ખુશીનું સરનામું શું? .
- એક જ દે ચિનગારી-શશિન્
- અસંખ્ય વાસનાઓનું ખાલી ખપ્પર લઈને ભૌતિક સુખોની આળ-પંપાળ કરતાં આજનો માણસ ક્યારે પ્રસન્ન થશે આપણે એ ધન્ય દિવસની રાહ જોઈશું
મા ણસ તાજો થવા પ્રયત્ન કરે છે. પણ તાજો થઈ શકતો નથી કારણ કે તેના મનમાં જાતજાતના અસંતોષોનો ખડકલો પડેલો છે. ખુશીનું સરનામું શું ? એ માટેના અગિયાર માર્ગો કયા ?
૧ સંતોષ
૨. તંદુરસ્તી
૩ માનસિક પ્રસન્નતા
૪ પવિત્ર અંત:કરણ
૫ અડગ આત્મવિશ્વાસ
૬ આત્મશ્રદ્ધા
૭ નિષ્કલંક ચારિત્ર્ય
૮ આત્મદર્શનની આદત.
૯. અપરાજેય રહેવાની વૃત્તિ.
૧૦. પરમેશ્વરની કૃપામાં વિશ્વાસ.
૧૧ જીવનમાં આવતા પડકારો ઝિલવાની ખુમારી,
લક્ષ્યસિદ્ધિ માટેનો સંકલ્પ માણસનો મોટા ભાગનો સમય પોતાની જાતને ખુશ કરવામાં નહીં પણ બીજાઓ તેની પર ખુશ રહે તેવા પ્રયત્નોમાં પસાર થાય છે. આવા ખુશામતખોરોને ક્ષણિક આનંદ મળે પણ અંતે પશ્ચાતાપ જ એમના ભાગે આવે છે. ભોગવાદે માણસને ક્યારેય ખુશી આપી જ નથી. જ્યાં ભોગ ત્યાં રોગ.
માણસ પરિગ્રહવૃત્તિને વરેલું પ્રાણી છે. એણે બધું એકઠું કરવું છે, સિવાય કે શાન્તિ. એ અંદરથી અશાન્ત છે એટલે એ અપેક્ષાઓના મહાઅરણ્યનો દિગ્ભ્રાન્ત જીવ છે. 'ભીતરથી ભડકા ને ઉપરથી રાખ ચોળી રહ્યો છું' એવી મન:સ્થિતિ સાથે સદાય બળાપો વ્યક્ત કરતો જ રહે છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં કહ્યું છે તેમ ક્રોધથી તેની બુદ્ધિમાં મૂઢતા આવે છે. મૂઢતાની અસર સ્મૃતિ પર થાય છે. પરિણામે બુદ્ધિનો નાશ થાય છે. અને બુદ્ધિનાશને પગલે વિનાશ સર્જાય છે.
આપણે એ નરબંકાઓને સલામ કરવી જોઈએ જેમણે કાનૂનની ઇજ્જતને મહત્ત્વ આપી જાતને જોખમમાં મૂકી.
અમર શહીદ રામપ્રસાદ બિસ્મિલ જ્યારે જેલમાં હતા, ત્યારે તેમને ફાંસી આપવાનો દિવસ નિકટ આવી પહોંચ્યો. તેમની માતા મૂલવંતીદેવી તેમને જેલમાં મળવા ગયાં. માતાને આવેલ જોઈ રામપ્રસાદ બિસ્મલની આંખ પણ ભીની થઈ ગઈ. વીરપુત્રની આંખમાં આંસુ જોઈ એ વીરમાતાએ કહ્યું : ''બસ દીકરા, દેશ આઝાદ થઈ ગયો ? આવી કમજોરી લઈને દેશને આઝાદી અપાવવા નીકળ્યો હતો ? અંતિમ ઘડીએ આંખમાં આંસુ લાવીને તેં કર્યું - કારવ્યું ધૂળ-ધાણ કરી નાખ્યું.''
રામપ્રસાદે બિસ્મિલે કહ્યું : ''મા, મને મોતનો ડર નથી, આ તો તારી ચિંતામાં...''
માતાએ કહ્યું : '''બસ-બસ રહેવા દે હું તો તને સદાય હસતો જોવા ઈચ્છું છું. પુત્રને હસાવવા માતા પોતે મુસ્કરાયાં અને તેમને ફાંસી આપવામાં આવી ત્યારે જેલના અધિકારીઓ સાથે લડી-ઝઘડીને મૃત પુત્રનું શબ લઈ ગૌરવભેર બહાર નીકળ્યાં. આવી ખુમારીવાળાં નરરત્નોને કોણ નારાજ કરી શકે.''
આજે માણસ કેમ સુખી નથી તેનો 'જીવન પ્રભાત'માં ઉલ્લેખાયેલો એક પ્રસંગ ઉત્તર આપે છે. તદ્નુસાર એક રાજમહેલના દરવાજા પાસેથી ભાણે ભીડ એકઠી થઈ હતી. કોઈક ફકીરે સમ્રાટ પાસે ભિક્ષા માગી હતી. સમ્રાટે તેને કહ્યું : ''જે જોઈએ તે માગી લે.'' એ સમ્રાટનો દિવસમાં પ્રથમ યાચક આવે તેની તમામ ઇચ્છાઓ પૂરી કરવાનો નિયમ હતો.
પેલા ફકીરે સમ્રાટ સમક્ષ નાનકડું ભિક્ષાપાત્ર આગળ ધર્યું અને કહ્યું : ''બસ, આને સુવર્ણ મુદ્રાઓથી ભરી દે.'' સમ્રાટે વિચાર્યું 'આ તો મામૂલી માગણી છે' એને સંતોષવાનું મુશ્કેલ નથી.
પરંતુ જ્યારે ભિક્ષાપાત્રમાં સુવર્ણ મુદ્રાઓ નાખવામાં આવી છતાં તે ખાલી જ દેખાતું હતું.
ફકીરે કહ્યું : ''ભિક્ષાપાત્ર ભરી ન શકો એમ હોય તો કહી દે. હું ખાલીપાત્ર લઈ ચાલ્યો જઈશ પણ લોકો કહેશે કે સમ્રાટ પોતાનું વચન પાળી ન શક્યો. રાજાએ પોતાની સઘળી મિલ્કત ઠાલવી દીધી ત્યારે સમ્રાટે ફકીરને પૂછ્યું કે તારું આ જાદુઈ ભિક્ષાપાત્ર શાનું બનેલું છે ? ફકીરે કહ્યું : આ ભિક્ષાપાત્ર મનુષ્યના હૃદય પરથી બનાવેલું છે. મનુષ્ય જેટલું પામે છે તેટલો જ ગરીબ બનતો જાય છે. માણસનું હૃદય ભૌતિક સુખો પ્રાપ્ત કરવા નહીં પણ ઇશ્વરીય કામો કરવા બનેલું છે. મનુષ્યને પરમાત્માએ વિવેક દ્રષ્ટિ આપી છે એ વિવેક આપણને ગ્રાહ્ય અને ત્યાજ્યનો ભેદ તારવી આપે છે પણ માણસનું મન ત્યાજ્યને ગ્રાહ્ય અને ગ્રાહ્યને ત્યાજ્ય ગણી બેસે છે.
જ્યાં સુધી આપણે પ્રસન્નતાથી શોધ ચીજવસ્તુઓ, બાહ્ય સ્થાનો અને બાહ્ય પરિસ્થિતિમાં હસતાં રહીશું ત્યાં સુધી દુન્યવી ખ્વાહિશો આપણને ઠરવા નહીં દે. અપેક્ષાઓના ચકરાવામાં ફસાવનાર મન સંતુષ્ટ રહેવાની કળા સ્વીકારવા તૈયાર થતું જ નથી. અસંખ્ય વાસનાઓનું ખાલી ખપ્પર લઈને ભૌતિક સુખોથી આળ-પંપાળ કરતો આજનો માણસ ક્યારે પ્રસન્ન થશે એનો જવાબ કોણ આપી શકે ? સિવાય કે માણસ પોતે. આપણે એ ધન્ય દિવસની રાહ જોઈશું.