મને મારે લાયક કામ આપો, નહિતર હું તો બેઠો છું.

'ઓકે ' ચેટર્જીએ અરવિંદને કાગળોની મોટી થપ્પી પકડાવી દીધી. 'સાંજ સુધીમાં પતાવજે. પછી હું ચેક કરીને આગળ કામ સોંપુ છું.'

બિચારા અરવિંદને તો કોઈ છૂટકો જ નહોતો ? એ મજૂરની જેમ મચી પડયો. અભિનવ એની સામું જોઈને મનોમન હસતો રહ્યો. આખો દિવસ અભિનવે મ્યુઝિક સાંભળ્યું, મોબાઈલમાં ગેઈમ રમી. સાંજે ઘરે જવા નીકળ્યો ત્યારે અરવિંદ હજી મજૂરી કરી રહ્યો હતો.

બીજા દિવસે ચેટર્જી કોઈ સોફટવેર પ્રોગ્રામમાં કરેક્શન કરવાનું કામ લઈને આવ્યા. અભિનવે ફરી ના પાડી દીધી. 'આ તો કારકુનનું કામ છે. હું નહીં કરું. સર, મારી ટેલેન્ટને લાયક કંઈ કામ આપોને.'

પરંતુ અરવિંદે કરેક્શનો સમજી-સમજીને કરવા માંડયા. બિચારો વારંવાર ગોથાં ખાતો હતો ! અને વારંવાર ચેટર્જીને પૂછવા માટે ધક્કા ખાતો હતો. અભિનવને હસવું આવ્યું. બેટમજી આને જ લાયક છે. આ લોકો આ ગધેડા પાસે મજૂરી કરાવીને કસ કાઢતા રહેશે. હું કઈ એવી ચાલમાં આવવાનો નથી.'

ત્રીજા દિવસે ચેટર્જીએ આવીને કહ્યું 'અભિનવ, આ સોફ્ટવેરમાં વારંવાર ગ્લિચ આવે છે. કેન યુ કરેક્ટ ઈટ ?'

અભિનવ તરત જ એલર્ટ થઈ ગયો! જો પોતે ગ્લિચ શોધી નહીં શકે તો ઈજ્જતનો ફાલુદો થઈ જાય! એણે તરત જ કહ્યું 'સર, આવું બધું અમને ભણાવ્યું જ નથી, તો હાઉ કેન આઈ ડુ ઈટ ?'

જો કે પેલા અરવિંદે 'આ બેલ મુઝે માર જેવું જ કર્યું. એ ડફોળ બોલ્યો : 'સર, તમે મને ગાઈડ કરો તો હું ટ્રાય કરી જોઉં? શક્ય છે કે હું ફેઈલ પણ જાઉં..' ચેટર્જી બે ક્ષણ એની સામે જોતા રહ્યા પછી બોલ્યા : 'ઓકે, કમ વિથ મિ.'

ચેટર્જી અરવિંદને એની કેબિનમાં લઈ ગયા. અડધો કલાક એને કંઈ સમજાવ્યું. અભિનવ જોતો હતો કે ડોબાને કંઈ સમજ પડે એવા ચાન્સ જ ન હોતા ! એટલે જ ચેટર્જી સરે અરવિંદને એક નાનું સ્ટુલ આપીને અંદર જ બેસાડી દીધો અને મજૂરની જેમ ધંધે લગાડી દીધો.

અરવિંદના ચાર-પાંચ દિવસ એમાં જ ઘૂસી ગયા. આ બાજુ અભિનવ આખી ઓફિસમાં આંટા મારીને ટાઈમપાસ કરતો રહ્યો. થોડી  સેલ્ફીઓ લીધી, બે ચાર વિડીયો ઉતાર્યા, પોતે કામમાં બહું બિઝી હોય એવી સ્ટાઈલો મારીને ફેસબુકમાં પોસ્ટ મુકી... પેલો ચેટર્જી એની સામે જોતો પણ નહોતો. ભલે ને ના જુએ ?

આઠમા દિવસે ચેટર્જીએ આવીને કહ્યું 'સો, યુ આ ગુડ એટ સોફ્ટવેર ડેવલપમેન્ટ, નો ? તો આપણી કંપનીના ક્લાયન્ટો માટે, એક ઓનલાઈન હેલ્પલાઈનનુ ંસોફ્ટવેર બનાવવાનું છે, કેન યુ ડુ ઈટ? '

આ જ તો અભિનવને જોઈતું હતું. એ હવે મચી પડયો. દરમ્યાનમાં પેલા અરવિંદને ક્યાં બેસાડયો હતો ? ક્યાલન્ટોની કંપ્લેન રિસિવ કરવામાં ! બેટમજીને કશી ટેકનિકાલીટીની સમજ હતી જ નહીં એટલે દરેકે દરેક ફરિયાદનો જવાબ આપતાં પહેલાં બિચારાને એક એક ડિપાર્ટમેન્ટમાં આંટા મારવા પડતા હતા! ક્યારેક માર્કેટિંગમાં, ક્યારેક પ્રોડક્શનમાં, ક્યારેક પ્રમોશનમાં, તો ક્યારેક ડિઝાઈન ડિપાર્ટમેન્ટમાં ! એને આ રીતે દોડધામ કરતો જોઈને અભિનવને અંદરથી મજા પડી રહી હતી. 'કંપનીને સારો ગધેડો મળી ગયો છે, નહીં !'

જોકે અભિનવને પોતાને પેલું સોફ્ટવેર ડેવલપ કરવામાં વીસ દિવસ લાગી ગયા, છેવટે જ્યારે તેણે ચેટર્જીને બતાડયું ત્યારે એ બગડયો, 'વોટ નોન્સેન્સ ? ક્લાયન્ટ પાસે કંપ્લેન લેવાની હોય એમાં એમના આધારકાર્ડ અને પાનકાર્ડની શી જરૂર છે ? અને આટલા બધા ટેકનિકલ સવાલો પૂછવાના ? આટલું નોલેજ હોય તો ક્લાયન્ટ આપણી પાસે આવે જ શા માટે ? જસ્ટ ડુ ઈટ અગેઈન! એન્ડ ડુ ઈટ પ્રોપરલી!'

અભિનવ સમજી ગયો કે ચેટર્જી પોતાની બોસગિરીનો રોફ ઝાડે છે. એ માણસે અભિનવના કોઈ આર્ગ્યુમેન્ટસ સાંભળ્યા જ નહીં! આમાં અભિનવનો આખો મૂડ ખલાસ થઈ ગયો... ત્રણ મહિનાની ઈન્ટર્નશીપ પતવા આવી ત્યાં સુધીમાં માંડ માંડ એ સોફ્ટવેર ડેવલપ થયું. પણ ચેટર્જીએ રિજેક્ટ કરી દીધું !

પેલી બાજુ અરવિંદ તો સ્માર્ટ ગધેડો બની ચૂક્યો હતો ! એ કંપનીના દરેક ડિપાર્ટમેન્ટમાં બધાને ઓળખતો થઈ ગયો હતો. સોફટવેરનું કામ તો એને હજી નહોતુ આવડતુ પણ એ આખા બિઝનેસની આંટીઘૂંટી સમજી ગયો હોય એવું એનું વર્તન હતું. અભિનવ મનમાં હસતો હતો : 'છેવટે તો કરિયાણાવાળાનો જ દિકરો ને ? મજૂર જ રહેવાનો...'

અભિનવની ધારણા સાચી પડી. ઈન્ટર્નશીપ પતી પછી એ લોકોએ અરવિંદને નોકરીએ રાખી લીધો. અભિનવે એ પછી બીજી ત્રણ ચાર જોબ કરી જોઈ. દરેક જગ્યાએ એને ઘમંડી બોસ અથવા બોગસ સિસ્ટમો નડી.

ત્રણ વરસ પછી આ જ કંપનીમાં એણે અરજી નાંખી હતી એટલે ઈન્ટરવ્યુ માટે કોલ આવ્યો. અભિનવને હવે મનમાં થવા લાગ્યું.'જોયું ? છેવટે તો મારી કદર કરવી જ પડી ને ?'

પરંતુ અહીં આવતાં જ એને જબરદસ્ત ઝાટકો લાગ્યો ! પેલો અરવિંદ, સાલો મજૂર, અહીં બોસની કેબિનમાં બોસની જમણી બાજુ બેઠો હતો અને બધાના ઈન્ટરવ્યુ લેતો હતો ! અભિનવે પટાવાળાને પૂછયું 'પેલો કોણ છે ?'

પટાવાળાએ કહ્યું 'લો, ખબર નથી ? કંપનીના નવા બિઝનેસ મેનેજર છે, બહુ હોંશિયાર છે, હોં !'

'બિઝનેસ મેનેજર?' અભિનવને હજી નહોતું સમજાતું કે મારો બેટો 'બિઝનેસ' ક્યાંથી શીખી ગયો ? જો કે અભિનવને કદી સમજાશે પણ નહીં, કેમ કે એ તો ક્લાસનો 'ટોપર' હતો ને ?


Google NewsGoogle News