સ્વામી વિવેકાનંદ બીલીમાંથી વિવેકાનંદ કઈ રીતે બન્યા?
- હરતાં ફરતાં-વિક્રમ વકીલ
ક લકત્તામાં પિતા વિશ્વનાથ દત્ત અને માતા ભુવનેશ્વરી દત્તને ઘરે જન્મેલા વિવેકાનંદનું બચપણનું નામ બીજું હતું. ઉંમર તેમ જ આધ્યાત્મિક જ્ઞાનમાં મોટા થતા ગયા તેમ તેમનાં નામ બદલાતાં ગયાં. રજનીશ પોતે પોતાનાં નામો બદલવાનું સૂચવતા. વિવેકાનંદને લોકો તરફથી નામો મળ્યાં. ભુવનેશ્વરીદેવીને ઘણી પુત્રીઓ હતી. પુત્રની લાલસા હતી. પુત્ર માટે શિવની ખૂબ કડક ઉપાસના કરી. આખરે ભગવાન વિશ્વેશ્વરશિવે પુત્ર આપ્યો તેથી પુત્રનું નામ વિરેશ્વર પાડયું. બંગાળમાં તે બિરેશ્વર કહેવાતા. પણ નામ લાંબું લાગ્યું તેથી લાડમાં તેમને માતા બીલી કહેતા. અ વિવેકાનંદનું પહેલું નામ હતું. બીલી છ વર્ષના થયા ત્યારથી જ ખૂબ વાંચવા માંડેલા. એ ઉંમરે તેમણે રામાયણ અને મહાભારત લગભગ કંઠસ્થ કરી લીધાં. વાંચે કે સાંભળે તે અદલોઅદલ યાદ રહી જતું. આજે મનોવિજ્ઞાની જેને હાઇપર ઍક્ટિવ ચાઇલ્ડ કહે છે તેવા તરવરિયા બાળક વિવેકાનંદ બચપણમાં હતા. બચપણથી સત્ય બોલવાની ટેવ પાડેલી. કૉલેજમાં પણ જે વાંચે તે યાદ રહી જતું. ગીબનનું ડિક્લાઇન ઍન્ડ ફોલ ઑફ રોમન અમ્પાયરનું પુસ્તક તો બહુ યુવાન વયે વિવેકાનંદ વાંચી ગયેલા. બીલી બહુ તોફાન કરે ત્યારે માતા ઠંડા પાણીની બાલદી લઈ વિવેકાનંદના મસ્તક પર રેડીને શિવ... શિવ...ના મંત્રો રટતાં અને બીલી શાંત થઈ જતા. આ શિવ... શિવના મંત્ર સાથે માતાના જલાભિષેકથી જાણે વિવેકાનંદની આધ્યાત્મિક શક્તિ જાગી હોય તેમ પોતે જ શિવોહમ્ શિવોહમ્ (હું જ શિવ છું)ના નાદ સાથે એ બીલીમાંથી નરેન્દ્ર, નરેન અને વિવેકાનંદ બન્યા.
સેવા માટે સામૂહિક મુંડનનો અજીબ કિસ્સો
લોયડ્ઝ દુનિયાની સૌથી જૂની અને સૌથી મોટી વીમા કંપની છે. તેનું વડુંમથક લંડનમાં છે લોયડ્ઝની લંડન ઓફિસમાં બ્રોકર તરીકે કામ કરતી ૫૧ વરસની જેની રોઝને જ્યારે ખબર પડી કે એના એક સહકર્મચારી રિચાર્ડ હીધરની ચાર વરસની પુત્રી ઇઝાબેલા લ્યુકેમિયા એટલે કે લોહીના કેન્સરથી પીડાઈ રહી છે ત્યારે ઇઝાબેલા સાથે સહાનુભૂતિ દર્શાવવા ઇઝાબેલાની માફક પોતાનું માથું પણ મૂંડાવી નાખવાનું જેનીએ નક્કી કર્યું. જેનીએ નક્કી કર્યું કે હું આ રીતે ટકોમૂંડો કરાવીને ફરીશ અને લોહીના કેન્સરથી પીડાતાં બાળકોની સારવારમાં મદદ માટે લોકો પાસે ટહેલ માગીશ. એના બોસને આ દરખાસ્ત ગમી અને પૈસા આપવાની તૈયારી બતાવી. પણ જેનીએ આગ્રહ રાખ્યો કે એના બોસ પણ માથું મૂંડાવે. એ તૈયાર થયા અને ઓફિસમાં વાત ફેલાઈ ગઈ. બીજા ૩૩ કર્મચારીઓ પણ મુંડન કરાવવા તૈયાર થયા. આ દરેકને કમસે કમ એક એક હજાર પાઉન્ડ એકઠા કરવાનું લક્ષ્યાંક અપાયુ પણ જે દિવસે લોયડ્ઝમાં સામૂહિક મુંડનનો કાર્યક્રમ રખાયો ત્યારે જ થોડો સમય ઓફિસનું કામ અટકી પડયું અને જોતજોતામાં ૬૦ હજાર પાઉન્ડ જમા થઈ ગયા.
બુલ ફાઇટનો વિચિત્ર રીતે વિરોધ
સ્પેનના પેમ્પલોના શહેરમાં પ્રાણીપ્રેમી સંસ્થા પેટાઅ ચોથી વાર્ષિક 'હ્યુમન રેસ'નું આયોજન કર્યું હતું. અહીં દર વર્ષે 'બુલ ફાઇટ' યોજાય છે. બુલ ફાઇટ વખતે મેટાડોર (આખલા સાથે લડનાર યોદ્ધા) લાલરંગનું લૂગડું બતાવીને આખલાને ભડકાવે છે અને અને દોડાવી દોડાવીને થકવી નાખ્યા પછી ભાલા મારી મારીને એનાં બહુ ક્રૂર રીતે વધ કરે છે. સ્પેનની આ સૌથી લોકપ્રિય રમત બહુ જ ક્રૂર અને હિંસક છે. સભ્ય સમાજ આવી માનવીય બર્બરતા શી રીતે ચલાવી લે છે? બુલ ફાઇટ બંધ થવી જ જાઈઅ એ નેમ સાથે પેટાના સમર્થનમાં ૬૦૦ લોકો જાડાયા હતા. બૂલ ફાઇટના બે દિવસ પહેલાં શરીરે માત્ર કાદવ ચોપડીને વિશાળ નગ્ન સમૂહે પેમ્પલોનાની શેરીઓમાં પશુહિંસા અટકાવવાના સૂત્રોચ્ચાર સાથે સરઘસ કાઢયું હતું.
માણસના મગજમાં ઓછામાં ઓછી બે પ્રકારની યાદશક્તિ હોય છે
સ્મૃતિલોપના અનેક કિસ્સાઓના સઘન અભ્યાસ બાદ એવું તારણ નીકળી શક્યું છે કે માણસના મગજમાં ઓછામાં ઓછી બે પ્રકારની યાદશક્તિઓ હોય છે. પહેલો પ્રકાર એવો છે જેમાં કોઈ
બાબત એક આદતરૂપે યાદ રહી જાય છે. જેમ કે, વાંચવું, લખવું, માતૃભાષા બોલવી વગેરે. આ બધી બાબતોની એટલી બધી આદત પડી ગયેલી હોય છે કે કોઈ સભાન પ્રયત્નો વગર પણ માણસની આ પ્રકારની યાદશક્તિ કામ કરી શકે છે. માણસને ઊંઘમાંથી ઉઠાડો તો પણ તે પોતાની માતૃભાષામાં વાત કરી શકે છે. યાદશક્તિનો બીજા પ્રકાર છે ખાસ ઘટનાની સ્મૃતિ, ટૂંકા ગાળાની સ્મૃતિ. કોઈ આપણને પોસ્ટકાર્ડ પોસ્ટ કરવાનું કહે છે તે વાતને યાદ રાખવાનું (કે ભૂલી જવાનું) કામ આ પ્રકારની યાદદાસ્તનું છે. આ સ્મૃતિ લિમ્બિક સિસ્ટમમાં સચવાઈ રહે છે. લિમ્બિક સિસ્ટમમાં મગજના હિપોકેમ્પસ, રાઇનલ કોર્ટેક્સ અને થેલેમસ જેવા ભાગો સાથે મળીને કામ કરે છે. આ ભાગો વચ્ચેના મનમેળને કારણે આપણને નવી નવી વાતો યાદ રહે છે. જ્યારે આ નેટવર્કમાં ભંગાણ પડે છે ત્યારે માણસ સ્મૃતિલોપનો ભોગ બને છે.
હાથી મેરે સાથી
આબુના નેમીનાથ મંદિરના પ્રવેશમાર્ગમાં બે હાથીની કૃતિઓ રખાઈ છે. ૧૮મી સદીમાં બનેલી પથ્થરની કોતરણીમાં હાથીનું ટોળું બતાવ્યું છે. જ્યારે ગંગા નદીમાં ખૂબ પૂર આવ્યા ત્યારે તેને રોકવા માટે હાથી ઊભા રહ્યા હતા તેવી માન્યતા હતી. પૂરવાળી નદીને ઓળંગવા માટે હાથી વપરાતા હતા. શણગારેલા હાથી પર બેસીને અકબર બાદશાહ બે કાંઠાથી છલકાતી જમુના નદીને ઓળંગતા. 'અકબરનામા'માં કેટલીક આરસપહાણની કૃતિઓમાંના હાથીનું વર્ણન અને ચિત્રો દર્શાવ્યા છે અને એ હાથીઓને હિન્દુ દેવતા પર અભિષેક કરતા દેખાડયા છે. મૈસૂરના રાજા દશેરા વખતે હાથીદાંતથી મઢેલી અંબાડીમાં બેસીને હાથી પર સવારી કરતા હતા. રજપૂતાનાના રજપૂત રાજાઓ અંગ્રેજાની ખુશામત કરવા રેસિડન્ટ અંગ્રેજ ઑફિસરને હાથી પર બેસાડીને દરબારમાં લાવતા. સુરતના ફોટોગ્રાફર એ.એલ. સૈયદે ૧૯૪૫માં બુંદીના રાજાઅ અંગ્રેજ રેસિડન્ટને હાથી ઉપર બેસાડેલા તેની તસવીર પાડી છે. બિકાનેરના મહારાજા ૧૯૪૪માં પરણ્યા ત્યારે ચાર હાથી લઇને ડુંગરપુર પરણવા ગયા હતા. એક હાથીને ચાંદીથી શણગારીને તેના પર વરરાજા બેઠા હતા. શાહનામા નામના મોગલ ગ્રંથમાં લખ્યું છે કે, '૧૭૯૫માં એક વજીર પરણ્યો ત્યારે તેની જાનમાં એકસો હાથીનો વરઘોડો કઢાયો હતો!'