Get The App

બદનામી છોકરીની જ થાય? .

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
બદનામી છોકરીની જ થાય?                                     . 1 - image


- રજનીગંધા-વિભાવરી વર્મા

- મગજ શાંત પડયું ત્યારે તેને પહેલો વિચાર એ આવ્યો કે 'શું માત્ર છોકરીઓ જ બદનામ થવી જોઈએ? છોકરાઓ શું અવતારી પુરુષો છે?'

ભૂ મિકા સ્પોર્ટસ-પરસન હતી. કોલેજમાં હોકી, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, બેડ મિંગ્ટન..લગભગ દરેક ગેઈમમાં એનો પહેલો કે બીજો નંબર જ હોય. એનું શરીર જેટલું કસાયેલું, એનો મિજાજ પણ એટલો જ મજબૂત. જે કરવું તે પોતાનું ધાર્યું જ કરવું અને કર્યા પછી તેનો સ્હેજ પણ પસ્તાવો નહીં કરવાનો તેનો સ્વભાવ હતો.

એટલે જ, જ્યારે ઈન્ટર સ્ટેટ સ્પોર્ટ્સ કોમ્પિટીશન માટે તેને ચંદીગઢ જવાનું થયું ત્યારે તેને જીમી નામના એક છોકરા સાથે ટચમાં આવવાનું થયું. આખો માહોલ 'મસ્તી અને મસલ્સ'થી ભરપૂર હતો, ચંદીગઢના સ્પોર્ટસ કોમ્પલેક્સની હોસ્ટેલોમાં ત્રણ રાત રોકાવાનું હતું. એમાંની એક રાત્રે ભૂમિકાને થયું કે, આજની રાત જિમી સાથે શેર કરી હોય તો કેવું ?

ભૂમિકા આ 'વન નાઈટ સ્ટેન્ડ' બાબતે મનમાં બહુ જ ક્લિયર હતી. જે રીતે પેટને ભૂખ લાગતી હોય છે એ રીતે શરીરને પણ ભૂખ લાગે જ. એનો મતલબ એ ન હોય કે જે રેસ્ટોરન્ટમાં તમે એકવાર ખાઈ લીધું તે તમારા માટે લાઈફ-ટાઈમનું રસોડું જ હોવું જોઈએ!

જિમી સાથેની એ નાઈટ-આઉટ મજેદાર હતી. જિમીનો અકડુ છતાં હસમુખો નેચર ભૂમિકાને ગમી ગયો. બન્નેએ એકબીજાના ફોન નંબરની આપ-લે કરી લીધી. અમદાવાદ પાછા આવ્યા પછી ભૂમિકાને ખબર પડી કે જિમી પણ અમદાવાદની જ એક કોલેજમાં ભણે છે. બન્ને વચ્ચે ફેસબુક અને વોટ્સએપમાં ચેટ થતી રહી.

વચ્ચે એકવાર બન્ને એક રેસ્ટોરન્ટમાં મળ્યા પણ ખરા. વાતો વાતોમાં જિમીએ કહ્યું 'ચાલ ને, પેલી ચંદીગઢવાળી મસ્તી ફરી એકવાર થઈ જાય ?'

ભૂમિકાએ તરત જ ચોખ્ખી ના પાડી દીધી. 'લિસન જિમી, ચંદીગઢમાં જે થયું તે એક ઓકેઝનલ ઘટના હતી. એને આગળ વધારવાની મને જરાય ઈચ્છા નથી. અને હા, મારી સાથે કોઈ ઈમોશનલ સંબંધો રાખવાનો તો વિચાર પણ ના કરતો. રીલેશનશીપ તો બહુ દૂરની વાત છે.'

જિમી એ વખતે કંઈ બોલ્યો નહીં, પણ અંદરથી ઘીસ ખાઈ ગયો હતો. થોડા દિવસો પછી ફરી એકવાર એણે વોટ્સએપ દ્વારા 'વન નાઈટ'ની ડિમાન્ડ કરી, ભૂમિકાએ તરત જ એને ઝાટકી નાંખ્યો. 'ડોન્ટ યુ એવર થિંક અબાઉટ ઈટ.'

એ પછી જિમીના મેસેજો બંધ થઈ ગયા. પરંતુ અચાનક એક દિવસ જિમીએ તેને વોટ્સએપમાં બે ચાર ફોટા મોકલ્યા! આ એ વખતના ફોટા હતા જ્યારે તેઓ ચંદીગઢમાં એક રાત માટે સાથે હતા!

ભૂમિકા એ જોઈને ચોંકી જ ગઈ! આ હલકટ છોકરાએ પહેલી જ મુલાકાતમાં આવો ગંદો ધંધો કર્યો હતો ? હજી એ કંઈ  રિ-એક્શન આપે એ પહેલાં જિમીનો મેસેજ આવ્યો ઃ 'તારે મારી ડિમાન્ડ માનવી જ પડશે. નહિતર હું તને બદનામ કરી દઈશ!'

થોડી ક્ષણો માટે તો ભૂમિકા હલબલી ગઈ. પછી જ્યારે તેનું મગજ શાંત પડયું ત્યારે તેને પહેલો વિચાર એ આવ્યો કે 'શું માત્ર છોકરીઓ જ બદનામ થવી જોઈએ ? છોકરાઓ શું અવતારી પુરુષો છે ?'

ભૂમિકાએ જિમીને પાઠ ભણાવવાનું નક્કી કરી લીધું. સૌથી પહેલાં તો તેણે પોતાની મમ્મીને સમજાવીને કન્વીન્સ કરી કે ચંદીગઢમાં જે થયું તે માત્ર એક શારીરીક ઊભરો હતો. એટલાથી પોતે કંઈ 'ખરાબ કેરેક્ટરની' કે 'ચાલુ' છોકરી નથી બની જતી.

મમ્મીને આખી વાત ગળે ઉતરતાં ઘણી વાર લાગી પણ જ્યારે પપ્પાને વાત કરી તો એ તરત બોલ્યા. 'એ છોકરાને મારી પાસે લાઈ આવ...એ હરામખોરના કાન નીચે બે લાફા ઠોકીશ ! સમજે છે શું એના મનમાં ?'

પપ્પાએ ઉપરથી સલાહ આપી. 'સૌથી પહેલાં પોલીસમાં ફરિયાદ નોંધાવી દે.'

ભૂમિકાએ કહ્યું 'એ તો કરીશ જ, પણ એ સિવાય બીજું પણ ઘણું કરવાની છું...' બસ, એ પછી ભૂમિકાએ પોતાનો પ્લાન અમલમાં મુકવા માંડયો, સૌથી પહેલાં તો એણે જિમીએ મોકલેલી ધમકીના ફોટા સાથેના સ્ક્રીનશોટ લઈ લીધા પછી એની મોટી મોટી ૧૦ ટ૧૨ ઈંચની પ્રિન્ટો કઢાવી. હવે એ પ્રિન્ટો એક મોટા એન્વેલોપમાં મુકીને જિમી જે કોલેમાં ભણતો હતો તેના પ્રિન્સીપાલને કુરિયરથી મોકલીને સાથે લેટર લખ્યો કે 'આવા હલકટ સ્ટુડન્ટને તમે તમારી કોલેજમાં ભણવા શા માટે દો છો ? શું એ રસ્ટ્રીકેટ થવાને લાયક નથી ?'

બીજા જ દિવસે પ્રિન્સીપાલે જિમીને બોલાવીને તેનો ઉધડો લઈ નાંખ્યો ! જિમી ગેંગેં ફેંફેં થઈ ગયો! હજી જિમી આગળ કોઈ ડગલું ભરે એ પહેલાં ભૂમિકાએ ફેસબુકમાં જિમીની જેટલી ફ્રેન્ડઝ હતી તેમને આ સ્ક્રીનશોટ ટેગ કરીને મોકલી આપ્યા! ઉપરથી લખ્યું ઃ 'શું આ છોકરો તારી ફ્રેન્ડશીપને લાયક છે ?'

માત્ર ચોવીસ જ કલાકમાં જિમીનું રિ-એક્શન આવ્યું. તે ફોન ઉપર ફોન કરવા લાગ્યો. ભૂમિકાએ ફોન જ ના ઉપાડયા. એટલે તેણે મેસેજ કર્યો. 'તું કરવા શું માગે છે? મારે તને મળવું છે.'

ભૂમિકાએ જવાબમાં એક રેસ્ટોરન્ટનું લોકેશન અને મળવાનો ટાઈમ મોકલી આપ્યો. 'જિમી ધૂવાંપૂવાં થતો જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે ભૂમિકાની સાથે તેના મમ્મી પપ્પાને જોઈને તે ડઘાઈ જ ગયો! ભૂમિકાએ કહ્યું  'મારો આભાર માન કે હજી તારા મમ્મી ડેડીને તારી ધમકીવાળા સ્ક્રીનશોટ નથી મોકલ્યા... અને હા, જો પાંચેક મિનીટ ઊભો રહે તો પોલીસ અહીં જ આવી રહી છે, તારી પૂછપરછ કરવા...'

કહેવાની જરૂર નથી કે જિમી ચોવીસ જ કલાકમાં શહેર છોડીને બીજે ક્યાંક જતો રહ્યો ! એટલું જ નહીં, એનાં તમામ સોશિયલ એકાઉન્ટો ડિલીટ થઈ ગયાં છે. એનો ફોન નંબર પણ બદલાઈ ગયો છે.


Google NewsGoogle News