Get The App

નૂતન વર્ષે કોને કોને 'થેંક યુ' કહેશો ? નૂતન વર્ષે કઇ પ્રતિજ્ઞાાઓ અને સંકલ્પો લેવાના રાખશો ?

Updated: Nov 5th, 2024


Google NewsGoogle News
નૂતન વર્ષે કોને કોને 'થેંક યુ' કહેશો ? નૂતન વર્ષે કઇ પ્રતિજ્ઞાાઓ અને સંકલ્પો લેવાના રાખશો ? 1 - image


- એક જ દે ચિનગારી-શશિન્ 

- પ્રત્યેક કાર્ય ઇશ્વરે તમને સોંપેલી જવાબદારી છે, એમ સમજી કામને પતાવવાને બદલે દીપાવવાની કોશિશ કરો, સંકલ્પ કરો. તમારા સંપર્કમાં જે કોઈ આવે તે ઠરીને પ્રસન્ન થઇને જાય એવા આશીર્વાદ પરમાત્મા પાસે માગો

નૂતન વર્ષ

ઉલ્લાસ અને હર્ષ

પણ આ કાલના મહાસાગરમાં એક વર્ષનું કશું મહત્વ ખરૂં ? પણ આપણે મન આ ધરતી પરના જીવનનું પારાવાર મહત્વ છે -

'આ નીલ-નીલ નભની નીત નવ્ય શોભા

આ રૂપને રસતણું

કાવ્ય વસુંધરાનું

આવ્યા ન હોત

અહીંયા ક્યાં મળત

આ બધું માણવાનું'

નવું વર્ષ શબ્દ કાળગ્રસ્ત છે. આજનું નવું વર્ષ એ આવતા વર્ષે જૂનું થઇ જશે. એટલે તરોતાજા અને નવા માનવી તરીકે આપણે જીવનની સજ્જતા કેળવવાની છે. એ સજ્જતા જીવનને ઉદત્ત બનાવે એવા નવ સંકલ્પો પ્રતિજ્ઞાાઓનો સાથ લઇ કરવાની છે.

આ પ્રતિજ્ઞાાઓ કે સંકલ્પો કયા ?

૧. હું સત્યનિષ્ઠ રહીશ.

૨. હું મન-વચન-કર્મથી પવિત્ર રહીશ.

૩. હું હંમેશા સકારાત્મક દ્રષ્ટિકોણ સાથે જીવીશ.

૪. મારું ચારિત્ર્ય શુદ્ધ રાખીશ.

૫. હું ઇર્ષ્યા-દ્વેષ-વેરવૃત્તિથી મુક્ત રહીશ.

૬. હું સર્વધર્મો પ્રત્યે સમભાવ રાખીશ.

૭. હું સહુને બિનશરતી પ્રેમ આપીશ.

૮. હું પરોપકારી અને દાનશીલ રહીશ. પરમાત્માનું નિત્ય સ્મરણ કરીશ.

૯. હું ભ્રષ્ટાચાર કરીશ નહીં. લાંચ-રૂશ્વતથી દૂર રહીશ.

આ તો માત્ર સંક્ષિપ્ત યાદી છે. જીવનને ઉજાળવાના અનેક માર્ગો છે. આપણું જીવન અનેક લોકોના સહયોગથી ઉજળું છે. આમ આદમીના આપણી ઉપર અનેક ઉપકારો છે. નવા વર્ષે એનું સ્મરણ કરીએ. નૂતન વર્ષે તરો-તાજા બનવાના અને વાસીપણું ત્યજવાના પાંચ ઉપાયો કયા ?

૧. દરરોજ મનમાં ઉઠતી તૃષ્ણાઓની આંધીને બહાર ધકેલતા રહો.

૨. માણસ માત્રને નવા રૂપે અને નવા દ્રષ્ટિકોણથી નિહારતા રહો. દ્વેષ-વિદ્વેષ કે પૂર્વગ્રહની નજરે નહીં.

૩. પ્રત્યેક કાર્ય ઇશ્વરે તમને સોંપેલી જવાબદારી છે, એમ સમજી કામને 'પતાવવા'ને બદલે દીપાવવાનો સંકલ્પ કરો.

૪. જીવનને વહેતું રાખો. તમારો પ્રેમ માત્ર પરિવારને જ નહીં, સ્વજનોને જ નહીં પણ સર્વજનોને મળે એવા નિર્મળ સ્વભાવનું ઘડતર કરો.

૫. તમારા સંપર્કમાં જે કોઈ આવે, તે ઠરીને, પ્રસન્ન થઇને જાય એવા આશીર્વાદ પરમાત્મા પાસે માગો.

નવું વર્ષ એટલે આભાર પ્રદર્શન 'થેન્ક યુ' કહેવાનો મંગલમય અવસર નવા વર્ષે કોને કોને 'થેંક યુ' કહેશો ?

૧. જીવનનું વરદાન આપનાર પરમાત્માને.

૨. પાલનહાર માતા-પિતા અને ઘરના અન્ય વડીલોને.

૩. તમારી સેવા કરનાર નોકર, રસોઇનો, માળી, ડ્રાઈવર વગેરેને.

૪. તમારા વાળંદ અને ધોબીને.

૫. તમારા સ્વીપર અને રસ્તા પરનો કચરો સાફ કરનાર સફાઈ કામદારને.

૬. તમારા સન્નિષ્ઠ શિક્ષક. પવિત્ર ધર્મગુરૂ તથા પવિત્ર સંતને.

૭. તમારા સઘળાં સ્વજનો અને પડોશીઓને.

૮. કાગળ, બોલપેન, પુસ્તક પ્રકાશકો, પુસ્તકો અને પુસ્તક વિક્રેતાઓને.

૯. તમને દૂધ પુરૂં પાડનાર દૂધ વિક્રેતા અને દૂધદાતા પશુઓને.

૧૦. તમને અન્ન અને શાકભાજી પૂરું પાડનાર ખેડૂતને.

૧૧. તમને અખબાર પૂરું પાડનાર ફેરિયાને અને અખબારના માલિકોને.

૧૨. તમારી સેવારત રાજ્યના સર્વકર્મચારીઓને.

૧૩. તમારા રાજ્યના શાસક અને રાજ્યપાલશ્રીને.

૧૪. બગીચાનાં ફૂલો અને વૃક્ષોને.

૧૫. પત્ની/પતિ અને સમગ્ર પરિવારને.

૧૬. તમારી ભૂલને માફ કરનાર સજ્જનને.

૧૭. તમને નોકરી આપનાર નોકરીદાતાને.

૧૮. તમારા મતક્ષેત્રના સાચા વિધાનસભા સદસ્ય અને સાંસદને.

૧૯. નેકનિયત અને મન-વચન-કર્મથી પવિત્ર રહેવાનો સંકલ્પ કરનાર સરકારને.

૨૦. કુરિયર અને પોર્ટરનો.

૨૧. સાદગી અને સંયમપૂર્ણ દ્રષ્ટિ આપનાર માતા-પિતાને દેવમંદિરના પુજારીને.

ઇશ્વર સર્વત્ર છે, જાગૃત છે, સર્વજ્ઞા છે એટલે તમારી માગણીઓથી એના આયોજનમાં ખલેલ ન પહોંચાડો. ઇશ્વરને તમને કશુંક 'બદતર' નહીં પણ 'બહેતર' આપવાની ઇચ્છા છે એમ માની શ્રદ્ધા અને ધૈર્યપૂર્વક ફળપ્રાપ્તિની પ્રતીક્ષા કરો. દીપોત્સવી દરમ્યાન લક્ષ્મીજી તથા અન્ય દેવી-દેવતાના પૂજનનું રહસ્ય શું ? કહેવાય છે કે લક્ષ્મીજી સમસ્ત દેવી દેવતાઓ સાથે બલિરાજાની બંધક હતી. તેમણે ભગવાન વિષ્ણુની ઉપાસના કરી અને તે સહુને બલિરાજાની કેદમાંથી છોડાવ્યાં હતાં. બંધનમુક્ત થયા બાદ સર્વ દેવતાઓ લક્ષ્મીજી સહિત ક્ષીર-સાગરમાં શયન માટે ચાલ્યા ગયા. આપણે પણ પોતપોતાના ઘરમાં શયન-કક્ષની એવા વ્યવસ્થા રાખવી જોઇએ કે દેવોને શયન માટે આવવાનું મન થાય.

લક્ષ્મીજી પ્રકાશનાં દેવી છે. એમને અંધકાર ગમતો નથી એટલે ઘરની બહાર 'દીપો'ની હારમાળા પ્રગટાવેલી રાખવી જોઇએ. 'દીપ' અને હારમાળા શબ્દના સંયોગથી દિવાળી કે દીપાવલી શબ્દ ઉત્પન્ન થયો છે. મૂળ વાત છે માનવતાના વિકાસની આજે અત્ર-તત્ર-સર્વત્ર હિંસા અને અત્યાચારનું વાતાવરણ છે. આપણે મનુષ્ય તરીકે લજવાઈએ એવું વર્ણન કરતાં શરમાતા નથી. માણસની બુધ્ધિ ભ્રષ્ટ થઇ છે એટલે રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચે દેશ વિદેશ વચ્ચે દુશ્મનીનું વાતાવરણ સર્જાયું છે, ત્યારે નીચે દર્શાવેલી પાંચ બાબતો જ માનવતાની વૃદ્ધિ માટે મદદરૂપ થઇ શકે.

૧. ખલીલ જિબ્રાનના શબ્દોમાં આપણે ભગવાનની વાતો ઓછી કરીએ, જેને આપણે સમજ્યા નથી, એને બદલે ઇન્સાનની વાતો વધુ કરીએ.

૨. આપણા દૈનિક જીવનમાં સદા ભક્તિનું સ્વરૂપ આપીએ.

૩. આપણી વાણી, વર્તન અને વ્યવહારમાં અહંકારને લેશમાત્ર જગા ન આપીએ.

૪. જીવનમાં 'જોશ' અને હોશનો સમન્વય કરીએ. સારા-નરસાને સમજવાની વિવેકદ્રષ્ટિ કેળવીએ.

૫. એ વાત સાચી છે કે મનુષ્ય ઉદાર બને તો દેવદૂત અને નીચ બને તો શેતાન. જાતિ, જ્ઞાાતિ, ધર્મ, હોદ્દો વગેરેનાં બંધનો છોડી મનુષ્ય માત્રને ચાહતાં શીખીએ.


Google NewsGoogle News