ધર્મભાવનાનો દુરુપયોગ .
- એક જ દે ચિનગારી-શશિન્
- યાત્રાધામો માનવનાં મહાતીર્થો ન બની શકે તો એમની સાર્થક્તા કેટલી?
ધ ર્મ એટલે શું ? ધર્મની છ વિશેષતાઓ કઈ ? પ્રામાણિક આચરણ એ જ આજના યુગનો સૌથી મોટો ધર્મ છે. સદ્વર્તન અને સદાચારથી મોટો કોઈ ધર્મ નથી !
માણસે ધર્મ જેવી પવિત્ર ભાવનાનો દુરુપયોગ કર્યો છે. ધર્મના નામે ઝઘડવાનો કે ઝઘડાવવાનો પ્રયત્ન એટલે શેતાનની ઉપાસના. ધર્મની છ વિશેષતાઓ કઈ ?
૧. અંતઃકરણની પવિત્રતા
૨. સર્વધર્મ સમભાવ
૩. વેરનો અભાવ
૪. ઈર્ષ્યા-દ્વેષને તિલાંજલિ
૫. બિનશરૂતી પ્રેમ
૬. સદ્વર્તન, સદાચાર
સદીઓ બદલાતી રહે પણ માણસની માણસાઈ રસાતાળ તરફ જતી હોય તો એને પ્રગતિ માનવાની ભૂલ કોણ કરે ? પ્રત્યેક સદી ભૂલોના પુનરાવર્તન માટે નહીં પણ ભૂલોના પરાજય માટે પ્રાપ્ત થતી હોય છે. દુનિયામાં પ્રેમ, સદાચાર, ત્યાગ અને સમર્પણથી મોટો કોઈ ધર્મ હોઈ શકે નહીં. ધર્મની વિવિધ વ્યાખ્યામાં પરિભાષાઓ પ્રાપ્ત થાય છે તદનુસાર ઃ
- એ નિઃસંદેહ છે કે દુનિયાના સર્વ મોટા મોટા ધર્મોએ પૃથ્વીના માનવીઓને કરોડો, સેંકડો તથા હજારો વર્ષ સુધી સાચે રસ્તે વાળ્યા છે. આજ સુધી કરોડો માનવીઓમાં હૃદય તથા મનને શાન્તિ દેનાર ચીજ ધર્મ કરતાં બીજી નથી મળી આવી. મનુષ્યમાં પ્રેમ પેદા કરનાર ધર્મ સિવાય કોઈ તાકાત જગતમાં મળી આવી નથી. (પંડિત સુંદરલાલજી)
ધર્મ એટલે સદવર્તનનો નિયમ (ડૉ. રાધાકૃષ્ણન્)
આત્મજ્ઞાાન વગર કોઈપણ પ્રગતિ થઈ શકી નથી. આત્મજ્ઞાાન વગર તે અધૂરી છે. આત્મજ્ઞાાન વગર તે ભવ્ય કે ઉન્નત બની શકતી નથી. તેને ઉમદા બનાવનાર આત્મજ્ઞાાન જ છે અને આ આત્મજ્ઞાાન પ્રાપ્ત કરવામાં ધર્મ મુખ્ય અને શ્રેષ્ઠ સાધન છે. (સ્ટેન્લી કુક)
મહાભારતના મતાનુસાર ધારણાત્ ધર્મ ઈત્યાહુ ધર્મો ધારયતિ પ્રજા. અર્થાત તત્વ, નિયમ, સિદ્ધાંત તથા શાસન છે, જે વ્યક્તિને સમાજને કે દેશને અને સમગ્ર વિશ્વને ધારણ કરે તે , ટકાવી રાખે અને આધાર કે રક્ષણ આપે તે ધર્મ.
ધર્મ શબ્દ સંસ્કૃતના 'ધુ્ર' ધાતુ પરથી બનેલો છે. અંગ્રેજીનો Religion શબ્દ લેટિનના Releger એટલે કે જોડાવું કે અનુસંધાન કરવું પરથી આવેલો છે. ફારસી ભાષામાં ધર્મ માટે 'મજહબ' શબ્દ પ્રયુક્ત થયો છે. કિશોરલાલ મશરૂવાલાએ ધર્મ માટે અનુગમ શબ્દ વાપર્યો છે.
ધર્મ એટલે ઈશ્વર વિશેની જીવંત અને ઉજ્જવળ શ્રદ્ધા અને ઈશ્વર એટલે સનાતન સત્ય. (મહાત્મા ગાંધીજી)
સ્પષ્ટ યા શુદ્ધ રીતે જોતાં ધર્મ એ મનની અવસ્થા છે. મને લાગે છે કે આપણી જાત અને સકળ વિશ્વ વચ્ચે એકાત્મતા છે. એવી ખાતરી ઉપર આધારિત લાગણી છે. (ડૉ. મેકડા ગાર્ટ)
ધર્મ એટલે માનવીનું માનવીથી પર એવા ઉચ્ચોચ કુદરતી તત્વ સાથેનું તાદાત્મ્ય (સર્વિયસ)
ધર્મ વિશેની વિવિધ વ્યાખ્યાઓ જોતાં ધર્મ એટલે મનુષ્યને પશુત્વથી મુક્તિ આપી સાચા અર્થમાં મનુષ્ય બનાવનારી દિવ્ય શક્તિ છે. દુનિયાના તમામ ધર્મોએ માનવતાની વાત કહી છે પણ પ્રત્યેક સદીએ પ્રેમને વિષપાન કરાવવામાં પાછીપાની કરી નથી.
પરમતત્વનો નિવાસ વસ્તુ કે પદાર્થમાં નથી, પણ માણસના પવિત્ર અંતઃકરણમાં છે, એ વાત જુદા જુદા ધર્મોએ પોતાની માન્યતા અનુસાર કહી છે.
દરેક ધર્મના પવિત્ર સ્થાનનો ઉદ્દેશ લોકો એક સાથે મળીને પરમાત્માની એકતાની પ્રતીતિ કરવા હૃદયના દ્વાર ખુલ્લાં રાખવાનું શીખે તે છે. સ્થૂળથી સૂક્ષ્મ તરફ આગળ વધવાનો પેગામ પ્રાપ્ત કરવાની જગા એટલે ધર્માલય કે દેવાલય છે. યાત્રાધામો માનવનાં મહાતીર્થો ન બની શકે તો એમની સાર્થક્તા કેટલી ?
પ્રાચીન સમયમાં ઋષિઓ તપોવનમાં રહેતા પોતાનો મહદ સમય ધર્મ, ઈશ્વર, આત્મા, પરમાત્મા, જીવન અને જગત વિષયક ચિંતનમાં ગાળતા એમના આશ્રમો દીવાલ વગરની પર્ણકુટીઓ હતી. એમને શિષ્યો કે અનુયાયીઓ વધારવાની તૃષ્ણા નહોતી. તેઓ સંસારી હોવા છતાં સન્યાસી હતા. 'સાઈ ઈતના દીજિયે જામે કુટુમ્બ સમાય, મૈં ભી ભૂખા ના રહૂં, સાધુ ભી ભૂખા ન જાય' એવી ઉદાત્ત આતિથ્ય ભાવના હતી. આજના આશ્રમોનો અલગ ચૉકો છે, અલગ સંગાર છે. અલગ ઠાઠ-માઠ અને અલગ વૈભવ છે. કહેવાતા ધર્મગુરૂઓ પોતાને ભગવાન તુલ્ય પ્રચારિત કરીને માણસને ભ્રમિત કરે છે. પરિણામે શુદ્ધ ધર્મભાવના લજ્જિત અને નિંદિત થાય છે.