Get The App

માણસના જીવનમાં પ્રસન્નતાની તલાશ .

Updated: Feb 4th, 2025


Google NewsGoogle News
માણસના જીવનમાં પ્રસન્નતાની તલાશ                             . 1 - image


- એક જ દે ચિનગારી- શશિન્

- માણસનું અંતર અત્તરનો ખજાનો છે. એને આપણે અંદર ઠાંસી રાખીએ છીએ. આપણી જાતને પણ એની સુગંધનું પરિદાન કરતા નથી

મા ણસના જીવનનો મુખ્ય ઉદ્દેશ શો? એક જ શબ્દમાં કહેવું હોય તો આનંદ, હર્ષ, પ્રસન્નતા. આનંદનાં કેન્દ્રો માણસે માણસે જુદાં હોય છે. સામાન્ય રીતે આનંદનાં પાંચ પ્રકારો વર્ણવવામાં આવ્યાં છે :

૧. આત્માનંદ 

૨. બ્રહ્માનંદ

૩. વિષયાનંદ 

૪. વિદ્યાનંદ

૫. યોગાનંદ

આનંદ એટલે મન પ્રસન્ન રહે તેવો યોગ. આનંદ એટલે ઉલ્લાસ, ખુશી, મારે કાંઈ જોઈતું નથી, હું પરિપૂર્ણ છું. એવી સંતોષાત્મક ચિત્તવૃત્તિ આનંદનું ઉપલક્ષણ છે.

ભોગી અન યોગી બન્નેનાં આનંદનો કેન્દ્રો છે. જુદાં હોય છે તેમ સંયમી અને વિલાસીનાં સુખનાં કેન્દ્રો જુદાં-જુદાં હોય છે.

શ્રીમદ્ ભગવદ્ગીતામાં બીજા પ્રસાવાન અધ્યાયમાં માનસિક સ્થિતિનું વર્ણન કરતાં કહેવામાં આવ્યું છે કે દુ:ખોની પ્રાપ્તિ થતાં જેના મનમાં ઉદ્દેગ નથી થતો, સુખો મળતાં જે સંપૂર્ણ પણે નિ:સ્પૃહ હોય છે, જેનામાં રાગ, ભય, અને ક્રોધ નાશ પામ્યાં છે એવો મુનિ સ્થિર બુદ્ધિનો કહેવાય છે. અને તે સદાય પ્રસન્ન રહે છે.

એક દ્રષ્ટાન્ત જોઈએ. 'બંગલા નં.૧૦૫ કૃષ્ણધામ આ જ ને ?' એક માણસ બંગલા પાસે ઉભેેલા માણસને પૂછે છે. 'હા, પણ એના માલિકને મળવું હોય તો તમારી સરસ મજાની સવાર ન બગાડશો. એમનો સ્વભાવ વિચિત્ર છે. નફરતનો 'ન'એમણે પોતાના હૃદયની દીવાલ પર કોતરી રાખ્યો છે.' બીજા માણસે પેલા પ્રશ્નકર્તાને કહ્યું.

આગંતુક પ્રશ્નકર્તાએ તેમની વાત સાંભળી લીધી અને કોલ બેલનું બટન દબાવ્યું. અને બારણું ખોલી ઘસી આવતો એક ચહેરો નજરે પડ્યો. એણે ક્રોધાવેશમાં કહ્યું : 'તમે બોર્ડ ન જોયું? મેં સ્પષ્ટ ચિતરાવ્યું છે કે સવારે ૮થી ૧૦ મને કોઇએ મળવું નહીં.'

આગંતુકે શાન્તિથી કહ્યું : 'માફ કરજો, આપે સુંદર રીતે ચિતરાવેલું બોર્ડ વાંચવાનું રહી ગયું પણ આપતું વ્યક્તિત્વ જ અદ્ભુત છે. બગલાની પાંખ જેવાં શ્વેત વસ્ત્રો, આપના રૂઆબદાર ચહેરા પર શોભતાં સોનેરી ચશ્મા બદું જ અફલાતૂન.. હવે મારા કામની વાત ક્યારેક. મને રજા આપો?' મુલાકાતીએ વિદાય થવાની કોશિશ કરી.

એટલામાં એના કાને શબ્દો પડયા. 'થોભો, એમ કાંઈ જવાય? મારા અંતરાત્મામાંથી અવાજ આવ્યો કે તમે સમજદાર અતિથિ છો. દેવાપૂજાના કાર્યમાં દખલ કરવાના પ્રયત્નને અપરાધ ન ગણતાં અતિથિને દેવતા ગણી તમને હૃદયથી આવકારું છું.' તમે નિરાભિમાની છો. મારા બારણે લટકતા બોર્ડની પ્રશંસા કરી મારી વેશભૂષા અને વ્યક્તિત્વને બિરદાવ્યાં એટલે તમારો સત્કાર કાર્ય સિવાય તમને કેમ જવા દેવાય? આવો, મારા ડ્રોઈંગરૂમમાં પધારો. માણસનું મન પ્રસન્નતા પણ જન્માવે છે અને ખેદ પણ. કોઈની સાથે પ્રથમ મુલાકાતમાં કેમ વર્તવું એ પણ એક કળા છે. પૂ.મહાવીર સ્વામીએ પ્રબોધેલા 'મૈત્રીભાવના પવિત્ર ઝરણાને આપણે મીટર ગજથી માપીએ છીએ અને પ્રેમ અને લાગણીને પણ તોળી-તોળી વ્યક્ત કરીએ છીએ. હકીકતમાં આપણે દિવસ દરમ્યાન અનેક માણસોને મળવાનું થતું હોય છે. એમના તરફ સ્મિતભાવે શુભેચ્છા પાઠવતાં પણ આપણને કોણ રોકે છે?'

દરેક માણસને એક પ્રકારનો 'ફાંકો'હોય છે, અન્ય કરતાં પોતે ચઢિયાતો છે એવો અહંકાર હોય છે. અણબનાવા આક્ષેપબાજીમાં બે માણસો લડતા હોય છે. તેમાં એક બીજાના 'ફાંકા' લડતા હોય છે. ફાંકો એ લગામ વિનાનો અશ્વ છે. એને ચેતક અશ્વ બનવાની મહેચ્છા હોય છે. અહંકારવશ એને લેશમાત્ર છૂટ ન આપશે. માણસની પત્ની હોય કે પુત્ર, માતા-પિતા હોય કે દાદા-દાદી, કામવાળી હોય કે રસોઈઓ, ડ્રાઈવર કે માળી સહુને પ્રસન્નતાની તલાશ હોય છે. પણ મોટા ભાગના માણસો પ્રસન્નતા વ્યક્ત કરવાને બદલે ચિંતાગ્રસ્ત ચહેરો લઈ ફરતા હોય છે.  પોતાની જાતને અને અન્યને ખુશ રાખવાના હાથવગ કીમિયા ક્યા ? આ રહ્યા તે સાતકીમિયા :-

૧. તમે પોતે દિવસ દરમ્યાન આનંદિત રહો અને બીજો માણસ આનંદમાં આવી જાય, તેવા શબ્દોની લહાણી કરો. ૨. સામેની વ્યક્તિની ક્ષતિ, અપૂર્ણતા, કે દોષ દર્શનની દૃષ્ટિને સદંતર જાકારો આપી તનો એકાદ ગુણ શોધી પ્રશંસાના પુષ્પો દ્વારા સન્માનિત કરો. ૩. ફાંકો છોડી 'ફાંકડા' બનો. ૪. તમારી વાતને મહત્ત્વ આપવાને બદલે સામેની વ્યક્તિની વાત રસ અને ધીરજપૂર્વક સાંભળો. ૫. સ્મિતએ 'બેરર ચેક' છે. તેનાં નાણાં તમને રોકડા મળશે.

૬. કોઈને મળો ત્યારે અહંનો અંચળો ઉતારીને મળજો.

૭. ઇર્ષ્યા, દ્વેષ, સ્વાર્થવૃત્તિનો અતિરેક બાજુએ રાખી 'નર'માં નારાયણનું દર્શન કરો.


Google NewsGoogle News